ખબર નહીં
"શું લાગે છે?" કોઈ જ પૂર્વા પર સંબંધ વિના મારા તરફ ફંગોળાયેલા આ સવાલથી મને જરા મૂંઝવણ થઈ. કવિહૃદય ધરાવતા મિત્ર થોડા દિવસથી ભયંકર મૂંઝાયેલા અને મૂરઝાયેલા દિસતા હતા. થોડીવાર હજુ કંઈ પૂછે તો સહેજ અણસાર આવે એમ માન્યું પણ મિત્ર તો મૂંગા મૂંગા દૂર કશે શૂન્યમાં તાકી રહેલા. એટલી વારમાં મને કેટલાય વિચાર આવી ગયા. પહેલો વિચાર એમ આવ્યો કે ઘરમાં કોઈ નજીકનું સ્વજન માંદુ હશે ને એમના બચી જવાના ચાન્સીસ ઓછા હોવા જોઇએ. માનવમન હકીકતમાં વાનરમન જેવું છે. આવા સમયે ખૂબ વિચારો કુદકા ભૂસકા મારે મનમાં ને જે વિચારે એ ય એકદમ અંતિમ જ. એ જ નિયમને અનુસરતા પણ એમના નાજુક દિલને ઠેસ ન પહોંચે એમ મેં ધીરે રહીને એમને પુછ્યું : "બહુ માંદા છે? ક્યારે ખબર પડી? કેટલી ઉંમર હશે? કશે દાખલ છે?" ઉપરાછાપરી ચાર પ્રશ્નો મેં સામા ઝીંક્યા. ક્રિકેટમાં છેલ્લો ખેલાડી અણધાર્યો રનારની કરે ને બૉલર હેબતાઈ જાય એવી હાલત મિત્રની થઈ.
"હેં? કોની વાત કરો છો? મારે ત્યાં કોઈ માંદુ કે હોસ્પિટલમાં દાખલ નથી દોસ્ત."
"તો તમે મને શેનું શું લાગે છે પૂછતા હતા?"
"હત્તેરી.. એ તો GSTનું પૂછતો હતો."
"ઓહ, સોરી હોં. મને એમ કે કોઈ માંદુ છે. GSTવાળું મને ખબર નથી. જે મારો વિષય નથી એમાં હું કેવી રીતે કોઈ ઍક્સ્પર્ટ કૉમેન્ટ આપી શકું?"
"આમ તો મારી જ ભૂલ કહેવાય કે મેં તમને પૂછ્યું. પણ મને એમ કે કદાચ આ બાબતે ખબર હોય પણ ખરી."
"તમને હું આમીર ખાન લાગું છું કે જે એન્જિનીયરીંગના વિદ્યાર્થી હોવા છતાં ગાયનેકોલોજિસ્ટનું કામ નિપુણતાથી કરી શકે?"
"હા બાપા, ભૂલ થઈ ગઈ કહ્યુંને? જો કે, તમને કાયમ જ ક્યાં કશી ખબર હોય છે? ભાગ્યે જ તમે મને કોઈ સંતોષકારક ઉત્તર આપ્યો છે આટલાં વર્ષોમાં."
"તો પૂછો છો શું કામ?"
"ખબર નહીં."
એ પછી મિત્રએ મને GST નું યથાશક્તિ જ્ઞાન આપવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો પણ મને બધું બમ્પર ગયું. ખાસ્સીવાર માથાકૂટ કર્યા પછી એમણે મને ફરીથી પેલો સવાલ પૂછ્યો : "શું લાગે છે?" આ વખતે મેં સતર્ક રહીને સામો સવાલ તરત જ પૂછી લીધો : "શેનું?" ખોટું શું બોલવાનું વળી? મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા પછી એમણે સ્ટેટમેન્ટ આપ્યું : "તમને ખબર છે ને તમારા આ 'ખબર નહીં' શબ્દો સામે મને સખત વાંધો છે તે? પણ ખબર નહીં કેમ તમે આવું વર્તી રહ્યા છો."
વળી મેં ટહુકો કર્યો: "આ તો ચિટીંગ કહેવાય. તમે 'ખબર નહીં' બે વાર બોલ્યા એનો વાંધો નહીંને અમે બોલીએ તો તકલીફ? પ્રભુ કરે એ લીલા ,એમ?"
ગુસ્સો આવવાથી કે એમના મને આ GST સમજાવવાનાં ઓરતાં અધૂરાં રહેવાથી, ખબર નહીં કેમ પણ જરા નારાજી દેખાડીને એમણે ચાલવા માંડ્યું. એમના ગયા પછી અમે ય ઘર તરફ પ્રયાણ કર્યું. મનોમન ગાંઠ વાળી કે ઘરે જઈને પહેલું કામ આ GST વિષે જાણવાનું કરીશ. પણ ખબર નહીં કેમ ઘરે ગયા પછી બીજા બધાં કામમાં એ રહી જ ગયું.
