અજાણી સ્ત્રી અને નામનાં ભેદભરમ!
અમદાવાદનાં આશ્રમ રોડ પાસે આવેલી એ કોલેજ લગભગ એંસીથી વધુ વર્ષ જૂની એટલે સ્વાભાવિક છે કે બિલ્ડીંગ થોડી ખખડધજ અને ત્રણ-ચાર વખત રિનોવેશન થઈ ચૂકેલી હાલત. એ બિલ્ડીંગ આજે પણ 700થી વધુ વિદ્યાર્થીઓને સમાવી લે, એની લેબોરેટરી પણ એ હાલતમાં કે કસનળીમાંથી નીકળતો ધુમાડો જાણે ઉપરનાં માળે આરપાર થઈ જતો! આ જ કોલેજની બિલ્ડીંગથી લગભગ 300 મીટર દૂર બોયઝ હોસ્ટેલ આવેલી છે, જે એઝ યુઝઅલ પોતાની ક્ષમતા કરતા લગભગ બમણા વિદ્યાર્થીઓને સમાવે.
બોયઝ હોસ્ટેલની સામે સંન્યાસ આશ્રમ નજરે પડે અને એ સંન્યાસ આશ્રમ પાસે આવેલું એક ખખડધજ મકાન, એકદમ અવાવરું અને વર્ષોથી કોઈએ એમાં અંદર પ્રવેશ તો દૂર પણ એની સામે જોયું પણ નહોતું. સૌ જાતભાતની વાતો ફેલાવતા, કોઈ કહેતું ત્યાં કોઈ અઘોરી પ્રવૃતિઓ ચાલે છે તો કોઈ કહેતું કે રાત્રે કેટલાક પડછાયા દેખાય છે, કોઈ વળી ત્યાં આવેલા પિપળા અને વડનાં ઝાડ પર કોઈ મેલી આત્માનો વાસ છે એવું કહેતા રહેતા. દિવસે દિવસે એટલો ત્રાસ વધી ગયો કે કોલેજનાં પ્રિન્સીપાલને નોટિસ જાહેર કરવાની ફરજ પડી કે, જે કોઈ વિદ્યાર્થી એ મકાન તરફ જતો કે પ્રવેશ કરતો દેખાશે તો એને કોલેજમાંથી બરતરફ કરવામાં આવશે. આ નોટિસની ધારી અસર થઈ એમ હવે કોઈ એ તરફ જવાની વાત તો દૂર, પણ એ તરફ જોતું પણ નહોતું.
કહેવાય છે ને કે કોલેજનાં દરેક ગ્રુપમાં કોઈને કોઈ તો એવું હોવાનું જ કે જે કોઈનું ન માને અને પોતાની ‘ખુજલી’ કહી શકાય એ હદની જિજ્ઞાસાવૃતિ સંતોષવા પણ સત્યની ખોજ કરે, ભલે ગમે તેટલું જોખમ લેવું પડે. આવી જ એક વ્યક્તિ એટલે સહયોગ મોરે. સહયોગ સ્વભાવથી એકદમ રેશનલ, દરેક વસ્તુ અને ઘટનાને બ્લેક એન્ડ વ્હાઈટમાં જોનારો માણસ. પોતે SLR કેમેરા પર હાથ સાફ કરનારો, એટલે ફોટોગ્રાફીમાં પણ અવ્વલ. જે દિવસથી એ કોલેજમાં એડમિશન લઈને આવેલો એ જ દિવસથી એણે પેલા મકાન વિશે જાતભાતની વાતો સાંભળેલી અને એટલે જ પહેલેથી એણે મનમાં ગાંઠ બાંધેલી કે એ મકાનનું રહસ્ય શું છે તે વિશે એ જાણીને જ રહેશે.
એક રાત્રે હોસ્ટેલની મેસમાં સૌ કોઈ ખાવામાં મશગુલ હતા, સહયોગનાં મનમાં પેલા મકાનમાં જવાની ફિરાક અને પ્લાનિંગ દોડી રહ્યા હતા. ફટાફટ એ જમવાનું પતાવી પોતાના રૂમમાં કેમેરો અને પર્સ લેવા ગયો. રૂમમેટ મેહુલને બહાર પાન ખાવા જઉં છું કહીને સહયોગ બહાર નીકળી ગયો. કેમ્પસ ગેઈટની બહાર નીકળી એ આશ્રમ રોડ પર ચાલવા લાગ્યો, ખાસ્સી ચહેલ પહેલ હોવાથી એ સતર્ક હતો. પાસેની ગલીમાં ગયો અને ચાલુ-બંધ થતી સોડિયમ લાઈટનાં અજવાળે એ પેલા મકાન તરફ ગયો અને જાણે હવામાં ઓગળી જાય એમ તૂટેલી દિવાલનાં એક ભાગમાંથી એ અંદર પ્રવેશી ગયો. અંદર જઈ તરત જ હળવેથી દરવાજો ખોલ્યો તો દરવાજો ખુલ્લો જ હતો.
અંદર ખૂબ જ ધૂળ હોવાથી એને ઉધરસ ચઢી. તરત જ એ આગળ ગયો અને પોતાની પાસે રહેલી સ્લિંગ બેગમાંથી કેમેરા કાઢ્યો. ફ્લેશ ઓન થઈ અને ફટાફટ ફોટોગ્રાફસ લેવાવા માંડ્યા. આજે તો બધા જ રહસ્ય એ ખોલીને જ રહેશે એવી ગાંઠ બાંધીને સહયોગ આવેલો. એ રૂમમાં ફોટોગ્રાફ લઈ એ થોડો અંદર ગયો. એક સાપ જમીન પર રેંગતો દેખાયો, સાવચેતીથી સહયોગ અંદર ગયો અને ત્યાંનાં ફોટો લેવા શરુ કર્યા, પણ એવામાં જ એની નજર દિવાલ પર લખેલા લખાણ પર ગઈ. મોબાઈલની લાઈટ ઓન કરી વાંચવા પ્રયાસ કર્યો તો 1965, પૃથ્વી-જલ-વાયુ-અગ્નિ-અન્ન-આકાશ એવું બધું લખેલું હતું. ફટાફટ એ બધું એક બેગમાં આટોપીને એ અંદરથી બહાર જવા ગયો તો એને બહાર કોઈ ચાલતું હોય એવો આભાસ થયો.
એ તપાસ કરવા બહાર ગયો અને મકાનના દાદરા તેમજ બીજે બધે જોયું પણ કોઈ ન દેખાયું. એને ખબર નહીં કેમ, પણ ચક્કર આવતા હોય એવું અનુભવાયું. એ ત્યાં જ અચાનક ચત્તો પડી ગયો. લગભગ ઉંઘી ગયો હોય એમ કહો. એનો સ્માર્ટફોન બાજુમાં પડ્યો હતો એ અચાનક વાગવા માંડ્યો, જરા પડખું ફરી સહયોગ ભાનમાં આવ્યો અને ફોનની સામે જોયું તો એસએમએસ ખુલ્લા હતા, અને આપમેળે જ ટાઈપ થઈ રહ્યું હતું એ પણ એકદમ સ્પિડમાં. સહયોગ તો જોતો જ રહી ગયો. મોબાઈલમાં એ જ લખ્યું હતું જે દિવાલ પર લખેલું હતું. લગભગ પળવારમાં જ એક આધેડ વયની સ્ત્રી સામે આવી. કાળી સાડી પહેરેલી એ સ્ત્રી સામેથી બોલી ‘હું મીરાં છું. અને તમે?’ સહયોગ ડરી ગયો હોવા છતાં બોલ્યો, ‘જી, જી હું સહયોગ મોરે’. તરત જ ત્યાંથી દોટ મૂકી સહયોગ કોલેજ હોસ્ટેલ તરફ ભાગ્યો. સામે અચાનક મેહુલ મળ્યો અને મેહુલ બોલ્યો, ‘શું ભાઈ, પાન ખાઈ લીધું?’.
સવારે મેહુલ લગભગ સાડા આઠ વાગે ઉઠ્યો. જોયું તો એનાં હોશ જ ઉડી ગયા. એની બાજુનાં પલંગ પર સહયોગની લાશ પડેલી હતી! મેહુલ ડરીને કોરિડોર તરફ ભાગ્યો, રડતા રડતા ચીસો પાડવા લાગ્યો. આ આખી ઘટનાએ ખાસ્સી ચકચાર મચાવી દીધી હતી. થોડા મહિનાઓ પછી જુલાઈમાં ફ્રેશર ઈન્ટ્રોડકશન વખતે સિનિયર હોવાનાં નાતે મેહુલ એક પછી એક ફ્રેશર્સને એનાં નામ પૂછી રહ્યો હતો. એક છોકરીનો વારો આવ્યો અને મેહુલ બોલ્યો ‘શું છે તારું નામ અને તારી બર્થડેટ?’
છોકરી બોલી, ‘મારું નામ મીરાં, અને મારી બર્થ ડેટ 1 મે 1935! સાંભળીને મેહુલનાં હોશકોશ ઉડી ગયા. પેલી મીરાં બોલી હવે કોઈને પણ આ નામ કહીશ નહીં મેહુલ હોસ્ટેલ રૂમમાં દોડી ગયો.
ત્યાં જ એ થોડી વારમાં સૂઈ ગયો, પણ થોડી જ વારમાં એના કાનમાં કાતર કે બ્લેડથી કંઈક ચિરાવાનો અવાજ આવી રહ્યો હતો. એ જાગી ગયો. જાગીને એણે રૂમમાં રહેલી બ્લેડ-ચપ્પુ-કાતર અને કટર ફેંકી દીધા. ફરી સૂવાનો પ્રયત્ન કર્યો અને ફરી એ જ અવાજ. આ વખતે એ અવાજ કાન સુધી આવ્યો અને અચાનક એને ઠંડી લાગવા લાગી. આંખો ડરથી ઉઘડી ગઈ અને જોયું તો આખું ગાદલું એના શરીરની સાઈઝમાં કપાયેલું હતું. એ દોડીને બહાર ભાગવા ગયો એવામાં જ એક અવાજ આવ્યો, 'તે તારું નામ કહી દીધું હતું ને?' અને એટલામાં જ જોરથી એના માથા પર કંઈક લોખંડનો મોટો પદાર્થ વાગ્યો અને એ ત્યાં જ ઢળી ગયો!
થોડા સમયમાં તપાસ કરતા કોલેજ સત્તાધીશોને માલુમ પડ્યું કે એ મકાનમાં કોઈ મીરાં નામની સ્ત્રી કાળા જાદુ કરતી અને એ જ બેવકૂફીમાં એણે એનાં બંને બાળકોની ત્યાં જ બલી ચઢાવી દીધેલી પછી પોતે આત્મહત્યા કરી લીધેલી. સહયોગ અને મેહુલને એનું નામ ખબર પડી એટલે એમને પતાવી દીધેલા. આજે પણ કોલેજમાં કોઈ નવો વિદ્યાર્થી કે નવી વિદ્યાર્થીની આવે તો એ કોઈને પોતાનું નામ પૂછતાં કે જણાવતાં ડરે છે. તમે પણ માર્કેટમાં નીકળો અને કોઈ અજાણી સ્ત્રી તમને તમારું નામ પૂછે તો સહેજ વિચારીને કહેજો! એ મીરાં પણ હોઈ શકે છે...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર