જ્યારે એક મોત પણ નસીબ ન થાય
આજે હું ખૂબ હતાશ હતો, ડાબા હાથમાં બ્લેડ હતી અને સાથે હતું બીજા હાથની ધોરી નસ કાપી નાખવાનું જાત સાથેનું વચન. આજે જિંદગીને બસ ખતમ કરી નાંખવી હતી. ડિપ્રેશન મારી અંદર ચરમસીમાએ હતું. કોઈ દિશા મને જડતી ન હતી, બધું વ્યર્થ લાગી રહ્યું હતું અને એવા વખતે જાતને ખતમ કરી નાંખવી એ એક જ ધ્યેય હતું. બ્લેડની ધાર પર પડી રહેલો આકરો તડકો મારી આંખોને આંજી રહ્યો હતો, પૂરા જોરથી મેં બ્લેડને કાંડા તરફ લઈ જઈને નસ કાપી નાંખવાનો પ્રયત્ન કર્યો, પણ એવામાં શું થયું એ મને જ ખબર ન પડી. મારો ડાબો હાથ કોઈએ સજ્જડ પકડી રાખ્યો હોય એવી અનુભૂતિ થઈ રહી હતી. મારા હાથમાંથી બ્લેડ નીચે પડી ગઈ અને આત્મહત્યાનો વધુ એક નિષ્ફળ પ્રયત્ન થઈ ચૂક્યો હતો! મારે મરવું હતું, પણ હું મરી કેમ નથી શકતો?
મને છેલ્લાં ચારેક વર્ષથી વાઈ-એપિલેપ્સીનો રોગ લાગુ પડેલો. ગમે ત્યારે જાગૃત અવસ્થામાં એટેક આવે અને હું ફસડાઈ પડતો! એક હાથમાં બ્લેડ અને બીજું કાંડું મને આત્મહત્યા નહોતા કરવા દેતા. અને એકાએક મને વાઈનો એટેક આવ્યો, હું ત્યાં જ ઢળી પડ્યો. લગભગ રાત્રે અગિયાર વાગ્યા હશે. મારી આંખો ઊઘડી તો બધું નોર્મલ હતું. ઊઠીને જોયું તો પેલી બ્લેડ આસપાસ ક્યાંય નહોતી દેખાઈ રહી. હું ઊભો થયો અને પાણી પીવા ગયો ત્યારે મને ઉપરના માળ પર દરવાજો અને સ્ટોપર અથડાવાનો અવાજ આવ્યો. હું તરત ઉપર ગયો. ઉપર જઈને જોયું તો અવાજ બંધ થઈ ગયો હતો, પણ સાથે દરવાજો પણ અંદરથી બંધ હતો! મને પૂરી ખબર છે કે અંદર કોઈ નથી ગયું, તો પછી દરવાજો અંદરથી આપમેળે બંધ કઈ રીતે થયો?
કશુંક અજુગતું બની રહ્યું હોય એવો મને સ્પષ્ટ ખ્યાલ આવ્યો અને મને એક જ દિવસમાં સતત વાઈનો બીજો એટેક આવ્યો. મળસકે 5.00 વાગ્યે મારી આંખો ઊઘડી, સવારની નીરવતામાં કેટલાંક પક્ષીઓનો અવાજ મને સુકુન આપી રહ્યો હતો. પેલો દરવાજો હવે જાતે જ ખૂલી ગયો હતો. સવારે 5.00 વાગ્યે હવા બિલકુલ નહોતી અને દરવાજો ધીમે ધીમે એના કટાઈ ગયેલા મિજાગરાઓને કારણે કિચુડ કિચુડ અવાજ કરી રહ્યો હતો. હવા જ્યારે હતી જ નહીં તો દરવાજો આપમેળે કેવી રીતે ઉઘાડબંધ થઈ રહ્યો હતો? હું નિત્યક્રમ પતાવીને બહાર આંગણામાં ગયો. મારું પોતાનું વિકસાવેલું એક સરસ મજાનું ગાર્ડન જેની અંદર હું જાતભાતનાં ફૂલો અને ફળો ઉછેરતો અને મારો ગાર્ડનિંગનો શોખ પૂરો કરતો.
સવારે ગાર્ડનમાં ગયો અને મને એક લાલ રંગનું કપડું જમીન સાથે દટાયેલી હાલતમાં જોવા મળ્યું. મેં દોડીને એ કપડું જમીનમાંથી ખેંચવા પ્રયત્ન કર્યો, પણ એ નીક્ળ્યું જ નહીં! મેં ખૂબ જોર કર્યું તો છેવટે એ નીકળ્યું પણ એની સાથે જે હાથમાં આવ્યું એ જોઈને હું અવાક થઈ ગયો! લાલ કપડા સાથે એક મોટું માણસના પગનું હાડકું હાથમાં આવ્યું. મને સખત ડર લાગ્યો, થોડી જ વારમાં આખા ગાર્ડનમાં મને લગભગ ચારેક જગ્યાઓથી એવાં જ એકસરખાં લાલ કપડાં અને હાડકાં જોવા મળ્યાં. શું થઈ રહ્યું હતું આ બધું એ કંઈ જ સમજમાં આવી રહ્યું નહોતું.
વિચારો કરતો હું ગાર્ડનમાં બેસી રહ્યો હતો અને ઘરમાંથી કોઈ ભેદી અવાજો આવ્યા અને હું તરત દોડીને ઉપર ગયો. ઉપરના માળે પેલા રૂમમાં પ્રવેશતાં જ મને ત્યાં કોઈના હોવાનો શક ગયો. મેં આજુબાજુ નજર કરી તો મને પલંગ પાસે કોઈના પગ દેખાયા. જાણે કોઈ ત્યાં છુપાઈને બેસી રહ્યું હતું. મારી અંદર ફફડાટ હતો છતાં મેં મક્કમ બનીને નીચે જોયું તો મારા હોશકોશ ઊડી ગયા. પલંગ નીચે બે લાશ અડધી બળેલી-કોહવાયેલી હાલતમાં હતી. હું ત્યાંથી તરત નીકળી જવા બહાર ભાગ્યો અને મને મારી પાછળથી આવતા અવાજે રોકી લીધો! ‘ભાઈ ક્યાં જાવ છો? ભાઈ મને છોડીને ન જાવ!’
******************************************************************************************
લગભગ સાતેક વર્ષ પહેલાંની વાત છે હું વનરાજ અને મારી બેન યશોધરા બંને અમારાં માતાપિતાના અવસાન પછી ખૂબ જ સારી રીતે હળીમળીને રહેતાં હતાં. જીવનમાં કોઈ સુખની કમી નહોતી. એક દિવસ યશોધરાની સગાઈ મેં જ્ઞાતિની એક લાયક વ્યક્તિ સાથે નક્કી કરી અને મને ખબર પડી કે યશોધરાને એક બીજી જ્ઞાતિના યુવક સાથે પ્રેમ છે અને તે એની સાથે લગ્ન કરવા માગે છે. મારા ગુસ્સાનો પાર ન રહ્યો અને મેં યશોધરા પર જિંદગીમાં પહેલી વાર હાથ ઉપાડેલો. યશોધરા અને એના પ્રેમીને પેલા રૂમમાં પૂરીને મેં ખૂબ ફટકારેલા અને મારો માર સહન ન કરી શકતાં બંને મોતને ઘાટ ઊતરેલાં.
મારા ક્ષણિક આવેગે મને એ દિવસે મારી સગી બહેન અને એના પ્રેમીની હત્યા કરવા મજબૂર કરી દીધો હતો. મારા પસ્તાવાને કારણે મારો ખોખલો અહમ એ દિવસથી જ તૂટી ગયો હતો. માતાપિતા પછી મેં હવે બહેનને પણ ગુમાવી દીધી હતી. હું સતત આત્મહત્યાનો પ્રયત્ન કરતો રહેતો અને કહેવાની જરૂર ખરી કે એ પ્રયત્ન દર વખતે નિષ્ફળ જતો!
ક્યારેક હું મારું ગળું દબાવતો તો ક્યારેક પંખા સાથે લટકવાનો પ્રયત્ન કરતો પણ એક અદૃશ્ય શક્તિ હતી, જે મને કાયમ આત્મહત્યા નહોતી કરવા દેતી. વાઈના એટેક આવવા લાગ્યા ત્યારે મને બે વખત જોરથી માથામાં લોખંડનાં સળિયા પણ લાગેલા! હાથમાં બ્લેડ હોવા છતાં એ ન મારી શકું અને મારો હાથ કોઈ શક્તિ પકડી રાખતી એ બીજું કોઈ નહીં પણ યશોધરાની આત્મા જ હતી, જે સતત મને અહેસાસ કરાવતી અને જીવનની એ અધૂરી ઇચ્છાઓ અને પ્રતિશોધની કિંમત શું હોઈ શકે.
મારું ન મરવું અને એક એક પળ ગિલ્ટથી મરવું. જાતને ધિક્કારવી એ જ મારા મોતની સજા હતી. આખરે મેં પણ મારી બહેનને રિબાવી રિબાવી ને જ મારી નાંખેલી! કોઈનાં સપનાંઓ વેરવિખેર કરી નાંખવાની આકરી કિંમત મારે હવે જિંદગીભર ચૂકવવાની હતી!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર