વળગાડ અને એક્સૉસિઝમ, શું છે આ બધું?

30 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

વળગાડ જેવી ઘટનાઓ પર ક્યાં તો ખબર હોવા છતાં મૌન સેવાતું હોય છે અથવા એના વિશે હોલિવુડની ફિલ્મો પૂરતી જ માહિતી રાખવામાં આવતી હોય છે. એવું પણ નથી કે, વળગાડને કાઢવા માટેનાં સ્પેશિયલ ભૂવા-ઓલિયા કે પૂજારીઓ આપણે ત્યાં હોતા નથી પણ આજનાં સમયમાં વળગાડ, મેલી વિદ્યા અને શરીરનું કોઈ ખરાબ આત્માથી ‘પઝેઝ્ડ’ થઈ જવું એ વાત જ એટલી ગળે ન ઉતરે. તો શું છે એક્સૉસિઝમ, હોલિવુડની 1973થી શરું થયેલી ‘એક્સૉસિસ્ટ ’ સિરીઝથી આમ તો આછો પાતળો ખ્યાલ એક સામાન્ય માણસને પણ આવી જાય. આટલા વર્ષોમાં વળગાડ એ કાયમ અછૂતો અને કુતૂહલનો વિષય રહ્યો છે. ભાઈ, રૂટિન લાઈફનો સ્ટ્રેસ જ માણસને અડધો પાગલ બનાવી નાખે છે અને એમાં પણ ક્યારેક થોડું પણ સાયકોટિક બિહેવિયર એ આવી મિસ્ટિક અને લોજિકથી પરે બાબતોની નજીક લઇ જતું હોય છે.

વળગાડ વિશે સાચું ખોટુ લખાતું રહે છે, પણ ફોડ પાડીને કોઈ કંઈ નક્કર કહી શકતું નથી. એક્સૉસિઝમ પરની ફિલ્મો જોઈને જોઈને સાચી ખોટી માહિતી દિમાગની હાર્ડડિસ્કમાં જગ્યા રોકતી રહે છે. એટલે જ આજે 'હોરર કાફે' તમને લઈ જાય છે એ વળગાડની દુનિયામાં જ્યાં કહેવાતી ખરાબ આત્માઓએ કોઈ શરીરને ‘પઝેશ’ કરી લીધું છે, એનો કબજો લઈ લીધો છે. ક્યારેક સમાજમાં બદનામીનાં ડરથી તો ક્યારેક બીકથી પણ વળગાડ વિશે કોઈ ખૂલીને વાત કરવા તૈયાર નથી. અહીં લખેલી જગ્યાઓ અને બનાવો કાલ્પનિક નથી, પણ એને માનવા ન માનવા એ અંગત ચોઈસનો પ્રશ્ન છે. વળગાડની પરિસ્થિતિ વિશે મેડિકલ સાયન્સ એમ માને છે કે આ એપિલેપ્સી(વાઈ)થી લઈ હિસ્ટીરિયા કે સ્કિઝોફ્રેનિયા પણ હોઈ શકે છે. એમ તો ગ્રીકમાં ‘મોનોમેનિયા’ જેવો એક પરિસ્થિતિ વાચક શબ્દ છે, જેમાં માણસ પોતે એવું ધારે છે કે એના શરીર પર એક કે એકથી વધુ આત્માઓનો કબજો છે! આજે ભારતનાં કેટલાક એવા ધર્મસ્થાનોની મુલાકાત લઈએ, જ્યાં પ્રેક્ટિકલી એક્સૉસિઝમ પરફોર્મ કરવામાં આવે છે!

રાજસ્થાનનાં દૌસા જિલ્લાનાં મહેંદીપુરમાં આવેલા આ મંદિર વિશે જાતભાતની વાતો સાંભળેલી. અમે દોસ્તો એકબીજા પર હસતા હતા, ‘શું યાર ભૂતબૂત અને વળગાડ જેવી બોગસ વાતો કરો છો યાર 2015માં?’ દૌસા રેલવે સ્ટેશન પર ઉતર્યા ત્યારથી અમારો આત્મવિશ્વાસ બહારથી તો છલકતો હતો પણ અંદરથી કોઈ અજીબ બેચેની અનુભવાતી હતી. રેલવે સ્ટેશનથી એ મંદિર લગભગ સાડા ત્રણ કિલોમીટર દૂર, અમારા સામાન સાથે અમે ગાડીમાં ગોઠવાયા અને રસ્તામાં અમને કેટલાય અજીબોગરીબ લોકો હસતાં-રડતાં ચહેરે આવતા જતાં દેખાયા. છેવટે અમે મંદિરે પહોંચ્યા. ત્યાં ઉમટેલી સખત મેદની જોઈને જ અમે ડઘાઈ ગયા. બહારથી તો કોઈ બીજા મંદિર જેવું જ વિશાળ મંદિર, જ્યાં ભક્તોની ભીડ અને બહાર ફૂલહાર વેચતાં ફેરિયા નજરે ચઢ્યાં! પણ મંદિર બહારની એક દુકાનમાં કાળા રંગનાં લાડુ મળી રહ્યા હતા. હવે અમને થોડો ડર લાગી રહ્યો હતો અને એટલે જ એ કાળા લાડુ અમે લેવાની ના ન પાડી શક્યા. પછી ખબર પડી કે આ લાડુ ખાવા માટે નહોતા પણ અંદર સળગતી આગમાં હોમવા માટે હતા!

બહુ ડર લાગી રહ્યો હતો હવે, થોડે આગળ મંદિરનાં ગર્ભગૃહ તરફ આગળ વધતા જ અમારા પગ જાણે થંભી ગયા. અમે જે નજારો જોયો એની પ્રત્યેક ઘડી અમારા માટે ભારે પડી રહી હતી. મંદિરમાં ઘંટ કે મંત્રોચ્ચાર કરતા સ્ત્રીપુરુષોની ચીસો સંભળાઈ રહી હતી. સમગ્ર વાતાવરણ ખૂબ જ તંગ હતું. એક મહારાજ કેટલીક સ્ત્રીઓનાં વાળ ખેંચી એમને રીતસર લાકડીથી ફટકારી રહ્યા હતા. આજુબાજુ અનેક સ્ત્રીઓ ધૂણી રહી હતી, કેટલીક માથા પછાડી રહી હતી, તો કેટલીક સ્ત્રીઓ જાડી સાંકળ સાથે બાંધેલી હતી. પ્રાણીઓની જેમ બંધાયેલી સ્ત્રીઓ એમની સાંકળમાંથી છૂટવાનાં નિષ્ફળ પ્રયત્નો કરી રહી હતી. આ સ્ત્રીઓ ‘પઝેશ્ડ’ હતી એટલે અમને એવું જાણવા મળ્યું કે, એમને પાણી કે કોઈપણ પ્રકારનો ખોરાક આપવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. અમે લગભગ દસ મિનિટ ગર્ભગૃહમાં ગાળી હશે અને અમારા પગ ડરથી ધ્રુજી રહ્યા હતા, એ 600 સેકન્ડ્સ માટે અમને અહીં છેક મહેન્દીપુર આવવાનો પસ્તાવો થઈ રહ્યો હતો.

અહીં મંદિરમાં કોઈ પણ પ્રકારનું પ્રવાહી પીવાની કે પ્રસાદ ખાવાની મનાઈ હતી. ન તો અહીંથી કોઈ વસ્તુ લઈ જવાની પરવાનગી હતી. આ તો ઠીક અહીં કોઈની સાથે વાત પણ ન કરી શકાય, અને અહીંથી નીકળતી વખતે પાછળ ફરીને જોવાની પણ મનાઈ હતી! અમે તમને સલાહ નથી આપી શકતા કે તમે પણ જઈ આ જ અનુભવ કરો.

ઉત્તર ગુજરાતનાં ડીસા પાસે આવેલી હઝરત સૈયદ અલી મીર દાતાર દરગાહ વિશે પણ આવી જ કંઈક વાત સાંભળેલી. એક દોસ્ત પાસેથી સાંભળવા મળેલી વાત પ્રમાણે ઈસ્લામમાં પણ ‘શૈતાન’ એટલે કે ‘ઈબ્લીસ’ એટલે કે સાદી ભાષામાં ‘જીન’ જેવો એક ખ્યાલ પ્રવર્તે છે. અહીં પણ વળગાડ કાઢવાની પ્રક્રિયા થાય છે અને વિધિઓ માટે બાકાયદા સાતસોથી આઠસો રૂપિયાના ભાડા પર રૂમ રાખીને થોડા દિવસ રહેવું પડે છે, જ્યાં પીડિત સ્ત્રી કે પુરુષને સાંકળથી બાંધી દઈ ભૂવાઓ એના પર વિધિ કરી વળગાડ કાઢે છે. અહીં હિંદુ-મુસ્લિમ બંને કોમનાં બિરાદરો ‘સાજ્જા’ થવા માટે આવે છે. નીચે જમીન પર પીડિત લોકોને આળોટતા જોવા એ અહીંનું બિલકુલ સામાન્ય દૃશ્ય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક આવેલું એક ખૂબ પ્રસિદ્ધ મંદિર પણ વળગાડ કાઢવા માટે અતિ જાણીતું ગણાય છે. અહીં પણ તમને અમુક દિવસો આત્મા કાઢવાની વિધિઓ થતી જોવા મળે.

મધ્ય પ્રદેશનાં બેતુલ જિલ્લાનાં માલજપુર નામના ગામડામાં દર વર્ષે એક અનોખો મેળો ભરાય છે, જ્યાં ફક્ત વળગાડ દૂર કરવા માટે જ પીડિત લોકોને એના પરિવારજનો દૂર દૂરથી લઈ આવે છે. આ મેળો 'ભૂતમેળો’ તરીકે જ ઓળખાય છે. અહીં પણ લોકો પર એક સાવરણીથી વિધિ થતી જોઈ શકાય છે. લોકોની ચીસોથી આખું વાતાવરણ ધ્રુજી ઊઠે છે. ચીસ પડતા લોકોનું ઝાટકાભેર જમીન પર ફસડાઈ પડવું, એમની હથેળીઓ પર લાકડીઓનાં સટાસટ ચાબખા પડવા જેવી બાબતો જોઈને તમને કંપારી છૂટી જાય. અહીં તો ભૂવા આત્મા સાથે વાત પણ કરે છે. ભલભલાના ગાત્રો શિથિલ થઈ જાય એવા વાતાવરણમાં સવારે સાડા અગિયારે એક ‘મહામંગલ આરતી’ થાય છે. આ આરતી શરૂ થતાં જ પેલી આત્માઓ એમના કબજા હેઠળના શરીરમાંથી બહાર આવીને ભગવાનને ગાળો ભાંડે છે. પછી તરત જ પીડિત લોકોનું શરીર પોતાના કબજામાં લઈ આ આત્માઓ એને ઊંચા થાંભલા પર ચઢાવી દઈ ત્યાંથી કૂદકા મારવા મજબૂર કરી દે છે. આ સમગ્ર વાતાવરણ ભયભીત કરી મૂકે છે.

'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મોમાં આવી ચૂકેલી હઝરત નિઝામુદ્દીન દરગાહ સૌએ જોઈ જ હશે. વળગાડનાં ઉપચાર અને આત્માઓથી શરીરને છોડાવવા માટે આ દરગાહમાં એક એવી જગ્યા છે, જ્યાં તમને બહાર થી ચીસો અને રડવાના અવાજ સંભળાય છે. થોડી તપાસ કરતા નામ ન દેવાની શરતે ત્યાંનાં એક મૌલવી સ્વિકારે છે કે અહીં રીતસર સાંકળ સાથે પિડિતને બાંધી મારવામાં આવે છે, એને પ્રશ્નો પૂછવામાં આવે છે. લોકોની અપાર શ્રધ્ધા અને વળગાડમાં માનવાની વિચારસરણી આ બધું જ થવા દેવા માટે મજબુર કરી દે છે.

આપણે ત્યાં મોટેભાગે પ્રેગનન્સી વખતે પણ સ્ત્રીઓને મુસાફરી કરવાની કે અમુક દિવસો કે સમય પછી બહુ બહાર ન ફરવાની સલાહ અપાય છે, બાળકો પણ ‘પઝેશ્ડ’ થવા માટે સોફ્ટ ટાર્ગેટ કહેવાય છે. કોઈ આત્માનું શરીરમાં પ્રવેશવું અને હેરાન કરવું આજે ભલે કોઈ મજાક લાગતી હોય પણ ક્યારેક આ સ્થળોએ જઈએ કે એના વિશે વાંચીએ અથવા યુ ટ્યુબ પર વીડિયો જોતાં જ આપણા શરીરમાંથી લખલખું પસાર થઈ જાય છે. આવતા બુધવારે અહીં એક ખૌફનાક ‘વુડું’ અને આત્મા ને બોલાવવાની ઘટનાઓ અને પરિણામો વિશે વાત કરીશું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.