જાન હૈ તો જહાન હૈ...
અમારો ચાલવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ભલે ઘોંચમાં પડ્યો પણ હેલ્થ કોન્શિયસપણું અમારા દિલોદિમાગ પર ભરડો લઈને બરકરાર હતું. સમાજમાં અને ખાસ તો સોશિયલ મિડીયા પર તંદુરસ્તીને લઈને આવેલી જાગૃતિના ફોટાઓ જોઈજોઈને અમને ચાનક ચડી કે કોઈ પણ ભોગે હવે અમારે ફોટા પડાવવા નહીં પણ ફિટ રહેવા માટે ય જાગવું જ રહ્યું. ચાલવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો તો શું , બીજાં ય રસ્તા છે. કહે છે ને કે ભગવાન એક રસ્તો બંધ કરે તો બીજો ખોલી જ આપે છે. અમે ફરીથી જિમમાં જઇને કસરત કરવાનું આરંભ્યું.
બીજા દિવસે શાર્પ નવના ટકોરે અમે જિમવાળા બિલ્ડીંગની નીચે હતા. આખા શહેરના વર્લ્ડબેસ્ટ જિમમાં આ જિમ નંબર વન હતું. અમને જોઈને જ ત્યાં માવો ચાવતા વોચમેનને ખ્યાલ આવી ગયો કે અમે જિમવાંચ્છુ છીએ એટલે જિમ બીજાં માળ પર છે એવી માહિતી આપી. દેશના યુવાધનને આમ માવામસાલામાં વેડફાતું જોઈને અમે જરા ઉકળી ઉઠ્યા પણ વોચમેનને નમ્રતાથી માવામસાલાની આડઅસરો વિષે માહિતગાર કર્યો. એને અમારા જેવા આગળ મળ્યા હોવા જોઇએ તે એને બધી ખબર જ હતી એટલે અમારા પ્રવચનમાં એણે નરી ઉદાસીનતા દેખાડી. અમે નિરાશ વદને પ્રયાણ કરવું મૂનાસિબ માન્યું અને બીજા માળે પહોંચ્યા. આખો માળ જિમ સેન્ટરનો જ હતો. શુઝ પહેરીને ચાલતા ય વિચાર કરવો પડે એટલી સ્વચ્છ ફરસ જોઈને લેમ્મી ટેલ યુ કે આ વોઝ ઈમ્પ્રેસ્ડ. વેરી મચ ઇમ્પ્રેસ્ડ. કયું ફિનાઇલ કે ફ્લોર ક્લીનરનો ઉપયોગ કરતા હશે એવો ય વિચાર રમી ગયો. એકબાજુ શુ રેક પર શુઝ ગોઠવેલાં જોઈને અમે વિચારમાં પડ્યા કે શુઝ કાઢીને એક્સર્સાઈઝ કરવાની? આય હાય.. તો અમે આ શુઝ લીધાં ખાસ અહીં આવવા માટે જ એનો અર્થ શું? એટલામાં ક્યાંકથી એક અટેન્ડન્ટ પ્રગટ્યો. ' મેડમ.. તમારે બે જોડી શુઝ લાવવાના. બહારથી પહેરીને આવો એ શુઝ અહીં રેકમાં મૂકી દેવાના અને કસરત કરવા માટે બીજા પહેરવાના. કસરત કરીને આવો એટલે એ પાછાં બદલી નાંખવાના. તો જ આપણે સ્વચ્છતા મેનટેન કરી શકીશું. આજે તો ખાલી ફોર્મ જ ભરવાનું છે એટલે ચાલશે. કાલથી બીજી જોડી બેગમાં લેતા આવજો.' અમે જરા બઘવાઈ ગયા. અને માથું ધૂણાવીને એણે દેખાડેલા દરવાજેથી જિમમાં પ્રવેશ્યા. 'મેં હું ના' માં જેમ ઝાયેદ ખાનના લાયબ્રેરી પ્રવેશ સમયે હારતોરા ને આરતીથી સ્વાગત થયેલું એવું જ અમને ય ફીલ થઈ રહેલું. આઈ સ્વેર, બસ? રિસેપ્શન કાઉન્ટર પર એક ખડતલ કન્યા રુવાબદાર અંગ્રેજીમાં કંઈ સમજાવી રહી હતી. કોઈની વાતો આ રીતે સાંભળવી ઈઝ બેડ મેનર્સ એટલે અમે ફાંફા મારવા માંડ્યા. પહેલાં મુલાકાત લીધેલી એ જિમ કરતા ક્યાંય આધુનિક એવા આ જિમની ફી પણ પોષાય એવી હશે કે કેમ એવી શંકા બળપૂર્વક હાંકી કાઢી.પડશે એવા દેવાશે એમ વિચારી અમે નિરીક્ષણમાં ધ્યાન પરોવ્યું. પહેલાં ગયેલા એ જિમમાં ભારતીયતા નજરે પડતી હતી પણ અહીં તો ટોટલી વેસ્ટર્ન કલ્ચરનું પ્રભુત્વ જણાયું. ફોટાથી માંડીને પ્રોટીન શેક્સ હારબંધ મૂકેલા હતા. જિજ્ઞાસાવશ અમે ઊભા થઈને એક બોટલ લીધી ને ભાવ વાંચ્યો. ૨૫૦૦/-રૂ. + GST .. બાપ રે.. પેલા જિમમાં સૂચનાઓ ચિતરેલી હતી અને અહીં 'નો મોબાઈલ' ના સ્ટીકર્સ ચોંટાડેલા હતા. વેરી એડવાન્સ્ડ, યુ નોવ. વળી, વેબસાઈટ પણ છે ને ફોરેનની કોઈ કંપની સાથે જોડાણની જાહેરાત પણ જિમના માલિક અને પેલી ફોરેનની કંપનીના માલિકના હાથ મિલાવતા ને (સાવ ખોટેખોટું) હસતા ફોટા ય હતા એટલે ક્લાયન્ટને સો ટકા બાટલીમાં ઉતારતા જ હશે એવું ય આ આત્મા સંશયમાં પડ્યો. વોટેવર, આપણે તો જે કામ માટે આવવાનું તેમાં જ ધ્યાન આપવાનું. ફી વધુ હોય તો ય તબિયતની બાબતમાં સહેજપણ કચાશ કે કંજૂસાઈ નહીં કરવાની. જાન હૈ તો જહાન હૈ. આખિર વો ઘડી આ ગઈ. ખડતલ રમણીએ અમને બોલાવ્યાં ને મધઝરતું હસી રહી. પાંચ મિનિટમાં તો અમને વશીકરણ કર્યું હોય એમ એણે કહ્યું એ જગ્યાએ ફોર્મમાં સહી કરી આપી. ખડતલે વિદાય આપતા મિક્સ વેજિટેબલ જેવી ભાષામાં ટકોર કરી કે ' મેમ, તમારી હેલ્થ અને રેગ્યુલારિટી કનેક્ટેડ છે. તમે જેટલા કમિટેડ રહેશો એટલો તમને જ એડવાન્ટેજ મલશે. તમને એક્સર્સાઈઝ માટે થ્રી ડેય્ઝ ફ્રી સ્કીમ છે. તમને ફાવે તો જ ફી પે કરજો. ' બીજે દિવસે રાઈટ ટાઈમે હાજર. આખિરકાર ઇમ્પ્રેશન કા સવાલ થા . એક્સરસાઈઝ રુમમાં જાતજાતના સાધનો ચકાચક હતા. ત્રણ તો ઇન્સ્ટ્રક્ટર ને એક ડાયેટિશિયન બધા ય એકદમ ફિટ. અગેઈન અમે ઇમ્પ્રેસ થયા ( ખોટું શું બોલવાનું). ઇન્સ્ટ્રક્ટર આંટા મારતા જાય ને કસરતવીરોને માર્ગદર્શન આપતા જાય. ને પેલી ડાયેટિશિયન કમ્પ્યુટર પર ફેસબુક પેઈજ, ઇન્સ્ટા ને પીન્ટરેસ્ટ અપડેટ કરતી હોય એમ અનુમાન કર્યું. ( અમે અનુમાનની બાબતમાં કદ્દી ખોટાં નથી પડતાં, તે જસ્ટ જાણ સારુ.) ટ્રેડમીલનો અમને પરિચય હતો એટલે એ અમે સરળતાથી એક સોપાન પુરું કર્યું. બીજા સોપાનમાં સાયકલિંગ હતી જે અમે સ્કીપ કરી. પાંચ કિમી સાયકલ ચલાવીને ય તમે જો રુમમાં જ રહેવાના હોવ તો એવા સાયકલિંગની અમને તમા નથી. એટલામાં એક નખરાળી કોઈ અજાણ્યા સાધન પર ઊંધી લટકીને કસરત કરતી કરતી ધબ્બ દઈને પડી. તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા ને બીપી ચેક કર્યું. કોફી પીવડાવી ને એવી બધી પ્રાથમિક સારવાર પછી એને ઘરે મોકલી. અહીં સુધી અમે એકદમ બરાબર હતા પણ હવે અમારે પેલા અજાણ્યા સાધનનો વારો આવ્યો. એટલે ઊંધા લટકીને પડી જવાય કે વાગી પડે તો આ લોકોને તો શું.. જરીક સારવાર આપીને ઘેર મોકલી આપે. સહન તો આપણે જ કરવાનું કે ના? એટલે અમે ફરી પાછા આવીશું કહ્યું. ફી નથી ભરવી એમ મનોમન નક્કી કરી લીધું ને ત્યાંથી ચાલતી પકડી.
ક્રોંખારો:
એક બાઈનો પતિ ગુજરી ગયો. બાઈ પતિ પાછળ સતી થવા તૈયાર થઈ. સૌએ ખૂબ સમજાવી કે બેન આપણા સમાજમાં આવો સતી થવાનો રિવાજ નથી ને હવે તો કાયદો ય પરવાનગી નથી આપતો. પણ બાઈ ટસની મસ ન થઈ. ' આપમૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા ..મારે શું કરવો છે કાયદો..હું જ નહીં હોઉં તો કાયદો મને શું કરવાનો? 'કરીને એ તો દોડતી ચિતા પર જઈને બેસી ગઈ. અગ્નિદાહ દેવાયો ને થોડી જ વારમાંપેલી બાઈ ચિતા પરથી કૂદી પડી. બધાએ મશ્કરી કરી તો પટ્ટ દઇને બોલી ..' એટલું ય કર્યું ને? કોણ કરે છે એટલું ય?'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર