કોણ હતું એ ફ્લાયઓવર ઉપર?
આશિષ અને બિહાગ બંને એક BPOમાં કામ કરે. એમની જોબનો શિફ્ટિંગ નેચર હોવાથી એમણે ડેઈલી લગભગ બપોરે ચાર વાગ્યે ઓફિસ જવાનું થાય અને રાત્રે અઢીથી ત્રણ વાગ્યે જ ઓફિસથી નીકળી શકાય. રૂટીન પ્રમાણે આશિષ અને બિહાગ એક રાત્રે ઓફિસથી રાત્રે લગભગ પોણા ત્રણે બધું કામ પતાવીને નીકળ્યાં હશે. ઓફિસ પાસે જ આવેલી અને આખી રાત ચાલું રહેતી કિટલી પર એ બંને જણે ચા પીધી અને સિગરેટનાં કશ માર્યા. થોડી જ વારમાં બંને ઓફિસથી કારમાં સડસડાટ નીકળ્યાં. આજે ખબર નહીં પણ બિહાગનો મૂડ અલગ જ હતો, એટલે એણે આશિષને કહ્યું ‘યાર, કાયમ રોજ પેલા ખાડા વાળા બેકાર રોડથી લે છે. આજે આ ફ્લાયઓવર પરથી કાર લેજે.’ આશિષ તરત કન્વિન્સ થઈ ગયો કારણકે એ ફ્લાયઓવર હજુ પાંચ દિવસ પહેલા જ જનતા માટે ખૂલ્યો હતો. છ કિલોમીટર લાંબો એ શહેરનો સૌથી મોટો ફ્લાયઓવર હતો!
સુપર સ્મુધ ફ્લાયઓવર પર કાર પાણીનાં રેલાની જેમ આગળ વધી રહી હતી. કાર હજુ ૩૦૦ મીટર જેટલી આગળ વધી હતી એવામાં જ દૂર ડાબી બાજુ એક આધેડ વયનો માણસ ચાલીને જઈ રહેલો દેખાયો. બિહાગે બેફિકરાઈથી ખડખડાટ હસતા હસતા આશિષને કહ્યું, ‘બે આ કોણ પાગલ છે કે અત્યારે આ ફ્લાયઓવર પર રાત્રે ૩ વાગ્યે આમ જઈ રહ્યો છે? પાછો એ આમ ચાલતા ચાલતા આટલો લાંબો ફ્લાયઓવર પાર પણ કરશે! હાહાહાહાહા....’ કાર ખૂબ ઝડપથી એ શખ્સ પાસેથી પસાર થઈ અને બિહાગે કાચ ખોલીને એ શખ્સને મસ્તીમાં બૂમ મારીને કહ્યું, ‘એ ગાંડા ઘરે જા ઘરે...’
ગાડી લગભગ બીજા ચારસો મીટર જેટલી આગળ વધી હશે અને ફરી દૂરથી એ જ માણસ રસ્તાની ડાબી બાજુએ ચાલતો આવતો દેખાયો! બંને જણ પહેલા તો માની જ ન શક્યા. વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે એ માણસ બિહાગ અને આશિષની કારથી આગળ ચાલી રહ્યો હતો! બંને જણાના શરીર ટાઢા થઈ ગયા હતા! આવું શક્ય જ કેમ બને? હમણાં તો એ માણસ આટલો પાછળ હતો, અને હવે એ આટલો આગળ થઈ ગયો! કાર લગભગ 80થી 90ની સ્પીડ પર જઈ રહી હતી. તો પછી આ માણસ કઈ રીતે આગળ નીકળી શક્યો? આ વખતે એ બંને જણ મજાક તો દૂર, કંઈ બોલી શકવાની પણ હાલતમાં નહોતા.
કાર ખાસ્સી આગળ આવી ગઈ હતી. ફ્લાયઓવર સુમસામ ભાસતો હતો. બંને જણે ગાડી સાઈડમાં લીધી, કાચ ખોલીને બહાર જોયું તો પેલો માણસ પાછળ દેખાતો જ નહોતો. પાછળથી આગળ જોયું તો એ ફરી લગભગ 100 મીટર જેટલો આગળ દેખાતો હતો! હવે ડર લાગવાની પણ એક ચરમસીમા આવી ગઈ હતી એટલે આશિષે કારનું એક્સિલરેટર દબાવી કાર ખૂબ જ તેજ ગતિમાં ભગાવી. લંબાઈ વધુ હોવાને કારણે હજુ ફ્લાયઓવર પૂરો થવામાં સમય લાગે એમ હતું. કાર 120થી પણ વધુ સ્પીડ પર જઈ રહી હતી કે પેલો માણસ ફરી દેખાયો.
