જયારે કોલેજ કેમ્પસમાં બે પ્રેમીઓ દેખાતા!

04 May, 2016
12:00 AM

ભાવિન અધ્યારુ

PC:

અમદાવાદમાં પાંજરાપોળ એટલે એકદમ ભરચક અને પોશ વિસ્તાર! ખાસી એવી કોલેજો અને કમર્શિયલ કોમ્પ્લેક્સથી ઘેરાયેલો વ્યસ્ત એરિયા, જ્યાં સવારે 6.00થી રાત્રે 1.00 વાગ્યા સુધી ચહલપહલ દેખાય! બાજુમાં જ ગુજરાત યુનિવર્સિટી હોવાથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની આવનજાવન! વૈભવ રેસ્ટોરન્ટની પાછળ આવેલી એક અતિ પ્રખ્યાત ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં છાશવારે મોરલ પોલિસિંગના નામે કોઈ ને કોઈ ફસાદ થતા અને લુખ્ખાઓ સંસ્કૃતિના નામે પોલીસની બીક બતાવીને કેટલાક કપલ્સને પણ હેરાન કરતા.

નિશિતા અને રાહુલ બંને મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા. મિકેનિકલ બ્રાન્ચ તો એમ પણ છોકરાઓથી છલકાય એવામાં નિશિતા એકદમ બોયિશ અને અલ્લડ છોકરી. રાહુલના નોલેજ અને એની કરિયરને લઈને મહત્ત્વાકાંક્ષાઓ પર નિશિતા ફિદા હતી. બંને નિયમિત રીતે કોલેજથી છૂટ્યા પછી આઈઆઈએમ સામે આવેલી રામ ભાઈની કિટલીથી લઈને છેક વૈષ્ણોદેવી સર્કલ પાસે મકાઈ ખાવાના બહાને લોંગ ડ્રાઇવ પર પણ જતાં.

2016ની 5 જાન્યુઆરીએ મંગળવારની એક બપોર, નિશિતા અને રાહુલ બંને એ વિચારી રાખેલું કે અમદાવાદમાં એમ પણ એકાંત મળી શકે એવી જગ્યાઓની કમી છે ત્યારે ચાલો સાંજે બધા લોકો નીકળી જાય પછી આ સાલી ભૂતિયા જેવી થઈ જતી કોલેજનાં જ કોઈ કલાસરૂમમાં થોડું એકાંત શોધી લઈશું!

બંનેની અંદર આજે બહાદુરી છલકી રહી હતી, રોજ એસજી હાઈવે પર બેસતા લવ બર્ડ્સને જોઇને બંને ને એમ થતું કે યાર આવી રીતે બેસીએ અને થોડા પણ નજીક આવીએ એટલે તરત કોઈ આવારા તત્ત્વો કે પોલીસ હેરાન કરવા આવી જાય, એના કરતાં કોઈ એકાંત જ શોધી લઈએ! ઉંમર ઉંમરનું કામ કરે જ, અને એ દિવસે સાંજે બરાબર સાડા છ એ વોચમેન ગિરિશે બધાં તાળાં મારી ફરી એક વાર કોરિડોર ચેક કર્યું અને ત્યાંથી નીકળી ગયો.

યુનિવર્સિટી રોડ પર આવેલા એક કાફેમાં નિશિતા અને રાહુલ બસ 7.00 વાગવાની રાહ જોઈ રહ્યા હતા. તરત બાઇકની ચાવી કાઢીને રાહુલ નીકળ્યો અને નિશિતા પાછળ બેસી અને બંને હવામાં ઓગળી ગયા. ત્યાંથી કોલેજ સુધી પહોંચતા લગભગ દસેક મિનિટ માંડ લાગે. બંને થોડી જ વારમાં કોલેજ સુધી પહોંચી ગયા અને કમ્પાઉન્ડની દીવાલ કૂદીને પાછળથી પ્રવેશી ગયા. એક નજર દોડાવી કે કોઈ ક્લાસરૂમ એવો ખરો કે જેનું તાળું ન મારેલું હોય અને ખુલ્લો હોય? બધાં જ તાળાં બરાબર લાગેલાં હતાં અને એક પણ ઓરડો એવો નહોતો કે જે ખુલ્લો હોય અને જ્યાં અંદર જઈ શકાય! રઘવાટમાં જ બધું ચેક કરતા તેઓ લગભગ બધે ફરી વળ્યા, છેવટે ખૂણામાં દૂર એક ક્લાસરૂમ એવો દેખાયો જે ખુલ્લો દેખાયો! બાજુમાં જ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની લેબ પણ હતી. બંને ત્યાં ગયા અને ચૂપચાપ અંદર પ્રવેશી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું.

રાહુલને બહુ ડર લાગી રહ્યો હતો કે જો વોચમેન કે બીજા કોઈ સ્ટાફને જાણ થશે કે શક પણ જશે કે અહીં કોઈ છે અને પકડાઈ ગયા તો જિંદગીભરની બદનામી થશે! નિશિતા એકદમ રિલેક્સ હતી, એ તો રાહુલને ખેંચીને કોન્ફિડન્સમાં જ કિસ કરવા લાગી, રાહુલે રિસ્પોન્સ આપ્યો અને બંને જણ એકબીજાનાં કપડાં ઉતારવાં લાગ્યાં! થોડી વારમાં આગળની એક બેંચ પાસે કોઈનાં પગલાં સંભળાયાં અને બંને ખૂબ ડરી ગયાં છતાં બંને એ નક્કી કર્યું હતું કે આવો મોકો જવા તો નહીં જ દઈએ! બંને જણે એ પછી તો એ પળોને ઝડપી લઇ ખૂબ એન્જોય કર્યું અને ત્યાંથી પરત નીકળવા ગયા ત્યારે જ ઓરડામાં કોઈ ભેદી અવાજો આવ્યા અને બંને એ એકસાથે સાંભળ્યું કે એ જ ઓરડામાં બીજા પણ કોઈ બે જણ હતા, જેના પડછાયા દેખાતા હતા, પણ ધ્યાનથી જોયું તો કોઈ દેખાયું નહીં.

લગભગ પંદર દિવસ પછી ફરી બંને એ જ રીતે સાંજે એ જ ઓરડામાં મળ્યા, પણ આ વખતે એ લોકો કંઈ જ કરી ન શક્યા કારણકે એ લોકોને આ વખતે પેલી બે વ્યક્તિઓનાં પડછાયા ફરી દેખાયા અને ભેદી અવાજો પણ સંભળાયા! રાહુલ અને નિશિતાએ તપાસ કરી, મોબાઇલની લાઇટથી બધે જોયું પણ કંઈ જ ન દેખાયું! આખા ક્લાસમાં ચેક કર્યા પછી છેક છેલ્લી બેન્ચમાં એક ચિઠ્ઠી પડી હતી જે નિશિતાએ વાંચીને રાહુલને આપી અને એ વાંચતા જ બંનેના હોશકોશ જ ઊડી ગયા.

રાહુલ અને નિશિતા આગળ કંઈ કરે એ પહેલા જ ચોકીદાર દરવાજા પર ઊભો હતો અને બંનેને અહીં જોતાં જ એને શંકાસ્પદ લાગ્યું પણ રાહુલે સમયસૂચકતા વાપરીને ચોકીદારના ખિસ્સામાં પાંચસો રૂપિયાની એક નોટ મૂકી દીધી અને ચોકીદાર ત્યાંથી જતો રહ્યો! રાહુલ કે નિશિતા બેમાંથી કોઈને પણ આ ભેદી અવાજો અને પેલા પડછાયાઓ અને પેલી ચિઠ્ઠી વિશે કોઈને પણ કંઈ કહી શકવાની હાલતમાં નહોતા, બદનામીનો ડર મોટો કે કોઈ ભેદી શક્તિ કે ભૂતપ્રેતનો ડર વધુ એવા વિચારોમાં જ બંનેની ઊંઘ ઊડી ગઈ હતી.

લગભગ બે મહિના જેવું વીતી ગયા. નિશિતા અને રાહુલ બંને હવે ત્યાં નિયમિત મળતા, ચોકીદાર બધું જાણતો પણ પૈસા મળી જતા એ એની જબાન પર લગામ રાખી દેતો! પેલી ચિઠ્ઠીમાં જ્યારથી વાંચ્યું કે અહીં આ જ ઓરડામાં ચારેક વર્ષ પહેલાં રાહુલ અને નિશિતાની જેમ જ બે યુવા પ્રેમીઓ મળતાં અને કોઈ શિક્ષકની નજરે ચઢી જતાં પછી એ શિક્ષકે બદનામીની બીક બતાવીને પેલી છોકરી સાથે અવાનવાર બળાત્કાર કરેલો અને બંનેએ થોડા જ સમયમાં આપઘાત કરી લીધેલો! રાહુલ અને નિશિતા એ ઓરડામાં ફરી ક્યારેય પગ નહીં મૂકે એવું નક્કી કરેલું, કોલેજના સત્તાધીશો એ આ મોરલ પોલિસિંગનો કેસ ક્યારેય બહાર ન આવવા દીધો! કોલેજના કોઈ વિદ્યાર્થીને ખબર પણ ન પડવા દીધી કે આ કોલેજમાં 'ઓનર કિલિંગ' જેવો જઘન્ય અપરાધ થયો છે.

આજે પણ એ ઓરડામાં પેલા બંને પ્રેમી રોજ મળે છે, એમની આત્માઓ અહીં જ વસે છે! સાંજ પડતાં જ બંને અહીં થોડી ક્ષણો સાથે વીતાવી લે છે. દુનિયા ક્યારેય એકાંતને સમજી નથી શકી, સંસ્કૃતિના નામે યુવાનો પર અત્યાચાર થતા રહે છે, રાહુલ અને નિશિતા આ વાતના હવે સાક્ષી બની ચૂક્યા હતા કે આવું પણ કંઈ અહીં થયું છે પણ અફસોસ કે એ આ આખી વાત ક્યારેય કોઈને પોતાની બદનામી થશે એ બીકે કહી શક્યા નહીં. તમે તમારા શહેરમાં રસ્તાની સાઇડ પર કે કોઈ એકાંતવાળા સ્થળે યંગ લવ બર્ડ્સને તો જોયા જ હશે ને?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.