હનિમૂન: ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટ્રીપ!

27 Apr, 2016
12:00 AM

ભાવિન અધ્યારુ

PC:

ટીના અને રથ બંને એન્જિનિયરિંગ કોલેજમાં સાથે જ ભણતા, અને ત્યારથી જ બંને એકબીજાને પોતાની જાતથી પણ વધુ ઓળખે. કવિતાઓનાં લવારા કરવાના બદલે બંને અસલ જિંદગીનાં મંજાયેલા ખેલાડી. ટીના અને રથ બંને એડવેન્ચર સ્પોર્ટ્સનાં શોખીન એટલે કોલેજ દિવસોમાં જ્યારે લગ્નનાં નિર્ણય સુધી પહોંચેલા ત્યારે જ નક્કી કરેલું કે હનિમૂન કરવા જઈશું ત્યારે આંદામાન કે થાઈલેન્ડનાં ફુકેત કે ક્રાબી જેવા આઈલેન્ડ પર જઈશું! કેમ ન જાય, બંનેને સ્નોર્કલિંગ-સ્કુબા-સી વોક વગેરેનો જબરો શોખ.

2015નો નવેમ્બર મહિનો. દિવાળી સુધીમાં તો લગભગ લગ્નનું લગભગ બધું જ શોપિંગ થઇ ચૂક્યું હતું! ટીના અને રથથી હવે રાહ જોવાતી ન હતી. ડિસેમ્બરનાં પહેલા અઠવાડિયામાં લગ્ન નક્કી થયા હતા. કહેવાની જરૂર ખરી? કે બંને જણે હનિમૂન માટે આઈલેન્ડવાળું જ ડેસ્ટીનેશન પસંદ કરેલું. ફર્ક એટલો હતો કે આંદામાન કે થાઈલેન્ડનાં કોઈ આઈલેન્ડ પર જવાનાં બદલે બંને એ લક્ષદ્વીપ જવાનું નક્કી કર્યું હતું!  લગ્નનો દિવસ આખરે આવી જ ગયો. ટીના અને રથ જે હોટેલમાં ફર્સ્ટ નાઈટ સ્પેન્ડ કરવા ગયેલા એ હોટેલમાં ટીનાની સગાઇ વાળી રિંગ ખોવાઈ ગઈ હતી અને એ દિવસે મૂડ તો બગડી જ ગયો હતો પણ કંઇક અપશુકન જેવું લાગી રહ્યું હતું. કશુંક ઠીક નહોતું લાગી રહ્યું બંનેને. અમદાવાદથી મુંબઈ થઈને બંને જણ ડિસેમ્બરની એક હૂંફાળી સાંજે બંને લક્ષદ્વીપનાં અગાતી એરપોર્ટ પર ઉતર્યા અને બંનેની ખુશીનો કોઈ પાર નહોતો.

સાંજે રિસોર્ટ પર ચિલ્ડ બિયર પીતા પીતા રથ બોલ્યો, 'જન્નત તો અહીં જ છે, ટીના! આઈ એમ સો હેપી ટુડે...' બંને જણે કેટલાક રોમેન્ટિક અને અંતરંગ સેલ્ફીઝ અને પોટ્રેટ લીધા અને બીજા દિવસની સવાર ઊગી પણ ગઈ! સવારે બંગારામ આઈલેન્ડ ફરી સાંજે પરત આવી ગયા, બીજા દિવસે કદમત આઈલેન્ડ પર જવાનું હતું જેના માટે ટીના સખત એક્સાઈટેડ હતી! રિસોર્ટથી નીકળતી વખતે ભગવાનને સહજ રીતે યાદ કરી બંને સ્પિડ બોટમાં કદમત આઈલેન્ડ જવા નીકળી પડ્યા! કદમત આઈલેન્ડ પહોંચી ગયા અને ખૂબ ફર્યા. ધરાઈને ફોટોઝ ક્લિક કર્યા.

કદમત આઈલેન્ડથી જ સામે એક નાનો નિર્જન દેખાતો નાનકડો ટાપુ દેખાઈ રહ્યો હતો. રથ અને ટીનાનાં મગજમાં ખ્યાલો રમતા હતા કે ત્યાં જઈએ અને ગોવાનાં અમુક પ્રાઈવેટ બીચ પર જે રીતે ફોરેનર્સ ન્યૂડ થઈને ફરતા હોય છે એવું બધું કરીશું! એક બોટમેનને ત્યાં લઇ જવા કહ્યું તો એણે ખૂબ જ અજુગતી કિંમત કહી. રથે અકળાઈને ભાવતાલ કર્યો અને બોટમેન જે બોલ્યો એ શંકાસ્પદ લાગ્યું, 'સાહેબ જાન પ્યારી હૈ યા પૈસા?'

રથે ગુસ્સામાં આવી ને કહ્યું, 'મૈં સેલ્સ કા બંદા હું, જ્યાદા હોશિયારી મત કર, મુજે પૈસા પ્યારા હૈ!' આખરે પેલો બોટમેન ત્યાં લઇ ગયો. બંને થોડી જ વારમાં એ નાનકડા ટાપુ પર પહોંચી ગયા! ખૂબ જ સરસ રેતી અને લહેરાતી નાળિયેરીઓ જોઈ બંને રોમેન્ટિક મૂડમાં આવી ગયા હતા. હજુ થોડું ચાલ્યા હશે કે પાછળ જોયું તો પેલો બોટમેન બોટ લઈને નીકળી ગયો હતો! ખૂબ જ અચરજ થયું. અહીં તો મોબાઈલનું નેટવર્ક પણ નહોતું તો કેમ અહીં રહેવાશે અને કોણ અહીંથી લઇ જશે? રથ ગભરાઈ ગયો હતો અને ટીના રડવા લાગી! અહીં મજા કરવા આવેલા અને હવે તો અહીં સાંજ પડી ગઈ હતી. દરિયાની લહેરો ઉફાન પર હતી, ખાસી એવી ભરતી હતી એટલે પાણીનાં મોજા પગને પલાળી અને ડરાવી રહ્યા હતા. અંધારું થતાં જેમ તેમ કરી પાસે પડેલા લાકડાને લાઈટરની મદદથી આગ સળગાવી અને હાથ પકડી ત્યાં જ સૂઈ ગયા. લગભગ મધરાત્રે બે વાગ્યે અચાનક રથે બુમો પાડી. જાગીને જોયું તો એના જમણા હાથમાં એક માંસનો લોચો નીકળી ગયો હતો અને ખાસું લોહી વહી ગયું હતું.

સામે જોયું તો ચાર જંગલી કુતરા હતા જે બંને ને ફાડી ખાવા માટે પૂરતા હતા. બંને શક્ય એટલી ઝડપથી ત્યાંથી ભાગ્યા! આઈલેન્ડ સુમસામ હતો અને બંને જણને ખ્યાલ આવી ગયો કે, જિંદગી હવે પૂરી થવા આવી છે અને મૌત સામે દેખાઈ રહ્યું છે. બંનેને એક ઝૂંપડી દેખા. એ ઝૂંપડીમાં અંદર જોયું તો કેટલાક હાડકા માંસ વગરનાં પડ્યા હતા. રથ હવે ગભરાયો હતો, જેમ તેમ કરી એક જગ્યાએ બેસી રહીને બંને જણે એ રાત પસાર કરી. સવારે દૂર એક બોટ દેખાઈ, પણ ખૂબ રાડો પાડવા છતાં એ બોટ નજીક ન આવી અને જતી રહી. ફરી સાંજ પડી, બંને જણ કેટલીક માછલી પકડી લાવ્યા અને શાકાહારી હોવા છતાં આવા સમયે જેમ તેમ કરીને માછલીઓ ખાવા મજબૂર થઈ ગયા.

ફરી રાત પડી ચૂકી હતી અને જિંદગીએ આ શું અજીબ વળાંક લીધો હતો? હનિમૂન તો દૂરની વાત પણ મોત સામે દેખાઈ ગયું હતું. રાત્રે દુરથી એકાએક કોઈ પાર્ટી ચાલી રહી હોય એવા અવાજો આવવા લાગ્યા. લોકોની ચિચિયારીઓ સંભળાવવા લાગી. બંનેની ખુશીનો પાર ન રહ્યો અને દોડતા દોડતા રથ જખમી હાલતમાં જ ટીનાનો હાથ પકડી એ ટોળા સુધી પહોંચી ગયો. ત્યાં એક માણસ કે જે શાંત બેઠો હતો એને બંનેએ ખુબ બધું પૂછ્યું કે, ‘આ લોકો કોણ છે? અમારી રક્ષા કરો, અમે ખૂબ મુસીબતમાં છીએ. પણ પેલો માણસ જાણે કંઈ સાંભળતો જ ન હોય એમ પડી રહ્યો હતો. એવામાં સામે જે દૃશ્ય દેખાયું એ જોઇને જ બંનેની હાલત કફોડી થઇ ગઈ. આખું ટોળું અચાનક ગાયબ થઇ ગયું હતું. અચાનક નિરવ શાંતિ પથરાઈ ગઈ. કોઈ ચિચિયારી કે સંગીત નહીં અને પેલો માણસ પણ ગાયબ! કોઈનાં હાથ કે પગનાં હાડકાનો ઢગલો પડેલો સામે દેખાયો! અચાનક દરિયામાં ખૂબ ભરતી આવી ગઈ અને બંનેનાં પગથી કમર સુધી પાણી આવી ગયું અને તેઓ ડૂબાડવા લાગ્યાં!

હાથ પકડીને હિંમત કરીને ગૂંગળાતી હાલતમાં પણ પાણીમાંથી તરફડિયા મારીને બહાર નીકળી ગયા. જાન બચી જશે એ આશાએ તેઓ જંગલ તરફ દોડ્યા અને સામે જે ટેકરી દેખાતી હતી એના પર ચઢવું સમજદારીભર્યું લાગતા બંને એ તરફ દોડીને ચઢવા લાગ્યા!  ઉપર છેક ટોચ સુધી હાંફતા હાંફતા પહોંચી ગયા અને જોયું તો પેલો બોટમેન ત્યાં બેઠો બેઠો બીડી પીતો હતો! રથને સખત ગુસ્સો આવ્યો અને એ બોટમેનને મારી નાંખવા માટે લગભગ દોડ્યો.

બોટમેને ચાકુ કાઢ્યું અને ખુન્નસથી કહ્યું, ‘સાહબ જાન નહીં પર આપ કો તો પૈસા પ્યારા થા નાં?’ એવામાં કેટલાક ભેદી શખ્સો દેખાયા અને ટીના અને રથની ચીસો એ ટાપુની નિરવ શાંતિમાં જ ક્યાંક ધરબાઈ ગઈ! થોડા મહિનાઓ પછી ફરી એક કપલ સુવાશ્રી અને પ્રોસેનજીત કોલકતાથી લક્ષદ્વીપ હનિમૂન કરવા આવેલું. કદમત આઈલેન્ડથી પેલા ટાપુ પર જવા માટે એ જ બોટમેનને પ્રોસેનજીતે જવા કહ્યું. પેલાએ મોટી રકમ માગી અને પ્રોસેન્જિતે બોટમેનનાં સવાલનો જવાબ આપતા કહ્યું 'જાન નહીં, પૈસે પ્યારે હૈ.....'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.