શુકન – અપશુકન

16 Sep, 2017
12:01 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

આપણે એટલે કે મનુષ્યોને જુદાં જુદાં શુકન સિમ્બોલ રાખવાની ટેવ સાર્વત્રિક છે. શુકન-અપશુકનને કોઈ વાડા કે સરહદો નડતાં નથી. મોટાંભાગનાં લોકોમાં એકાદી શુકન અપશુકનની માન્યતા આગુ સે ચલી હી આતી હૈ. ઘણાં તો વળી  ભુરું શર્ટ પહેર્યું હોય ને દિવસે કોઈ સુંદરી જો ગેરસમજમાં એમની સામે હસી હોય તો એને ભુરા શર્ટનો પ્રતાપ માને અને બીજાં દિવસથી ભાઈ ભુરા શર્ટ પહેરે. જો પરીક્ષા વખતે પેપર સારું ગયું હોય તો પુરુષાર્થ નહીં પણ પેન કે મમ્મીએ ખવડાવેલાં દહીંખાંડને લીધે ગયું એવું માનનારાં આપણી આસપાસ છે .

જગત આખામાં વર્ષોથી ૧૩( તેર) ના આંકડાને અશુભ માનવામાં આવે છે. ઇસુ ખ્રિસ્તે એમનું છેલ્લું ભોજન લીધું ત્યારે ખંડમાં ૧૩ વ્યક્તિઓ હતી. ઘટનાને લીધે ૧૩નો આંકડો અળખામણો અને અપશુકનિયાળ મનાય છે. કેટલીય હોટલોમાં ૧૩ નંબરની રુમ નથી હોતી.  Survey - પ્રિય દેશ અમેરિકામાં ૧૦ % થી વધુ લોકો ૧૩ને અપશુકનિયાળ માની એનાથી ડરે છે. ( પણ સામે પેલા ૯૦ % નથી ડરતા એનું શું?) એમ તો અમારા એક પરિચિતે નવી કાર ખરીદી. થોડાં દિવસ પછી કારનો નંબર આવ્યો ૧૩. ભાઈ ખાસ માને નહીં આવું બધું શુકન ને અપશુકન. (પત્નીની હઠ આગળ તો ભગવાન રામનું નહતું ચાલ્યું કશું. એમણે હરણની પાછળ દોડવું પડેલું ને?) નંબર બદલાવાય એવું હતું. છેવટે કાર વેચી નાંખી. પછી ફરી કાર લેવાનો મેળ હજુ નથી પડ્યો. 

કાળી બિલાડી આડી ઉતરે , ગરોળી પડે, ઘૂવડ બોલે, સવારમાં ગાય સામી મળે જેવા શુકન અપશુકન આપણે ત્યાં પ્રચલિત છે. કોઈએ પશુ પંખીને માણસ આડો ઉતરે તો એમને શું થાય છે સંશોધન કરવું જોઇએ. થોડાં દિવસ પહેલાં એક વાંદરાને એક ફોટોગ્રાફર ખૂબ શુકનિયાળ સાબિત થયો. ૨૦૧૧માં ડેવિડ સ્લેટર નામનો બ્રિટીશ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઇન્ડોનેશિયા ગયેલો. નેશનલ પાર્કમાં ફોટા પાડતો હતો ત્યારે એના સદ્નસીબે ( વખતે) નરુટો નામના વાંદરાએ એનો કેમેરા લઈને ધડાધડ બાર પંદર ફોટા ઝીંકી દીધા. વાંદરા સેલ્ફીક્રેઝી હોય જગતને નરુટોના પરાક્રમ પછી ખબર પડી. તસવીરો કોઈ મેગેઝિનમાં છપાઈને  વાઇરલ પણ થઈ. સ્લેટરભાઈ ખાસ્સું કમાયા. અને પછી એમની કઠણાઈ શરુ થઈ. તસવીરના મુદ્દે  ‘પેટા- પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ ભાઈ સ્લેટરને કોર્ટમાં ઢસડ્યા. કારણકે સેલ્ફી નરુટોએ પાડેલી એટલે એનો કોપીરાઈટ બનતો હતો જે સ્લેટરભાઈએ પોતાના નામ પર ચડાવી દઈ  ‘કોપીરાઈટના ભંગ કર્યો અને થઇ બધી કમાણી ઘેર લઈ ગયા. સાત વર્ષ લડાઈ ચાલી ને પછી બંને પક્ષના વકીલોએ સમાધાન કર્યું. અનુસાર સ્લેટરે નરુટોને પેલા ફોટાની ૨૫% કમાણી આપશે. સ્લેટરભાઈએ હવે તેઓ વાંદરાનો પોતાની  વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં કદી સમાવેશ નહીં કરે એવી કસમ ખાધી છે

કોઈના પર ગરોળી પડે તો સૌ પહેલાં તો પીડિત ચીસાચીસ કરી મૂકે. આપણાને એમ થાય કે સારું છે ડાયનોસોર લુપ્ત થઈ ગયા. દરેક ઘરમાં ઓછામાં ઓછા બે જણા તો ગરોળીથી ડરતા હોય. એકને ખરેખર ડર લાગતો હોય ને બીજું દેખાદેખીથી ડરતું હોય. ‘ આવડા મોટાં વાઘ જેવા થઈને પામર જીવથી ડરે છે તો જીવ હકીકતમાં બહુ શક્તિશાળી હોવો જોઈએ.’ બાબત પેલાં દેખાદેખીવાળાના મનમાં જડબેસલાક ઠસી ગઈ હોય. એટલે કાળક્રમે ગરોળીથી ડરવા માંડે. ગરોળી પડવાની ઘટના સ્ત્રીજાતકને અને પુરુષજાતકને જુદું જુદું પરિણામ આપે છે એવી વાયકા છે. કોઈ એમ કહે કે સ્ત્રીઓને જમણા અને પુરુષોને ડાબા અંગ પર પડે તો શુકન, નહીં તો અપશુકન. કેટલાંક એમ માને કે સ્ત્રીને ડાબા અને પુરુષને જમણા અંગ પર પડે તો શુકન ,નહીં તો અપશુકનઆવા વિરોધાભાસી મંતવ્યોમાં બાબાઓ ખુદ અટવાયેલા હોય છે એટલે તમે જોજો, દરેક નવા જૂનાં  બાબા કે મા ગરોળી કઈ બાજુ પડે તો સારું એવો ઉલ્લેખ સુદ્ધાં ટાળ્યો છે. એટલે નબળા મનનાં મનુષ્યો પોતાના પર ગરોળી પડે તો કઈ બાજુ પડે સારું એમ વિચારવાને બદલે એનાથી દસ ગાઉ દુર ભાગે. 

નોળિયાને અને સાપને બાપે માર્યાં વેર છે. એટલે જ્યાં નોળિયો હોય ત્યાં સાપ હોવાની શક્યતાઓ ઓછી છે. નોળિયો દેખાય તો શુકન કહેવાય એમ માનતા એક બહેન જ્યારે નોળિયો જુવે તે દિવસે બનતી દરેક ઘટનાની સારી અસર નોળિયા સાથે જોડી દે અથવા એમ કહે કે નોળિયો જોયેલો એટલે શુળીનો ઘા સોયથી ગયો. એકવાર મારે નોળિયાને પૂછવું છે કે ભાઈ નોળિયા, તું બહેનને જુએ તે દિવસે તારું શું થાય છે? 

કાચ ફૂટવાને શુકન કહેનારા આપણે હકીકતમાં તો આપણે નુકસાન થયું વાતનો બોજ ઓછો કરવા માટે નુકસાનીને લાભ કહેતા હોઇએ છીએ. અમારે ત્યાં કામ કરવા આવે છે શંકરથી એકવાર હાથમાંથી ટ્રે છટકી તો ત્રણ કપ એકસાથે ફૂટી ગયા. કોઈ કશું કહે પહેલાં એણે જાતે કહી દીધું કે  ‘સુકન થયું મારા હાથે. લાવો ૫૧ રુપિયા.’ ‘અલ્યા ભઈ, કપ તો ફુટ્યા ને એમાં તને ૫૧આપવાનાં મને શુકન થયું કહેવું કે નુકસાન?’ ‘ભણેલા સો તો એટલી ખબર નહીં તે મુ ક્યાં ભણેલો સુ તે મને ખબર હોય?પત્યું. આપ્યાં ૫૧₹. 

 રામાયણ કે મહાભારતમાં કોઈને શુકનિયાળ એવી આંજણી થઈ હોય તો ક્યાંય નોંધાઈ નથી. પેલી જાણીતી કથા મુજબ કદાચ દશરથરાજા જ્યારે કૈકેયી સાથે યુધ્ધમાં ગયા ત્યારે  કૈકેયીએ પોતાની આંગળીના બલિદાનના બદલામાં માંગેલા બે વચનપુર્તિ સમયે ભરતને આંજણી થઈ હોવી જોઈએ. પણ ભરત હજી નાના હોવાથી એમને ટીવી પર  આખો દિવસ પોકેમોન ને છોટા ભીમ જોયા કરવાની આડઅસર માનીને બધાએ નજરઅંદાજ કર્યું હોય અને આવી મહત્વની ઘટના ચુકાઈ ગઈ હોય એમ બને. વિભીષણને આંજણી થયા પછી સોનાની લંકાના રાજપાટ મળ્યા હોય તો નવાઈ નહીં. 

સેઈમ કેસ મહાભારતમાં બન્યો હશે. જ્યારે ગુરુ દ્રોણની ધનુષવિદ્યાની પ્રેક્ટિકલ એકઝામ હતી  ત્યારે અર્જુનને  ઓલરેડી આંજણી થયેલી હોવાથી એની એક આંખ બંધ હતી. અને એને બધું કટ સાઈઝમાં દેખાતું હતું. ઈવન પેલા પક્ષીની એક આંખ એને દેખાતી હતી એના મૂળમાં આંજણી જહતી. અને એટલે વધુ ચોક્સાઈથી નિશાન તાકી શક્યો. પણ અર્જુન બધાનો ફેવરિટ રાજકુમાર હતો અને ત્યારે કૌરવ અને પાંડવ એમ બે પક્ષ  હોવાથી  આંજણીવાળી વાત બહાર આવતા પહેલાં દબાઈ ગઈ બાકી યાદવાસ્થળીના મંડાણ ત્યારથી થઈ જાત. અર્જુનને આંજણી છાશવારે થતી રહેતી હોવી જોઈએકારણકે , લાભ ખાટવા માટે એકેય પગારપંચની રાહ જોવાની એને જરુર પડી નથી.

 

 ક્રોંખારો: મહાભારતના યુધ્ધ વખતે ગાંધારીએ દુર્યોધનને દહીંખાંડ નહીં ખવડાવ્યાં હોય

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.