કારની અંદરના ઠંડાગાર એસીમાં પણ પરસેવે રેબઝબ હાલત હતી બંનેની. પેલો માણસ જેવો નજીક આવ્યો એવી આશિષે કાર રિવર્સ લીધી! એટલે પેલો માણસ કાર તરફ દોડ્યો. ડરથી આશિષનું બેલેન્સ ગયું અને કાર 100-120ની સ્પીડમાં હોવાથી સામેના ડિવાઈડર પર ચઢી ગઈ અને એક થાંભલા સાથે જોરથી અથડાઈ.
બંનેને ખૂબ વાગ્યું હતું અને લોહી પણ ખૂબ વહી રહ્યું હતું. બંનેએ બારીમાંથી જોયું તો પેલો માણસ હજુ ચાલી રહ્યો હતો. એ કાર પાસેથી પસાર થયો તો એણે કારની સામે જોયું સુદ્ધાં નહીં. સવારે બંને જણની આંખો ઉઘડી તો એક સરકારી હોસ્પિટલનાં જનરલ વોર્ડના બેડ પર બંને પડ્યા હતા! સવારે પોલીસને હોસ્પિટલનાં સત્તાધીશોએ સ્ટેટમેન્ટ લેવા બોલાવી હશે એટલે પોલીસ આવીને સ્ટેટમેન્ટ લઈ ગઈ. ઉપરથી બંનેને ખખડાવતી ગઈ કે એ લોકોએ જ દારૂ પીને નશામાં કાર ચલાવી હશે અને આ અકસ્માત કર્યો હશે. એ પછીનાં દિવસે છાપામાં એ લોકોની કારનાં અકસ્માતનાં સમાચાર તો છપાયા હતા પણ બંને જણે દારૂ પીને કાર અકસ્માત કર્યો એવું છાપવામાં આવ્યું હતું.
સમાચાર વાંચી બંને ગુસ્સાથી લાલ થઈ ગયા હતા, પણ સમાચાર વાંચતા એક જગ્યાએ નજર પડી, જ્યાં લખ્યું હતું કે આ ફ્લાયઓવર ખૂલ્લો મૂકાયાના પાંચ દિવસમાં જ આ સાતમો એક્સિડેન્ટ હતો! બિહાગનો એક ફ્રેન્ડ લોકલ ન્યુઝપેપરમાં એડિટર હતો. એણે છેલ્લા પાંચ દિવસમાં થયેલા બાકીનાં છ અકસ્માતોની ડિટેઈલ મેળવવા પ્રયાસ કર્યો. નેક્સ્ટ ત્રણેય દિવસ ઈન્જરી હોવા છતાં બિહાગ આ અકસ્માતોની જાણકારી અને કારણોનો તાગ મેળવવા બધે ભટક્યો. એને જે જાણવા મળ્યું એ ચોંકાવનારુ હતું. બધા જ અકસ્માત એક જ રીતે થયાં હતા. બધાને પેલો એક જ પ્રકારનાં કપડાં પહેરેલો માણસ જોવા મળેલો. એનાથી બચવાનાં ચક્કરમાં જ દરેક જણનાં અકસ્માત થયેલાં! ઉપરથી બધા જ અકસ્માત રાત્રે 12 પછી થયેલા. બિહાગ આ જાણીને ડરી ગયો હતો પણ આશિષે એકદમ ઠંડા કલેજે કહ્યું, 'ભાઈ, તું ખોટો ડરે છે. આમાં કંઈક લોચો જરૂર હશે પણ એ દિવસે ગાડી ચલાવવામાં ધ્યાન રાખ્યું હોત તો આવું કંઈ આપણી સાથે થયું જ ન હોત.'
બંને જણ કોઈ પણ રીતે પોતાની જાતને કન્વિન્સ કરીને, ફરી હિંમત કરીને કોઈની કાર ઉછીની લઈ એ ફ્લાયઓવર પર ગયા. ફરી એ જ સમયે લગભગ રાત્રે ત્રણ વાગ્યે. પણ આ વખતે એ બંનેને કોઈ માણસ ત્યાં ન દેખાયો. બંને પાસે હાઈ રિઝોલ્યુશન કેમેરા વાળા મોબાઈલ અને એક હેન્ડીકેમ પણ હતો, જેથી તેઓ સબૂત લઈ શકે અને આ બધા જ અકસ્માતોનો તાગ પણ મેળવી શકે. બંને કારમાંથી ઉતર્યા અને આજુ-બાજુ નજર કરી એવામાં એમણે ફરી પેલો માણસ પોતાની તરફ આવતો જોયો. સાથે જ જોર જોરથી કાચ તૂટવાના અવાજો પણ આવવા લાગ્યા. એમણે ઉપર જોયું તો ત્યાંની એક એક સ્ટ્રીટ લાઈટનાં બલ્બ ફૂટી રહ્યા હતા! અચાનક ભયાવહ થઈ ગયેલા વાતાવરણને કારણે બંને ખૂબ જ ડરી ગયા.
એ માણસ આગળ વધી રહ્યો હતો એમ એક પછી એક લાઈટ તૂટી રહી હતી અને બંનેની હાલત સાવ સુન્ન થઈ ગઈ હતી! થોડી જ વારમાં બંનેને એક પડછાયો પોતાની તરફ આવતો નજરે પડ્યો. લાઈટ ફૂટવાનું હજુ ચાલુ જ હતું પણ બંને પોતાના કેમેરા-હેન્ડીકેમ સાથે દોડ્યા. કારણ કે, આજે તો ગમે તે થાય પણ આ રાઝ જાણીને જ રહેવું હતું. બંને દોડતા દોડતા એ પડછાયા પાસે પહોંચ્યા તો હેરતથી જોઈ રહ્યા. ફરી એ જ માણસ હતો અને એ જ કપડા પહેરેલો! પણ એને પેલા બેની કોઈ દરકાર જ નહોતી, એ ચાલ્યે જ જતો હતો.
એ માણસનાં ચહેરા પર એક અજીબ ઉદાસી હતી. એના ખભા ઝૂકેલા હતા. આગળ જઈ રસ્તાની એક બાજુએ એ ટેકો દઈને બેસી ગયો. જોઈને જ ખબર પડતી હતી કે એ માણસ ખૂબ દુખી હતો! બંને પેલાનાં ફોટોઝ લઈ રહ્યા હતા એવામાં જ એ માણસ જોરથી દોડ્યો અને ચીસો પાડવા લાગ્યો. બિહાગ અને આશિષથી હવે ન રહેવાયું. એ બંને ડરથી ધ્રુજતા કાર તરફ દોડ્યા. બંનેએ પોતાની આંખો બંધ કરી દીધી અને હાંફવા લાગ્યા. એવામાં પેલા માણસની ચીસો પણ સંભળાતી બંધ થઈ ગઈ. જોયું તો પેલા બધા જ બલ્બ પણ સહી સલામત હતા! એક પણ બલ્બ હવે ફૂટેલો નહોતો દેખાતો, જ્યાં પેલો માણસ ઊભેલો ત્યાં હવે કોઈ નહોતું દેખાતું. ત્યાં એક કાગળ હવામાં લહેરાઈ રહ્યો હતો! બિહાગ અને આશિષ પાસે ગયા અને કાગળિયું હાથમાં લઈ વાંચ્યું તો એમાં એક જ લાઈન લખેલી હતી, 'I Need Justice!'.
બંને જણ ચોંકી ગયા. આજુબાજુ જોયું કે કાશ પેલો માણસ કે જે આ કાગળ છોડી ગયો એ દેખાશે, પણ કોઈ ન દેખાયું. એ રાત્રે ફરી ત્યાં એક અકસ્માત થયો હતો. સવારે ખબર પડી કે સરકારે એ ફ્લાયઓવર રાત્રે 11થી સવારે 7 વાગ્યા સુધી અવરજવર માટે બંધ જ કરી દીધો હતો. ઘણી શોધખોળ અને મગજમારી પછી એ ફ્લાયઓવર જે કંપનીએ બાંધેલો એ જ કંપનીનાં એક મજૂરનો સંપર્ક થયો અને એ મજૂરે કહ્યું કે, ધીરજલાલ નામ હતું એ માણસનું.
એ ખૂબ જ ઈમાનદાર એન્જિનિયર હતા. એક રાત્રે પ્રોપર સેફ્ટીના અભાવે તેઓ એક પિલર પરથી નીચે પડી ગયા ત્યારે એક લાંબો સળિયો એમની છાતીની આરપાર નીકળી ગયેલો. મેં કંપનીમાં ફોન કર્યો તો એમની લાશ ક્યાંક ગાયબ કરી દેવામાં આવી અને મને ધમકાવી ડરાવીને ચૂપ રાખવામાં આવ્યો. એના કુટુંબને પણ કોઈ વળતર આપવામાં ન આવ્યું!
આખી વાત સાંભળ્યા પછી બિહાગ અને આશિષે કંપની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો, જે લગભગ ત્રણ વર્ષ ચાલ્યો. બેદરકારી, વળતર ન આપવું, કર્મચારીની લાશ છૂપાવવા જેવા કેટલાય ગુનાસર કંપનીનાં માલિકોને 7 વર્ષની સજા થઈ. ત્યાર પછીથી એ ફ્લાયઓવર બધા માટે ખૂલ્લો છે. ત્યાં હવે એક પણ અકસ્માત થયો નથી! જરૂરી નથી કે દરેક ભટકતી આત્મા ખરાબ જ હોય! બની શકે કે એ તમારી પાસે મદદ માગતી હોય...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર