લઢ નહીં તો...
તમારે ઝગડો થાય? છેલ્લે ક્યારે થયેલો? કોણ જીતેલું? તમે ઝગડાળુ છો? એક મિનિટ. આમાં પતિ પત્નીના જ ઝગડા વિષે વાત થઈ રહી છે એમ ન માની લેવું. કોઈ પણ પ્રકારનાં ઝગડા વિષેની આ વાત છે. ઝગડા બધાં જીવોમાં સર્વવ્યાપી છે. મનુષ્યેતર જાતિ-પ્રજાતિઓમાં મુખ્યત્વે પોતાની સરહદ બચાવી રાખવા કે બીજાની સરહદ બથાવી પાડવા માટે અથવા તો ગમતું પાત્ર મેળવવા માટે ઝગડાં થાય છે. પણ એ કોમ્યુનિટીઓમાં સોશિયલ મિડીયા કે અખબાર કે ટેલિવિઝન, રેડિયો જેવાં માધ્યમો ન હોવાથી એ બધું વાઈરલ થતું નથી. સમયાંતરે એ ઝગડા શમી જાય પછી ફરી કોઈ સળીઓ કરીને ચગાવતું ય નથી. જ્યારે મનુષ્ય પ્રજાતિ જ એક એવી મહાજાતિ છે કે જે નાના નાના ઝગડા ય પેઢી દરપેઢી વિસ્તારી શકે છે. દાખલો શોધવા આપણે બહુ દુર ન જઈએ તો ઘરઆંગણે 'મહાભારત' છે જ. ભગવાન શ્રીકૃષ્ણે એ બધા ઝગડા સુલઝાવવા શક્ય એટલા પ્રયત્ન કર્યા પછી ય અર્જુનને ગીતાબોધ તો આપવો જ પડ્યો જે આગળ જતાં દેશમાં સોયના નાકા જેટલી સમસ્યાઓમાં ય બહુ જ ઉપયોગી સાબિત થયો છે એવું જ્ઞાનીજનો કહે છે. ઝગડો કરનારા- કરાવનારાના કેટલાંક પ્રકારો છે. જો ઝગડો જાહેરમાં થયો હોય તો -
નારદ મુનિ : ભલે ઈતિહાસમાં ક્યાંય નોંધ નથી લેવાઈ પણ ભારતવર્ષમાં મનુષ્યોમાં ઝગડો કરાવવાની વૃત્તિના મૂળ નારદ મુનિએ નાંખેલા. જગત આખામાં ખુદાબક્ષ તરીકે અલગારી રખડપટ્ટી કરતા રહેતા અને અહીંનું તહીં ને તહીંનું અહીં કરતા આ ઋષિ સમગ્ર પત્રકાર કોમ્યુનિટીના પિતામહ છે. નારદજી માહિતી પીરસીને તાલ જોતાં. ' સળગ્યું?તો તાપીએ ' વાળી મનોવૃત્તિ ય ખરી. આ પ્રકારનાં મનુષ્યો બંને પક્ષે થોડી થોડી શગ સંકોરતા રહે પણ ખુબી એવી કે બંને પક્ષને એ જ તારણહાર લાગે.
સળગ્યું?તો તાપીએ : કેટલાંક લોકોને ઝગડો થાય તો મઝા પડે છે. છૂપી પરપીડન વૃત્તિ ય એમાં ભાગ ભજવે છે. જગતમાં ઝગડો થાય તો જગતકાજી તરીકે અમેરિકા બિરાજમાન છે.હકીકતમાં અમેરિકા આ કક્ષામાં આવે છે.. જો કે, હવેના જમાનામાં આવી વૃત્તિ ઘણાંમાં જોવા મળે છે. ઘણાંને તો સળગતું રહે એમાં જ રસ હોય છે. માર્ક ઝુકરબર્ગ જેવા સોશિયલ મિડીયાના બેતાજ બાદશાહે એમાં શગ સંકોરવાનું કામ કર્યું છે. ફેસબુક કે ટ્વીટર જેવા માધ્યમ હોય, કોઇની તો વાટ લાગેલી જ હોય. ને પેલું સળગ્યું તો તાપીએ વાળા તૈયાર જ હોય..ઘી પૂરવા.
લઢ, નહીં તો લઢનાર લાવ ' : અન્ય એક પ્રકારના મનુષ્યો કોઈ પણ કારણસર લડવા પર ઉતરી જ અાવે. આ પ્રકારનાં લડાયકોને દરેક વાત અંગત લઈ લેવાની ટેવ હોય છે. એમનો i કાયમ કેપિટલ જ હોય. એમની નસોમાં લોહીને બદલે ' મને આવું કહ્યું? એ વળી છે કોણ મને આવું કહેનારા? મને જ કહ્યું..'વગેરે વગેરે જેવી માન્યતાઓ ફરતી હોય એટલે તરત જ એ કુદી પડે. 'લઢ, નહીં તો લઢનાર લાવ ' એમનો પ્રાત:સમરણીય ગુરુમંત્ર. આ લોકોની તલવાર કોઈ દિવસ ન કટાય.
આપડે શું?: આ સૌથી ખતરનાક પ્રકાર છે. ઝગડો ચાલતો હોય ત્યાં પહોંચી જઈને ય મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં જેવા આ મનુષ્યો માત્ર હાજરી જ પુરાવે. બાકી ઝગડો શાંત કરાવવામાં કે વધારે ઝગડાવવામાં એમનો લેશમાત્ર ફાળો હોતો નથી. ' આપડે શું ?' વિચારીને નિષ્પક્ષ, સાક્ષીભાવે જોયા કરે. કોઈ સાહેદી પુરાવવા પુછે તો હાથ ઊંચા કરી દે કે મને ખબર નથી. હકીકતે આ લોકોને જ સૌથી વધુ ને તે ય સાચી માહિતી હોય એવું બને.
ન્યાયાધીશ: આ પ્રકારના મનુષ્યોને ચાલુ ઝગડાએ કુદી પડવાની ટેવ હોય છે. પરિસ્થિતિનો તાગ લેવા અે અચાનક જ 'એક મિનિટ' કહીને બંને પક્ષની દલીલો, કારણો સાંભળ્યા પછી તારણ પર આવે. ને પછી રીતસર પોતે જે માનતા હોય એ મનાવડાવવા આકાશ પાતાળ એક કરે. ધારો કે બંનેમાંથી કોઈ એમની વાત ન માને તો એમના પક્ષેથી સમાધાનના બદલે પેલાં જે ઝગડતા હોય એ બંનેની સામે નવા ઝગડાનાં શ્રીગણેશ થાય છે.
સાધુ-સંત : ઝગડો ગમે એવી ચરમસીમાએ પહોંચે આ પ્રકારના મનુષ્યો નિર્લેપભાવે નિરખ્યા કરે છે. એમને ખાસ ફરક પડતો નથી. સમાજમાંથી સંન્યસ્ત સ્વીકારીને બધી મોહમાયા ત્યજી ચુકેલા સાધુઓ જેવી એમની આ ખાસિયત એમને ' સાધુ -સંત 'ની કક્ષા બક્ષે છે.
અલિપ્ત : જેમ તેલનું ટીપું પાણીમાં રહેવા છતાં ભેગું ન થાય અને અલિપ્ત જ રહે એમ કોટલાંક લોકો ઝગડો થઈ રહેલો જોવા છતાં એનાથી અલિપ્ત રહે છે. મૌનવ્રતધારી હોય એમ બંનેમાંથી એકેય પક્ષમાં બોલવાનું પસંદ કરતા નથી. ક્યારેક તો એમને ટોળામાં ઊભા રહીને ઝગડો જોતા હોય તો ય કશો ગણગણાટ કરવાનું યાદ આવતું નથી.
નિજાનંદી : આ પ્રકારના મનુષ્યો તદ્દન નિર્દોષ , સાવ નિરુપદ્રવી હોય છે. ઝગડાની વિગતોમાં ઉતર્યા સિવાય જે સાંભળવા ,જોવા મળે એટલાથી સંતોષ માનીને ઘટનાસ્થળેથી ચાલતી પકડે છે. એ કોઈને ય શું થયું કેમ થયું ક્યારે થયું જેવા પત્રકારો જેવા સવાલો પુછતા નથી અને પોતાની રીતે જ તારણ પર આવી જાય છે પણ પોતે કોઈ ચુકાદો આપતા નથી. ચુકાદા માટે એમણે કોઈ પક્ષને સાંભળવાના ન હોવાથી એ ઝગડાનો ભરપુર લુત્ફ ઉઠાવી શકે છે. સમુહમાં થતા વાતચીત કે દેકારાની એમના પર અસર થતી નથી.
ક્રોંખારો : ઝગડો થયો હોય એ સ્થળે ઝગડો પુરો થાય ત્યાં સુધી ઊભા રહેવાથી શબ્દભંડોળ વધે છે, ન્યાયપ્રિયતાના ગુણની ખીલવણી થાય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર