દાઝ કાઢવાની કળા

08 Jul, 2017
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: quotesideas.com

તમને ગુસ્સો આવે તો તમારી પ્રતિક્રિયા શું હોય? તુંડેતુંડે મતિર્ભિન્ના. દરેકની ગુસ્સો કે દાઝ પ્રગટ કરવાની પોતાની રીત હોય. કોઈ બોલવાનું બંધ કરી દે તો કોઈ અન્ન ત્યાગી દે. કોઈ વળી મારામારી કરી બેસે તો કોઈ લાગ જોઇને ઘા કરે. પોતાનું ધાર્યું ન થાય એ કોઈને પણ દાઝ કે ગુસ્સો આવવાનું મુખ્ય પરિબળ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનો પાછળ સુવાક્યોમાં ક્રોધ અંગેના જ્ઞાન બહુ ઠલવાયેલા  દેખાય પણ દુર્ભાગ્યે એ પાછળ લખેલા હોવાથી વાહનના  ડ્રાઈવરને વંચાતું નથી એટલે જો એના વાહનની નિર્ધારિત ગતિમાં જરા જોટલો પણ અવરોધ આવે તો એ ક્ષણમાત્રમાં ક્રોધિત થઈ ઊઠે છે. અને ક્રોધ આવવાથી એ ન બોલવાનું બોલી બેસે છે. ગુસ્સો આવતાવેંત જ ઘણા બોલીને પોતાનો ગુસ્સો જાહેર કરી દે એવા શીઘ્રપ્રતિક્રિયાદાયી હોય છે. તરત દાન મહાપુણ્ય એમનો મંત્ર હોય છે. મોટાભાગના વાહનચાલકો આ કક્ષામાં આવે. બોલી નાંખે પછી મનમાં કંઈ ન હોય. ધારો કે બીજા દિવસે એમને નડતરરૂપ થયેલ વ્યક્તિ એમને સામી મળી જાય તો એમને યાદ પણ ન હોય એવી શક્યતાઓ ભારોભાર રહેલી છે. 

સંગ્રાહક : આ પ્રકારના દાઝ કાઢનારા દાઝ તો કાઢે પણ મનમાં સંઘરી ય રાખે લાંબા સમય સુધી. ‘તેં નહીં ને તારા પિતાજીએ મને અપશબ્દો કહેલા એટલે હું પણ તને અપશબ્દો કહીશ’ વાળી માનસિક્તા, યુ સી.

મનોવ્યાપારી : આમાં જાતક પોતાના મનમાં જ દાઝ કાઢે, ખરેખર જ્યાં લાગતું વળગતું હોય ત્યાં ચૂપ રહે. ‘હવે મળે તો એને આમ કહી દઈશ ને તેમ કહી દઈશ…’ પણ કહેતી વખતે જીભ પર તાળા વાગી જાય. 

હાથી ટાઈપ્સ : જેમ હાથીના ચાવવાના અને દેખાડવાના દાત જુદાં હોય એમ આ પ્રકારના દાઝીલાઓના મનમાં કંઈક હોય પણ પ્રગટપણે કંઈ બીજું જ કહે. 

કાનભંભેરુ ટાઈપ્સ : આ પ્રકારના દાઝીલાઓ પોતે તો કંઈ પગલા લેવા અક્ષમ હોય પણ કોઈના કાન ભંભેરવામાં નિષ્ણાત હોય. પોતાની દાઝ કોઈના દ્વારા કાઢે. મંથરા અને કૈકેયી આનું ઉદાહરણ છે. મંથરા પોતે તો દશરથને કશું કહી કે કરી શકે એમ ન હતી એટલે એણે કૈકેયીના ટેકાથી દશરથનું પત્તું ઉડાવેલું. 

સ્પષ્ટવક્તા : स्पष्टवक्ता सुखीन भवेत् સૂત્ર બરાબર પચાવીને અમલમાં મૂકનારી આ પ્રજાતિએ 'આપડે તો જે હોય એ મોં પર જ કહી દઈએ. કોઈની સાડીબારી ના રાખીએ' નો વહેમ પાળી રાખ્યો હોવાથી એમના દોસ્તો કરતા દુશ્મનોનું લિસ્ટ મોટું હોય છે. પણ સાથે સાથે આ પ્રજાતિ વિશ્વાસુ ય લેખાય છે. 

પાટલીબદલુ કે ડબલ ઢોલકી દાઝીલાઓ: આ પ્રકારના જાતકો પોતાનો ફાયદો કોના પર દાઝ કાઢવામાં છે એ જોઈને દાઝ કાઢે. ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર આ પ્રકાર વધુ જોવા મળે છે. કોઈ સેલિબ્રિટીએ જો કોઈની વિરુદ્ધ કંઈ લખ્યું હોય તો પોતાની દાઝ કોમેન્ટ સ્વરૂપે ઠાલવે. જેની વિરુદ્ધમાં લખ્યું હોય એની સાથે પાછાં પોતાના અંગત સંબંધ હોવાનો બફાટ બીજા કોઈના લખાણમાં ય કર્યો હોય. આવા દાઝીલાઓ કોઈના મિત્ર બની શક્તા નથી.

ઇર્ષ્યાળુ દાઝીલા: આ સૌથી ખતરનાક કોમ્યુનિટી છે. ઇર્ષ્યાને લીધે એમનાથી અન્ય કોઈનું સારું થતું જોઈ શકાતું નથી એટલે જ્યાં ત્યાં કોઇને નુકસાન કરવાની જ ફિરાકમાં હોય. 

ભાગેડુ : આ પ્રકારના જાતક સામાન્ય રીતે શરમાળ પ્રકૃતિના હોય છે અને દાઝ કાઢે એવા જોવા મળતા નથી.  ઝઘડાભીરુ હોવાને લીધે એ કોઇની સાથે સંઘર્ષમાં ઉતરવાનું મોટાભાગે ટાળે. એટલે જેવી કંઇ માથાકુટ કે અથડામણ જેવું લાગે કે ઘટનાસ્થળથી પોબારા ગણી જાય. આવા લોકો સહુના ગમતીલા હોય છે.  મહેતાજી મારે ય નહીં ને ભણાવે ય નહીં. ચીનમાં એક યુવકને એની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો. પોતાનો ગુસ્સો વધુ પડતો ન દર્શાવી દેવાય એ બીકે ભાઈસાહેબ સાઇકલ લઇને છેક દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા તે છ મહિને પાછાં ચીનભેગા થયા. પાછો આ ચીનકો તો તલવારબાજ તરીકે કોચિંગ પણ આપે છે. કસરત કરવાથી ગુસ્સો ય બળે એવું એને કોણે ભેજામાં ઉતાર્યું હશે ભગવાન જાણે પણ કેટલો ગુસ્સો ધરબી રાખ્યો હશે કે એ શાંત કરવા  એણે છ મહિના સુધી સાઇકલ ચલાવ્યા રાખી. એણે તલવારનો ઉપયોગ કેમ ટાળ્યો હશે એ વિષે કોઈએ સંશોધન કરવું જોઈએ. 

સ્વનુકસાનકર્તા: આ જાતક દાઝ ઉતારવા માટે સ્વાવલંબી હોય છે. દાઝ કે ગુસ્સો પોતાના પર જ ઉતારે. અન્ન ત્યાગ એમનું સૌથી મોટું શસ્ત્ર છે. જેવો ગુસ્સો આવે કે અન્ન સાથે અબોલા લઈ લે. ગાંધીજીએ પોતાનાથી કે અન્યથી થઈ ગયેલા કોઈ કૃત્યના પશ્ચાતાપ અર્થે ઉપવાસનું હથિયાર તરીકે ઉપયોગ કરેલો પણ હવે લોકો અન્યોને બીવડાવવા માટે અન્ન ત્યાગના ત્રાગાં અજમાવે છે. કર્ણાટકના ટુમકુરુમાં તો લગ્નસમારંભમાં બનાવેલા રસમ સંભાર સારાં સ્વાદના ન હોવાથી દાઝે ભરાયેલાં વરરાજાએ લીલા તોરણે જાન પાછી લઈ જવાનો નિર્ણય પળવારમાં લઈ લીધેલો. (જો કે અમને આમાં અંગતપણે એવું લાગે છે કે ખરું કારણ કંઈ બીજું જ હશે પણ બલિ ચડ્યો રસમ સંભારનો.) આ કિસ્સામાં નવવધુનો હાથ બીજા કોઈ ભાગ્યશાળીએ ઝાલી લીધો. 

અવિચારી : આ પ્રકારની વ્યક્તિઓ વગરવિચાર્યે જ દાઝ ઉતારતા હોય છે. ઈટાલીના એક પાયલટને એની પત્ની સાથે ઝઘડો થયો. બંને બરાબરના દાઝે ભરાયેલાં. પત્નીએ પતિને છોડી દેવાની ધમકી આપી તો સામે પાયલટબાબુ ય ગાંજ્યા જાય એમ નહોતા. પોતે તો મરી જ જાય, સાથે બીજા 2૦૦ મુસાફરોની ય છેક સુધીની ટિકિટ ફાટી જાય એમ પ્લેન ક્રેશ કરવાની ધમકી મોબાઈલ મેસેજથી આપી. પેલા બહેન ગભરાયા અને એમણે ' ક્રોધથી મૂઢતા આવે,મૂઢતા સ્મૃતિને હરે; સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.' વાળો ગીતાબોધ નહીં વાંચ્યો હોય તો ય સમજાઈ ગયો હશે. પોલીસની દરમ્યાનગીરીથી એ 201 જણનો જીવ બચી ગયો. 

 ક્રોંખારો : 

બ્રાહ્મણની આંખમાં ઝેર,

રજપુતના હાથમાં ઝેર;

પટેલની જીભમાં ઝેર,

વણિકના પેટમાં ઝેર .

( જૂની કહેવત) 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.