આ 'ખબર નહીં' શબ્દો દુ:ખહર્તા, જાદૂઈ છડી જેવા છે. ગમે તે પરિસ્થિતિમાં એકસરખું જ પરિણામ આપે, બચાવી લેવાનું. કોઈ કંઈ કામ સોંપે ત્યારે આ બે ઈલમી શબ્દો બોલવાથી કાર્યભાર સમગ્રપણે આવી પડતો નથી. અથવા એ કાર્યની સફળતા અંગે અપેક્ષા ઓછી થઈ જાય છે. જ્યારે તમે કોઈને ખબર છે એમ કહો છો ત્યારે તમે અજાણતાં જ એના (વધુ પડતા) સ્વાભિમાનને ઠેસ પહોંચાડો છો. એના બદલે જો તમે 'ખબર નહીં' કહો તો સામેવાળી પાર્ટી તમને એ વિષે માહિતી આપવા થનગની ઊઠે છે. એવું ય બને કે કાર્યભાર પોતે જ લઈ લે ને તમારા ભાગે મદદનીશ જેવું કામ રહે. ઘણીવાર તમારા કરતા ચતુર જીવો કાર્ય-સફળતાનો જશ પોતે જ ખાટી જાય અને નિષ્ફળતાનો ટોપલો તમારા માથે ઢોળી દે.
એ વાત જુદી છે કે મોટાભાગના લોકો પોતાને જે તે બાબતનું જ્ઞાન નથી અથવા ખબર નથી એવું કહેતા બહુ જ નાનમ અને ભોંઠપ અનુભવે છે. ઇશ્ક ઔર મૂશક છૂપે નહીં રહે સકતે પણ જો કોઈનો ઇશ્ક છૂપો રહી શક્યો હોય તો ય પોતે તો પહેલેથી જ બધું જાણતા હતા એવો દાવો કરનારાઓ પેલાં બે ઇશ્કમિજાજી પાત્રો સિવાય બધા જ હોય. એક મિત્રના પ્રેમલગ્ન થયા. સગાઈના આગલે દિવસે એણે મિત્રોને સગાઈની વાત કરી અને પ્રસંગ શોભાવવા આમંત્રણ પણ આપ્યું. આખી ઘટના એટલી તો શાંત અને સ્વાભાવિક ક્રમમાં થયેલી કે એકેય મિત્રને આ પ્રેમસંબંધની ભનક સુદ્ધાં આવવા નહી પામેલી. પણ "મારા સરીખાં જ્ઞાનીને સદીની આ મહાન ઘટનાની જાણ લેશમાત્ર ન થઈ?" એ વાતે દરેક મિત્ર શરમિંદગી અનુભવી રહેલા. અજ્ઞાનતાના અપરાધભાવથી બચવા બધા મિત્રોએ એકબીજાની સાહેદી લેવા માંડી કે "મને તો પહેલા દિવસથી જ ખબર પડી ગયેલી કે આ બે વચ્ચે કંઈ છે. હેં ને ફલાણા?" એટલે ઉત્તરમાં ફલાણો એમ કહે કે "હા, મેં ય નોટિસ કરેલું.." ને એમ એકબીજાની ભોંઠપ દૂર કરવાનો પ્રયત્ન કરી જોયેલા. હવે પેલાં પ્રેમીજનોના મતે જોવાની ખૂબી એ હતી કે એમના મિત્રો જે સમયગાળાની એકબીજાનો હાજિયો પૂરાવતા હતા ત્યારે તો એમની વચ્ચે "એવું કશું" ન હતું. કોઈવાર અજ્ઞાની સાબિત થવાની ય નિર્દોષ મઝા લેવા જેવી ખરી. જેને કંઈ જ ખબર નથી પડતી એ જો એમ કહે કે મને ખબર નથી એનો અર્થ એ કે એને કંઈ ખબર નથી એટલું તો ખબર જ છે.
ક્રોંખારો: યુધિષ્ઠિરે યુદ્ધમાં ગુરુ દ્રોણે જ્યારે અશ્વત્થામા હણાયો? પૂછ્યું ત્યારે 'ખબર નહીં' જ કહેલું પણ એમના જેવા જ્ઞાનીના મુખે આવું બોલેલું શોભે નહીં એટલે પંડિતોએ યુધિષ્ઠિર સંસ્કૃત ઉક્તિ ' નરોવા કુંજરોવા' બોલ્યા હતા એવું નોંધી લીધું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર