સન્માન સમારંભની સાથે સાથે
હજુ તો માંડ સવારના નવ વાગ્યા હતા ને હાથમાં કંઈક ફરફરિયા લઈને સોસાયટીનો વૉચમેન આવ્યો. સામાન્ય રીતે સોસાયટીમાં કોઈ કાર્યક્રમ હોય કે જનરલ મિટિંગ હોય કારોબારીની તો લગભગ બધી સોસાયટીઓમાં હોય છે એવો જ સર્ક્યુલર ફેરવીને સદસ્યની સહી કરાવવાનો અમારી સોસાયટીમાં ય રિવાજ હતો. હું જરા વિચારમાં પડી કે સાલું હમણાં નજીકમાં તો કોઈ તહેવાર નથી તો આ શેનું ફરફરિયું હશે?
‘ગુડમોર્નિંગ મેડમ’.
‘ગુડમોર્નિંગ ભૈયાજી, ક્યા હે યે?’
મારા હિન્દીપ્રેમથી વાકેફ એવા વોચમેને અમને મિક્સ વેજિટેબલની જેમ મિક્સ ભાષામાં માહિતી આપી. ‘મેડમ, શોશાયટી કા સન્માન સમારંભ હે જો બચ્ચે અથવા બડે પરીક્ષા મેં અચ્છે માર્ક્સ લાએ હોય ઉનકા.’
‘અરે વાહ’ કહીને મેં સર્ક્યુલર વાંચ્યો. તારીખ, વાર, સ્થળ જોઈને મેં એમાં ઘર નંબર લખ્યો ને સહી કરીને કાગળ પાછો આપ્યો. વળી કંઈક યાદ આવતા કાગળ પાછો માંગ્યો: ‘એ એક મિનિટ, વો વાપસ દેના તો જરા.’ કાગળ પાછો લઈને મેં કોની કોની સહી થઈ છે તે જોયું. મને ખાતરી હતી કે બે જણ તો આડા ફાટ્યા જ હશે. ખરેખર એવું જ હતું. સહી તો કરેલી હતી પણ સામે વાંધાનોંધ પણ કરેલી હતી જેમાં ‘વાંધો છે.’ સિવાય કશું લખ્યું ન હતું. મારામાંનો પત્રકાર આત્મા આળસ મરડી રહ્યો ને એ આત્માએ મને પ્રશ્ન પૂછવા ધક્કો માર્યો: ‘તે હેં ભૈયા, ઈન દો કો ક્યા વાંધા પડા?’
‘વો તો હમેરે કો નહી માલુમ મેડમ. મેં કેસે પૂછ સક્તા હું સાહેબલોક સે?’
સહેજ નિરાશ થઈને મારા આતમરામે પાછું ઢબૂરાઈ જવાનું મુનાસિબ માન્યું. ને મેં માથું ધુણાવીને કહ્યું: ‘ઓકે, તુમ જાવ.’
સમારંભ પંદર દિવસ પછી હતો. વળી ચાર પાંચ દિવસ પછી સવાર સવારમાં જ સોસાયટી તરફથી બીજું ફરફરિયું આવ્યું. આ વખતે વોચમેને મને પૂછવાની તક પણ ન આપી અને જ્ઞાન આપ્યું કે એ ફરફરિયું સમારંભ દરમ્યાન ચા-નાસ્તા અને સમારંભ પૂરો થયા પછી જમણવાર માટે જ છે, એમાં કેટલાં સભ્યો આવશે એ સંખ્યા લખવાની હતી, ખાસ કંઈ નથી. અલા ભઇ, એ જ તો ખાસ છે. જમવાનું જાય ને સોસાયટીવાળા દૂભાય એ કદાપિ ન ચાલે. મેં સભ્ય સંખ્યા લખાવી ને જમણમાં શું હશે એવી સામાન્ય જ પૃચ્છા કરી. વળી પેલાં અજ્ઞાનીએ જ્ઞાન પ્રદર્શિત કર્યું: ‘હમેરે કો નહીં માલુમ, મેં કેસે પૂછ સકતા હું સાહેબલોક સે?’ મેં મન મનાવ્યું કે કંઈ નહીં અઠવાડિયું જ છે ને હવે, પછી તો ખબર પડી જ જશે ને. જોતજોતામાં એ મંગળ દિવસ પણ આવી પહોંચ્યો. સોસાયટીનું ક્લબહાઉસ સરસ શણગારેલું હતું. પ્રવેશદ્વારમાં જ મા સરસ્વતીનું વીણા વગાડતું પૂતળું મન ઠારતું હતું. સાંજે છ વાગ્યે કાર્યક્રમ શરૂ થવાનો હતો. હું જઈને સ્ટેજ બરાબર દેખાય એમ બેસી ગઈ. ધીમે ધીમે આખો હૉલ ભરાવા માંડ્યો. ટેણિયા મેણિયા આમથી તેમ દોડાદોડ કરી રહ્યા હતા. સ્વયંસેવકો હૉલમાં આગલી ચાર રો ખાલી રાખીને બેસવા અનુરોધ કરી રહ્યા હતા. સ્ટેજ પર માઇક ટેસ્ટિંગ થઈ રહેલું એટલે એકધારું વન ટુ થ્રી વન ટુ થ્રી સંભળાતું હતું. કેટલાંક ઘણાં સમય પછી મળતા હોવાથી એકબીજાને જોઈ-મળીને આનંદ વ્યક્ત કરી રહેલાં તો કેટલાંક ખૂણો પકડીને બેસી ગયેલાં. જે બાળકોનું સન્માન થવાનું હતું એ જરા વટ્ટમાં હતા ને એમની સાથે આવેલા એમના માતા-પિતા પણ પોરસાઈ રહેલા. હૉલમાં પારાવાર ઘોંઘાટનું જ સામ્રાજ્ય હતું. સોસાયટીમાં આટલાં બધા રહે છે એ મને આજે જ ખબર પડી. ઘડિયાળનો કાંટો આગળ ખસતો જતો હતો એમ એમ બધાની ધીરજ પુરી થવા પર હતી. છ ના બદલે સાત વાગ્યે સોસાયટીના સેક્રેટરી અને ચેરમેન પોતાના પરિવાર સાથે પ્રવેશ્યા અને ક્લાસમાં શિક્ષકની એન્ટ્રી સાથે બધાં ચુપ થઈને પોતાના સ્થાન પર ગોઠવાઈ જાય બિલકુલ એમ જ હૉલમાં આમ તેમ ફરતા સહુ કોઈ નિયત જગ્યાએ ગોઠવાઈ ગયા. પ્રાસંગિક ભાષણોનો દૌર ચાલ્યો એમાં ચેરમેન શ્રીએ બાળકોની સિદ્ધિને બદલે સોસાયટીની કામગીરીની બિરદાવલી ગાવા માંડી. એક કારોબારી સભ્યએ ઊભા થઈને ધીમેથી ચેરમેનશ્રીના કાનમાં પ્રસંગની યાદ અપાવી એટલે પાછી ગાડી પાટે ચડી. સ્ટેજ પર દસ જણ બેઠેલાં. દરેક જણ બોલશે તો આંટા આવી જશે ને એ પછી મુખ્ય સન્માનનો કાર્યક્રમ એટલે ઓછાંમાં ઓછાં નવ વાગશે. પંદરેક મિનિટ પછી ધીમો ગણગણાટ ને આવન જાવન શરૂ થયા. હૉલની બહાર એક તરફ ચ્હા નાસ્તાનું કાઉન્ટર પર ધસારો વધવા માંડ્યો. સ્ટેજ પર બેઠેલાં મહાનુભાવોની ચકોર નજરે આ ચહલપહલ પકડી પાડી અને જલદી જલદી બાળકોના સન્માનની જાહેરાત કરી. આખા હૉલમાં ઉલ્લાસ વ્યાપી ગયો. બાળકોના હરખઘેલાં માતા પિતા મોબાઇલ કૅમેરા લઈને સ્ટેજ પાસે ધસી ગયાં. બાળકો ય પોતાનું નામ બોલાય એની ઉત્સુકતામાં એનાઉન્સર સામે જોઈ રહેલા. સન્માન થનાર બાળકોના ડાબા ખભા પાસે સોસાયટીના નામનો રંગબેરંગી ફૂમતાવાળો એક બિલ્લો સેફ્ટીપિનથી ભરાવવામાં આવેલો જેથી કોઈ ભળતું જ બાળક સન્માન ન લઈ જાય. મને વિચાર આવ્યો કે તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ હોય તો બરાબર પણ જો એવું ન હોય તો જે બાળકોનું સન્માન ન થાય એ કેવું અનુભવતાં હશે? બાળકનું નામ બોલાય, એની સાથે એના માતા પિતાનો ઉલ્લેખ થાય, જો માતા કે પિતા સોસાયટીની કારોબારી મંડળીમાં સભ્ય હોય તો એ ય એક ક્વૉલિફિકેશન ગણાય. આવા બધાં વિચારોમાં મેં બધા બાળકોના સન્માન સમયે યંત્રવત્ તાળીઓ પાડી દીધી. છેવટે સન્માન સમારંભ પૂરો થયો. અને હરિહરનો સાદ પડ્યો. સન્માન સમારંભ કરતા આ જાહેરાત વધુ તાળીઓની હક્કદાર બની.
ક્રોંખારો : સન્માન સમારંભ કરતા ભોજન સમારંભનો સક્સેસ રેશિયો કાયમ ઊંચો જ રહેવાનો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર