ખોટું લાગ્યું?
"હેલાવ.."
"હલો..કોણ બોલો?"
"પૈચાન કોન?" થોડીવાર સુધી આ પૈચાન કોન વાળો ખેલ ચાલ્યો. છેવટે અમે કંટાળીને કહી જ દીધું.
"જુઓ મિત્ર, તમે ટાઈમ પાસ માટે ફોન કર્યો હોય તો પ્લીઝ મૂકી દો. અહીં સહેજ પણ ટાઈમ નથી. એક તો સોલ્લિડ ટ્રાફિકમાં ફસાઇ ગઈ છું. એટલે પારો છટકે એમ લાગે છે. ઔર ભી કામ હૈ જમાને મેં ફોન કે સિવા.." જેવો ફિલ્મી ડાયલોગ માર્યો.
"હા ભઈ હા.. ભૂલી જાવ અમને.. અમે શાના યાદ હોઇએ? તમે તો મોટા માણસ.. "વગેરે વગેરે.. ખલાસ. આમને તો રીસ લાગી ગઈ. અમે આ ઇમોશનલ સ્ટ્રાઈકથી ડઘાઈ જ ગયા. થયેલું એવું કે અમારી પાસે મોબાઈલમાં એમનો નંબર હતો પણ હેડફોન ભરાવીને સ્કૂટર ચલાવતા આ ફોન આવ્યો ને સંવાદ થયો. હવે ભરટ્રાફિકમાં કોઈ ફોન પર નામ કેવી રીતે વાંચે? અમને એવો સુપરવુમન હોવાનો સહેજ પણ ફાંકો નથી. પરિસ્થિતિ સમજાતા મિત્ર પણ માની ગયાં . પણ કેટલાક એવા હોય કે એમને ખોટું ફટાફટ લાગે ને મનાવીએ તો જલદી માને ય નહીં. ભાવ ખાય, યુ નોવ. કેટલીકવાર પરિસ્થિતિ વિલન બને. તમે ગમે એટલું સમજાવો, મનાવો પટાવો પણ રીસ ઉતરે જ નહીં. દુનિયામાં દરેક ક્ષણે કોઈને ને કોઈને તો રીસ ચડેલી જ હોય છે. ધારેલું ન થાય કે કોઈ વિરોધ કરે છે એમ લાગે કે તરત જ રીસ ચડવા માંડે. એક ગુજરાતી ગીતમાં રુસણે ગયેલી કન્યા કોઈની ય મનાવેલી માનતી નથી પણ વર મનાવે છે તો ઝાઝી લપ્પનછપ્પન કર્યા વિના માની જાય છે. એવી જ સિચ્યુએશનને ગીત હિન્દી ફિલ્મ ચાંદનીમાં ય છે જ ને? ફિલ્મોમાં હીરો હિરોઇનો રિસાયને માની જાય એ જોઇને ફિલ્મોને જ વાસ્તવિકતા માનતા મુગ્ધ પ્રેક્ષકો પોતાની સરખામણી જે-તે ફિલ્મ કે સિચ્યુએશન સાથે કરીને દુ:ખી થતાં રહે.
એમ તો હમણાં મંત્રીમંડળમાં પોતાને જોઈતું ખાતું ન મળતા નિતીન પટેલ રિસાઈ ગયેલાં તે કેવાં બધાને દોડતાં કરી દીધેલાં? યાદ છે ને ? નાના હોઇએ ત્યારે રિસાવાનું ય ફટાફટ આવે ને માની જવાનું ય ફટાફટ આવે. બધી પળોજણ મોટા થયા પછી જ છે.
રીસ ચડવી કંઈ નવી વાત નથી. રામાયણ ને મહાભારતમાં ય રીસના ઉત્તમ ઉદાહરણો છે. દશરથ રાજાએ રામનો રાજ્યાભિષેક કરવાનું નક્કી કર્યું ત્યારે કૈકેયીને રીસ ચડી તે સીધા કોપભવનમાં શિફ્ટ થઈ ગયા. દશરથ જેવા દશરથને ય નવ નેજા આવી ગયા રિસાયેલી રાણીને મનાવતા. છેવટે સંકટ સમયે આપેલા વચનોએ એમને સંકટમાંથી ઉગાર્યા ને રીસની ઘાત ટળી. તો મહાભારતમાં દ્રૌપદીના ટોણાથી રિસાયેલા દૂર્યોધને તો યુદ્ધ કરી દીધું.
થોડાં સમય પહેલાં એક સમાચાર આવેલાં કે એક બિલ્ડરની પુત્રીનું લગ્નજીવનનો માત્ર ત્રણ દિવસમાં જ ધી એન્ડ આવી ગયેલો. કારણ કે છોકરી મોબાઈલ પર મિત્રો સાથે જ વાતો કર્યા કરે. એટલે વરરાજા રિસાઈ ગયા ને એમણે નવવધુને છૂટાછેડા આપી દીધા. ચીનમાં એક અસહિષ્ણુ પ્રેમી એની ગર્લફ્રેન્ડથી રિસાઈને દેશ છોડીને દક્ષિણ આફ્રિકા જતો રહ્યો. પેલીએ કેટલુંય મનાવ્યો પણ આ ભાઇ માને જ નહીં. છેક છ મહિના પછી પાછો આવ્યો. ત્યાં સુધીમાં પેલી ગર્લફ્રેન્ડ રિસાઈ ગઇ ને પછી શું થયું એ સમાચાર આવ્યા નથી.
રિસાવાનું માત્ર માણસોને આવડે એવું નથી. પાળેલાં કૂતરાં રિસાય તો ભાવતી વસ્તુ મૂકીએ તો ય ખાય નહીં એ નજરે જોયું છે. જેસલમેરમાં એક ઊંટને લાંબો સમય બાંધી રાખેલું. પછી માલિક ભૂલી ગયો. ગરમીમાં પહેલું તો ઊંટ રિસાયું જ હશે પણ માલિકને જાણ ન થઈ એટલે રીસનું માર્યું ગુસ્સે ભરાયુંને જેવો માલિક એને છોડવા આવ્યો કે એને ઘાયલ કરી દીધો. મૂંગુ પ્રાણી કોઇ રીતે તો રીસ વ્યક્ત કરે ને?
તમને છેલ્લે ક્યારે રીસ ચડેલી? કોઈ રીસ લાગે તો કહી દે કે એને આ વાતથી ખરાબ લાગ્યું છે. મોટાભાગના લોકો એમ જ માનતા હોય છે કે પોતે તો એમ્મ જ કહેલું એમાં શું આટલા ખોટા લગાડવાના? ઘણાંને રીસ લાગે તો કોઈને ખબર ન પડે એટલે પછી જાતે જાતે જ માની ય જાય. કોઈ રીસ લાગે તો આડું બોલીને કે વારે તહેવારે ટોણા મારીને પોતાની રીસ વ્યક્ત કરે. કેટલાંક લોકો એટલાં તો સુંવાળા હોય કે એમને ખસખસની ય ઠેસ લાગે. સાવ સામાન્ય વાતનું ય ખરાબ લાગી જાય. અમારા એક ઓળખીતા છે. અમારે નિયમિત રીતે ફોનાફોની ચાલતી જ હોય. સામાન્ય વાતચીતમાં લગભગ બધી પંચાત કરી લે. એમણે વોટ્સએપ ફીચરનો ઉપયોગ નવોનવો શરૂ કર્યો. ભયંકર ઉત્સાહમાં આવીને દરેક વોટ્સએપ કોન્ટેક્ટને રોજ મેસેજ કરે. ગૃપ બનાવ્યા. એકવાર અમે ગૃપમાં એમના કોઈ મેસેજ પર પ્રતિક્રિયા ન આપી. કદાચ પહેલાં ય થયું હશે એવું. એમણે યાદ રાખીને અમને બ્લોક કર્યા. આમ સાવ નિરુપદ્રવી પણ આવી મેસેજ પર રિપ્લાય ન કર્યો એમાં અમે એમની ગુડબુકમાંથી બહાર થઈ ગયા.
ક્રોંખારો:
સદીઓ પહેલાં એક માણસને એની વિદૂષી પત્નીએ એને મૂર્ખ હોવાનો ટોણો માર્યો અને જ્યાં સુધી વિદ્વતા ન મળે ત્યાં સુધી ઘરે આવવાની મનાઈ કરી. આ ટોણો પેલા માણસને એવો તો વાગ્યો કે એ રીસાઈને જંગલભેગો થઈ ગયો. જંગલમાં જઈને એણે મા કાલિની આરાધના કરી અને માના આશીર્વાદથી એ મૂર્ખ નામે કાલિદાસ અતિ વિદ્વાન બનીને પાછો આવ્યો. જગતને એક ટોણાના પ્રતાપે મેઘદૂતમ કે કુમારસંભવ જેવી મહાન કૃતિઓ મળી. કાલિદાસને કવિ કાલિદાસ બનાવવામાં આ ટોણાનો સિંહફાળો છે. પણ એ ટોણાથી કાલિદાસને લાગેલી રીસનું ય મહત્ત્વ ઓછું નથી. તમે વિચાર કરો કે જો વિદ્યોત્તમાએ ટોણો માર્યો પણ કાલિદાસને એની કોઈ અસર ન થઈ હોત તો જગત કાલિદાસ રચિત મહાન કૃતિઓથી વંચિત રહી જાત.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર