વો કૌન થી?
હર્ષ આમ તો જ્યારથી કોમર્સ કરતો ત્યારથી એની એક ગર્લફ્રેન્ડ હતી, પણ ત્રીજા વર્ષમાં આવતા આવતા સતત થતા ઝઘડાઓ અને ઈગો ક્લેશનાં લીધે બ્રેક અપ થઇ ગયેલું. એ સમય ગાળામાં હર્ષ બહુ જ ડિપ્રેસ્ડ રહેતો. હર્ષ થોડો ધુની અને ઈમોશનલ છોકરો અને એટલે જ કોઈની પણ વાતમાં બહુ જલદીથી આવી જાય એવો. હર્ષ પહેલેથી આવો અતરંગી એટલે કોમર્સમાં હોવા છતાં સારું લખી શકે અને સ્પોર્ટ્સ હોય કે નવરાત્રિના ગરબા હોય, પણ હર્ષને એવું બધું પલ્લે જ ન પડે. 2015ની નવરાત્રિ આવી અને હર્ષ વિદ્યાનગરની એક જાણીતી કોલેજમાં એમબીએ કરી રહ્યો હતો.
વિદ્યાનગર અને આણંદ ટ્વિન સિટી, શહેરથી થોડે દૂર એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થયેલું. હર્ષને જરા પણ શોખ નહીં, પણ ક્લાસમેટ્સનાં પ્રેશરથી ગરબા વેન્યુ પર ગયો. પહેલું નોરતું હતું અને રાબેતા મુજબ માતાજીની આરતી થઇ અને બધા ગરબામાં મસ્ત થઇ ગયા. હર્ષ પાસે એસએલઆર કેમેરા હતો અને આસપાસ ગરબા કરતું યુથ થોડે ઉપર સ્ટેજ પાસે જઈને કેમેરામાં કેદ કરવું શરુ કર્યું.
હર્ષનાં કેમેરાનો લેન્સ ચારેબાજુ ફરી રહ્યો હતો, ઘેરા બ્લ્યુ રંગની ચણિયાચોળી અને બેકલેસ બ્લાઉઝમાં સજ્જ એક ફૂટડી પોતાની ધૂનમાં જ મગ્ન હતી! હર્ષને એમાં થોડો ઈનટ્રેસ્ટ પડ્યો એટલે એ છોકરીનાં થોડા વધુ સ્નેપ્સ લીધા. આજે હર્ષ ખૂબ જ ખુશ હતો, ખબર નહીં કેમ પણ એને આજે આ છોકરી ગમવા લાગી હતી. હર્ષ થોડો નજીક ગયો અને બધી જ હિંમત એકઠી કરીને નજીક જઈ ‘Hi’ કહ્યું! પેલી છોકરી એ પૂછ્યું, ‘એક્સક્યુઝ મી?’.
હર્ષે એ છોકરીને કહ્યું કે પોતે ગરબામાં એટલો ઈન્ટરેસ્ટેડ નથી પણ અહીં આવીને એને પોતાનાં SLRમાં ક્લિક કરવાની મજા પડી, અને તમારી પરવાનગી વગર તમારા થોડા ક્લિક લીધા છે! હર્ષનો જેન્યુઈન અવાજ સાંભળી, એ છોકરી બોલી ‘પાલવ, પાલવ શાહ’. સામેથી બોલાઈ ગયું, ‘હર્ષ પટેલ, હું ,મૂળ સૌરાષ્ટ્રનો છું પણ અહીં વિદ્યાનગરમાં એમબીએ કરું છું.’ પાલવ અને હર્ષ ક્રાઉડથી થોડે દૂર જ્યાં ગરબા ન કરતી પબ્લિક હતી ત્યાં જઈને ઊભા રહ્યા. બેઝિક ઓળખાણ પછી પાલવ તો ગરબા રમવા જતી રહી અને હર્ષ પોતાનાં દોસ્તો સાથે લગભગ બારેક વાગ્યે હોસ્ટેલ તરફ રવાના થયો.
નેક્સ્ટ ડે ફરી એ જ ગ્રાઉન્ડ પર હર્ષ લગભગ એ જ આશાએ ગયો કે એને પાલવ મળશે, પણ પાલવ દેખાઈ નહીં. હર્ષ નિરાશ થયો. ત્રીજા નોરતે ફરી એક પ્રયાસ કર્યો અને પાલવ મળી ગઈ. હર્ષ તો બેબાકળો થઈને પાલવને પૂછવા લાગ્યો, ‘કાલે નહોતા આવ્યા? મેં તમને શોધ્યા પણ તમે દેખાયા નહોતા...’ બહુ જલદી પાલવ અને હર્ષ બહુ સારા મિત્રો બની ગયા. હર્ષે જોકે એ નોટિસ કર્યું કે જ્યારે પાલવનો નંબર માગ્યો ત્યારે કોઈક કારણોસર પાલવે નંબર આપવાનું ટાળી દીધેલું.
નોરતાંની સાત રાતો ગઈ અને હર્ષ પાલવની ખાસ્સો નજીક આવી ગયેલો! હર્ષ દરરોજ કોલેજમાં પણ પાલવનાં જ વિચારો કરતો અને ક્યારે રાત પડે અને પાલવને મળી શકશે એની રાહ જોતો. હર્ષ આઠમે નોરતે પણ પાલવને મળ્યો, પાલવે પોતાના ભૂતકાળ વિશે કે ફેમિલી વિશે ખાસ માહિતી નહોતી આપી પણ હર્ષે પોતાના ફેમિલીમાં કોણ કોણ છે અને પોતે કેવા સંજોગોમાં ભણ્યો, પોતાની એક્સ ગર્લફ્રેન્ડ વિશે પણ પાલવને કહી દીધેલું. હર્ષે આજે પાલવને પ્રપોઝ કરવાનું નક્કી કરેલું, રાત્રે સાડા બાર થયા અને હર્ષે પાલવને ઘરે મૂકી જવા માટે ઓફર કરી, પાલવે કહ્યું, ‘ના, હું તો અહીં બાજુમાં જ રહું છું, આરામથી પહોંચી જઈશ, તમે ચિંતા ન કરો!’.
હર્ષ નિરાશ થઇ ગયો અને ફાયનલી નવમેં નોરતે હર્ષ ગ્રાઉન્ડ પર પહોંચ્યો અને આવીને તરત એ પાલવને શોધવા લાગ્યો. પાલવ ક્યાંય ન મળી, હર્ષ બેબાકળો થઇ ગયો. હર્ષ આખું ગ્રાઉન્ડ ફરી વળ્યો, પાલવે પોતાનો મોબાઈલ નંબર ન આપ્યો એ ગુસ્સાથી હર્ષ તમતમી ઉઠ્યો હતો. પાલવ અચાનક પાછળથી આવીને હર્ષનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મને શોધે છે? આ રહી!’. હર્ષ ગુસ્સામાં બોલી ઉઠ્યો, ‘પાલવ તને ખબર છે ને, તને શોધવા હું બધું ફરી વળેલો? આમ હેરાન ન કર અને તારો મોબાઈલ નંબર મને આપ.’ પાલવે પોતાનાં ઘરમાં થોડું સ્ટ્રીક્ટ વાતાવરણ હોવાથી મોબાઈલ નંબર આપી નહીં શકે એવું કહ્યું.’ હર્ષને થોડી નવાઈ લાગી પણ એ એક શબ્દ પણ ન બોલ્યો.
પાલવે હર્ષને ગરબા વેન્યુથી થોડે દૂર જવા રિક્વેસ્ટ કરી, બંને થોડે દૂર ગયા અને ગરબાનાં તાલનાં બેકગ્રાઉન્ડમાં પાલવે જ હર્ષને સામેથી પ્રપોઝ કર્યું અને ગાલ પર એક હળવી કિસ કરી! હર્ષ સાતમાં આસમાને હતો અને એની આંખમાં આંસુ આવી ગયા. હર્ષ પાલવને હગ કરી બોલ્યો, ‘મારી સાથે હંમેશાં રહીશ? આઈ લવ યુ!’ પાલવે કહ્યું, ‘કાલ કોણે જોઈ છે હર્ષ?’ હર્ષ અને પાલવ ભારે મનથી છૂટ્ટા પડ્યા અને ઘરે જવા રવાનાં થયા, કહેવાની જરૂર ખરી કે પાલવ આજે પણ જાતે જ ઘરે ગઈ?
દશેરાએ હર્ષ પાલવે કહેલી સોસાયટી પાસે આવી પહોંચ્યો. ખાસી રાહ જોઈ પણ પાલવ ન આવી એ ન જ આવી. હર્ષે આસપાસની દુકાનો અને ઘરોમાં જઈને પાલવ વિશે પૂછપરછ કરવી શરૂ કરી. છેવટે એક ઘરમાં ‘આવો’ કહીને આવકાર મળ્યો અને હર્ષને જે માહિતી મળી એ સાંભળી એનાં રૂંવાડા ઊભા થઇ ગયા અને પગ નીચે જમીન સરકી ગઈ.
જે ઘરમાં હર્ષ બેઠો હતો એ આન્ટી એ કહ્યું, આ ઘરમાં જ પાલવ રહેતી! હર્ષે પૂછ્યું, ‘રહેતી એટલે તમારો કહેવાનો મતલબ શું છે?’.
પેલા આન્ટી બોલ્યા, ‘બેટા પાલવ તો ચાર વર્ષ પહેલા જ મૃત્યુ પામી છે, પાલવને એક છોકરા સાથે પ્રેમ હતો અને બંને એક ગરબા ગ્રાઉન્ડમાં મળેલા! પાલવનાં ઘરે ખબર પડતા જ હાહાકાર થયેલો અને પાલવ અને પેલા છોકરા પર વોચ રાખી બંનેની હત્યા કરી નાખવામાં આવેલી!’. હર્ષ રડી પડ્યો અને આઘાત સાથે વિચારમાં પડી ગયો કે આટલા નવ નવ દિવસો સુધી જે સાથે હતી એ પાલવ મૃત હતી? એ કોણ હતી?
હર્ષે ઇન્ટરનેટ પર સર્ચ કરી ફોટોગ્રાફ પણ જોયો અને કન્ફર્મ થયું કે એ જ પાલવ હતી જે એને ગરબામાં મળેલી! હર્ષ હાર્ટબ્રેકથી ડિપ્રેશનમાં સરી પડ્યો. પાલવ ક્યાંય નહોતી, પાલવ સાથે એણે કેટલીય પળો વીતાવેલી! સાંભળ્યું છે કે પાલવ ગરબા માટે ક્રેઝી હતી, કદાચ એટલે જ એ ગરબા ગ્રાઉન્ડ પર હર્ષને મળેલી! નવરાત્રિનું આ રહસ્ય હર્ષ માટે રહસ્ય જ રહ્યું. મહિનાઓ સુધી હર્ષ પાલવનું નામ ઊંઘમાં પણ બોલતો રહ્યો...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર