સૂમસામ હાઈવે પર કોઈ અજાણ્યું સિગરેટ માગે તો?

20 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

બે દોસ્ત, બંને ચડ્ડીબડ્ડી, બોલે તો બચપન કે યાર! સ્નેહ અને દ્વિજ, બંને નાગર અને એટલે જ બોલચાલ અને ઢબછબ એકદમ નાગરી! બંનેનાં નામ પણ એવા કે કેટલાક લોકોને તો એ લખવામાં પણ લોચા પડે! સ્નેહ કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં મેડિકલનું ભણે અને છેલ્લા વર્ષમાં હોવાથી બસ નામની આગળ 'ડોક્ટર' લાગુ લાગુ થતું હતું. ટ્યુબર્ગનો બિયર પીનારો સ્નેહ એકદમ ફોરવર્ડ માઈન્ડેડ. વર્જિન હોવું એટલે શું કે પછી મમ્મી પપ્પાને પૂછીને પાણી પીવું એ બધું સ્નેહને ન ફાવે! બીજી બાજુ દ્વિજ ટિપિકલ કાઠિયાવાડી માઈન્ડસેટ ધરાવતો. કરિયર-નોકરી અને છોકરી બધું જ મમ્મી પપ્પાને પૂછી ને જ પસંદ કરવાનું! હંમેશા બધા જ સેટ સ્ટાન્ડર્ડથી જ ચાલવાનું. ધર્મ સંપ્રદાય અને માન્યતાઓ પણ એ જ ધરાવવાની જે કુટુંબ કે બીજા દોસ્તો ધરાવતા હોય.

સ્નેહ અને દ્વિજ બંને રાજકોટથી ગીરનાં જંગલો ખૂંદવા સાસણ તરફ પૂરપાટ વેગે જઈ રહ્યા હતા. સ્નેહ હોલિવુડની ફિલ્મોનો જબરો શોખીન અને આજે સ્નેહ એકદમ અલગ મૂડમાં હતો. એનરિક ઇગ્લેશિયસનાં ગીતો વાગી રહ્યા હતા એ બંધ કરી સ્નેહે હોરર ફિલ્મોની વાતો ચાલુ કરી. દ્વિજ ગભરાયો પણ કશું બોલ્યો નહીં. સ્નેહે યુનિવર્સિટી બિલ્ડીંગમાં વાસ કરતા કહેવાતા ભૂતોની અવનવી વાતો શરુ કરી એ પણ ડિટેઇલ્ડ વર્ણનો સાથે. દ્વિજને પણ રસ તો પડ્યો જ એટલે જ એ પણ એના દોસ્તને રાજકોટની રાષ્ટ્રીય શાળા, ધર્મેન્દ્ર કોલેજ અને રાજકુમાર કોલેજની આસપાસ રાત્રે દેખાતા અજીબ પડછાયાઓ અને કેટલીક ભેદી સ્ત્રીની વાત કરવા લાગ્યો!

સ્નેહ અને દ્વિજ આ બધી વાતોમાં એટલા ખોવાઈ ગયા હતા કે એક ક્ષણે તો દ્વિજથી સ્ટિયરીંગ પરનો કાબૂ જતો રહ્યો અને એક ટ્રક સાથે એમની કાર અથડાતા માંડ બચી. સ્નેહ હજુ પણ નવી નવી વાતો કરવા ઉત્સાહમાં મસ્ત હતો પણ દ્વિજને કંઇક સારું ન લાગ્યું. એને થોડું અજીબ લાગવા માંડ્યું એટલે અહીં જ એણે સ્નેહને ચૂપ થઇ જવા કહ્યું! હજુ લગભગ વીસેક કિલોમીટર જેટલું જ આગળ વધ્યા હશે કે દ્વિજને ચક્કર આવવા લાગ્યા. એને ગભરામણ થઇ અને કાર સાઈડમાં લીધી. એ સ્નેહને હજુ કંઈ સમજાવે એ પહેલા જ એને સતત ચાર જેટલી ઉલટીઓ થઇ ગઈ.

સ્નેહ પરિસ્થિતિથીની ગંભીરતાથી એટલો વાકેફ નહોતો. એણે એન્ટીબાયોટિક્સ કારનાં ડેશબોર્ડની નીચે જ રાખેલી હતી. તરત દોડીને એણે જોયું પણ ક્યાંય એક પણ દવા જોવા ન મળી. પોતાની સગી આંખે સ્નેહે પોતે કારમાં દવા મૂકેલી જોઈ હતી તો પછી એ ગાયબ કેવી રીતે થઇ જાય? કોઈ દવા તો ચોરી ન જાય એમ મનોમન હસીને પોતાની જાત પર એ શંકા કરવા લાગ્યો! બીજી બાજુ દ્વિજની તબિયત બગડી હતી અને એ બઘવાઈ ગયો હતો.

સવારે રાજકોટથી 'ચિલ મારીશું' અને SLR કેમેરાથી શક્ય એટલા નજીકથી સિંહોની ફોટોગ્રાફી કરીશું એવા બધા વિચારોને લઈને બંને નીકળેલા. બરાબર ચાર કલાકે અમરેલી વટાવ્યા પછી બંનેની હાલત કંઇક અલગ જ બયાન કરી રહી હતી. સાંજે સાડા છ વાગી ચૂક્યા હતા. દેશી કાઠિયાવાડી ભોજન લીધા પછી થોડું સારું અનુભવાઈ રહ્યું હતું! દ્વિજની તબિયતમાં ખાસ્સો સુધારો જણાઈ રહ્યો હતો. ગીરનાં ખાંભા પાસે કાર આવી પહોંચી હતી. કેટલાક સ્થાનિકોએ બંનેને રાત્રે ક્યાંય એકલા ન ફરવાની ચેતવણી આપી હતી, જેને સ્નેહ ઘોળીને પી ગયો હતો. અહીં પહેલો ખતરો હતો ગિરનાં સિંહ-નીલગાય અને ઝરખનો અને બીજો ખતરો હતો જે સ્નેહ અને દ્વિજ એ પહેલી જ વાર સાંભળ્યો હતો!

'મામા' કહેવાતું આ પ્રેત અહીં ગીરનાં જંગલોમાં અવારનવાર દેખાઈ જતું. સામાન્ય રીતે કોઈ ઘરડો પુરુષ આવતો અને સિગરેટ માંગતો. કોઈ સિગરેટ આપી દે એટલે એ સિગરેટ લઇને એ દેખાતો વૃદ્ધ અદૃશ્ય થઇ જતો! સ્નેહ અને દ્વિજને આ વાતો પહેલી નજરે એકદમ બકવાસ લાગી. રાત્રે સાડા દસ વાગે સ્નેહને શું સૂઝ્યું કે કેમેરાનો નાઈટ મોડ ઓન કરીને એ દ્વિજને પણ સાથે લઇ ગયો. કાર સડસડાટ દોડીને જંગલની ખાસ્સી એવી અંદર જઈ ચૂકી હતી. સિંહ તો ક્યાંય ન દેખાયા પણ ઝરખ અને નીલગાયનાં ભાંભરવાનાં અવાજો આવી રહ્યા હતા. ડર તો લાગતો હતો પણ બંને એકબીજાને હિંમત અને દિલાસો આપી રહ્યા હતા.

અચાનક એક જગ્યાએ કારનાં પાછલા ટાયરમાં કશુંક ખૂંપ્યું અને પંક્ચર પડી ગયું એવું સ્પષ્ટ રીતે ખબર પડી. બંને હજુ બહાર નીકળે એ પહેલા જ કારનાં કાચ ખખડયા અને કોઈ બહારથી નોક કરી રહ્યું હતું. દ્વિજને સખત પરસેવો વળી ગયો અને એ રડવા લાગ્યો! સ્નેહને ડર તો લાગતો હતો પણ એની હિંમત હજુ સાબૂત હતી. એણે કાચ ખોલ્યો, બહાર એક લગભગ સાવ ક્ષીણ શરીર એટલે કે કૃષકાય વૃદ્ધ ઊભો હતો અને એણે સિગરેટ માગી. સ્નેહ હજુ કંઇક જવાબ આપે એ પહેલા જ દ્વિજ જે બાજુ બેઠો હતો એ બારીમાં પણ એક વૃદ્ધ દેખાયો અને એ પણ સિગરેટ માગી રહ્યો હતો.

વધુ ખતરનાક વાત એ હતી કે દેખાવમાં બંને વૃદ્ધ સરખા જ લાગતા હતા! તરત બીજી જ ક્ષણે પાછલી બંને વિન્ડો પર પણ બે વૃદ્ધ દેખાયા અને એમનો પણ એ જ ચહેરો, એ જ શરીર! બંને જણને પરસેવો છૂટી ગયો, દ્વિજને પોતાના પર શરમ આવી ગઈ જ્યારે એને ખબર પડી કે એને પેન્ટમાં જ લઘુશંકા છૂટી ગઈ હતી. બધા જ કાચ એકસાથે ખખડવા લાગ્યા, બધા સિગરેટ માગે! સ્નેહને યાદ આવ્યું કે એક વ્યક્તિએ સાંજે કહેલું કે કંઈ જ વાત કર્યા વગર ચૂપચાપ એને સિગરેટ આપી દેજો, એ જતા રહેશે!

જેકેટનાં ચોર ખાનામાંથી સ્નેહે સિગરેટ કાઢી અને એક વૃદ્ધને આપી. જોકે પછી જોયું તો બાજુમાં દ્વિજ હતો જ નહિ. એ જોઈ શક્યો કે એક વૃદ્ધ દ્વિજને ખેંચી રહ્યો હતો અને ઢસડીને લઇ ગયો હતો! દ્વિજની ચીસો જંગલમાં જ સમાઈ ને રહી ગઈ.

********

સવાર પડી ગઈ હતી. ગીર ફોરેસ્ટ વિભાગનાં ઓફિસર્સ આવી ચૂક્યા હતા. દ્વિજની લાશ તો મળી હતી પણ એનું ધડ જ મળ્યું હતું. એનું માથું ગાયબ હતું! સ્નેહ બીજા દિવસે પણ તાલાલાની લોકલ સિવિલ હોસ્પિટલમાં બેશુદ્ધ હાલતમાં પડ્યો હતો. એમના પરિવારજનો આવી ગયા હતા. પણ કોઈ કંઈ બોલવાની પરિસ્થિતિમાં જ નહોતું, છાપાઓમાં દ્વિજની લાશનાં ફોટોઝ અને સ્નેહની આપવિતી છપાઈ હતી. આજે પણ એ 'મામા' કહેવાતું ભૂત ગીરનાં જંગલો અને સૌરાષ્ટ્રને ઘમરોળે છે. કોઈ બીકથી દેરી બનાવીને ત્યાં સિગરેટ અને દારૂ પીરસે છે તો કોઈ અગરબતી ધરે છે? તમે ક્યારે ગીર જવાના છો?

ગુઝ્બમ્પ:

'મામા' કહેવાતું ભૂત સૌરાષ્ટ્રમાં બહોળા પ્રમાણમાં કુખ્યાત છે, વાહનોની પાછળ 'મામાની મોજ', 'મામા સાહેબની કૃપા' વગેરે લખવામાં આવે છે! અંધશ્રધ્ધાને લોજીકની જરૂરત નથી હોતી!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.