આઈ એમ સમથિંગ...
એક સાધુ હતો. ગામમાં જઈને સીધું સામાન માંગી ખાતો. ગામ નાનું અને સામાન્ય વર્ગનું હોવા છતાં ગામમાંથી એનાજોગું તો મળી જ રહેતું. એકવાર આ સાધુને ગામમાંથી કંઈ ન મળ્યું. છેલ્લા ઘરેથી આશા હતી ત્યાંય વહુએ ના કહી ને મહારાજની માફી માંગી. મહારાજ જરા નિરાશ થયા પણ પછી ભગવાનની મરજી ગણીને ચાલતા થયા. બાજુનું ગામ જરા દૂર હતું પણ ત્યાંથી કંઈ તો મળશે જ એવી આશાએ મહારાજે એ તરફ ચાલવા માંડ્યું. ખાસ્સું અંતર કાપ્યા પછી મહારાજને પેલા છેલ્લા ઘરે ના કહેલી તે વહુની સાસુ મળી. એણે મહારાજને પૂછ્યું કે વહુએ કંઈ આપ્યું કે કેમ? મહારાજે ના કહી એટલે સાસુ તો વિફર્યા ને મહારાજને કહે કે 'એમ? એણે ના પાડી? ચાલો પાછા, હું બેઠી છું ને બાર વરસની..' મહારાજે પોલો વિરોધ કરી જોયો કે રહેવા દો ચાલશે પછી કોઈવાર આપજો ને એવું બધું કહી જોયું. પણ સાસુ ધરાર માની જ નહીં ને લઈ ગઈ ઘરે. મહારાજને એમ કે હશે ચાલો કદાચ વહુને ખબર નહીં હોય એટલે એણે ના પાડી હશે. ઘરે પહોંચ્યા પછી મહારાજને ના કહી કે મહારાજ, માફ કરજો પણ ઘરમાં કંઈ નથી. એટલે મહારાજે કહ્યું કે એ તો તમારી વહુએ કહેલું જ ને મને.. તમને ય ખબર જ હતી તો અહીં સુધી લાવવાની ક્યાં જરૂર હતી? એટલે સાસુ ઉવાચ: હું બેઠી છું ને બાર વરસની? ના પાડનારી એ કોણ? ના પાડું તો હું ના પાડું.. એનાથી ના કહેવાય જ નહીં....' ભગવદ્ ગોમંડળમાં 'હું' શબ્દના અર્થમાં ભલે એમ લખ્યું હોય કે 'પહેલા પુરુષને બદલે વપરાતો શબ્દ; પહેલો પુરુષ એકવચન સર્વનામ. હુંના બે પ્રકાર છે; દ્રશ્ય હું અને અદ્રશ્ય હું. દ્રશ્ય હું તે લૌકિક મનુષ્ય અને અદ્રશ્ય હું તે આત્મા.' પણ સામાન્ય સમજ તો આનાથી ક્યાંય ઊંચી છે. સામાન્ય સમજ મુજબ 'હું' એટલે આખું વિશ્વ. મેરે નામ સે શુરુ ને મેરે નામ પે ખતમ. હું કહું તે જ સાચું માનનારાઓની જગતમાં ખોટ નથી.
Ego કહેતાં અભિમાનનું સ્તર દરેકમાં વધતા ઓછા અંશે હોય જ પણ ભાગ્યે જ કોઈ માઈનો લાલ કે લાલી પોતે ego-શાળી છે એવું કબૂલ કરે. સવારમાં હજુ માંડ ચ્હા પરવાર્યા હોઈએ ને ટેલિફોન બજે.. અવાજ પરથી ઓળખવાના ઉખાણાં ચાલુ થાય ને ભુલેચુકે જો આપણે થાપ ખાઈએ અને આપણી બદ્ કિસ્મતીએ ફોન કરનારનું ઈગોમીટર હાઈ હોય તો પત્યું. પેઢીઓ જૂની ઓળખાણ પર જઈને વાત અટકે. ઓળખી ન શકવાની ઘટના કરતા અહીં વધુ મહત્ત્વ 'કોને' ન ઓળખી શક્યા તેનું છે. બુલ્લેશાહ નામના પ્રખ્યાત સંત પણ પોતાને નહોતા ઓળખી શક્યા તે એમણે 'બુલા કિ જાના મેં હું કૌન?' આવું લખેલું. એ એટલા નમ્ર કે એમણે આવું લખીને પોતાની ઊંચાઈ દેખાડી. પણ હવે તો બધાને પોતે કોણ છે એ જણાવવાની બીજાને એટલી તાલાવેલી હોય કે એમાં ને એમાં સાવ નિમ્ન કક્ષાએ પહોંચી જાય. ઝગડો થાય ત્યારે આ એકબીજાને ખબર પાડી દેવાની જાણે હોડ લાગે. નાની નાની વાતમાં ego hurt થઈ જાય એટલે વિફરે ને ભાષા વૈભવ કે સ્થળ કાળ હાજરીનું ભાન ભૂલીને ગેરવર્તણૂંક કરવા માંડે. ભૂતકાળમાં સાહિત્ય સંમેલનોમાં ય આવું થયેલાનું સાંભળ્યું છે. જો કે, સાહિત્યકારોમાં ચંદ્રકાંત બક્ષી ઊંચા ગજાના સાહિત્યકારોમાં પોતાને જાતે જ પહેલો નંબર આપતા એવું એમના દુશ્મનો તો ઠીક પણ એમના ચાહકો ય કહેશે. વારે તહેવારે બક્ષીબાબુમાંનો 'હું' પ્રગટ થતો રહેતો. એમણે કશેક લખેલું કે 'મને ગાળો બોલનારા વિવેચકોની પણ અત્યારે ત્રીજી પેઢી પ્રેક્ટિસ કરી રહી છે.'
અભિમાન હોવાના કારણો અગણિત છે. પણ એમાં ધનનું, જ્ઞાનનું, હોદ્દાનું, નાત-જાત અને દેખાવનું અભિમાન મુખ્ય છે. કેટલાંકને પોતે કેવી કેવી હસ્તીઓને ઓળખે છે એનું ગજ્જબનું અભિમાન હોય. એટલી તો ઠંડકથી ગપ્પું ય મારી દે કે સાંભળનાર બાટલામાં આવી જ જાય. મુકેશ ને હું જૂના જોગી. સાથે જ સ્કૂલ કોલેજ.. એના લગ્નમાં ય આપણો ફોટો છે બોસ. નીતાભાભી તો અડધી રાત્રે ય મને જ ફોન કરે કે બાલુભઈ આ અંતુને ઠીક નથી લાગતું તો તમે જરા ડોક્ટરને લેતા આવો ને.. ગાડી ને ડ્રાઈવર મોકલું છું..' ને જો આપણે જરા ખણખોદ કરીએ તો ખબર પડે કે બાલુભઈને નીતાભાભીના ડ્રાઈવર સાથે ઘરના સંબંધ છે. કેટલાંકને પોતે કંઈ ન હોય તો ય મિથ્યાભિમાન હોય. અમારાં એક પરિચિતને ઘરના મોભી હોવાના નાતે એવી ટેવ કે એમને ઘરમાં બધાએ બધું જ કહેવાનું. કોણ ક્યાં કોને મળવાનું છે કે જવાનું છે એ એમને ખબર હોવી જ જોઈએ. પરિવાર સુધી હતી આ ટેવ ત્યાં સુધી બરાબર પણ પછી એ મિત્રો માટે ય એવો આગ્રહ રાખવા લાગ્યા કે દરેકે એમને કહીને જ ભેગાં મળવાનું. કોઈ સંજોગોમાં કહેવાનું રહી જાય તો 'મને કેમ ન કહ્યું?' નો મોટો બખેડો કરે. ઉંમરની મર્યાદા જાળવીને બધા સાચવી લે પણ કોઈ દહાડો એમની આ હવા કાઢી નાંખનાર કોઈક તો આવશે જ.. આઈ એમ સમથિંગવાળો એટિટ્યુડ સામાન્ય રીતે જે કશું ન ઉકાળી શક્યા હોય એનામાં જોવા મળે કારણકે એમને પોતાને ય ખબર ન હોય કે એ શું છે. રાવણને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. પણ એ રાખી શકે એવું ય હતું જ. ભગવાન રામે રાવણને યુદ્ધમાં હારનો પરચો કરાવેલો, જ્ઞાનમાં નહીં. રામને ય ખબર હતી કે જ્ઞાનમાં તો રાવણ જ શ્રેષ્ઠ છે. એટલે એમણે જ્ઞાનસત્ર યોજવાનું માંડી વાળેલું.
ક્રોંખારો:
પ્ર: Ego અને Attitude વચ્ચે શું ફરક છે?
ઉ: તમારી વાત હોય તો એને હું તમારો Ego કહું , ને મારી વાત હોય તો એને મારો Attitude કહું .. એઝ સિમ્પલ એઝ ધેટ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર