એ માત્ર ઢીંગલા- ઢીંગલીનાં ખેલ ન હતા
આપણે એનું નામ શિખા રાખીશું, સ્વભાવે એકદમ સહજ અને જે હોય એ મોઢા પર ચોપડાવી દેનારી એક અલ્લડ છોકરી. નાસ્તિક નહીં પણ ધાર્મિક પણ નહીં કહી શકાય એવી. નાનપણમાં દર દિવાળીએ શિખા એની મમ્મીને પૂછે કે, 'મમ્મી, આ કાળી ચૌદશે લોકો ચાર રસ્તા પર વડા કેમ ફેંકે છે?' માતા કાયમ એના આવા પ્રશ્નો ટાળીને કોઈ ઉડાઉ જવાબ આપી દેતી. કોઈ ઠોસ જવાબ ન મળે ત્યારે શિખા બહુ જ અકળાઈ જતી અને ત્યાંથી છણકો કરીને જતી રહેતી. શિખાની માતા મહેસાણાની અને પપ્પા ઉત્તર ગુજરાતનાં ઈડરનાં વતની. આ પરિવાર થોડા વર્ષોથી જ અમદાવાદમાં સ્થાયી થયેલો. બોલવામાં ઉત્તર ગુજરાતનો લહેકો અને ગામડાનાં પાકા સંસ્કાર, પણ ભણવામાં તેજ શિખાને વૈજ્ઞાનિક અભિગમ અને વિચારસરણી પહેલેથી જ વારસામાં મળેલા.
ઘરની બહાર નીકળતા જ ક્યારેક માટીના ઘડા તો ક્યારેક ચૂંદડીથી વીંટળાયેલા નાના કુંભને જોઈને કોઈને આશ્ચર્ય અને પ્રશ્ન ન થાય સિવાય શિખાને. જાણે બીજા બધા લોકોએ આ બધી ગેબી વસ્તુઓ અને લોકોના રિવાજો સામે આંખ આડા કાન કરી દીધા હતા. શા માટે ઘણી વાર સાંજે ઘર તરફ જતી વખતે લીંબુ પર ટાંકણીઓ ખોસીને એને ત્યજી દેવામાં આવતા હતા એ વિશે કોઈને જાણવામાં રસ કે રુચિ નહોતા. એવું કંઈક તો હતું જે લાલ અને કાળા કપડાંની પરે હતું. જોતજોતામાં સમય વીતવા લાગ્યો અને શિખા હવે બારમાં ધોરણની એક્ઝામ માટે તૈયારીઓ કરી રહી હતી, હવે એ ટીનએજર થઈ ગઈ હોવાથી એનું દિમાગ ઔર તેજ ચાલવા લાગ્યું હતું. દરેક વસ્તુને શિખા જાણે લોજિકનાં ત્રાજવે તોલતી અને પછી જ એ કન્વિન્સ થતી.
સ્કૂલમાં કેટલાય ક્લાસમેટ્સનો ક્રશ શિખા હતી, પણ શિખાનું અલ્લડ વ્યક્તિત્વ અને બહાદુરી સામે એ બધા જ ફિક્કા પડી જતા. અત્યાર સુધીમાં શિખા ખાસી મોડર્ન અને સ્ટાઈલિશ થઈ ગયેલી. શિક્ષકોની પણ માનીતી, પણ કહેવાય છે ને કે જ્ઞાન અને આવડતથી દોસ્તો બને છે એટલા જ દુશ્મનો પણ બનતા હોય છે. એની પ્રિલિમ્સ તો ક્યારની પતી ગઈ હતી અને માર્ચ મહિનો નજીક આવી રહ્યો હતો, એટલે દરેક સ્ટુડન્ટ્સ હવે આઈએમપીઝ અને પરીક્ષાની આખરી તૈયારીઓમાં લાગી ગયા હતા.
