હાઈરાઈઝ બિલ્ડીંગ પર દેખાતી યુવતી કોણ હતી?
અમદાવાદનો પ્રહલાદનગર વિસ્તાર. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં ગણી ન શકાય એટલી હાઈરાઈઝ બિલ્ડીંગ્સનો રાફડો ફાટ્યો છે. મલ્ટીનેશનલ કંપનીઝની ઓફિસો – વિદેશથી અહીં આવી પ્રોજેક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને પોશ લોકાલિટીમાં રહેતા લોકોથી આખો વિસ્તાર સવારથી ધમધમે છે. સંકેત શાહ મૂળ મુંબઈનાં વિલે પાર્લેનો, પણ અહીં એક ઇટાલિયન આર્કિટેક્ટ ફર્મમાં નોકરી કરે. સંકેતનાં લગ્ન થયા અને સતત ચાલતા અણબનાવ અને કંકાસથી ફક્ત છ જ મહિનામાં ડિવોર્સ થઇ ગયા હતા. સંકેત અહીં આવેલા કોર્પોરેટ રોડ પર જ એક 2 બીએચકે ફ્લેટમાં રહેતો હતો. પોતાનાં ફોરેન કલિગ્સ સાથે રહીને થોડો પિયક્કડ થઇ ગયો હતો સંકેત.
ઓફિસનાં કામનો સ્ટ્રેસ અને પર્સનલ લાઈફનાં સ્ટ્રેસને દૂર કરવાનાં બહાને સંકેત થોડો આલ્કોહોલિક થઇ ગયો હતો. રાત્રે રોજ બે-ચાર પેગ મારી પોતાની છ જ મહિના ટકેલી મેરિડ લાઈફને ભૂલવાનો પ્રયત્ન કરતો. 2015નો માર્ચ મહિનો, અમદાવાદનો શિયાળો વિદાય લઇ રહ્યો હતો, રાત્રે સાડા બાર વાગી ગયા હતા. સંકેત પોતાનું કામ પતાવી ઓફિસથી નીકળી ગયો હતો, પોતાની કાર બેઝમેન્ટમાંથી કાઢી એ બહાર આવ્યો. ચોકીદાર પણ ઊંઘમાં હતો. સંકેતે કાર બહાર કાઢી અને ઘર તરફ લીધી, રસ્તાની ડાબી બાજુએ એક બિલ્ડીંગ પર કોઈ યુવતીનો ગીત ગણગણવાનો અવાજ આવી રહ્યો હતો.
સંકેતને નવાઈ લાગી કે અત્યારે એક વાગ્યે કોણ હોઈ શકે? સંકેતે કાર સાઈડમાં રાખી. બહાર નીકળી જોયું તો નવી જ બની રહેલી અઢાર માળની હાઈરાઈઝમાં લગભગ આઠમેં માળે એક છોકરી પોતાના બંને પગ હવામાં લટકાવી બિન્દાસ બેઠી હતી અને ગીતો ગણગણી રહી હતી. સંકેતે બરાબર જોયું કે અહીં કન્સ્ટ્રકશન સાઈટમાં આજુબાજુ કોઈ બેઠું નહોતું, સાઈટમાં કોઈ કન્સ્ટ્રકશન પણ ચાલી રહ્યું નહોતું એવું સ્પષ્ટ રીતે ખબર પડી રહી હતી. સંકેતને નવાઈ લાગી અને ખૂબ જ ડર લાગ્યો. એ ફરી પોતાની કારમાં બેસવા જઈ રહ્યો હતો એવામાં જ એ છોકરીનાં પગમાંથી ચપ્પલ નીચે પડ્યા અને સંકેતનાં પગ પાસે પડ્યા, સંકેત ચોંકી ગયો અને એણે ઉપર જોયું.
પેલી છોકરી સંકેતને ઉપર બોલાવી રહી હતી. સંકેતને અવઢવ થઇ કે રાત્રે એક વાગ્યે અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગ કે જે મહિનાઓથી ભેંકાર પડી રહી છે એમાં જવું જોઈએ કે નહીં! આ છોકરી ત્યાં અત્યારે શું કરી રહી હશે? સંકેતનાં મગજમાં કેટલાય વિચારો ફાસ્ટ ફોરવર્ડ થઈને ઘુમરાઈ રહ્યા હતા. ખબર નહીં શું થયું પણ સંકેતને અંદરથી શું ધક્કો આવ્યો કે એ ઉપર ગયો. અરે, આડમાં પતરા મૂકેલા હોવા છતાં, જેમ તેમ કરીને પણ એ ઉપર ગયો.
કોઈ એવું તત્ત્વ હતું જે સંકેતને આજે ખેંચી રહ્યું હતું! સંકેત એક એક પગથિયું એકદમ ઉતાવળથી ભરી રહ્યો હતો. એક બાજુ પેલી છોકરી કોણ હશેની ઉત્સુકતા હતી તો બીજી બાજુ ખૂબ જ ડર લાગી રહ્યો હતો. સંકેત ત્રીજા માળે પહોંચ્યો અને એનાં પગ સાથે કોઈ વસ્તુ અથડાઈ. દર્દથી સંકેતની ચીસ નીકળી ગઈ. સંકેત જેમતેમ કરીને છ માળ તો ચઢી ગયો પણ હવે એના શ્વાસ ફુલી રહ્યા હતા. જેમ તેમ કરીને સંકેત આઠમે માળે પહોંચ્યો, પેલી છોકરી શૂન્યમનસ્કતાથી એકદમ બ્લેન્ક ચહેરો રાખી બેઠી હતી, આવા સૂનકારમાં એ કોઈ પરવાહ કર્યા વગર બહાર જોઈ રહી હતી.
સંકેત પાછળથી આવ્યો અને બાજુમાં આવીને બેસી ગયો. એ છોકરીએ સંકેત સામે જોયું અને બોલી, 'હાય, હું પ્રતિતી, આપ?'. સંકેતને કંઈ ગરબડ ન લાગી, એ બોલ્યો, હું સંકેત શાહ. મૂળ મુંબઇનો પણ અહીં અમદાવાદમાં આ પ્રહલાદનગરમાં એક ઇટાલિયન મલ્ટીનેશનલમાં જોબ કરું છું. સંકેતે જોયું કે એ છોકરી બહુ દુઃખી દેખાતી હતી, સંકેતે થોડા સવાલો પુછ્યા અને જવાબો સાંભળીને એને લાગ્યું કે આ છોકરી ભલે અહીં આમ રાત્રે એક વાગ્યે બેઠી છે, એબનોર્મલ લાગે છે પણ કેટલાય રહસ્યો આ છોકરીની અંદર ધરબાયેલા પડ્યા છે. સંકેતે પ્રતિતીને પોતાની મેરિડ લાઈફ અને જોબ વિશે કહ્યું, પ્રતિતીએ બહુ ડિટેઇલમાં નહીં પણ ઉપરછલ્લી પોતાના વિશે વાત કરી.
થોડા દિવસો વીત્યા, રોજનો જાણે ક્રમ બની ગયો, સંકેત રાત્રે સાડા બારે ઓફિસની આસપાસ રહે અને પછી પેલી બિલ્ડીંગમાં ચોરની જેમ ઘૂસે અને વાતો કરે! સંકેતને આમાં કંઈ અજુગતું નહોતું લાગતું, ન તો કંઈ શંકાસ્પદ! બે મહિના વીતી ગયા હતા, સંકેતને બિઝનેસ ટુર માટે બહાર જવાનું થયું, સંકેત પ્રતિતીને મિસ કરી રહ્યો હતો. બીજી તરફ, સંકેત આજે ટુર માટે નીકળતા પહેલા પ્રતિતીને મળીને જશે એવું વિચારી પેલી બિલ્ડીંગ તરફ ગયો, પ્રતિતી ક્યાંય દેખાઈ નહીં! એક-બે ચોકીદાર દેખાયા જેણે સંકેતને ત્યાં જોઈ લીધો.
બંને ચોકીદારોએ ચિડાઈને સંકેતને હાંકલી નાંખ્યો, સાહેબ કોને શોધો છો? સંકેતે કહ્યું, પ્રતિતી નામની એક છોકરી અહીં રોજ મને આઠમે માળે મળે છે. ચોકીદારો એ અટ્ટહાસ્ય કરી હસીને કહ્યું, 'સાહેબ આજે બહુ પી લીધી લાગે છે!'. અહીં એવી કોઈ છોકરી નથી, આ બિલ્ડીંગ તો છેલ્લા બે વર્ષથી સ્ટે આવી ગયો હોવાથી આ જ હાલતમાં બંધ પડ્યું છે!
સંકેતનાં હાથ પગ થીજી ગયા. એ માની જ ન શક્યો! પ્રતિતી છે જ નહીં? તો એ છોકરી કોણ હતી જેની સાથે સંકેત રોજ વાતો કરતો, સંકેતે ચોકીદારોને ઇગ્નોર કરીને ઉપર જવાની કોશિશ કરી, ચોકીદારો એ સંકેતને રોક્યો પણ સંકેત દોડીને ઉપર ગયો! શ્વાસ ફુલી રહ્યા હતા, આઠમે માળે પહોંચ્યો અને સંકેતને કોઈ જ ન દેખાયું! ચારેકોર નજર કરી પણ પ્રતિતીનું અસ્તિત્વ ક્યાંય નહોતું! સંકેત નિરાશ થઈને, રાધર હેરાન થઈને પરત ફર્યો! પોતાની બિઝનેસ ટુર માટે સંકેત બીજા દિવસે બેંગ્લોર જવા નીકળી ગયો.
દિવસો વીતી ગયા હતા, સંકેત પણ અમદાવાદ આવી ગયો હતો. સંકેત દિવસે અને રાત્રે એ બિલ્ડીંગને બહારથી તાકી રહેતો પણ પ્રતિતી ક્યાંય ન દેખાઈ એ ન જ દેખાઈ! એક રાત્રે સાડા નવ વાગ્યા હતા, પ્રહલાદનગરમાં ખાસ્સી ચહેલ પહેલ હતી. એ બિલ્ડીંગ કે જ્યાં પ્રતિતી દેખાઈ હતી, એ બિલ્ડીંગ સામે આવેલા એક પાનનાં ગલ્લા પર બેસેલા ચાર વ્યક્તિઓને ઉપર આઠમે માળે એક યુવતી બેસેલી દેખાઈ જેણે સફેદ કપડાં પહેરેલા! ચીસાચીસ થઇ ગઈ, ગણતરીની પળોમાં ત્યાં ટ્રાફિક જામ થઇ ગયો અને ફાયર બ્રિગેડ પણ બોલાવવામાં આવી હતી!
લોકો અંદર જવાની હિંમત નહોતા કરી શકતા. એ બિલ્ડીંગનો ઉપર જવાનો એક્સેસ જ બંધ કરી દેવામાં આવ્યો હતો, લોકો ઉપરથી જોઈ શકતા હતા કે એ છોકરી એકદમ હવામાં પગ લટકાવીને બેઠી છે! સંકેત જ્યાં કામ કરતો એ કંપનીનાં કર્મચારીઓ સુધી વાત પહોંચી અને જે લોકો હજુ ઓફિસમાં હતા એ પણ આવી ગયા, એ લોકોને પણ એ છોકરી દેખાઈ અને તરત યાદ આવ્યું કે સંકેત જેની વાત કરતો હતો એ જ પ્રતિતી છે આ! ફાયર બ્રિગેડ આવી અને ઉપર ગઈ, સાથે કેટલાક સામાન્ય લોકો પણ ઉપર ગયા.
ઉપર આઠમે માળે લોકો પહોંચ્યા, પહોંચીને જોયું તો ખબર પડી કે ત્યાં સંકેત એક ખૂણામાં બેસેલો અને કોઈની સાથે બેઠો બેઠો વાત કરી રહ્યો હતો! ત્યાં મૌજુદ દરેક લોકો અવાક થઇ ગયા, સંકેત સાથે કોઈ નહોતું બેઠું, ત્યાં બહાર પણ કોઈ છોકરી બેસેલી નથી. સંકેત કોની સાથે વાત કરી રહ્યો છે? સંકેતને પ્રતિતી દેખાય છે, સંકેત એ બહુ વિનંતી કરી કે એને ખેંચો નહીં, સંકેતને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.
સંકેતના આજે પણ મનોચિકિત્સક પાસે સેશન્સ ચાલી રહ્યા છે, સંકેત હજુ પણ પ્રતિતીને ભૂલ્યો નથી, આજે પણ સામાન્ય લોકો પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર નીકળે છે તો એ બિલ્ડિંગનાં આઠમા માળે જરૂર જુએ છે! સંકેતને જે પ્રતિતી દેખાતી હતી,અને લોકોને એ દિવસે નીચેથી જે છોકરી દેખાઈ હતી એ કોણ હતી? વાતો તો ખૂબ ચાલી, પણ રહસ્યો અકબંધ જ રહ્યા! શું સંકેતને ખરેખર કોઈ પ્રતિતી દેખાતી કે પછી પોતાનું દુઃખ શેર કરવા માટે એણે કોઈ કાલ્પનિક પ્રતિતી શોધી લીધેલી જેની સાથે એ પોતાની વાત વહેંચી શકે! કેટલાક સવાલોનાં કોઈ જવાબ નથી મળતા...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર