ચાપોરા ફોર્ટની અકથ્ય વાત... (બે)
નિશાંત બીજા હજારો ગુજરાતીઓની જેમ જ ગોવા પોતાના દોસ્તો સાથે ફરવા નીકળેલો. 22 જુલાઈ શુક્રવારે ગોવાનાં દેબોલિમ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવા જઈ રહી હતી ત્યારે ત્યાંની હરિયાળી અને આસમાની રંગનું સમુદ્રનું પાણી જોઇને જ નિશાંત ખુશ ખુશ થઇ ગયો હતો. નિશાંત, પત્ની આલિશા, વિક્રમ અને પત્ની કાજલ એમ ચાર જણ સાથે ગોવા આવેલા. બે દિવસ ફર્યા બાદ, ત્રીજા દિવસે ચાપોરા ફોર્ટ એ ચારેય જણ માટે અલ્ટીમેટ ડેસ્ટિનેશન હતું. ચાપોરા ફોર્ટ પહોંચતા પહોંચતા ખાસ્સું મોડું થઇ ગયેલું અને અંજુના બીચની ભૂલભૂલૈયા ગલીઓ માંથી બહાર નીકળતા જ સુરજ ઢળી ચૂક્યો હતો! ફક્ત એ દિવસનો ટાર્ગેટ પૂરો કરવા જ ચારેય જણ મોડું થઇ ગયું હોવા છતાં ચાપોરા ફોર્ટ પહોંચી ગયા હતા.
એ જ દિવસે રસ્તામાં એક વખત બંને કપલ રસ્તો ભૂલી જવાનાં લીધે અલગ પડી ગયેલા, ચાપોરા ફોર્ટ પર પહોંચ્યા પછી બિયરની બોટલ્સ પગમાં અથડાતાં નિશાંતે બોટલ્સનો દીવાલ પર ઘા કરેલો! કંઈક તો એવું બનવાનું હતું, જે ચારેય દોસ્તોની જિંદગી બદલાવી નાખવાનું હતું. નિશાંતે પોતાનાં SLRમાંથી ફોટોગ્રાફ્સ લીધા અને એટલા માં જ વિક્રમે ટોર્ચનાં અજવાળામાં લોહીનાં તાજા ડાઘ દીવાલો પર જોયા! કાજલ અને આલિશાને જોઈને જ ચક્કર આવવા લાગ્યા, ચારેય દોસ્તો અંદરથી ખૂબ જ ડરી ગયેલા! નિશાંતે લોહીનાં ડાઘ સાથે શૂન્ય ચોકડીની રમત જેવા નિશાનો પણ નોટિસ કરેલા. તે મજાકમાં બોલેલો, 'લો આ તો કોઈ લવરિયાઓનાં કારસ્તાન છે! ગાય્ઝ ડરવાની કોઈ જરૂર નથી આજે આપણે અહીં જ રહીશું, આ ચાપોરા ફોર્ટ બહુ જ રસપ્રદ લાગે છે લેટ્સ એક્સપ્લોર મોર!'
નિશાંતે જેવું કહ્યું કે આજે આપણે અહીં જ રહીશું અને એક્સપ્લોર કરીશું કે તરત આલિશા જે દીવાલનો ટેકો લઈને ઊભેલી એ દિવાલ ધડાકાભેર તૂટી અને આલિશા નીચે વાગાટર બીચ પાસે આવેલા વૃક્ષોમાં લગભગ સો ફીટની ઊંચાઈ પરથી નીચે પડી. આલિશાની ચીસ આખા ચાપોરા ફોર્ટમાં પડઘાઓથી ગૂંજી ઊઠી, ત્રણેય જણ તરત આલિશાને શોધવા નીચે ઉતર્યા અને વિક્રમે એની બરાબર પાછળ એક અવાજ સાંભળ્યો! 'આપ લોગ અબ કહીં નહીં જા સકતે, યુ આર ગોન!'
વિક્રમ ખૂબ જ ડરી ગયો પણ કંઈ બોલી ન શક્યો, નીચે જઈને અત્યારે આલિશા કઈ હાલતમાં છે એ જાણવું વધુ જરૂરી હતું. ખાસ્સી એવી મથામણ કરી પણ આલિશાની ભાળ ન મળી અને નિશાંત જ્યાં ત્રણેય જણ ઊભા હતા ત્યાં જ બેસી ગયો અને રડવા લાગ્યો! નિશાંત પોતાની જાતને કોસવા લાગ્યો કારણકે, અહીં ચાપોરા ફોર્ટ પર આજે આવવા માટે સૌથી વધુ જિદ નિશાંતે જ કરી હતી. વાગાટર બીચ પર કાળજું કંપાવી નાંખે એવી શાંતિ હતી, ફક્ત દરિયાનો ઘુઘવાટ કાને અથડાતો હતો, જે ઘણો ડરામણો હતો.
ત્રણેય જણને અચાનક કોઈનાં કણસવાનો અવાજ સંભળાયો અને અવાજની દિશા ફોલો કરીને જોયું તો એ આલિશાનો જ અવાજ હતો. એક પથ્થરની આડશમાં આલિશા લોહીથી લદબદ પડી હતી. ત્રણેય જણ આગળ કંઈ રિએક્ટ કરે એ પહેલા તો નિશાંતની સામે જ આલિશાએ છેલ્લા શ્વાસ લીધા! ચાપોરા ફોર્ટની દીવાલો નિશાંતનાં રુદનથી અશાંત બની ગઈ હતી. વિક્રમે નિશાંતને શાંત પાડ્યો અને ફરી ત્રણેય જણ પોતાનો સામાન લેવા ઉપર ગયા. ઉપર જઈને જોયું તો પેલી દીવાલ કે જ્યાં લોહીનાં ડાઘ હતા, ત્યાં એક છોકરી અને છોકરો બેસેલા જોવા મળ્યા! બંને એકબીજા સાથે વાતોમાં મશગૂલ હતા, જાણે આ ત્રણેય વ્યક્તિઓ એમને દેખાતી જ નહોતી.
કાજલ, નિશાંત અને વિક્રમને તો પગ નીચેથી જમીન સરકી ગઈ! આવા અંધારામાં આ બંને જણ શું કરી રહ્યા છે, અહીં કેમ બેઠા છે? ત્રણેય જણ નજીક ગયા અને બંને જણની વાતો સાંભળી. એટલી વાત સ્પષ્ટ થઇ કે એ પોતાનાં પ્રેમ વિષે દુનિયાને કહેતા ડરી રહ્યા હતા. વિક્રમે બંને વ્યક્તિને ખભા પર હાથ રાખી પૂછ્યું, 'તમે કોણ છો?' વિક્રમે જેવો હાથ રાખ્યો એવું વિક્રમનાં હાથ પર કઈંક ઉકળતું ગરમ લાય જેવું પ્રવાહી પડ્યું! વિક્રમે જોયું તો એનો હાથ ચામડી ઉતરડાઈને સાવ માંસનાં લોચામાં તબદીલ થઇ ચૂક્યો હતો. વિક્રમને જ નહીં આ વખતે ત્રણેયને અવાજ સંભળાયો, 'યુ ઓલ કેન નોટ ગો નાઉ, આપ કા કામ તમામ સર!'
વિક્રમ દર્દથી કણસી રહ્યો હતો. નિશાંત અને કાજલ વિનંતી કરી રહ્યા હતા. સર, અમને અહીંથી જવા દો. પેલા બંને લવ બર્ડ્સ હસીને બોલ્યા, 'સર, હમ આપકો નુકશાન નહીં પહોંચાયેંગે, પર આપ કો વો દિલ ઔર નિશાન દીવાર પે દેખ કે હમારા મઝાક નહીં ઉડના ચાહિયે થા'. નિશાંતે માફી માગી અને કહ્યું, 'આપ કૌન હો? ઔર યહાં ક્યૂં બૈઠે હો?'
પેલા બંને વ્યક્તિઓ એ પોતાની આપવિતી કહી, 'અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પણ અમારો ધર્મ અલગ હોવાથી અમારો પ્રેમ દુનિયા સ્વીકારશે નહીં એ અમને પહેલેથી ખબર હતી. અમે અહીં આ જ જગ્યાએ ચાપોરા ફોર્ટ પર નિયમિત મળતા અને એક દિવસ એવું બન્યું કે અમારી જિંદગી તહસનહસ થઈ ગઈ. અમે આવી જ એક સાંજે અહીં બેસેલા અને અમારા ઘરના લોકો અમને કેટલાક હથિયારધારી લોકો સાથે ઘેરી વળ્યાં! અમે આગળ કંઈ બોલીએ એ પહેલા જ અમારા પર એસિડથી એટેક કરવામાં આવ્યો અને અમને તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાખવામાં આવ્યા.
આટલું સાંભળીને નિશાંત, વિક્રમ અને કાજલને શોક લાગ્યો કે આ લોકો તો ઓલરેડી મૃત્યુ પામ્યા છે અને આ તો એમની આત્મા છે! અચાનક પાછળની તરફથી એક મોટો અવાજ આવ્યો અને કોઈની ચીસ સંભળાઈ... એક ટોળું બોલી રહ્યું હતું અને બે જણ પોતાના જીવની ભીખ માગી રહ્યા હતા! ત્રણેય જણ એ અવાજ ફૉલો કરી એ દિશામાં ગયા અને અવાજ આવતો બંધ થઇ ગયો. ફરી જ્યાં હતા ત્યાં આવીને એમણે જોયું તો ત્યાં કોઈ નહોતું. પેલા બંને જણ ગાયબ હતા. એક કાગળ ત્યાં રહેલા એક પથ્થર નીચે દબાવેલો જોવા મળ્યો. નિશાંતે એ હાથમાં લઇ વાંચ્યું તો એમાં લખેલું હતું, 'સર, આજ સે કિસી કે પ્યાર કા મઝાક મત ઉડાના.... બિનતી હૈ આપ સે...'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર