ડાયેટ કંટ્રોલ
હાંઇસ... લગનગાળો પત્યો, ફાયનલી. મીન્સ, અમારે આમંત્રણો આવેલા તેનો ધી એન્ડ આવી ગયો. હવે કોઈ કોઈ ક્રાંતિકારીઓ સામી હોળીએ ય લગ્ન કરે છે . સારા ચોઘડિયાં જોઈને કરેલા લગ્નોમાં ય ઘરમાં હોળી સળગતી જ હોય છે તો વ્હાય ટુ બ્લેમ ધ હોલી ફેસ્ટિવલ લાઈક હોળી?હેં? એની વેય્ઝ, કંકોતરીઓનો થપ્પો એક એક કરતા પસ્તીભેગો થઈ ગયો. એક કામ પત્યું. ઉપરાછાપરી લગ્નોને લીધે અમે જ્યારે જુઓ ત્યારે ફુલફટ્ટાક તૈયાર થતા અને એક પણ વાળ વાંકો ન થાય એવું હેરસેટિંગ કરતા એટલે અમને હવે એકતા કપૂરની સિરિયલમાં રોલ ભજવવા જઈ રહ્યા હોય એવી ફિલીંગ આવવા માંડેલી, આઈ સ્વેર, બસ?
બહુ પ્રસંગો હોય તો ત્યારે પહેરીશું શું નો પ્રશ્ન જેટલો સતાવે છે એટલો જ ચાંદલો શું આપીશું વાળો પ્રશ્ન ય સબકોન્શ્યસ માઈન્ડમાં ઘૂમરાતો રહે છે. પહેલાંનો સમય હોત તો કદાચ 'ડોન' ની લાલ ડાયરી જેવી વહેવાર ડાયરી બે ત્રણ પ્રસંગો તો સાચવી જ લે. કોણે કેટલો ચાંદલો કર્યો છે એ ફટ્ટ કરતું જોઈ લેવાય. મોટાંભાગે હવે કંકોતરીઓમાં ટહુકાની સાથે સાથે 'ચાંલ્લાપ્રથા બંધ છે.'કે ' માત્ર આપની હાજરી અને આશીર્વાદ જ અનિવાર્ય છે. ' જેવી ઉક્તિઓ પ્રચલિત થવા માંડી છે. એટલે હવે આ લાલ ડાયરીની દંતકથા એકાદ પેઢી પછી ' યે ઉન દિનોં કી બાત હૈ..' શ્રેણી અંતર્ગત આવવા માંડે તો નવાઈ નહીં. આપણે ચાંદલો જ ન લીધો હોય તો નોંધ રાખો કે ન રાખો કિ ફરક પેંદા યારો? આપવાનો આવે ત્યારે પાનસો એક પાનસો એકાવન જે ચલણ હોય એ આપી દેવાનાં. એઝ સિમ્પલ એઝ ધેટ.
પ્રસંગ માટે ઘરઆંગણા હવે પાર્ટી પ્લોટ સુધી વિસ્તર્યા છે એટલે જમણવાર તો પાર્ટીપ્લોટમાં જ યોજાય છે જે મોટાંભાગે તો ગામ બહાર હાઈવે તરફ જ ક્યાંક હોય. અભિમન્યુએ ટ્રાફિકના ચક્રવ્યુહ વીંધવાના આવ્યા હોત ને એણે વીંધી બતાવ્યા હોત તો શુરવીર જાણત. એક તો આ વખતે મુહુર્ત ઓછાં હતાં એટલે એક જ સમયે બે ત્રણ પ્રસંગ સાચવવાના આવે એવું ય થયું હશે. ( અમે આ વખતે લક્કી ઈનફ.) માંડમાંડ ટ્રાફિક વીંધીને ઘટનાસ્થળે પહોંચો ને ઔપચારિક્તાઓ પતાવીને મુખ્ય કાર્યક્રમ ભણી પ્રસ્થાન કરો ત્યાં સુધીમાં આંટા આવી જાય. સો વાતની એક વાત. લગભગ રોજ બહાર જમી જમીને અમે ખાસ્સી કેલરી ગ્રહણ કરી છે. જાતે ન બનાવ્યું હોય એટલે થોડું વધારે જ ખવાઈ જતું હતું. ખોટું શું કહેવાનું વળી? જે છે તે છે. સૂપથી માંડીને આઈસ્ક્રીમ સુધી બધી જ વાનગી વ્યંજનને યજમાન તરફની લાગણીને માન આપીને વધારે પડતો ન્યાય અપાઈ ગયો છે. જમણ જાય ને સગું દૂભાય એ કોઇ કાળે ચલાવી ન લેવાય, યુ નોવ. એટલે વાનગીઓના કાઉન્ટર્સ પહેલાં જોઈ કાઢવાનાં. એમાં પાછા ફૂડ કાઉન્ટર્સ પ્લોટની ક્ષમતા પ્રમાણે ગોઠવ્યાં હોય. એ ય ને એક છેડાથી બીજા છેડા સુધી ચાલતા જાવ એટલે તમે એકાદ કિમી જેટલું તો ચાલી જ લીધું હોય. બધી વાનગી મીઠાઈની સુગંધ માણતા માણતા પ્લેટ લઈએ. જો કે, સલાડ પ્રત્યે જરા અભાવો છે. જાણીતી ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ' માં હીરોઈન અંતરા એવું જ કંઈક કહે છે ને કે સલાડ પ્લેટમાં ને પેટમાં જગ્યા રોકે છે .. ડિટ્ટો અમે ય એવું જ માનીએ છીએ. ગ્રેટ માઈન્ડ્ઝ થીંક અલાઈક . એટલે સલાડ પ્લેટમાં લેવાનું જ નહીં. બધું જરા જરા લેવાનું. વળી કોઈ હિતેચ્છુ કોઈ વાનગી વિષે અભિપ્રાય આપે એટલે એ વાનગી સ્હેજ વધારે લેવાની. ને બહાર જમવાનું હોય ત્યારે કેલરી-ફેલરી કે કોલેસ્ટ્રોલ ફોલેસ્ટ્રોલ વિષે નહીં વિચારવાનું. આપણે એટલા સ્વાર્થી કે સ્વકેન્દ્રી ન બનતા યજમાનની લાગણી ય જોવી જોઈએ. દરેક જણ જો એવું વિચારે તો યજમાનને કેટલું ખરાબ લાગે? અમે પહેલેથી જ અન્યો માટે આદરભાવ ધરાવીએ છીએ એટલે કોઈને નારાજ કરતા નથી. પણ હવે થયું છે એવું કે અમને વજન વધ્યું હોવાનો વહેમ પડ્યો છે. એટલે હવે સ્ટ્રીક્ટલી ડાયેટ કંટ્રોલ. બહાર નહીં ખાવાનું એટલે નહીં જ ખાવાનું. બહારથી ઘરે લઈ જઈને ય નહીં ખાવું એવું મક્કમતાથી નક્કી કર્યું છે. એકવાર અમે ખુદને કમિટ કરીએ તો એને ભલો ભગવાન પણ બદલી શક્તો નથી. કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ,યુ સી.
બહુ ભારે કસરત કરવાનું આપણું કામ નથી એ ભૂતકાળના એક અનુભવથી સમજાઈ ગયું છે. જાતજાતના સાધનો અને કસરતના પ્રકારો જાણ્યા પછી અમને ખ્યાલ આવી ગયો છે કે કસરત તો સાવ સહેલું કામ છે. એ તો ગમ્મે ત્યારે શરુ કરી શકાય. પ્લસ, સહેલાંસટ કામ કરવા અમારી શાન કે ખિલાફ છે. કંઈક ચેલેન્જિંગ હોય તો મઝા ય આવે. એમ તો અમે અગાઉ એકવાર જરા અખતરા ખાતર જ ભૂખ્યાં રહેવા ય પ્રયત્ન કરી જોયેલો. ને ભૂખ ન લાગી ત્યાં સુધી સફળ પણ રહ્યા. વચ્ચે વચ્ચે કાતરી, વેફર, મિલ્કશેક, ફળો પણ આરોગેલાં. અચાનક ભૂખ્યા રહેવામાંપેટ બળવો પોકારે અને મનુષ્યને માંદગીનો અનુભવ કરાવે એવું એક આયુર્વેદ નિષ્ણાતે કહેલું જે અમને સાચું ય લાગેલું. ભૂખ્યા રહી જોયા પછી અમે અનુભવ્યું કે ભૂખ્યા રહેવું પણ એકંદરે સરળ કામ છે એટલે અમે ફરીથી ભૂખ્યા રહેવાનો વિચાર સુધ્ધાં નહીં કરીએ. જે હોય તે, અમે ડાયેટિશિયનને ફોન કરીને એપોઈન્ટમેન્ટ લઈ લેવાના છીએ. આ વખતે ડાયેટિશિયન કહે એ પ્રમાણે જ ફૂડ હેબિટ બદલવાનો પ્રયત્ન કરી જોવો છે. ના કેમ થાય? એ પ્લાન લખી આપે તે ખાવાનો જ હશે ને કે બીજું કંઈ? એને ય પોતાની જવાબદારીનું ભાન તો હોય જ કે ના ? ને ન ફાવે તો આપણે એ બંધ કરી દેતાં કોણ રોકવાનું છે?
ક્રોંખારો:
HE: ક્યારથી અમલમાં મુકે છે તારો ડાયેટ પ્લાન?
ME: હોળી જાય એટલે તરત જ. આપણે ત્યાં સામી હોળીએ સારા કાર્યો કરતાં નથી એવું શાસ્ત્રોમાં કહ્યું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર