દાર્જીલિંગની એ લોજમાં શું બનેલું?

28 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

એક સમય હતો જયારે લોકો પુસ્તકો સાથે કલાકો વીતાવતા, હજુ ‘કિન્ડલ’ નહોતા આવ્યા! અમદાવાદનાં આઈઆઈએમની બહારની ફૂટપાથથી દિલ્હીની શ્રીરામ કોલેજ સુધી બધે જ મેગેઝિન અને પુસ્તકો લેવા ફેરિયાઓ પાસે યંગસ્ટર્સ અને મોટેરાઓની પણ ભીડ જામતી. લાઈબ્રેરી કે ફૂટપાથ પરથી કોઈ પુસ્તક ખરીદ્યું હોય ત્યારે ક્યારેક એના પર કોઈ મોબાઈલ નંબર લખેલા હોય, ક્યારેક દિલ ચીતરેલા હોય, કોઈ અસ્પષ્ટ સહી કરેલી હોય, તો ક્યારેક સરનામાં અને નામ લખેલા હોય. મોટેભાગે આપણે આવા લખાણોને ઈગ્નોર કરતા હોઈએ છીએ, કારણ કે આવા લખાણોથી એ પુસ્તક સિવાય કોઈને નુકશાન પહોંચતું હોતું નથી. હા, એ નજીવા ખર્ચે લીધેલા પુસ્તક પર આ પ્રકારનાં લખાણો લખી આવા લોકોની ‘વિકૃતિ’ જરૂર સંતોષાતી હોય છે.

ચંદીગઢનાં સેક્ટર 26માં અમિત સિંહ નામનો એક 26 વર્ષનો યુવાન રહેતો. જેણે પોતાની બચતનો એક મોટો હિસ્સો મોંઘોદાટ SLR કેમેરા લેવા પાછળ ખર્ચેલો, જેથી એ પોતાની ફોટોગ્રાફીની પેશન પૂરી કરી શકે. આ સિવાય એને વાંચવાનો પણ ગજબનાક શોખ. પોતે ક્યાંય પણ ટ્રાવેલિંગ કરે, રેલવે સ્ટેશનથી હિલ સ્ટેશન સુધી બધે જ બુક સ્ટોલ જુએ તો ગમતાં પુસ્તકો વસાવી લેવાની એને આદત. આવનારા દિવસોમાં પોતે એક વીકેન્ડ ટ્રીપ પ્લાનિંગ કરી રહ્યો હોઈ, કોલેજ ઓફ આર્કિટેક્ચર નજીકથી અમિતે ખાલિદ હૌસેનીની ‘અ થાઉઝન્ડ સ્પ્લેન્ડિડ સન્સ’ ખરીદી. રાત્રે ઘરે આવતા આવતા અમિત પુસ્તકને વાંચવા ખૂબ જ આતુર હતો, બધું કામ પતાવતા એ લગભગ સાડા અગિયારે ફ્રી થયો અને પુસ્તક હાથમાં લીધું.

શરૂઆતનાં થોડા પાનાં અને પ્રસ્તાવના જ વાંચી રહ્યો હતો એવામાં પુસ્તકમાંથી એક કાગળ સરકીને નીચે પડ્યો. અમિતનું ધ્યાન પુસ્તકમાંથી હટીને કાગળ તરફ ગયું, નીચે ઝૂકી તેણે એ કાગળ હાથમાં લીધો તો એ એક પત્ર હતો! એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે તરત જ પુસ્તક બાજુ પર મૂકી, પત્ર વાંચવો શરુ કર્યો, જેનો ગુજરાતી અનુવાદ કંઈક આવો હતો. ‘મારું નામ વિનય છે, હું અહીં દાર્જીલિંગ ફરવા આવ્યો છું. અહીં પિક સિઝન ચાલી રહી છે, એટલે મને એક પણ હોટેલમાં રૂમ ન મળ્યો. છેવટે મેં એક હોટેલનાં સિક્યોરિટી ગાર્ડને પૂછ્યું તો મને એણે દાર્જીલિંગની ટેકરીઓથી લગભગ 12 કિલોમીટર નીચે ચુનાભટ્ટી વિસ્તારમાં આવેલી ઘણી સસ્તી લોજમાં જવાનું કહ્યું. મારા માટે તો ક્યાંય પણ રહેવાની જગ્યા મળી જાય એ જ પુરતું હતું.

હું ચુનાભટ્ટી ગયો, અને મને ત્યાંની એક 'સ્વાગત' નામની લોજમાં થોડો ગંદો રૂમ મળી ગયો. મારો આજે આ લોજમાં ચોથો દિવસ છે, પણ હું અહીં છેલ્લા બે દિવસથી સહેજ પણ સૂઈ નથી શક્યો. કારણ આપીશ તો એને માનવાની ઈચ્છા નહીં થાય. આજે પણ રાત્રે હું સૂવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કેટલાક માણસોનો મને બહાર મોટે મોટેથી વાતો કરવાનો અને હસવાનો અવાજ આવી રહ્યો હતો. છતાં હું સૂવા ગયો. લાઈટ બંધ કરી અને થોડી વારમાં કંઈક ખસેડવાનો અવાજ આવવા લાગ્યો, મને એ ઉંદરનો અવાજ લાગ્યો. જોકે એ અવાજ બહુ જ મોટેથી આવી રહ્યો હતો. મેં નાઈટ લેમ્પ ચાલુ કર્યો તો ખ્યાલ આવ્યો કે અવાજ બાજુનાં ટેબલ નીચેથી જ આવી રહ્યો હતો. થોડી વારમાં જ એ ટેબલ પર રાખેલો ગ્લાસ નીચે પડ્યો અને ફૂટી ગયો. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એ ગ્લાસ પડે નહીં એ રીતે વચ્ચે જ રાખેલો કે ન તો મારો હાથ એ ગ્લાસને લાગેલો. તો આ થયું કેવી રીતે? ગઈકાલે પણ મને ડરામણો અનુભવ થયેલો. મને કોઈ જબરદસ્ત રીતે ખેંચી રહ્યું હતું એવું મને લાગતું હતું.’ અને એ લેટર ત્યાં જ પૂરો થઈ ગયો! અમિત એકદમ ગુસ્સામાં બબડ્યો, અરે યાર  એક લાઈન આગળ લખવામાં શું જતું હતું? કેમ આમ અડધેથી આ પત્ર પૂરો થઈ ગયો?

પોતાની વીક એન્ડ ટ્રીપ પડતી મૂકી અમિત સીધો દાર્જીલિંગ જવા માટે ટિકિટ કરાવી લાવ્યો. એ બહાને દાર્જીલિંગ જોવાઈ જશે જેવા વિચારોમાં એણે ફટાફટ પેકિંગ કરી નાખ્યું અને શુક્રવારે રાત્રે જ એ દાર્જીલિંગ જવા નીકળી ગયો. ચુનાભટ્ટી વિસ્તારમાં એને 'સ્વાગત' લોજ મળી ગઈ, અને ત્યાં રિસેપ્શન પર પૂછતાં ખબર પડી કે વિનયને 6 નંબરના રૂમમાં રોકાયેલો. અમિત એ જ રૂમમાં રોકાયો. રાત્રે પેલું પુસ્તક વાંચવા બહાર કાઢ્યું અને રૂમમાં બધે જ, ખૂણેખૂણામાં અમિતે જોઈ લીધું. બધું જ નોર્મલ હતું, કંઈ જ હાથ ન લાગ્યું. એ રાત્રે ચાર વાગ્યા સુધી અમિત જાગ્યો પણ કંઈ ન થયું. પોતે જ પોતાની બેવકૂફી પર હસ્યો. પછીની રાત્રે ઘણું બધું થવાનું હતું, રાત્રે ફરી એ ૩ વાગ્યા સુધી જાગતો પડ્યો હતો. થોડી ઊંઘ આવી અને એવામાં જ અમિતને કાને એક અવાજ પડ્યો.

‘અમિત, હું વિનય. તું મને જ શોધવા અહીં સુધી આવ્યોને? મને પ્લીઝ અહીંથી બહાર કાઢ, મને બચાવી લે!’ અને અમિત સખત ડરથી પરસેવે રેબઝબ થઈ ગયો. એ કાંપી રહ્યો હતો, અને અવાજ જ નહીં પણ અમિતને વિનયનો ચહેરો પણ દેખાયેલો! આ બધું ચાલી રહ્યું હતું એવામાં રૂમની બહાર બે-ત્રણ જણનો અવાજ સંભળાઈ રહ્યો હતો, અમિતે ઝડપથી દરવાજો ખોલ્યો, પણ બહાર કોઈ ન હતું. આવું કેવી રીતે બને? તેણે દરવાજો બંધ કર્યો અને ફરી અવાજ શરુ થયો. ફરી દરવાજો ખોલતા બહાર કોઈ નહીં! આવું ત્રણ-ચાર વાર ચાલ્યું. અમિતે તરત જ રિસેપ્શન પર જઈ હાઉસકીપરને ઉઠાડી છ નંબરના બદલે પાંચ નંબરનો રૂમ લીધો, બધો સામાન શિફ્ટ થયો. પોતે ફરી શાંતિથી ચાદર ઓઢીને સૂવા ગયો એવામાં ચાદર પર કંઈક પડવાનો અવાજ આવ્યો. લાઈટ ચાલુ કરી તો એ વોટર આઈડી કાર્ડ હતું! જોયું તો એ કાર્ડ વિનયનું જ હતું, એમાં ફોટોગ્રાફ પણ એ જ, જે અમિતે હમણાં ઊંઘમાં જોયેલો! થોડા જ સમયમાં અમિતને ફરી પેલો અવાજ સંભળાયો. આ વખતે ઊંઘમાં નહીં પણ આ વખતે જાગરુક અવસ્થામાં એને સંભળાયું, જાણે કોઈ સામે જ બોલતું હોય! એ દીવાલ સુધી ગયો, પરંતુ પેલો અવાજ સતત એની દિશા બદલી રહ્યો હતો. એ અવાજ ક્યારેક ડાબી બાજુથી સંભળાય તો ક્યારેક જમણી બાજુએથી સંભળાતો.

તરત જ ભયભીત હાલતમાં અમિત સામાન પેક કરવા લાગ્યો અને બહાર નીકળવા દરવાજો ખોલ્યો અને પેલો અવાજ આવ્યો, ’અમિત મને અહીંથી બહાર કાઢ’ અને દરવાજો આપમેળે બંધ થઈ ગયો. દીવાલોમાંથી નખ ઘસવાના, કોઈકનાં ઝઘડવાનાં અને ગ્લાસ ફૂટવાનાં અવાજો આવવા લાગ્યા. અવાજો ખૂબ મોટેથી આવવા લાગ્યા. અમિતે કાન પર હાથ રાખી મોટેથી બૂમો પાડી, ’બસ કરો... બહુ થયું... બંધ કરો આ બધું...’ થોડી જ વારમાં એણે કાન પરથી હાથ હટાવ્યા તો અવાજો બંધ થઈ ગયા હતા. રૂમ અચાનક ઠંડો થઈ ગયો હતો, ક્યાંય કોઈ સુસવાટા નહીં હતા પણ, છતાં રૂમ ઠંડોગાર બની ગયો હતો. તેણે દીવાલ પર કાન લગાવ્યા તો પેલો નખ ઘસવાનો અવાજ દીવાલને પેલે પારથી નહીં પણ દીવાલની અંદરથી આવી રહ્યો હતો! અને એક બીજો અવાજ આવ્યો, જે કહેતો હતો, ’અમિત હું વિનય. અત્યાર સુધી આ દીવાલ મારું ઘર હતી, અને હવે તારું પણ.......'

સવાર પડી અને વેઈટર ચા લઈને આવ્યો. ઓરડાનો દરવાજો ખૂલ્લો હતો. એ અંદર આવી બોલ્યો ‘સર તમારી ચા’, પણ અંદર કોઈ જ નહોતું.

વિનયને ગાયબ થયે લગભગ આઠ મહિના જેવું થઈ ગયેલું અને અમિતને ગુમ થયે પણ ત્રણ મહિના થઈ ગયા છે. ચંદીગઢની આર્કિટેક્ચર કોલેજ બહાર વેચાતા એક પુસ્તકમાંથી ખરીદનારને એક ચિઠ્ઠી મળી છે, જેમાં છેલ્લે લખ્યું છે, ’હું આ દીવાલમાં વિનય છું, અને હું અમિત, તમે?’

ગુઝ્બમ્પ:

ભૂતપ્રેતની કલ્પના એ મોટેભાગે આપણી અંદર છૂપાયેલા અગમ્ય ડરનું જ એક રિફ્લેક્શન હોય છે. આપણે જેટલા ડરતા હોઈએ છીએ, એટલી જ આપણી અંદરની નેગેટિવિટી વધતી જાય છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.