વાત સૌથી હાસ્યાસ્પદ હોરર ફિલ્મોની!

23 Sep, 2015
12:05 AM

mamta ashok

PC:

દુનિયામાં દરેક માપનાં હથોડા આવતા હોય છે, બસ ખીલી દર્શકએ બનવું પડે છે! એવું જરૂરી નથી કે હોરર ફિલ્મ હોય એટલે એનામાં તમને ડરાવી દેવાની ક્ષમતા હોય જ! જેમ અનિસ બઝમીની ‘વેલકમ બેક' હસાવવાના બદલે રડાવે અને બોર કરી દે એવી જ રીતે કેટલીય હોરર ફિલ્મો ડરાવવું તો ઠીક તમને કંટાળાથી રીતસર પકાવી દે છે. હોરર ફિલ્મ બનાવવી એમ પણ આસાન નથી હોતી અને દર્શકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેનાર દિગ્દર્શકોની તો એમ પણ ફિલ્મ રિલીઝ થયા પછી બેન્ડ વાગી જ જતી હોય છે. ક્યારેક ડરાવવા જતા કોઈ ઈરાદા વગર હાસ્ય ઉત્પન્ન થઈ જતું હોય છે. જોકે હાસ્યાસ્પદ ઠરેલી અને નાંખી દેવા જેવી હોરર ફિલ્મો પર બહુ જૂજ લખાયું છે અને એટલે જ આજે આપણે અહીં ફક્ત ભૂલી જવા જેવી ચુનંદા બ્લંડર ફિલ્મોની વાત કરીશું! હોલિવુડમાં જેમ સૌથી ઘટિયા ફિલ્મો માટે ગોલ્ડન રાઝબરી અવોર્ડ મળે છે એવી જ ફોર્મ્યુલાથી આપણે આજે અહીં સૌથી ઘટિયા હોરર ફિલ્મોની વાત માંડવી છે. અહીં આપણે હોલિવુડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એમ બંનેની ફિલ્મોને સરખા ભાગે વખોડીશું! કેમ કે, ખરાબ ફિલ્મો તો હોલિવુડમાં પણ એટલી જ બને છે દોસ્તો!

Night of the Lepus: લેપસ એટલે સસલાનું લેટિન નામ. તમે માનો કે ન માનો, પણ સિતેરનાં દાયકામાં હોલિવુડના દિગ્દર્શકો પણ એવું માનતા હતા કે સસલાને પણ પ્રેત બનાવીને કોઈને ડરાવી શકાય! સસલા જેવું નિર્દોષ ગણાતું પ્રાણી મોટી આંખો તગતગાવીને ડરાવે, ચીસો પાડે! અરે ત્યાં સુધી કે ફિલ્મમાં બાકાયદા ખુલ્લે આમ કેટલીક સ્ટોક ઈમેજીસ ભભરાવીને ડરાવવામાં આવે. દિગ્દર્શક વિલિયમ ક્લેક્સટનને અંદાજ પણ નહીં હોય કે સસલાઓને શૈતાન બનાવવાની આ ભૂલ તેમને કેટલી ભારે પડશે! અંતમાં તો મોટા મોટા સસલાઓ એક સાથે ગોળીએ દેવામાં આવે અને ઈલેક્ટ્રિક શોક લગાડીને એમનો ખાતમો બોલાવવામાં આવે! અહીં વાચકોને થશે કે 'નાઈટ ઑફ ધ લેપસ'નું તો અમે નામ પણ નહોતું સાંભળ્યું, પણ દોસ્તો એ જ તમારી ખુશનસીબી છે.

The Happening : મનોજ શ્યામલન એટલે આમ ઘણું જાણીતું અને મોટા ગજાનું નામ. પણ જેમ સુભાષ ઘાઈ પણ યુવરાજ અને ત્રિમૂર્તિ બનાવીને ગાળો ખાય એ જ રીતે મનોજભાઈએ પણ ‘ધ હેપનિંગ’ બનાવીને કુહાડી પર પગ માર્યો. અમેરિકામાં અચાનક ફેલાયેલા ન્યુરોટોક્સિનથી લોકો આત્મહત્યા કરવા લાગે છે અને એ પરિસ્થિતિમાં એક સાયન્સ ટીચર અને એનું ફેમિલી પણ ફસાય છે. શરૂઆતની ૩૦ મિનિટ્સ તમને રસપ્રદ લાગે. ફિલ્મ તમને ડરાવેય ખરી, પણ પછી ધીમે ધીમે આખી ફિલ્મ ડેડ રબરની જેમ ફસડાઈ પડે છે. આત્મહત્યા કરાવે એવો એક ગેસ ફેલાય અને એ પહેલા પવન આવે! આ બધું જ દર્શકોને એકદમ બેકાર અને અર્થહીન લાગ્યું. 'હેપનિંગ' જોકે આ લખનારને વન ટાઈમ વોચ લાગી હતી, પણ ફિલ્મ સૌથી ઘટિયા ફિલ્મોનાં લિસ્ટમાં ટોપ માંથી એક છે!

Hawa : 'હવા’ એટલે 'બિચ્છુ', 'ગુંડારાજ', 'ઝિદ્દી', 'તું ચોર મેં સિપાહી' જેવી કચરાછાપ ફિલ્મો બનાવનાર ગુડ્ડુ ધનોવાની સૌથી મોટી ‘પ્રયોગશીલ' મિસ્ટેક ફિલ્મ! આજે 2015 મા જોઈએ તો માનવામાં જ ન આવે કે તબુ જેવી ઊંચા દરજ્જાની એક્ટ્રેસ ‘હવા' જેવી ફિલ્મ કરી શકે. ફિલ્મમાં તબુ એક ડિવોર્સી છે. શહેરમાં મકાન બજેટ બહાર જતા હોવાથી તે એક પહાડી વિસ્તારમાં રહેવા જાય છે અને ત્યાં એના પર એક શાપિત આત્મા બળાત્કાર કરે છે! આ ફિલ્મ વર્ષ 1983માં આવેલી અમેરિકન હોરર ‘ધ એન્ટીટી’ની એક નબળી રિમેક હતી. એક આત્મા જયારે તબુનો રેપ કરે એ સિકવન્સ સૌથી વાહિયાત સીન તરીકે હિન્દી સિનેમાં ઈતિહાસમાં આજે પણ દર્જ છે!
Purani Haveli : રામસે બ્રધર્સને તો કોણ નથી ઓળખતું? રામસે બ્રધર્સ એટલે સાત ભાઈઓની જોડી! એક ફિલ્મ લખે, એક શૂટ કરે, એક ગીતો લખે, એક ડાયલોગ્સ લખે! રામસે ભાઈઓ કોસ્ચ્યુમ કલાકારોના જ લેતા, સરકારી ગેસ્ટ હાઉસમાં શૂટ કરતા, જેથી સેટ પર કોઈ ખર્ચો ન થાય! માત્ર પાંચ-સાત લાખમાં બનતી ફિલ્મોનાં ભૂતપ્રેત ચામડાનાં શુઝ પહેરતા અને ગંદા માસ્ક પહેરતા. 'પુરાની હવેલી' કે 'પુરાના મંદિર' જેવી ફિલ્મોમાં બેડરૂમ કે સેક્સ સીન લાવવા માટે બસ બહાનાની જ જરૂર રહેતી. તે સમયે તો અમિતા નંગીયા (હમપાંચમાં જે વિદ્યા બાલન પહેલા ‘રાધિકા’ બનતી એ) જેવી અભિનેત્રીઓ ખૂબ અંગપ્રદર્શન કરતી, જોકે આજની ફિલ્મોની સરખામણી તો એ બેડરૂમ સીન્સ કશું જ ન કહેવાય! પણ ‘પુરાની હવેલી’ જેવી ફિલ્મો માત્ર નામની હોરર લાગતી ફિલ્મ આજે કોમેડી ફિલ્મ લાગે એની પૂરી ગેરંટી!

Ragini MMS 2 : કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિયોન એક્ટિંગ ભલે નકારી શકે, પણ પોતાના કર્વ્ઝ અને ક્લિવેજથી મેઈન સ્ટ્રીમ હિન્દી ફિલ્મો મેળવી લે છે એ હકીકત છે. રાગિણી એમએમએસ ફિલ્મ કૈનાઝ મોતીવાલા અને રાજકુમાર રાવ (પહેલા યાદવ)ને લીધે એક વાર તો જોવાલાયક હતી જ. પણ, પેરાનોર્મલ એક્ટિવિટીથી પ્રેરિત આ સિરીઝનો બીજો ભાગ અત્યંત હોરિબલ હતો. સન્ની લિયોનની ફેન્ટસી કરીને હસ્તમૈથુન કરતો એક સીન, જે હવે લોકપ્રિય થઈ ગયેલા AIB વાળા તન્મય ભટ્ટે કરેલો એ સીન હિન્દી સિનેમાનો અત્યાર સુધીનો સૌથી વિયર્ડ સીનમાંનો એક કહેવાય છે! રાગિણી એમએમએસ બોક્સ ઓફિસ પર તો પીટાઈ જ ગયેલી પણ એક ફિલ્મ તરીકે એ ફિલ્મ ખૂબ જ નબળી અને સી ગ્રેડ હતી.

Birdemic: Shock and Terror : વર્ષ 1963માં આવેલી આલ્ફ્રેડ હિચકોકની ‘ધ બર્ડ્સ’ની સાવ કંગાળ નકલ એટલે ‘બર્ડેમિક - શોક એન્ડ ટેરર’. દિગ્દર્શક જેમ્સ ગુયનને એવી તો શું સૂઝી હતી કે એક ક્લાસિક હોરર ફિલ્મની આવી બેકાર નકલ બનાવી! થર્ડ ક્લાસ CGI ઈફેક્ટસથી એકદમ નકલી લાગતી સમડીઓ, મિકેનિકલ રીતે બોલવામાં આવતા ડાયલોગ્સ આ ફિલ્મને વન ઓફ ધ વર્સ્ટ ફિલ્મ ઑફ ઓલ ટાઈમમાં મૂકે છે!

Exorcist II: The Heretic : એક્ઝોર્સિસ્ટ અને એક્ઝોરસિઝમ પર ગણી ગણાય નહીં એટલી ફિલ્મો હોલિવુડમાં બની ચૂકી છે! રોકડી કરવાના હેતુસર એક ફિલ્મ બને અને એ પિટાઈ જાય અને એ થિયેટરમાં બતાવતી વખતે લોકો હસતા હોય એમાં નવાઈ નથી. એક ભૂવો એક સાઉથ અમેરિકન છોકરી પર પોતાની વિદ્યા અજમાવે અને ભૂલથી એક મીણબત્તીનાં પડી જવાથી પહેલા એ છોકરીનો ડ્રેસ સળગે છે અને એ સળગીને મરી જાય પછી શરૂ થાય એવિલ તત્ત્વોની એક કહાની! વર્ષ 1977માં આવેલી આ ફિલ્મ વાર્તા, સ્ક્રિનપ્લે અને એક્ટિંગ એમ ચોમેરથી નિષ્ફળ હોઈ, એ ન ચાલી. આપણા ભારતીય સમાજમાં વળગાડ હોવા અને વળગાડ કાઢવાને બહુ ગંભીરતાથી લેવાય છે પણ એક ફિલ્મ બનાવતી વખતે એને બહુ સિન્સિયર રીતે ફિલ્માવું પડે. અમેરિકાની જનતાએ આ ફિલ્મ ને ટોટલી રિજેક્ટ કરી દીધી હતી.

Creature 3D : વિક્રમ ભટ્ટે છેલ્લા સાત-આઠ વર્ષોમાં દસ જેટલી હોરર ફિલ્મો બનાવી છે અને બધી જ ફિલ્મો ક્યાંકથી ઉઠાંતરી કરેલી છે! જેમાં ડર તો દૂરની વાત છે પણ બે-અઢી કલાકની તોતિંગ લંબાઈમાં થાકીને લોથપોથ થઈ જવાય એની ગેરંટી. બિપાશા બાસુએ ‘રાઝ’ પછી આવી ‘ક્રિયેચર’ જેવી ફિલ્મો કરવી પડે એ દર્શકો અને બિપ્સ બંનેનાં બદનસીબ કહેવાય. મોટેભાગે ભૂતપ્રેતના નામે મેડમ નાઈટીમાં અને શોર્ટ હોટપેન્ટ્સમાં હિરો સાથે હોટ દૃશ્યો આપવા સિવાય ખાસ કંઈ કરતા નથી. અહીં તો ભૂત એક મોટું વિશાળ પ્રાણી છે, જેને ‘બ્રહ્મ રાક્ષસ’ કહેવામાં આવ્યું છે! એ ચાર પગે ચાલે છે અને એ નકલી સ્પેશિયલ ઈફેક્ટસવાળા દૃશ્યોમાં રીતસર તમે હસી પડો છો! આ ફિલ્મમાં ઈમરાન અબ્બાસ જેવો એક લબરમૂછિયો પાકિસ્તાની એકટર પણ ખરો!

આ લિસ્ટ હજુ લંબાવી શકાય એમ છે. અહીં રામસેની 'સામરી'થી રીતસર ચીતરી ચઢે એવી ‘ફાઈનલ ડેસ્ટીનેશન’ અને બોરિંગ ‘પોલ્તરગેઇસ્ટ’ને પણ મૂકી શકીએ. લોકોને લોજિકલી ડરાવવા એ એટલું જ સહેલું હોત તો દરેક હોરર ફિલ્મ ‘સાયકો’ અને ‘કન્જ્યુરિંગ’ બની જતી હોત!

ગુઝબમ્પ્સ:

‘होरर फिल्मों का असली मज़ा तो रात को अकेले में ही आता है!’

  - ફિલ્મ 'રાગિણી એમએમએસ'નો એક અત્યંત કંગાળ ડાયલોગ!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.