એવામાં આવી 2003ની સાલના ફેબ્રુઆરીની તેરમી તારીખ! આદિત્ય નામનાં શિખાનાં એક ક્લાસમેટને આગલા દિવસથી વેલેન્ટાઈન ડે મનાવવાનું ભૂત ચઢેલું. ઘરે પરત ફરતા શિખાનાં ઘર પાસે જ એના વાહનને આંતરીને આદિત્યએ શિખાને પોતાની વાત કહી દીધી. શિખાને આ હરકત બિલકુલ પસંદ ન પડી અને કોઈ પણ જાતની ઉધારી રાખ્યા વગર ત્યાં ને ત્યાં જ આદિત્યના ગાલ પર એક તમાચો રસીદ થઈ ગયો! આવા કૃત્યને કારણે આદિત્યનો મેઈલ ઈગો ઘવાઈ ચૂક્યો હતો, પણ ત્યારે એ ત્યાંથી કશું જ બોલ્યા વિના જતો રહ્યો. શિખા પણ ખાસી નર્વસ અને ડિસ્ટર્બ થઈ ગઈ હતી, થોડા દિવસ કશું જ બોલ્યા વિના એણે પોતાની પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી.
બરાબર માર્ચની સાતમી તારીખે પરીક્ષાનાં ફક્ત સાત દિવસ પહેલા જ શિખાએ પોતાના ઘર પાસે કેટલીક ટાંકણીઓ અને લીંબુ વિખરાયેલા જોયા! એને થોડું અજીબ લાગ્યું, તો પરીક્ષાના હાઉને કારણે એને થોડો ડર પણ લાગ્યો, પણ પોતાનો જુસ્સો ટકાવી રાખવા માટે એણે જાતે જ એ ‘નોનસેન્સ કચરો’ ઉપાડીને કચરાપેટીમાં નાખી દીધો. એ જ દિવસે રાત્રે એક વાગ્યે ફિઝિક્સનાં પેન્ડ્યુલમ ઈક્વેશન વાંચતી વખતે બારીની બહાર શિખાએ કેટલાક પડછાયા અને હલચલ નોટિસ કરી. એ બારી પાસે જોવા જાય એ પહેલા જ એક પથ્થર જોરથી શિખાનાં રૂમની બારીનાં કાચને ટીચાયો. કાચની એકાદ કરચ શિખાનાં કપાળને કાપો પાડતી ગઈ, લોહી તો વહેવા લાગ્યું પણ બેન્ડએઈડ લગાડતી વખતે શિખાનાં કપાળ પરથી ડરનો પરસેવો નીતરી રહ્યો હતો! ચૂપચાપ થોડા દિવસ એણે એક્ઝામ પર ફોકસ કર્યું, એનું પહેલું પેપર પણ ખૂબ જ સરસ ગયું. બીજા દિવસે એક્ઝામ સેન્ટર તરફ જતી વખતે શિખાને ફરી કેટલાક લીંબુ અને ટાંકણીઓ દેખાઈ. હવે એના રોષનો પાર ન રહ્યો.
શિખાએ લીંબુ હાથમાં લઈ પાસે વહેતી નહેરમાં ફેંકી દીધા. એ જ રાત્રે શિખાને થોડું અજીબ ફીલ થતું હતું, રાત્રે બે વાગતા સુધીમાં તો એને ખાસ્સો તાવ ચઢી ચૂક્યો હતો. જેમ તેમ કરીને એણે બાકીનાં પેપર્સ પૂરા કર્યા, પણ કોઈ ભેદી બેચેની એનો પીછો છોડતી ન હતી. પરીક્ષાનાં છેલ્લા દિવસે સાંજે પરત આવતી વખતે શિખાએ ઘરની આસપાસ કેટલાક લાલ પીળા પરવાળાના પથ્થર વિખેરાયેલા જોયા. બીજા દિવસે એ ફરવાનું પ્લાનિંગ કરી રહી હતી, પણ ત્યારે જ ઘરે ફોન આવ્યો કે શિખાનાં પપ્પાનું એક્સિડન્ટ થયું છે અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ સમાચાર સાંભળીને શિખાને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ચૂકી હતી. એને આદિત્ય, પોતાનો ગુસ્સો, પેલા લીંબુ અને પરવાળાના પથ્થર યાદ આવી ગયા. પોતાનું જ કપાળ કૂટી એને મનમાં જ નોનસેન્સ ગણાવી એ હોસ્પિટલ તરફ દોડી.
સમય વીત્યો, લગભગ બે ત્રણ વર્ષ બધું બરાબર ચાલ્યું. શિખા હવે શહેરની જાણીતી મેડિકલ કોલેજમાં MBBS કરી રહી હતી. આદિત્ય અને પેલી વિચિત્ર ઘટનાઓ અને યાદો શિખાનો પિછો ક્યારનો છોડી ચૂકી હતી. શિખા એની વિચારસરણી અને તાર્કિક શક્તિને છાજે એવી કરિયર પસંદ કરીને ડૉક્ટર બનવા જઈ રહી હતી. ક્યારેક શિખાને એ વિચારો જરૂર આવતા કે પેલી બારી, એના પર ફેંકવામાં આવેલો પથ્થર, અચાનક એના પપ્પાનું એક્સિડન્ટ થવું આ બધું એકસાથે બનવું એ માત્ર સંજોગ હતા કે બીજું કંઈ. જોકે પોતાના કામમાં વ્યસ્ત શિખા આવા વિચારો લાંબા સમય સુધી યાદ રાખી શકે એમ ન હતી. હવે તો શિખાનાં લગ્ન માટે પ્રપોઝલ પણ આવવી હવે શરૂ થઈ ચૂકી હતી.
શિખાનું દિલ જીતવામાં ફાયનલી એક એનઆરજી યુવાન સફળ નીવડ્યો, સંજોગ એવો સર્જાયો હતો કે, એ યુવાનનું નામ પણ આદિત્ય જ હતું! પોતાના ભૂતકાળને ભૂલવાના પ્રયત્નોમાં માંડ સફળ થયેલી એ છોકરી ફરી પોતાના ટીનએજ દિવસો અને પેલા વિચિત્ર અનુભવોને યાદ કરવા લાગી. પોતાના થનારા પતિને આ બધી વાતો કરીને શિખા એમને ડિપ્રેસ્ડ નહોતી કરવા માગતી. આખરે એક દિવસ શિખાનાં લગ્ન પણ થયા. લગ્નની પહેલી રાત્રિએ અમદાવાદનાં જ પોતાના સાસરે શિખાને બેડરૂમની બહાર કેટલીક હલચલ સંભળાઈ. થોડી વારમાં જ સ્વસ્થ થઈ શિખાએ પોતાના પતિ આદિત્ય સાથે હળવી વાતો કરી અને ભવિષ્યનાં સપનાઓ જોતાં જોતાં બંને એક થઈ ગયા.
લગભગ બે વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો, શિખા છેલ્લા બે-ત્રણ મહિનાથી થોડી બિમાર રહેતી હતી. આદિત્ય યુએસમાં હતો અને બંને સ્કાઈપ પર ચેટ કરતા. શિખા ક્યારે ત્યાં આવી શકશે અને એની ફાઈલ કેટલે પહોંચીની ચર્ચાઓ, થોડો રોમાન્સ-ફલર્ટ અને મજાક મસ્તી થતાં રહેતા. થોડા દિવસથી શિખાને ખરાબ સપનાં આવી રહ્યા હતા, એટલું જ નહીં પણ આવનારા દિવસોમાં કંઈક એવું બનવાનું હતું, જે પોતાની અને પતિ આદિત્યની જિંદગી બરબાદ કરી નાખવાનું હતું! શિખા બિમાર તો રહેતી જ પણ એને પોતાના શરીરની અંદર સતત કોઈ રહેતું હોય અને એને કંટ્રોલ કરી રહ્યું હોય એવું ફીલ થતું.
વીકેન્ડ હોવાથી શનિવારે રાત્રે શિખાએ પોતાના પતિને છેલ્લા કેટલાક દિવસોની આપવીતી કહી દીધી. આદિત્યએ શરૂઆતમાં તો એને હસવામાં કાઢી નાખી, પણ પરિસ્થિતિની ગંભીરતા જોતાં તેણે ઈન્ડિયા આવવાની ટિકિટ જલદીથી કરાવવાનું નક્કી કર્યું! શું થવાનું હતું શિખા સાથે? પેલા લીંબુ, ઢીંગલીઓ અને શિખાનું બીમાર રહેવા વચ્ચે કોઈ સંબંધ હતો? આ બધી જ ઘટનાઓ અને અનુભવોને જાણીશું આવતા બુધવારે હોરર કાફે માં. સ્ટે સ્કેર્ડ રિડર્સ...
(ક્રમશઃ)
ગુઝ્બમ્પ :
મશહૂર પોપસ્ટાર જેનિફર લોપેઝ પર એના મેઈકઅપ આર્ટિસ્ટ દ્વારા 'વુડું વિચ આર્ટ' કરાવવાના આરોપો અને કેટલાક કહેવાતા પુરાવાએ આખા અમેરિકાને ધ્રુજાવી નાંખેલું! જોકે આ હરકતો અને આરોપો ક્યારેય સાબિત ન થઈ શક્યા એ પણ હકીકત છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર