પ્રશંસાપુષ્પ
થોડાં સમય પહેલાં અખબારમાં એક કિસ્સો આવેલો. પતિ-પત્નીનો. પતિ-પત્ની વાંચીને લગભગ દરેક પરિણિત સ્ત્રી પુરુષની આંખો ત્યાં ઠરી જાય. કદાચને કોઈ અનુકરણ કરી શકાય એવી કે આડું બોલીને બંનેમાંથી એકને સંભળાવી શકાય એવી માહિતી હોય તો એમને ઉપયોગી બને. ખૈર, આ કિસ્સામાં બંને પાર્ટી વચ્ચે અન્ય યુગલોથી થોડા વધુ ઝઘડા કંકાસ થતા હોવાથી વાત છૂટાછેડા સુધી પહોંચી ગયેલી. કોઈનાથી આ કંકાસોનું ખરું કારણ પકડાતું નહતું. કદાચ એસીપી પ્રદ્યુમન પણ દયા પાસે દરવાજો તોડાવી દે કે અભિજિત પાસે ' કુછ તો ગરબડ હૈ' વાળો વર્લ્ડફેમસ બળાપો કાઢે તો ય ગરબડ ન જ પકડી શક્યા હોત. નામદાર જજસાહેબ પણ મુંઝાઈને તારીખ પે તારીખ આપતા રહ્યાં કે વો સુબહ કભી તો આયેગી. એકવાર એવી તારીખ પછી પતિ એક સાડી લઈને રુસણે ગયેલી પત્નીને પિયર ગયો. પત્નીને એ સાડી ન ગમી તો પતિ બીજી સાડી લઈ આવ્યો. એ પછીની સુનાવણી વખતે પત્ની એ જ સાડી પહેરીને કોર્ટ પહોંચી. પતિએ 'તું સુંદર દેખાય છે' એવું કહ્યું ને ખલ્લાસ.. પત્નીએ કેસ પાછો ખેંચી લીધો. ને ખાધું પીધું ને રાજ કર્યું. (સરવાળે પતિને સાડી કેટલી મોંઘી પડી એ હજુ કોઈ અખબારમાં આવ્યું નથી.) મુદ્દો અહીં સાડી કે મોંઘવારી નથી પણ પ્રશંસાનો છે. માત્ર એક જ વાક્યએ પતિ પત્ની બંનેની જિંદગી સરળ બનાવી દીધી. આજે સોશિયલ મિડીયા પર પ્રત્યેક સેકંડે સેંકડો તસવીર પોસ્ટ થાય છે એ શાના માટે? સાવ સીધી વાત છે. પ્રશંસા મેળવવા માટે. આપણા સમાજની તકલીફ જ આ છે. પોતાની પ્રશંસા કરવા માટે પોતાના બાહ્ય દેખાવ, ભણતર, સિધ્ધિઓ, આવડત, કપડાં, ઘરેણાં, સંબંધો (અહીં સંબંધ એટલે ઓળખાણ) વગેરેની જનતા નોંધ લે એવી દરેકની છતી કે છૂપી ઈચ્છા હોય છે. એટલે જનતાને જાણ થાય એ માટે દરેક જણ મંડ્યું રહે. ભલું થજો માર્ક ઝુકરબર્ગનું કે એણે ફેસબુક ,વોટ્સપ જેવા માધ્યમો સરળતાથી ઉપલબ્ધ કરાવી આપ્યા તે ગણતરીની પળોમાં જ બધી માહિતી જગતના ખુણે ખુણે પહોંચી જાય છે પછી શરુ થાય પ્રશંસાપુષ્પવર્ષા. ઇન્ટરનેટ પર જાત જાતના ક્લાસીસ ને ટ્યુટોરિઅલ્સ ઢગલેમોંઢે પીરસતા જ્ઞાનીઓને કોઈએ " પ્રશંસા કરવાની કળા " વિશે માસ્ટરક્લાસ શરુ કરવાનું સુચન કરવા જેવું છે. ઘણાં પ્રશંસા કરે તો ય મીઠું પાયેલા ચાબખા જેવી. સોળ ઊઠી જ આવે. લાંબો સમય ચચરે. એવી પ્રશંસા આમ તો પ્રાપ્તકર્તા માટે નજરાઈ ન જવાય એ માટે મેંશના ટપકાં જેવી છે. એને પ્રશંસાત્મક ટીકા કહી શકાય.
કેટલાંકને ટીકા કરવાનું વધુ ગમે. પ્રશંસા પછી કરે. ટીકામાં ય પ્રશંસા કરીને પ્રાપ્તકર્તાને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહન પુરું પાડે. એવી ટીકાત્મક પ્રશંસા વ્યક્તિના વિકાસમાં ચાલકબળ સમાન છે.
કેટલાંક લોકો પ્રશંસાનો એટલો તો અતિરેક કરે કે સાંભળનારને પોતાની ક્ષમતા માટે શંકા જાય કે 'ઓહો..આ મિત્ર જેની વાત કરે છે એ મહાત્મા અમો જ છીએ? ' માથે બેસાડવાનું જ બાકી રાખે. આવી પ્રશંસા વ્યક્તિવિકાસમાં અવરોધક બને.
તો વળી કેટલાંકને પ્રશંસા કરતા આવડતી જ નથી હોતી. બાળપણમાં યાદશક્તિ વધારવા માટે શંખપુષ્પીને બદલે ડંખપુષ્પી પીધી હોય એમ ડંખીલું જ બોલે. કોઈનું કદી સારું દેખાય જ નહીં. આવા લોકોની મોટી તકલીફ એ હોય છે કે એમના માટે કોઈ સારું બોલે તો ય એમાં એમને ડંખ અનુભવાય છે. એમને એમ જ લાગે કે વખાણ કરનાર દાઢમાં બોલે છે.
કેટલાંક માત્ર દેખાદેખીથી જ પ્રશંસા કરે. હકીકતમાં એમને પ્રશંસા કરવી ન હોય પણ ફલાણાએ કરી ને પોતે રહી જાય એ કેમ ચાલે એવી ભાવનાથી પ્રેરાઈને પ્રશંસા કરી મુકે. સમાજમાં અહો રુપમ્ અહો ધ્વનિ વાળો ફાલ પણ બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વાટકી વ્યવહાર, યુ નોવ.. એકબીજાની પ્રશંસા કરીને ફુલણજી ફુલાયા કરો. પાછું કોઈવાર એક પાર્ટી વખાણ કરવાનું ચુકી જાય તો સંબંધ તુટી જવા જેવી નોબત પણ આવી જાય. કેટલાંક પોતાનો સ્વાર્થ સાધવા ય ખોટી ખોટી વાહવાહી કરતા હોય. ને જેના વખાણ કરવાના હોય એ પાત્ર સ્ત્રી હોય તો જરા વધુ જ વરસી પડાય.અલબત્ત , જાણ બહાર સ્તો.
પ્રશંસા મેળવવાની હકદાર એવી પત્નીઓના ભાગે જ સૌથી ઓછી પ્રશંસા આવે છે. મિત્રો ,સંબંધીઓ એકબીજાના વખાણ કરે કે ન કરે , પતિ-પત્નીએ તો એકબીજાના વખાણ કરવા જ જોઈએ. ખાસ કરીને પતિઓએ. આપણે ત્યાં એકાદ બે કમ્યુનિટિના અપવાદને બાદ કરતા પતિઓએ પત્નીના વખાણ કરવા જોઇએ એવી સમજ જ વિકસી નથી. આ બાબતમાં ગમે એવી સુપર વુમન કે પુરુષ સમોવડી હોય પણ સ્ત્રી બિચારી, અબળા જ રહી જવા પામી છે. મોટાંભાગની પત્નીઓને બિચારીને ખબર જ નથી હોતી કે એ સારી રસોઈ બનાવી શકે છે. એ તો પડોશીઓની પ્રશંસાથી જ એને પોતાની આવડતનું જ્ઞાન થાય છે. પતિઓએ જરાક જ સારું બોલવામાં કોઈ જીએસટી ભરવાનો નથી તેમ છતાં ય પતિઓને પોતે પત્નીની પ્રશંસા કરશે તો વામણા દેખાશે એવી ગેરમાન્યતા ઘર કરી ગઈ છે. કવિશ્રી સ્વ.ઉમાશંકર જોષી તો એમ કહેતા કે પત્નીને રોજ થેન્કયુ કહેવું જ જોઈએ. હે પતિ મહાશયો, સ્વ. ઉમાશંકરજીની શિખામણ માનીને ય થેન્કયુ કહી તો જુઓ તમારી અર્ધાંગિનીને, એ તમારી દરેક વાત માનશે. બિચારીઓ કોઈ દિવસ હાથમાં લાલલીલાપીળા વાવટા લઈને ધરણા નથી કરતી એનો અર્થ એવો તો નહીં ને કે એમને વખાણની જરુર નથી. એ કોઈ દિવસ એમ નથી ઈચ્છતી કે એને તમે હાથમાં ને હાથમાં રાખો કારણકે એને પોતાના વજનની માહિતી છે જ. તમે એ નહીં ઝીલી શકો અને પાડશો કે પડશો ,બંને પરિસ્થિતિમાં ઉપાધિ તો એને જ રહેવાની છે. કોઈ દિવસ (પોતાની )પત્નીની પ્રશંસા કરી જુઓ અને પછી જુઓ ચમત્કાર. તમારો દિવસ સુધરી જશે.પત્નીને ખુશ રાખવા માટે બે ત્રણ નુસખા ખબર હશે તો ય ભવસાગર તરી જવાશે. કરશો ને (તમારી પોતાની) પત્નીના વખાણ?
ક્રોંખારો : સો સો બોતલોં કા નશા હૈ, તુમ્હારી એક વાહ વાહ મેં…
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર