દાખલ છે?

25 Nov, 2017
07:01 AM

શિલ્પા દેસાઈ

PC: desunhospital.com

રવિવારની જરા જરા હૂંફાળી તડકીલી બપોરે અમે હુતો-હુતી જમી પરવારીને શાંતિથી અલકમલકની વાતો કરતાં હીંચકે ઝૂલી રહેલાં. અચાનક 'એમના' મોબાઈલ પર એક ફોન આવ્યો. ને વાત કરતા કરતા એમના ચહેરા પર ભાવસફર નિહાળી રહેલા અમે જરા ચિંતિત પણ થયા. ને બહેરાં મૂંગાની જેમ ઇશારાથી પૂછવા માંડ્યા કે શું થયું. એમણે ય 'શાંતિ રાખ'નો છણકો કર્યો. અલબત્ત ઇશારામાં જ. ફોન પતે એટલી વાર ધીરજ ધરવી અમારા માટે જરા કષ્ટદાયી હતું પણ યેનકેન પ્રકારેણ અમે શાંતિ જાળવી. ફોન મૂકીને 'એમણે' નિશ્વાસ મૂક્યો. ખલાસ. નક્કી કોઈ ગયું. આય હાય પાણીની ય આજે જરા તકલીફ છે. એકવારનું મશીન માંડ ફેરવી રહી છું ત્યાં આ પાછું નહાવાનું.. હજુ આ વિચારચક્ર ચાલુ રહેત પણ એ બોલ્યા: "દવે અંકલ દાખલ છે કાલના.. ખાસ કંઈ નથી પણ બાટલા ચડાવવાના હતા ગ્લુકોઝનાં. આંટીનો ફોન આવેલો કે ખબર જોઈ જજો હોસ્પિટલ આવીને. મેં હા ય કહી પણ પછી હું સાવ ભૂલી ગયો. પટેલ ને સંઘવી જઈ આવ્યા સજોડે. આપણે નથી ગયા તેની રામાયણ."

"પત્યું. આંટીને એક કામ મળી ગયું. આમ પણ એ મને અભિમાની ગણે છે એમાં હવે આ અવહેવારુનું પીંછું લાગ્યું. કોણ જાણે કેટલાં દહાડા સંભળાવશે. ચાલો ને જઈ આવીએ એટલે એક કામ પતે." 

"હા, ચાલ નજીકમાં જ છે હોસ્પિટલ."

 હારું આપણી જોડે જ આવું થાય. આપણો ઇરાદો કે વાંક ન હોય તો ય ભેરવાઈ જ જઈએ. ઘણાં તો ખબર જોવા હોસ્પિટલ જવા માટે સખ્ખત ઉત્સાહી હોય. કેટલી તો તૈયારી કરે. કપડાં ચોક્કસ પ્રકારનાં જ પહેરે અને ચહેરો ઘુવડગંભીર. દર્દી સાજું થવાની ગેરંટી હોય તો ય જતાંવેંત જ દર્દીની સાથે હોય એને મીઠી ફરિયાદ કરે. આટલું બધું થઈ ગયું તો ય અમને નોં કહેવાય? ફટ્ટ આવી જાત ને? આ ફરિયાદનો ગૂઢાર્થ એવો હોય કે વડીલ ઊકલી જાત તો અમને કેટલો અપરાધભાવ થતે? વળી, મોટાંભાગે તો આવા હોસ્પિટલમાં ખબર જોવા જનાર હંમેશા પોતાને ડૉક્ટર કરતાં ય વધુ હોશિયાર જ માને. જતાંવેંત જ ડૉક્ટર કોણ છે ની પૃચ્છા કરે. પછી પોતાની સમજ મુજબ ડોકું ધુણાવે. 'આ ડૉક્ટર કરતાં અમને પૂછ્યું હોત તો અમે પેલાં ડૉક્ટરની એપોમેન (અપોઈન્ટમેન્ટ) સુધ્ધાં લઈ આપત. ભયંકર માસ્ટરી છે એમની આવા કેસીસમાં.' પછી પોતાની વાતને પુષ્ટિ મળે એવા એકાદ બે ઉદાહરણો ય કહે. વળી પાછું યાદ આવે તો રિપોર્ટસ જોવા માંગે. કેમ જાણે એ FRCS (London) કે (AUSTRALIA) ન હોય ને એમના જોવાથી રિપોર્ટ સુધરી જ જવાનો હોય..! એક બે રિપોર્ટસમાં નજર મારે ન મારે ને કોઈ સજેશન કરે..' ફલાણો ટેસ્ટ નથી કરાયો? કરાવશે જોજો. મને યાદ કરશો બોસ.' આપણાને એવી તો દાઝો ચડે કે ભઈ, તું ઘરભેગીનો થા તો ઉપકાર થશે તારો. કોઈ તો વળી અંતિમ છેડાની જ વાત કરે.' ધ્યાન રાખજો હોં કાકા. અમારાં એક ઓળખીતાં કાકા આમ જ હોસ્પિટલમાં બેઠાં બેઠાં આમ નજર સામે જ ટપ્પ થઈ ગયેલા. ડૉક્ટરે બધું ચેક કર્યું ને ડિસ્ચાર્જ આપી દો એમ નર્સને સૂચના આપીને ગયા. પણ ડૉક્ટર હજી એમની કૅબિન હુંદી ય નહીં પહોંચ્યા હોય ને અહીં પેલાં કાકાના બાબાની રાડ ફાટી ગયેલી. ડૉક્ટર રિટર્ન્ડ વિધિન મોમેન્ટ્ પણ કાકાની રિટર્ન ટિકિટ ફાટી ગઈ,બોલો.તમારી જ ઉંમરના હતા. 'અલ્યા ટોપા, તું ઘેર જા ને બાપા અમથો અહીં મગજની નસ ખેંચતો. 

ઘણાંને ખબર જોવા જાય ત્યારે તબિયતનું જાણી લીધાં પછી ય બેસવું હોય એટલે બિનજરૂરી વાતો લંબાવે. રૂમ ચાર્જિસ શું છે, ભાડાના પ્રમાણમાં રૂમ નથી બરાબર એવું ય સર્ટિફિકેટ આપી દે. તો વળી કોઈ ફર્નિચરની મેથી મારે. પેશન્ટનો ખાટલો ફલાણી હોસ્પિટલમાં મસ્ત છે ને રૂમો ય મોટાં છે.અહીં તો એક પાટ મૂકી ને આ સોફાસેટ મૂક્યો એમાં તો રૂમ ભરચક્ક. ભલા માણસ, તે તમારે ક્યાં અહીં ડાઈનિંગ ટેબલ મૂકવું છે કે આપણે કાયમ અહીં જ ટકી પડવાનું છે તે ફિકર? 

સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ કર્યાં હોય તો દર્દીને આરામ મળે એ હેતુથી જ મુલાકાતનો નક્કી સમય હોય. એ સમય દરમ્યાન જેટલાં સગાં વહાલાં આવી શકે એટલાં આવી જવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે જ. ન કરે નારાયણ ને બિમારી લાંબી ચાલે તો 'આ બાજુથી નીકળ્યાં હતાં તો થયું કે ખબર કાઢતાં જઈએ' જેવું કહેવાવાળા ય છે આ જગતમાં. તો વળી કેટલાંક તો માનસિક નોંધ પણ રાખે કે આપણે હોસ્પિટલમાં હતાં ત્યારે કોણ કેટલીવાર ખબર જોવા આવેલું. એ પરથી એમને ત્યાં કોઈવાર ખબર જોવા જવું પડે તો જવું કે ન જવું નક્કી કરે. વાટકી વ્યવહાર, યુ સી. તો કોઈ નિરભિમાની હોય તે તો ખબર જોવા ન આવ્યાં હોય તેને ખાસ સંદેશો મોકલાવે મળવા આવવા. 

કોઈની ખબર જોવા જઈએ ત્યારે શિષ્ટાચારરુપે અમુક સંવાદો બોલવા જ પડે. કોઈક વાંકદેખાં, પાણીમાંથી પોરાં કાઢનારાને એમાં ય વાંધો પડે. કંઈ કામ હોય તો કહેજો અથવા તો આરામ કરજો એમ કહીએ તો તરત જ વડચકું ભરી લે કે હજી સાબૂત છીએ એટલે તમે આવું પરાવલંબી થવાનું બીજાંને કહેજો, મને નહીં.' કશું ન કહીએ ને ચુપ રહીએ તો ય એમ કહીને કાન આમળે કે 'બેસણામાં આવ્યાં હોય એમ ચુપચાપ બેસી રહેલાં. તદ્દન અવહેવારુ.' કોઈ કરે ભી તો ક્યા કરે? 

ક્રોંખારો : 

ચોખ્ખાઈ ને શુદ્ધતાની પરાકાષ્ઠા : 

 'તમે અહીં હોસ્પિટલમાં ? કોઈને દાખલ કર્યાં છે?

'અરે ના ના, જમવા આવ્યાં છીએ.'

'અહીં ? હોસ્પિટલમાં????'

'આપડે બધું હાઇજિન જોઈએ. હોટલોમાં હવે વિશ્વાસ નથી પડતો. અહીં હોસ્પિટલમાં તેલ મસાલા ઓછાં હોય પણ હાઇજિન તો ખરું જ કે ના?'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.