ઉધઈ છે?
સવારનો અગિયારેકનો સમય. હું છાપાં સુધ્ધાં વાંચી પરવારેલી. હવે છાપાંમાં ય ખાસ નવું કંઈ હોતું નથી. મને યાદ છે જ્યારે હું ભણતી ( ખરેખર ભણતી) ત્યારે ખાસ્સો એવો સમય જતો અખબારવાચનમાં. એકેએક અક્ષર વાંચતી. બહુ નવું નવું જાણવા મળતું. હવે આશ્ચર્યકારક ઘટના બને તેની સેકંડોમાં જ ખબર પડી જાય છે બિકોઝ ઓફ ઇન્ટરનેટ. કોઈવાર તો ઘટના બને તે પહેલાં જ ઇન્ટરનેટ પર સમાચાર આવી ગયા હોય એટલે અખબારમાં વાંચીએ ત્યારે આઘાત કે આશ્ચર્યની તીવ્રતા નોંધપાત્ર રીતે ઘટી જાય છે.હં, શું કહેતી હતી હું? શું કરવું એ સમજ ન પડવાથી ફેસબુક પર પરિષદોમાં હાજરી પુરવવા માંડી. એટલામાં ફોન રણક્યો. અનનોન નંબર જોયો એટલે રિસીવ કરવો કે નહીં એવાં વિચારમાં ફોન મુંગો થઇ ગયો. વળતી જ મિનિટે પાછો રણક્યો. આ વખતે તરત ફોન રિસીવ કર્યો.
'હેલાવ' મેં કહ્યું.
'ઊધઈ છે મેડમ?' એક તાર સપ્તક સ્વર સંભળાયો.
'હેં? ' હું બઘવાઈ જેવી ગઈ કે કોઇનું નામ ઊધઈ પણ હોઈ શકે ?
' ઊધઈ ઊધઈ મેડમ.. પેલી જમીનમાં થાય ને લાકડું કોરી ખાય એ જીવાત..' તાર સપ્તકે ઉત્તર આપ્યો.
' ઓહ એ. એમ કહોને તો. ના, મારે ત્યાં નથી ઊધઈ. ને બાય ધ વે તમને મારો ફોન નંબર ક્યાંથી મળ્યો? '
જવાબમાં ફોન મુકાઈ ગયો. પણ મારું વિચારવલોણું ઘૂમરાવા માંડ્યું. સરાધિયાં ગયાં એટલે હવે નવરાત્રિની મઝા તો ખરી જ પણ જાતજાતના રંગરોગાનવાળા ઘરોમાં ઘૂસી જશે. ગાદલાં, ગોદડાં ને બહાર મુકી શકાય એવી ઘરવખરી તડકે તપવા લાઈન લગાવશે. કેટલાંક હોંશીલાઓનું ચાલે તો રાતે ય ધાબે જ સુવે. સવારમાં ટાઢાં પહોરમાં જે કામ પતે એ ખરું. પત્નીને મદદ કરવાની લાહ્યમાં મિત્રથી ગાદલું ચીરાઈ ગયેલું ને સરવાળે ગાદલું લગભગ છ ગણું મોંઘુ પડેલું એ આખેઆખી ઘટના અક્ષરશ: યાદ આવતાં મરકી જવાયું. થયેલું એવું કે એક મિત્રપત્નીએ મિત્ર પાસે ઓફિસમાં ખાસ દિવાળીકામ કરાવવા રજા લેવડાવેલી. બપોર થતાં મિત્રએ જમી પરવારીને તડકે મુકેલાં ગાદલાઓને લાકડી વડે ટીપી નાંખીને જેવું ઉલટાવ્યું તો ખ્યાલ આવ્યો કે પત્નીને મદદરુપ થવાની હોંશમાં અને કંઈક રજાની બપોરની ઊંઘ ગઈ એવી દાઝમાં જરા જોરમાં ગાદલુ ટીપાઇ ગયેલું અને ગાદલું ચીરાઈ ગયું હતું. અંદરથી રુ ખિખિયાટા કરીને ચીડવતું હોય એવો ભાસ થયો ને રુપસુંદરી ભાર્યા કાલિકા માતામાં પરિવર્તિત થઈ હોય એમ લાગતાં મિત્રને પરસેવો પરસેવો વળી ગયેલો. આ નુકસાન ભરપાઈ કરવામાં પોતાને કેટલું નુકસાન ખરેખર થશે એનો હિસાબ માંડવામાં વરસોના વરસ નીકળે. ગભરાતાં ગભરાતાં મિત્રએ પાણી પહેલાં પાળ બાંધવી શરુ કરી ને બધાં ગાદલાં ગોદડાં રુમભેગાં કર્યાં. ચાદર પાથરી. બપોરે ચકચકિત કરેલી બારીઓ પર નવાં પરદા લટકાવ્યાં. આખો દિવસ કામ કરીને થાકેલી પત્નીને રસોઈમાં પરાણે રજા પડાવીને હોટલમાં જમ્યાં. જમી રહ્યાં પછી ભૂલકણા સ્વભાવની પત્નીને યાદ આવ્યું કે એક ગાદલું અંદર નહતું મુકવાનું કારણકે એ ફાટી ગયેલું એટલે ફરીથી ભરાવવાનું હતું. ગાદલું ફરી ભરાવવાનો ૪૦૦-૫૦૦ ₹નો ખર્ચ સરવાળે મિત્રને પુરાં ત્રણ હજારમાં પડેલો.
મલકાતાં મલકાતાં મેં વળી છાપાં ઉથલાવવા માંડ્યા. જોયું તો આખાં ચાર પાનાં ભરીને દિવાળીને લગતી ખરીદી,રંગરોગાન, પેસ્ટ કંટ્રોલની જ જાહેરખબરો. એ છાપું બાજુ પર મુકીને બીજું છાપું લીધું ને અંદરનું પાનું ખોલ્યું. તો સમાચાર વાંચવામાં આવ્યા. ' શહેરની જાણીતી લાયબ્રેરીમાં દસ હજાર જેટલાં પુસ્તકો ઊધઈ ખાઈ ગઈ.' સામાન્ય રીતે અવાવરું કે નહિવત્ વપરાશવાળા સ્થળોએ ઊધઈ પોતાના ડેરાના સોદા કરે છે પણ લાયબ્રેરી જેવા અવરજવરવાળા સ્થળ પર ઊધઈ શું કરતી હતી? આ સમાચારમાં મને રસ પડ્યો કે લાયબ્રેરીમાં એવું તે કેવું સાહિત્ય હશે કે જેમાં ઊધઈએ પણ આટલો રસ દાખવ્યો? ઝીણવટપૂર્વક વાંચવા છતાં ય આખાં સમાચારમાં ક્યાંય ઊધઈએ કેવા પ્રકારના પુસ્તકોને પ્રાધાન્ય આપ્યું હતું એ વિષે સહેજ પણ ઉલ્લેખ નહતો. સત્તાવાળાની બેદરકારી , બીજું શું? તરત જ મારાં મનમાં વિચારોની હારમાળા ચાલુ થઈ ગઈ. આ સાક્ષર ઊધઈ એ લાયબ્રેરીમાંથી કઈ જગ્યાએ ગઈ હશે? શું એમના સમાજે એમનું સન્માન કર્યું હશે? કે 'આપણા સમાજમાં આવું હીણું કૃત્ય આજ સુધી કોઈએ કર્યું નથી.' કહીને નાતબહાર મુક્યાં હશે?
જો એ ઊધઈએ અધ્યાત્મ કે ધાર્મિક પુસ્તકો વધુ ખાધાં હશે તો અજ્ઞાતવાસમાં જતી રહી હશે? ઇન્ટ્રોસ્પેક્શન, યુ નોવ. કે પ્રેરણાદાયી પુસ્તકો ખાઈને વધુ ઉંચાઈ સર કરવા નીકળી પડી હશે? કપિલ શર્માએ આ ઊધઈનો ઈન્ટરવ્યુ લેવા જેવો હતો. કદાચ તો એને લાઈફ લાઈન મળી જાત. રજત શર્માએ એના કાર્યક્રમમાં બોલાવી હોત તો એને આ અમાનવીય કૃત્ય બદલ શું સજા થઈ હોત? કે અરનબ ગોસ્વામીએ ચીસાચીસ કરીને પૂછ્યું હોત કે ધ નેશન વોન્ટ્સ ટુ નોવ , ઊધઈજી, તમે આ પુસ્તકોનો જ કેમ ખાત્મો બોલાવ્યો? શું એ રસોઈના પુસ્તકો ચાખી લીધાં હશે અને હવે સંજીવ કપૂરની છુટ્ટી કરી નાંખશે? શું એ ઉધઈ છાપાં કે હોર્ડિંગ સુધી પહોંચશે? પ્રશ્નોની વણઝાર હજુ ય ચાલુ જ રહેત પણ પછી મેં બીજાં સમાચારોમાં મન પરોવ્યું. છતાં ય, મન રહી રહી ને ઊધઈ પર જ જઈને અટકતું હતું. જે હોય તે, મને તો એ સાક્ષર ઊધઈ માટે માન થઈ આવ્યું. જમીન ખરાબ હોય ત્યાં ઊધઈ હોય કે ઊધઈ હોય એ જમીન ખરાબ હોય એ વાત મરઘી પહેલી કે ઇંડું? જેટલી જ અટપટી છે. જે ઘરમાં ઊધઈ થતી હશે એને અનુભવ હશે જ કે જરા જેટલી છૂટ મુકતાંવાર જ ઊધઈ માથું ઉંચકે. જોતજોતામાં લાકડાંનાં રાચરચીલામાં, મકાનના પાયા સુધ્ધાંમાં ઘૂસીને અંદરથી કોરી ખાય.મીન્સ, ખુલ્લું પડેલું તો ઉધઈ પણ નથી ખાતી. વેરી હેલ્થ કોન્શ્યસ,યુ નોવ .. નરી આંખે માંડમાંડ દેખાતું આ પામર જંતુ સંઘબળથી ભલભલી ઈમારતો ધ્વસ્ત કરી દેવા સમર્થ છે. દુશ્મનને કોઈ હો હા કે તાયફા કર્યા વિના મૂળ સુધી જઈને ભોંયભેગા કરવાની આ ટેકનિક શીખવા જેવી ખરી.
ક્રોંખારો: ઘણાંને મગજમાં ઊધઈ ભરાઈ ગયેલી હોય છે જેને કોઈ પેસ્ટ કંટ્રોલવાળા કંટ્રોલ કરી શકતાં નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર