રિક્ષા ઉર્ફે..ભૂવા ઉર્ફે ..

22 Jul, 2017
12:01 AM

શિલ્પા દેસાઈ

PC: wp-content

"એ ભૈયા, ગાડી થોડી ફાસ ચલાવો ને જલદી સે પહોંચના હે. કિતની બાર બોલને કા ને "

".........."

"એ ભૈયા, સુનતે હો કે નઈં?"

આટલું સાંભળતા જેને અમે ભૈયા કહેલું એમણે કંટાળીને એક નજર અમારા પર ફેંકી ને જમણી બાજુ કાટખુણે નીચા વળીને મોંમાં માવો ભરેલો તેની પિચકારીથી ડામરના રોડને કલરફુલ બનાવવાનો ભરપુર પ્રયાસ કર્યો. ચોકડાંવાળું મેલખાઉ શર્ટ, મેચીંગ રંગનું ટ્રાઉઝર, હાથ પર સ્થાનિક કંપનીનું હોય એવું ઘડિયાળ, બેફિકરાઈથી પણ વ્યવસ્થિત ઓળેલા વાળ, ઘડિયાળની જેમ જ લોકલ બ્રાન્ડના હોય એવા જૂતાં, બધું મળીને પ્રમાણમાં સુઘડ જણાતા રિક્ષાને ગાડી કહેતાં રિક્ષા ડ્રાઈવરે જવાબ આપ્યો : "ગાડી ૫૦ થી ફાસ નહીં ચાલે. આપડે ખોટી સ્પીડમાં માનતા જ નહીં. ગાડીની બહાર લખ્યુ જ છ ચોખ્ખુ કે આ ગાડી ૫૦ થી વધારે સ્પીડમાં નહીં જાય. "અમે જરા ભોંઠા પડી ગયા કારણકે અમને આવા જવાબની આશા નહોતી. મન મનાવીને બેસી રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. માંડમાંડ મળેલી આ એકમેવ રિક્ષા જ અમારી તારણહાર હતી. અમે રહીએ છીએ એ વિસ્તારમાં ગયા ભવમાં પુણ્યનું ભાથું બાંધ્યું હોય તો જ ક્યાંય પણ જવું હોય ત્યારે રિક્ષા મળે. એટલે મોંઘેરી મિરાત જેવી આ રિક્ષાને આમ અમે જવા દેવા માંગતા ન હતા. હવે જો રિક્ષા છોડી દઈએ ને પછી લાંબે સુધી રિક્ષા ન મળે અથવા વધુ ભાડું આપવું પડે તો? આવા વિચારો કરતા કરતા અમે મુંગા થઈ ગયા ને રિક્ષામાં ફાંફા મારવા લાગ્યા. સીટની બંને તરફ સરસ મઝાના કુદરતી દ્રશ્યના પોસ્ટર લગાવેલા હતા. ખાસ સજાવટ નહતી રિક્ષામાં. ડ્રાઈવરની સામેની બાજુ અરીસાની નીચે ' પ્રભુ સહુનું કલ્યાણ કરો ' વાંચીને અમને ડ્રાઈવર માટે સકારાત્મકતા અનુભવાઈ. ભગવાનથી ડરનારો છે એટલે સાવ રીઢો તો નહીં જ હોય. વળી, સાઈડ મીરર પર બજારમાં મળતાં હોય એ બધાં કાળાંલાલપીળાં ફૂમતાંનો મેળો ય ભર્યો નહતો. નિરીક્ષણ કરતા કરતા અમે ક્યારે વિચારવનમાં પ્રવેશી ગયા તે ખ્યાલ જ ન રહ્યો.

રિક્ષાની શોધ લગભગ ૧૯૪૮માં ઈટલીમાં થઈ. મુખ્યત્વે મુસાફરી માટે અત્યંત ઉપયોગી એવા આ વાહનનો વપરાશ એશિયન દેશોમાં વધુ છે. શોધકને કોઈ કાળે કલ્પના ય નહીં હોય કે એણે શોધેલું આ ત્રિચક્રીય વાહન ભારત નામના દેશમાં, ગુજરાત નામના પ્રદેશમાં આટલું લોકપ્રિય થઈ જશે. ગુજરાતમાં ગુજરાત બહારથી આવેલાં લોકોને દારુબંધીની નથી લાગતી એટલી નવાઈ આ રિક્ષાઓની સુલભતાથી લાગે છે. એમ તો અમદાવાદના સ્પીડબ્રેકર ઉર્ફે બમ્પ્સ પણ જાદુગરીના નમુના સમાન છે. જે રસ્તેથી સાંજે નોકરીએથી ઘરે જતા જ પસાર થયા હોઈએ ત્યાંથી બીજા દિવસે સવારે પસાર થઈએ એટલામાં જ બમ્પ બની ગયો હોય. ને જો ધ્યાન ન હોય તો અચુક સરકસના ખેલ કરતા હોઈએ એવો ભાસ આપણાને પોતાને જ થાય એવું ય બને. આ રિક્ષાવાળા ભાઈ 'ગાડી' સરસ ચલાવે છે. એકેયવાર સરકસવીર જેવો અનુભવ કરાવ્યો નથી. બાકી કેટલાંક તો એવી ઝીકઝેક ચલાવે કે સામેથી આવતા વાહનને સમજ જ ન પડે કે રોન્ગ સાઈડ કોણ છે? એકદમ સ્પીડમાં ચલાવે ને બ્રેક મારવાની આવે ત્યારે બ્રેક પર ઊભા જ થઈ ગયા હોય. હજુ બમ્પનો આ વિચાર પુરો થયો એટલામાં જ રિક્ષા ઉછળી. સાથે અમે ય ઉછળ્યા. રિક્ષાની બહુ ઝડપ ન હોવાથી સાધારણ જ ઉછળ્યા બાકી અમારા માથા પર પણ રાતોરાત બમ્પ થઈ જ ગયો હોત.

હજુ અમે આ આઘાતનો કંઈ પ્રત્યાઘાત આપીએ એ પહેલાં જ ડ્રાઈવર એકદમ જમણી બાજુ બહારની બાજુ કાટખુણે વાંકો વળી ગયો. અમને એકદમ ફાળ પડી. ને સહેજવારમાં તો કંઈ કેટલાય અશુભ વિચારો પણ આવી ગયા કે આને ફીટનો પ્રોબ્લેમ હશે? એને ધારો કે એટેક આવ્યો હશે તો અમે શું કરીશું? ક્યાંક રિક્ષા ઊભી રાખે એ પહેલાં ભટકાવી મારશે તો? અમારા ઘરે કેવી રીતે માહિતી મળશે? ઓહોહો.. અમે પરસેવે રેબઝેબ.. એટલામાં તો ડ્રાઈવરે યથાસ્થિતિમાં આસન ગ્રહણ કરીને પાછળ જોયું. " સોરી હોં મેડમ.. ઓહ.. મેડમ.. મેડમ.. તમને કંઈ થાય છે? " અમે '' હેં..હં.. હા.." કહેતા સ્વસ્થ થઈ ગયા. એને ય અમારા ચહેરા ભણી નજર કરતા અમને એના માટે જે વિચારો આવ્યા એ જ વિચારો ડિટ્ટો આવ્યાં હોય તો નવાઈ નહીં. " મેડમ.. તમને કંઈ થતું હોય તો આપડે ગાડી બાજુ પર રાખીને ૧૦૮ બોલાવું?" "ના,ના.. આયમ ફાઈન.. એ તો એકદમ તમે નીચે નમી ગયા તો અમે ગભરાઈ ગયેલા." આટલું સાંભળીને ડ્રાઈવર પાછો રિલેક્સ થઈને રિક્ષા ચલાવવા માંડ્યો. તાણ ઓછી કરવા અમે રિક્ષાની ખુબીઓનું નિરીક્ષણ કરવા માંડ્યું. એની સીટ પાછળ લખેલી સુચનાઓથી અમને બોધ લાધ્યો કે રિક્ષાવાળો પોતાના વિચારોમાં સહેજ પણ બાંધછોડ ચલાવે એવો નથી. એક સુચના એવી હતી કે 'ગાડી કાચા અથવા ભુવાવાળા રસ્તે હરગીઝ નહીં જાય.' વાંચીને વળી અમે વિચારભુવામાં ગરકાવ થઈ ગયા. ભુવા રામાયણકાળથી પડતા હોવા જોઈએ. સીતાજીને ધરતીમાતાએ ભુવામાં જ સમાવી લીધા હશે. વળી પાછા ઉબડખાબડ રસ્તાઓએ અમારી વિચારયાત્રામાં રોડાં નાંખ્યા અને આખે રસ્તે સળંગ ખોદકામ થતું જોઈને નવો વિચાર આવ્યો કે મિર્ઝા ગાલિબને એમની પ્રખ્યાત રચના 'ન થા કુછ તો ખુદા થા..ન હોતા કુછ તો ખુદા હોતા..' અમદાવાદની રિક્ષામાં બેસીને જ ઠેરઠેર ખોદેલું જોઈને આપોઆપ સ્ફુરી હશે. પાછાં અહીં તો ભુવો પડે એ ઘટના અને ઘટનાસ્થળ પણ સીટી સાઈટ સીનમાં સ્થાન પામે અને લોકો જોવા માટે દોટ મુકે. હવે તો પાછાં સેલ્ફી ને વિડિયોનો જમાનો છે તો લોકો જાતજાતના ચેનચાળા સાથે વિડીયો ક્લિપ ને સેલ્ફી ય વાઈરલ કરી દે. વરસાદ આવવાનો થાય કે અમદાવાદમાં એકે ય રસ્તો ખોદાયા વિનાનો રહી ન જાય. પણ રિક્ષાવાળાઓ ધન્ય છે. ગમ્મે એટલી ભીડમાં ય અર્જુન જેવી ફોકસ-તાથી તમને સામે પાર ઉતારી જ દે. એક આગલું વ્હીલ જ ઘુસે એટલી જગ્યામાંથી હુડિની હલબલી જાય એવી રીતે ટ્રીક મારીને આખી રિક્ષા પાર કરી જ દે. સાઈડ આપવાની સ્ટાઈલ તો આહા..ક્યા કહેને! એક તો આવડી મોટી સીટમાં બેઠાં હોય એક સાઈડ પર, જેવું વળવાનું આવે કે એ બાજુનો પગ બહાર કાઢીને સાઈડ આપે. અમે તો સાંભળ્યું છે કે જામનગરના રિક્ષાવાળાઓ પગથી સાઈડ આપી શકે તો જ એમને લાઇસન્સ મળે છે. રાજકોટમાં જો રિક્ષાવાળો સાઈડ આપે તો એને લાયસન્સ મળતું નથી. સુરતમાં રિક્ષામાં સફર કરતી વખતે વળાંકે વળાંકે અને ગલીએ ગલીએ મુસાફરના શબ્દભંડોળમાં વધારો થતો રહે છે. જો કે, અમદાવાદના વૈતરણી જેવો ટ્રાફિક પાર કરાવવા માટે નાવિક તો અમદાવાદનો રિક્ષાવાળો જ જોઈએ. આવા આવા વિચારો કરતા કરતા અમે અમારી મંઝિલ સુધી પહોંચી ગયા. રિક્ષાવાળાએ મીટર મુજબ જ ભાડું વસુલતા અમને એના માટે માન થઈ આવ્યું. બાકી, મીટર મ્યુઝિયમમાંથી લાવીને લગાડ્યું હોય એમ 'મીટર બંધ છે' કહીને ગ્રાહક પાસેથી પાંચ પંદર રૂપિયા વધુ પડાવતા રિક્ષાવાળાઓ આપણે જોયા જ છે ને ! 

ક્રોંખારો: આ ભૂવા તમારા મનસૂબા ઉથલાવી દે.. કહેવાય નહીં..

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.