ભેળ પૂરી?

21 Oct, 2017
11:07 AM

શિલ્પા દેસાઈ

PC:

અઢારમી સદીમાં ઇંગ્લેન્ડમાં એક ઉમરાવ, નામે જોન મોન્ટેગ્યુ, ‘4th  અર્લ ઓફ સેન્ડવિચ'ને પાનાં રમવાની જબરજસ્ત ઘેલછા હતી. પાનાં રમતી વખતે એને ખલેલ પહોંચે તેવી ચીજો ખાસ પસંદ નહતી. ત્યારે ગૂગલની શોધ થઈ ન હોવાથી કોઈને આવી ઘેલછા હોય તો એમાંથી બહાર લાવવા શું ઉપાય કરવો કે ચિકિત્સા આપવી એ ભલભલા ડોક્ટરોને ખબર ન પડી હોય એમ બને. વળી, મનોચિકિત્સક પણ નજીકમાં હાથવગાં નહીં હોય કે જે  ભાઈને સમજાવીને આ ઘેલછામાંથી પાછાં સંસારમાં વાળી શકે અથવા તો આ સંસાર જ અસાર લાગ્યો હોય અને કંટાળીને જોનભાઈને પાનાં રમવા વધુ સુરક્ષિત લાગ્યાં હોય એમ પણ બને. જે હોય તે, એમનું નામ કે અટક 'ઠાકુર ' ન હોવા છતાં એમણે એમની પોતાની સેવા માટે એક 'રામલાલ' તૈનાત રાખેલો. એકવાર જમતાં જમતાં પાનાં રમવામાં એ ગંદા ન થાય એવી કોઈ વાનગીની ફરમાઈશ છોડતા એમણે 'રામલાલ'ને બ્રેડની બે સ્લાઇસ વચ્ચે માંસ મુકી લાવવા કહ્યું. આ આઇટમને  જોનનાં સાથીઓએ ફોઈધર્મ નિભાવતા જોન મોન્ટેગ્યુના નામ પરથી જ 'સેન્ડવિચ' નામ આપી દીધું. હવે તો જુદાં જુદાં સ્વરુપે બ્રેડની બે સ્લાઈસ વચ્ચે જાતજાતની ને ભાતભાતની સામગ્રી ઉમેરીને પોષણક્ષમ સેન્ડવિચ પણ બને છે. 

ભારતમાં આ સેન્ડવિચનું આગમન ક્યારે થયું એ માહિતી નથી પણ ભારતીયોને અંગ્રેજોએ અંગ્રેજી સિવાય જો કોઈની મોહિની લગાડી હોય તો એ સેન્ડવિચ છે. હવે તો આપણે આ સેન્ડવિચનાં એટલાં બધા અધધધ સ્વરુપો શોધી નાંખ્યા છે કે ઉપર રહે રહે જોનભાઈ અને એમના રામલાલને ય આ શોધ પોતાની મૌલિક છે એ વિષે શંકા જતી હશે. વેજ/નોનવેજ/જૈન એમ ત્રણ વિકલ્પમાં મળતી સેન્ડવિચની લારી ઠેરઠેર દેખાય. એક જ શોધના પ્રતાપે બ્રેડ બનાવતી કેટલીય બેકરીઓ ઊંચી આવી ગઈ હશે. 

ગુજરાતી બેઝિકલી સ્વાદપ્રેમી હોવાથી એને બહારગામ જાય ત્યારે ય ચટાકેદાર ખાવાનું શોધવાનું ગળથૂથીમાં પીવડાવાયું  છે. ને પક્કો ગુજરાતી ખોરાક બાબતે સહેજ પણ બાંધછોડ કરતો નથી. એ વિના તો ' પેરિસમાં પાતરાં ને રોમમાં રસપુરી'ની સ્કીમો નહીં જ મુકાઈ હોય ને? સેન્ડવિચ જેવી જ અજાણતાં જ થઈ ગયેલી શોધમાં ગુજરાતીઓની પ્રાણપ્યારી 'ભેળ'નો ઉલ્લેખ કરવો જ પડે. એ વાત અલગ છે કે ભેળ કે ભેલની શોધ ક્યારે, ક્યાં, કયા સંજોગોમાં થઈ હતી એ વિષે કોઈ માહિતી મળતી નથી પણ સૌએ એને ઉત્સાહભેર ઘરે ય ખાઈ શકાય એવા વ્યંજન તરીકે અપનાવી જરૂર લીધી છે. મુંબઈની પાઉંભાજીની જેમ ભેળ પણ મુંબઈની વધુ વખણાય છે. વઘાર્યા વિનાના મમરામાં સેવ,ચટણી ( ઇચ્છાનુસાર), નાનાં સમારેલાં ટામેટાં, ઝીણી સમારેલી ડુંગળી અને સુશોભન તરીકે ઝીણી સમારેલી કોથમીરનું અદકેરું મહત્ત્વ છે. ગુજરાતમાં ગમે તે ખૂણે ભેળનો ખૂમચો લઈને ઊભા રહેતા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ્સ પોતાના ખૂમચા પર કૌંસમાં મુંબઈવાળા લખીને પોતાની અધિકૃતતા સાબિત કરવા મથે છે પણ વઘાર્યા વિનાનાં મમરા મુંબઈની ચોપાટીથી નીકળીને ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં વઘારાઈ જાય છે અને એનું મુંબઈપણું ગુમાવી બેસે છે. સેન્ડવિચની જેમ ભેળમાં ય જાતજાતના વેરિયેશન્સ ઉપલબ્ધ રહે છે. એમાં જૈન ને રેગ્યુલર - આ બે પ્રકાર મુખ્ય છે. પછી એમાં ય પેટા-ફાંટા ઉપલબ્ધ ખરાં . જૈન ભેળ માંગો એટલે લસણની ચટણી અને કાંદા-વિહીન ભેળ મળે. જોવાની ખૂબી એ છે કે આ જૈન ને રેગ્યુલરની ટર્મિનોલોજી કોઈને સમજાવવી પડતી નથી. ભેળમાં મુખ્યત્વે સેવ-મમરા સિવાય ત્રણ પ્રકારની ચટણીઓની પણ કમાલ છે. લીલી ચટણી, ખજૂર-આમલીની ખટમીઠી લાલ ચટણી અને લસણની ચટણી ભેળમાં શિરમોર છે. હવે તો ગૃહઉદ્યોગ કેન્દ્રોમાં  ભેળનું મિક્સ પણ મળે છે. સાદાં સેવમમરામાં મેંદાની કડક પૂરીના કટકા ઉમેરો એટલે ભેળ મિક્સ તૈયાર. કોઈ ગૃહઉદ્યોગવાળા આ મિક્સમાં  તળેલા શિંગદાણા ય ભભરાવી આપે. થોડાં સમય પહેલાં દિલ્હી એરપોર્ટ પર ભેળના 'રેડી-ટુ-ઈટ'  નો લહાવો લીધેલો. આપણે ઘરમાં ખાતાં હોઈએ એવું તો નહીં પણ સાવ નાંખી દેવા જેવું ય ન હતું. એટલે એમ કહી શકાય કે ભેળને સીમાડાં નડતાં નથી. પાણીપૂરી, ભેળપૂરી ને દહીંપૂરી એક જ  કુળના હોવા જોઈએ. કારણકે ત્રણેય વ્યંજનમાં ચટણીની બનાવટ ઓગણીસ વીસના ફરક સાથે સરખી જ ઉપયોગમાં લેવાય છે. ભાગ્યે જ કોઈ એવો કે એવી ગુજરાતી વીરલો/લી હશે જેને આ ત્રણમાંથી એકેય ન ભાવતું હોય. ભારતમાં આવી મહત્ત્વની બાબતના કદી કોઈ સંશોધન થતાં નહીં હોય, ભલા? કેન્દ્રમાં એક ગુજરાતી હોય અને સંસદની કેન્ટિનમાં ગુજરાતી ખોરાકની વધુ બોલબાલા હોય ત્યારે આવું સંશોધન ન થાય તો ગુજરાતી તરીકે આપણાને લાગી આવવું જોઇએ કે નહીં? આ મુદ્દો ફેસબુક, ટ્વીટર, વોટ્સપ પર વાયરલ કરવો જ જોઇએ એવી મારી પક્કા ગુજરાતી તરીકેની હાર્દિક( પટેલ નહીં) લાગણી છે. સોશિયલ મિડીયા આ બાબતે નક્કર ભૂમિકા ભજવીને લોકજાગૃતિ લાવી શકે એમાં બેમત નથી. ભેળને થતો અન્યાય સાંખી જ કેવી રીતે લેવાય? નાની નાની વાતોમાં બરખા દત્તો અને રાજદીપ સરદેસાઈઓ રણશિંગુ ફૂંકે છે તો આ વાત એમને કઠતી નથી? કે પછી ભેળને એનો બધે ભળી જવાનો ને પ્રિય થઈ પડવાનો સાહજિક ગુણ નડે છે? 

એક ભેળની લારીવાળા બિહારી ભૈયાને દિવાળીમાં રોજિંદી આવક પર પડતી અસર વિષે પૂછતાં માલુમ પડ્યું કે દર વરસે દિવાળીમાં તો વેચાણ સારું હોય છે પણ પછીના દિવસોમાં જરા મંદી લાગે છે. અલા ભઇ, તને શું ખબર કે લાભપાંચમ પછી ઘરેઘરે ભેળોત્સવ હોય છે. જેમાં રુટિન નંખાતી સામગ્રીની સાથોસાથ તુટેલાં મઠિયાં, મઠરી, સુંવાળી, ચુરો થઇ ગયેલી ચોળાફળી , વધેલી જાડી સેવ, ગાંઠિયા, ટમટમ, દાલમુઠ, ચેવડો ભેગાં કરીને પરિવાર આખો આનંદથી વર્લ્ડબેસ્ટ ભેળ લિજ્જતથી આરોગે છે. ગુજરાતીઓનો સ્વયંપ્રકાશિત કરકસરી સ્વભાવ ભેળમાં ય પ્રગટ થયા વિના રહેતો નથી. 

 

ક્રોંખારો:  દાંત આપ્યા છે એ ચાવણું ય આપશે જ...(જૂનું)

ભેળ આપે છે એ પાણી પૂરી ય આપશે જ ( નવું) 

 

નવા વરસની શુભેચ્છાઓ. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.