ડાયેટ શાયેટ
અમે જ્યારથી 'દમ લગા કે હૈસા' ફિલ્મ જોઈ છે ત્યારથી અમે તો એ ફિલ્મના જબરા ફેન થઇ ગયા છીએ. ખોટું શું બોલવાનું વળી? જે છે તે છે. ફિલ્મો સમાજનું પ્રતિબંબ છે કે સમાજ ફિલ્મોને અનુસરે છે એવી મોટી મોટી ડિબેટ્સ બાજુ પર રાખીને વાત કરીએ તો હકીકતમાં આપણી હિન્દી ફિલ્મોએ પાતળા હીરો- હિરોઈનોના ફિગરને વધારે પડતું મહત્ત્વ આપ્યું પરિણામે જાડી વ્યક્તિઓ વિનાકારણે લઘુતા ગ્રંથિ અનુભવવા લાગેલી. પાછાં હિન્દી ફિલ્મોના સેટ પર 'ડિરેક્ટર' લખેલી ચોરસ ખુરશી પર બેસનાર તો બાય ડિફોલ્ટ ભીમના વંશજ જ હોય , ડિરેક્ટર ચેરમાં પ્રયત્નપૂર્વક કાયા સમાવિષ્ટ કરી હોય પણ પોતાની ફિલ્મમાં 'બેબી' તો સોટીને શરમાવે એવી પાતળી જ હોવી જોઈએ એવો આગ્રહ ધરાવે. ફિલ્મી લુકની લાહ્યમાં બહેનોમાં ઝિરો ફિગર કે ભાઈઓમાં ગ્રીક હીરો જેવું બોડી બનાવવા માટે જ્યાં જુઓ ત્યાં જિમ ખૂલી ગયાં. દરેક જિમ ગેરંટી આપે વજન ઉતારી આપવાની. જુદા જુદા પ્રોટીન શેક્સ ને ફુડ પ્રોડક્ટ્સની ફરજિયાત સેન્ટર પરથી જ કરવી પડતી ખરીદીના લીધે ખિસ્સાનું વજન ચોક્કસપણે ઓછું થઈ જતું હોય છે એટલે એ લોકો વજન ઉતારવા ઇચ્છુકનું આર્થિક વજન તો પળવારમાં ઓછું કરી દઈને સત્ય જ બોલી રહ્યાં હોય છે.
મૂળ વાત વજનની છે. આ ફિલ્મે આવીને ઠીકઠીક વકરો કર્યો ને સમાજને 'પાતળું એટલે પરફેક્ટ' વાળી રુગ્ણ મનોદશામાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો. અમે ય હવે કોઈની દેખાદેખી કે શેહમાં આવ્યા વિના કૃશકાયથી મહાકાય બનવા તરફની યાત્રા આદરવાનો નિર્ધાર કર્યો. અમારા આ નિર્ધારથી સમગ્ર સમાજ ખળભળી ઉઠ્યો. કોઈએ અમને મોં પર જ પાગલ કહ્યું તો કોઈએ અમારી પીઠ પાછળ છરો ભોંક્યો. લગભગ આખો દિવસ આ નિર્ધાર જુદી જુદી રીતે troll થયો. અમે જાણતા જ હતા કે માર્ગ વિકટ છે પણ હવે એવી વિકટતાઓ ગણકાર્યા વિના ઝંપલાવી જ દીધું. તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાં જેટલાં આવડતાં હતા એ બધાના નામ યાદ કરીને મનોમન પ્રણામ કર્યા જેથી આ કઠિન કાર્ય પાર પાડવામાં ઈશ્વરીય મદદ મળતી રહે. પછી વારો આવ્યો 'ત્યાં'ના લેખક પાઉલો કોહેલોનો. એમણે 'ધ અલકેમિસ્ટ' માં લખેલી સુવર્ણપંક્તિ: "And when you want something , all the universe conspires in helping you to achieve it" યાદ કરી આટલી વિધિ પૂરી કરી ત્યાં જ સાચા અર્થમાં હિતેચ્છુ કહેવાય એવા સ્નેહીનો ફોન આવ્યો. સીધી બાત, નો બકવાસ ને અનુસરતા એ સ્નેહીએ ટુ ધ પોઈન્ટ જ વાત કરી.
‘હેલાવ… તમે વજન વધારવાના પ્રયત્નો આદર્યા છે એ વાત સાચી ? કે અફવા?’
એક નાના અમથા નિર્ણયના પ્રતાપે દિવસભરની મગજમારી પછી કંટાળા અને અમારી ખ્યાતિ ઢીંચાક પુજાને ય આંબી જશે એવા વિચાર સાથે અમે ઉત્તર આપ્યો.
‘ના, અફવા નથી. તદ્દન સાચું સાંભળ્યું છે તમે. બોલો હવે. તમારે અમને કંઈ મહેણાંટોણાં મારવા છે કે મશ્કરી કરવી છે? બોલવા માંડો એટલે એક કામ પતે.’
‘અરે ગદાધારી ભીમ, શાંત થાવ. અમે તો તમને મદદરૂપ થવાના શુભ આશયથી જ ફોન કર્યો છે.’
હવે અમે જરા ટાઢા પડ્યા અને હોંકારો દીધો.
‘એક ડાયેટવાળા ભાઈ છે. સીધી ઓળખાણ નથી કોઈ પણ તમારે જવું હોય તો કહેજો. ભલભલાના વજનને કંટ્રોલમાં લાઈ દીધા છે.’
‘પણ… અમારે તો વજન વધારવું છે. તમે તો અમને જોયા જ છે ને? અમારી હાઈટના પ્રમાણમાં અમારું વજન કુપોષણનો ભોગ બન્યા હોઈએ એટલું છે.’
‘હા કંઈ વાંધો નહીં. તમે કહેતા હોવ તો હું અપોઈન્ટમેન્ટ લઈ આપું. મૂળ શું કે મને આમ કોઈને મદદ કરવી બવ જ ગમે. તમે અમારી સોસાયટીમાં તો શું, એમના સગાંઓને પૂછશો તો ય મારી પરોપકારવૃત્તિની મિસાલ મળી રહેશે. શું છે કે મને બધી ઘણી ખબર રાખવાની ટેવ છે. ગમ્મે ત્યારે કામ લાગે. જો આજે કેવું કામ લાગ્યું?’
પ્રશંસાની બાબતમાં સ્વાવલંબી એવા સ્નેહીને બોલતા અધવચ્ચે જ અટકાવીને એપોઈન્ટમેન્ટ લઈને અમને સમય અને સરનામું વોટ્સઅપ મેસેજ કરવા કહીને ફોન મૂક્યો. ધાર્યા કરતાં ઘણી ઝડપથી વોટ્સઅપ મેસેજનું નોટિફિકેશન ટડિંગ થયું. બીજા જ દિવસની એપોઈન્ટમેન્ટ મળી એ જોઇને અમને પાઉલો કોહેલો પર પાક્કો વિશ્વાસ બેસી ગયો.
બીજા દિવસે અમે કુળદેવતાને સ્મરીને ગંતવ્ય સ્થાને જવા નીકળ્યા. ગુગલ મેપમાં પેલું એડ્રેસ પેસ્ટ કરી દીધું અને ગુગલબાપાના સહારે અમે હંકારી મૂક્યું. થોડીવારમાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા. (ઘટનાસ્થળ જ તો વળી. ભલભલાની ચરબી ઉતરી જતી હોય એ ઘટના ન કહેવાય તો બીજું શું? ) સરસ મઝાના ઉઘડતા રંગોવાળી દીવાલો, પુરતા પ્રમાણમાં હવાઉજાસ, સાઈડટેબલ પર ગોઠવેલા અંગ્રેજી, ગુજરાતી મેગેઝિન, અખબારોથી અમે પ્રભાવિત થયા. સામે એક રૂમનું બારણું બંધ હતું . એ જ મુખ્ય સ્થાન હોવું જોઈએ એમ અમે અનુમાન બાંધ્યું. બધું ભેદી લાગતું હતું. એક દીવાલ પર વધુ વજન હોય તો ઉદ્ભવતી સમસ્યાઓનું સચિત્ર વર્ણન હતું તો બીજા એક પોસ્ટરમાં ફુડ પિરામીડ દોરેલો હતો. સરસ સોફાસેટ જોઇને ‘આ ક્યાં કરાવ્યો?’ પૂછવાની ગાંઠ વાળી ને સોફા પર બિરાજ્યા.
રિસેપ્શન પર કોઈ નહતું. અમે કોને પૂછું એમ મૂંઝાતા હતા એટલામાં જ ક્યાંકથી એક વ્યવસ્થિત સુઘડ જણાતા બહેન પ્રગટ્યા અને હાથમાંની ટ્રે અમને ધરી. અમે પ્રશ્નાર્થ થઈ એમની સામે જોઈ રહ્યા. ‘વેલકમ ડ્રિન્ક ફ્રી છે.’ આ ચાર શબ્દોએ અમારા પર જાદુ કર્યો અને પેલા બહેનનો વિચાર બદલાય એ પહેલાં ફટાફટ ગ્લાસ ઉંચકીને થેન્કયુ કહેતા કહેતા ગ્લાસ મોઢે માંડ્યો. જે પીણું હતું એ અમારા ભાવપ્રદેશનું નહતું. ખોટું શું બોલવાનું વળી? ન ભાવ્યું તો ન ભાવ્યું. સારું હતું કે માત્રા ઓછી હતી. બાકી તો ફાંફા જ પડી જાત. થોડીવાર રહીને પેલું ભેદી બારણું ખુલ્યું ને અંદરથી કેમ જાણે ઘરે પહોંચતા સુધીમાં એમનું પાંચ કિલો વજન ઉતરી જવાનું હોય એમ ખુશખુશાલ ચહેરે એક ગોળમટોળ દંપતી બહાર આવ્યું. અમને બોલાવવામાં આવતાં અમે રૂમમાં ગયા. જતાવેંત જ અમને આઘાત લાગ્યો. ટેબલની પાછળ ખુરશી પર એક કૃશકાય ભાઈના દર્શન થયા. એ અમને કંઈ સવાલ જવાબ કરે એ પહેલાં અમે જ એમને પુછી લીધું: ‘અરર… ડોક્ટર, તમે પણ? ખાતા નથી કે શું? કે તમારે ય ‘ખાતો ય નથી ને ખાવા દેતો ય નથી' જેવો નિયમ છે? કંઈ ડાયેટ શાયેટ લો બરાબર... આવું તો ન ચાલે.’
અણધાર્યા હુમલાથી ડઘાઈ ગયેલા ડોક્ટર માંડ માંડ બોલી શક્યા : ‘બહુ ટ્રાય કર્યો. પણ વજન વધતું જ નથી.’ ખલ્લાસ... અમે સટાક કરતા ત્યાંથી ચાલતી પકડી. જે પોતાનું નથી કરી શક્યો એ અમારું શું કરવાનો ? પગથિયા ઉતરતા ઉતરતા અમે અમારી રીતે અમને અનુકુળ આવે એ રીતે ખાઈશું પીશું ને તંદુરસ્ત રહીશું એવો સંકલ્પ કર્યો.
ધ એન્ડ :
કેટલાંક જીવવા માટે ખાય છે તો કેટલાંક ખાવા માટે જીવતાં હોય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર