યોગાનુયોગ

17 Jun, 2017
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: nebula.wsimg.com

થોડા દિવસ પહેલા એક યોગ કેન્દ્ર પર જવાનું બન્યું. માત્ર અને માત્ર કુતૂહલથી જ અમે મિત્રની સાથે કેન્દ્ર પર જવાનું સ્વીકારેલું. બાકી અમે એવા ક્લાસ-ફ્લાસમાં જઈએ જ નહીં. જે કસરત કે યોગ કરવા હોય એ આપણે ઘરે જ કરવાના. કોઈ શેનું અમને સલાહ આપે? આમ અમને અભિમાનનો છાંટો નહીં પણ કોઈનું આધિપત્ય તો હરગીઝ ન ચલાવી લેવાય. ને એમ પણ અમને બધું જ આવડે છે એટલે કોઈની પાસે અમે માથું નીચું કરીને અમને નથી ખબર કે નથી આવડતું એવું તો કોઇ કાળે ન કહીએ. 

હં તો ક્યાં હતા આપણે? યસ, યોગ કેન્દ્ર પર. બહાર પાંચેક અદ્યતન કાર, ચારેક બાઈક ને સ્કૂટર પાર્ક થયેલા હતા.  સરસ મઝાનું સુશોભિત કરેલું પ્રવેશદ્વાર જોઈને અમે જરા અચંબામાં પડ્યા. અમે ભૂલમાં કોઈ લગ્નવાળા ઘરમાં તો નથી આવી ચડ્યાને એવો ય વિચાર આવી ગયો. સવારના પહોરમાં સાડા પાંચ વાગ્યે કોઈને ત્યાં સરનામું ય કેવી રીતે પૂછવું? પણ એવા છબરડાં કરવા માટે અમે પ્રખ્યાત છીએ અમારા મિત્ર નહીં. એ તો ખૂબ ચોક્કસ છે. એટલે અમે ઝાઝો વિચાર કર્યા વિના આમ તેમ ફાંફાં મારતા હતા એટલામાં જ અમારી નજર કલાત્મક રીતે કાપેલા ઝાડની ડાળીએ લહેરાતા પાટિયા પર પડી જેના પર લખ્યું હતું ' તનમન આરોગ્ય સુધાર કેન્દ્ર'. બરાબર જગ્યાએ જ પાર્સલ પહોંચ્યાનો અમને હાશકારો થયો. 

દરવાજા પર 'કૂતરાંથી સાવધાન'વાળું બોર્ડ જોઈને મિત્ર ગભરાયા. એમને ભુતકાળમાં કૂતરાંએ વહાલથી બટકું ભરેલું. એ વહાલપૂર્ણ એકતરફી વ્યવહાર  એમને વીસ હજારમાં પડેલો. એટલે એમણે અમને ઢાલ તરીકે  આગળ કર્યા. 'તમારા ઘરે તો છે ને કૂતરું, એટલે તમને વાંધો નહીં.' અમે પ્રગટપણે હા કહી અને સહેજ મલક્યા. મનોમન તો અમને મિત્ર કરતાં ય વધુ ગભરાટ થતો હતો. અમારે ત્યાં કૂતરું છે એ વાત સાચી ને અમને માત્ર એની જ બીક નથી લાગતી. બાકી બધાં કૂતરાં અમને જમદૂત સમા જ ભાસે છે. સ્કૂટર પર કે ઈવન કારમાં જતાં હોઈએ અને જો એકાદું પાંડવમિત્ર પાછળ  દોડે તો અમે ગભરાઈને પલાંઠી વાળી દઈએ. 

હવે આવું તો કોઈને કહેવાય નહીં. પ્રેસ્ટિજ ઈશ્યુ, યુ નોવ? એટલે પરાણે હસતું મોં રાખીને અમે મેઈન ગેઈટ ખોલ્યો. અંદરથી કેવા પાંડવમિત્ર પ્રગટ થશે એની ચટપટીમાં જરાવાર તો ઊભા રહ્યાં. એકદમ ક્યાંકથી ગેબી અવાજ સંભળાયો.'એ આવી જાવ ગભરાયા વિના. ખાલી પાટિયું જ છે. કૂતરું નથી.'  અમે આકાશવાણીની દિશા પારખીને ઊંચે જોયું. ઉપર બાલ્કનીમાં ધોળા બગલા જેવો સદરો ને લેંઘો પહેરીને એક આધેડ વયનાં ભાઈ સેલફોનમાં કંઈ મથામણ કરતા દેખાયા.અમને હજુ અર્જુન અવસ્થામાં જોઈને એમણે ઉપરનું વાક્ય રિપીટ કર્યું.  એટલે અમે બંને નચિંતપણે અંદર દાખલ થયા. આકાશવાણીના માલિકે કહ્યું તો ય અમારા મનમાં જરા જરા ફડકો તો હતો જ. ખોટું શું બોલવાનું ? વળી ઉપરથી પેલા ભાઈએ ટહુકો કરીને સીડીની દિશા દેખાડી. અમે આભારવશ સીડી તરફ ચાલ્યા. 

મિત્રએ અમને અમારી આદત પ્રમાણે કોઈ બફાટ ન કરવા વિનંતીઓ કરી. અમે સંમત થયા કે 'ડોન્ટ વરી,બી હેપ્પી'. ઉપર પહોંચીને જોયું તો એક મોટા ખંડમાં બાર-તેર જણા આંખો બંધ કરીને, વ્યવસ્થિત ગોઠવાઈને બેઠેલા હતા. સામે એક પાટ ઉપર ગુરુજી પણ બંધ આંખ કરીને પદ્માસનમાં બેઠેલા હતા. બધા એક સાથે શ્વાસોચ્છવાસની ક્રિયા કરી રહ્યા હતા. બધા લગભગ લયબદ્ધ હતા પણ એક બાનુને પદ્માસનમાં બેસવાની ટેવ નહીં હોય કે ગમે તે કારણ હોય પણ એ અસ્વસ્થ હતા. છેવટે એ સુખાસન (સાદી પલાંઠી)વાળીને બેસવાનું હિતાવહ માનીને પદ્માસનમાંથી સુખાસનમાં બેઠા. પછી જરા ઠર્યા. અમે બંને મિત્રો આ સમગ્ર ક્રિયા દરમિયાન મૂંગા મૂંગા ઊભા રહેલા. વચમાં અમે કંઈ બોલવા ગયા તો મિત્રે એવા તો ડોળાં તતડાવ્યાં કે અમે ડઘાઈ ગયા. ને ડોળાના લાભાર્થે શાંતિ જાળવવી મુનાસિબ સમજીને ચૂપચાપ તાલ જોયા કીધો. 

યુગો જેવડી લાંબી થોડી પળો એમ જ વીતી ગઈ પછી અચાનક જ ગુરુજીએ મોટેથી ઓઓઓઓ… મમ… અ… બૂમ પાડી. પડઘો પાડતા હોય એમ સામે બેઠેલાં સૌએ પણ અનુકરણ કર્યું. હવે ગુરુજી અને અન્યો પોતાની હથેળી ઘસીને એ ગરમી (ગુરુજીની ભાષામાં ઉર્જા) પોતાના આંખ, માથા,ગળા પર પાસ ઑન કરી. અને વીજળી જેવી ઝડપથી બધા ઊભા થઈ ગયા. પાટ પર બિરાજમાન ગુરુજીને પગે લાગીને સૌ નીકળ્યાં. ઘડીભરમાં તો ખંડ ખાલી. આખરે અમારો વારો આવ્યો એમ વિચારીને અમે ગુરુજીની સમીપે ગયા. મિત્ર પગે લાગ્યા. ગુરુજીએ આશીર્વાદ આપ્યા. અમે ય મિત્ર પગે લાગેલા એ જ રીતે   પગે લાગ્યા અને આશીર્વાદ મેળવી બડભાગી બન્યા. ગુરુજી મિત્ર વિશે જાણતા જ હતા એટલે એમને કશું પુછ્યું નહીં. એમના એક આસિસ્ટન્ટે એક ફોર્મ આપ્યું જે બીજે દિવસે ભરીને લાવો તો ચાલે એવું હતું. અમારી સામે જોઈને ગુરુજીએ ઉંમર, કોઈ શારીરિક તકલીફ, વારસાગત રોગ ને એવી બધી પ્રાથમિક માહિતી પૂછી. તનમન આરોગ્ય સુધાર કેન્દ્રમાં શારીરિક અને માનસિક બિમારીઓ વૈજ્ઞાનિક રીતે દૂર કરવામાં આવે છે એ માહિતી આપી. આજકાલ યોગગુરુ ને મોટિવેશનલ ગુરુ ને એવા પ્રકારનાં રૂપકડાં નામ ધરાવતા બની બેઠેલા ગુરુઓની સખત ભાષામાં ઝાટકણી કાઢી. આવા ગુરુઓ ભોળી પ્રજાને કેવી રીતે છેતરે છે એ વિશે બળાપો કાઢીને એમનો પારો જરા ઉતર્યો હોય એમ લાગ્યું. 

અમને જરા અળવીતરો વિચાર આવ્યો કે ગુરુજી પોતાના મનના આરોગ્ય માટે કંઈ કરતા નથી લાગતા. ત્યાં જ ગુરુજીએ અમારા યોગજ્ઞાનની કસોટી કરવા માંડી. અમે અમારું સઘળું જ્ઞાન ઠાલવી દીધું. ગુરુજી પ્રભાવિત થઈ ગયા. રા. રા. શ્રી શ્રી રવિશંકર ને બાબા રામદેવના યોગ વિશે ય વાત કરી દીધી. આ તો શું કે એમને એમ ન લાગવું જોઈએ કે આપણે હાવ ઝીરો છીએ. ટૂંકમાં, છાકો પડી જવો જોઇએ. ને અમારી વાત પૂરી કરીને ગુરુજીને નિહાળતા અમને એમ લાગ્યું કે અમારું બોલેલું ફોગટ નથી ગયું. મિત્ર પણ અમારા બફાટ-લેસ વક્તવ્યથી ખુશમાં લાગ્યા. અમારે હવે ઑફિસે પહોંચવાનું હોવાથી બીજા દિવસથી ક્લાસમાં આવવાનું વચન આપીને અમે રજા માંગી. ગુરુજીએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો : ' સૌથી વધુ કયું આસન ફાવે તમને?'

અમે અત્યાર સુધી જે નહતું કર્યું અને જો હજી જાળવી જાત તો કદાચ વિક્રમ થઈ જાત પણ અમે એમ ન કરીએ તો અમે અમે ન કહેવાઈએ. ને અમે જવાબ આપ્યો, ‘કોઈ પણ આસન ફાવે. મોસ્ટલી તો શેતરંજી જ વપરાશમાં લઈએ છીએ.ચાઈનાવાળાઓએ તો રંગબેરંગી yoga-met બજારમાં ક્યારની ખડકી દીધી છે પણ અમે પ્યોર સ્વદેશીના હિમાયતી છીએ. એ વિદેશી વસ્તુઓનો આપણે સહેજ પણ મોહ નથી.' 

આટલું સાંભળતા તો ગુરુજી અવાક્ જેવા થઈ ગયા અને અમારા મિત્રએ અમને રીતસર બારણા બાજુ ધકેલ્યા. શું થયું એ સમજાય એ પહોલા તો અમે પગથિયા ઉતરી ય ગયેલા. 

ક્રોંખારો: 

શવાસન ધ બેસ્ટ આસન છે.આ એક જ આસન સૌ કોઈ આસાનીથી શીખી શકે છે.  

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.