લગ્ને હજો મંગલમ્
મહેસાણા પાસેના જાણીતા રિસોર્ટમાં એક હાઈ પ્રોફાઈલ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કન્યા અને મુરતિયો બંને પરદેશી છે. પણ હિંદુ શાસ્ત્રોક્ત વિધિ માટેની એમની ઘેલછાએ એમને હિંદુસ્તાની વિધિ મુજબ લગ્ન કરવા માટે મજબૂર કર્યાં છે. વિશ્વપ્રવાસી વડાપ્રધાન મોદીજીના ભારતના જોરશોરથી વિશ્વવ્યાપી વખાણોનો ય હિસ્સો ખરો જ વળી. લગ્નસ્થળ પર આમ જોવા જાવ તો વર કે કન્યાપક્ષના એકે ય સગાંવહાલાં દૃષ્ટિગોચર થતા નહતા. પણ તો ય ઈવેન્ટ મેનજરો એમને સોંપાયેલી ડ્યુટી બરાબર નિભાવ્યે જતા હતા. પૈસો બોલે છે.
જોકે ઘણીવાર પૈસો મૂંગો ય રહે છે ને ઈવેન્ટ મેનેજરો ઈવેન્ટમાં વેઠ વાળી જાય એમ પણ બને છે. એવે વખતે ઈવેન્ટમાં વપરાયેલા સરસામાન હલકી ગુણવત્તાવાળા હોય અથવા ડેકોરેશનમાં ફૂલ વાસી વાપર્યા હોય કે પછી ખુરશીના પાયા હચમચી ગયેલા હોય. પણ આ લગ્નમાં બધું સરસ રીતે આયોજન થયેલું એટલે વ્યવસ્થા જોરદાર હતી. જેમ જેમ ઘડિયાળનો કાંટો ગતિ કરતો જતો હતો એમ એમ ઈવેન્ટ મેનેજર હાથમાં વોકીટોકી સાથે આમતેમ દોડાદોડી કરતા કરતા સતત એમના ટીમ મેમ્બર્સને સૂચના આપી રહ્યા હતા. ને ટીમ મેમ્બર્સ પણ આ સૂચનાઓનું અક્ષરશ: પાલન કરી રહ્યા હતા. રિસોર્ટમાં મેઈન ગેઈટથી માંડીને જુદા જુદા કોટેજીસ સુધી દરેક જગ્યાએ તાજા ફૂલોની સેર, રંગોળી, આસોપાલવના તોરણ વગેરે બધું જ પરફેક્ટ ગોઠવાઈ ગયું. જુદી જુદી જગ્યાએ મૂકેલી ઝબૂકીયા લાઈટ્સ પણ બરાબર કામ આપી શકશે એમ ખાતરી કર્યા પછી મેનેજરે રસોડા ભણી પ્રયાણ કર્યું.
'મહારાજ… અફલાતૂન રસોઈ થવી જોઈએ આજે. મહેમાનો આંગળા ચાટતા રહી જાય એવા સ્વાદિષ્ટ બનાવજો. '
'આપડા કોમમોં કોંય જરૂર નહે કહેબાની. બધું પરફેક જ હોય'
'હા, એટલે જ ગઈ વખતે કચોરીમાં મીઠું ભૂલી ગયેલા ને ગાજરના હલવામાં મીઠાનો સ્વાદ આવતો હતો. '
'થાય કોઈવાર. પછી રિપેર હૌ આપડે જ કરેલું ને એ? મિશ્ટેક તો ભગવોનથી ય ચ્યોં નહેં થઈ આ દુનિયા બનાઈન?'
'ઓકે, ધ્યાન રાખજો આ વખતે. આ વખતના મહેમાન અહીંના નથી એટલે જો તમારે ગરબડ થઈ તો એમને કદાચ ખબર ન ય પડે. એટલે તમારી રસોઈના લીધે એ આપણી કોઈ વાનગીના સ્વાદનો ભળતો જ અનુભવ લઈને જાય એવું ન કરતા પાછા.'
'સેઠ, એકવાર આ રાકા મહારાજ જીબાન આલે પછે કોઈ ચંત્યા નઈ કરવાની. કોંય ગરબડ થશો તોય હંભારી લએ. તમે પણે ખુણામોં શોંતિથી બેહો. મારા માથે કોઈ ડિસ્કો કરતુ હોય એ મને પોહાતુ નહે. જરૂર હશે તારઅ બોલાએ તમને. '
'હા. પણ જોજો, લાઈવ ઢોકળામાં અને સેવ- ટમેટાના શાકમાં વેઠ ના વાળતા. ખાસ મોદીજીના આગ્રહને લીધે જ આપણે બધું શુદ્ધ શાકાહારી અને ગુજરાતી મેનુ જ બનાવડાવ્યું છે. જો ગરબડ થઈ તો તમારું પેમેન્ટ નહીં મળે. '
'સેઠ, પેમેન્ટ માંગ્યું કોઈએ? બધું હપુચું પાર પડે પછે જ આલજો. બસ ? પણ એમ તો કહો કે આ આટલુ બધું હિંડોળો ઝાકમઝોળ કરો છો તે પાર્ટી છ કુણ? '
'તમને ક્રિકેટ સિવાય કોઈ રમતગમતનો શોખ છે? તો કદાચ ખબર પડે.'
'હોવે. ગોમમોં કબડ્ડીની જેટલી ય મેચો થાય એ બધી મેચો જોઈએ છીએ.'
'રહેવા દો. તો તમારું કામ નહીં. પણ કહી મૂકું. એક બહુ જાણીતો ફૂટબોલ પ્લેયર છે બાર્સેલોનાનો લાયોનલ મેસ્સી નામનો. એના મેરેજ છે. આખી પાર્ટી હવે ગમે તે ઘડીએ ચાર્ટર્ડ પ્લેનમાં આવી પહોંચશે. મઝાની વાત એ છે કે બધા જ સાવ અજાણ્યા છે આપણા રીતરિવાજો કે ખાનપાન વિશે. હવે તમને સમજાઈ ગયું હશે કે મેં તમારી પાસે દરેક આઈટમની ચોક્કસ રીત લખી આપવાનો દુરાગ્રહ કેમ રાખેલો. અચાનક જો મહેમાનમાંથી કોઈ ઢોકળા કે ચટણીની રીત પૂછી નાંખે તો આપડું ખરાબ ના દેખાવું જોઈએ. તમે જે રીતો લખી આપેલી તે આપણે ખાસ ટ્રાન્સલેટર પાસે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવીને એના ફરફરિયા છપાવડાવ્યાં છે. જેવું કોઈ પૂછે કે ફરફરિયું પકડાવી દેવાનું.'
'વાહ વાહ સેઠ, તુસ્સી તો ગ્રેટ હો. હવઅ તમઅ જાવ. બધું લગભગ તૈયાર જ છઅ. રાકા મહારાજ ઓલ કંપલિટ થસે એટલે બંદુકથીન તૈણ ભડાકા કરશે. ત્યોં હુંદી કોઈન ઓંય આબબા ના દેતા. '
'ભલે. હું હવે મેઈન ગેઈટ પર જઉં છું. કામ પડે તો વોકીટોકી તો ચાલુ છે જ મારું. '
'લા ભઈ, તમઅ જાવ ઈમ કહું છું ચ્યારનો. '
આહત મેનેજર મેઈન ગેઈટ તરફ ચાલવા માંડ્યા. પાછું યાદ આવતા એમણે એમના જનસંપર્ક અધિકારીને મોબાઈલ જોડ્યો. બધા વર્તમાનપત્રો અને ન્યૂઝ ચેનલમાંથી યોગ્ય સમયે રિપોર્ટિંગ કરવા પત્રકારો આવી પહોંચશે એવી ખાતરી કરી લીધી. આઈ.ટી. એક્સપર્ટને ય ફોન કરીને મિનિટે મિનિટની અપડેટ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડીયા પર મુકતા રહેવાની તાકીદ કરી દીધી. પોસ્ટદીઠ ઓછામાં ઓછી દસ હજાર લાઈક્સ ને કમેન્ટ્સ તો અંકે કરવી જ પડશે નહીં તો પેમેન્ટ નહીં મળે એવી ધમકી ય આડકતરી રીતે આપી દીધી.
મેસ્સી ભલે એના દેશના પત્રકારો કે પાપારાઝીઓથી છૂપાઈને અહીં ભારતમાં લગ્ન કરવા આવતો હોય, પણ જો આપણે ફોટા કે મીડિયા પર પ્રસિદ્ધિની બધી વ્યવસ્થા ન વિચારીએ તો કોને ખબર પડે કે આપણે આવી રીતે મેરેજીસ ઓર્ગેનાઈઝ કરીએ છીએ? તે ય ખિસ્સાને પરવડે એવા દામમાં. હમ કિસીસે કમ નહીં. મેઈન ગેઈટથી પહેલાં થોડે દૂર સેલ્ફી ઝોન હતો. નાનામોટા ફૂટબોલ, ગ્લવ્ઝ, રંગબેરંગી ચશમા, ચીયર લીડર્સ પાસે હોય એવા ચમકતા ફૂમતાં જેવી જાતજાતની પ્રોપ્સથી સજ્જ એ કાઉન્ટર ખરેખર આકર્ષક લાગતું હતું. પોતાને આવેલા આ સેલ્ફી ઝોનના આઈડિયા પર મેનેજર પોતે જ ઓવારી ગયા અને મલકી રહ્યા. એની બાજુમાં જૂતાની નાની એવી હાટડી સેટ કરેલી. કારણકે મેસ્સીભઈની વાગ્દત્તા એન્ટેનોલ રોઝુકાએ થોડાં દિવસ પહેલાં જ બીજા ફુટબોલ ખેલાડીની પત્ની સાથે ભાગીદારીમાં જૂતા કંપની લોંચ કરેલી. રોઝ મેમને એમ ન થવું જોઇએ કે મારી કોઈએ નોંધ ન લીધી. ચાલતા ચાલતા મેનેજર લગ્નવિધિ થવાની હતી એ સ્થળ પર આવ્યા. જુદા જુદા એંગલથી ડેકોરેશન જોયું અને સ્મિત કર્યું. ગોર મહારાજને સબ સલામત ને એમ પૂછી લીધું. વિધિ સમજાવવા માટે ખાસ એક દુભાષિયાને રોકેલો તેને ય સાબદા રહેવા કહ્યું. ફૂડઝોનમાં પ્લેટ્સ, વોટર બોટલ પેપર નેપ્કિન્સ વગેરે તપાસી લીધું. આખા ગ્રાઉન્ડમાં ફરીને મેનેજરે બધી વ્યવસ્થાની જાતતપાસ કરી અને સંતોષથી ગેઈટ તરફ ચાલ્યા. એટલામાં જ ત્રણ ધડાકા સંભળાયા. 'હં.. રસોઈ ઊંચી મૂકાઈ ગઈ લાગે છે.' થોડીવાર નીરવ શાંતિ પછી ફરીથી કશા અવાજો સંભળાયા. ને અમે ઊંઘમાંથી સફાળા જાગી ગયા.
ક્રોંખારો:
બૈગાની શાદી મેં અબદુલ્લા દીવાના...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર