મારા સપનાનું KBC 2

20 Jan, 2018
07:01 AM

શિલ્પા દેસાઈ

PC: dailypost.in

કૌન બનેગા કરોડપતિ સિઝન 9 ભલે સમેટાઈ ગયું હોય પણ અમારા માટે તો જ્યાં સુધી બચ્ચન સરના આ ભયંકર લોકપ્રિય કાર્યક્રમમાં રેખાજી એઝ અ કન્ટેસ્ટન્ટ નહીં આવે ત્યાં સુધી પૂરો નથી જ થવાનો વળી. બચ્ચન સર અને રેખાજીના કોઈ જ એવા વાદ વિવાદ જાહેરમાં ટ્રોલ થયા નથી એમાં બાબૂજીના એકલાના જ નહીં પણ રેખાજીના બાપુજી જેમિનીજીના ય સંસ્કારોનો ફાળો કાયદેસર રીતે ગણવો જ જોઈએ. પણ, વી ધ પિપ્પલ ઓફ ઈન્ડિયા.. અમારી તો સોની ટીવી અને ટુ બી વેરી ફ્રેન્ક, બચ્ચન સરને ય ગુજારિશ છે કે રેખાજીને ય બોલાવો આ કાર્યક્રમમાં. તમારા પર્સનલ ડિફરન્સીસ જે હોય તે, અમને એટલે કે ભારતની હિન્દી ફિલ્મ પ્રેમી પ્રજાને તમારી જોડી જોવામાં રસ છે, આઈ સ્વેર. ક્યાંક એવું તો નથી ને કે બચ્ચન સરના ઘરેથી જયાબાએ કોન્ટ્રાક્ટ ડીડમાં રેખાજી કદી આ કાર્યક્રમમાં ભાગ નહીં લે એવી શરત મુકાવડાવી છે? બહુ જબરી બાઈ હોં. 'જલસા'માં ધાર્યું ધણિયાણીનું થતું લાગે છે. એની વેય્ઝ, આપણે તો લાગ્યું એવું લખ્યું. ખોટું શું કહેવાનું વળી? અમે તો સોની ટીવીમાં આ અંગે એક પત્રવ્યવહાર પણ કરેલ છે તે લાગતા વળગતા સળગતાની જાણ સારુ. રેખાજીને ય પત્ર મોકલ્યો છે. એ બચ્ચનસરની જેમ ટેક્નોસાવિ નથી એટલે માત્ર રજિ.એ.ડી. જ કર્યું છે. પણ પછી વિચાર આવ્યો કે રખે ને કદાચ કોઈ ફેક આઈડેન્ટિટિટી સાથે એ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય તો આ પત્ર વાંચી ય લે. એટલે અમે ચાન્સ જ લીધો છે. 

માનનીય રેખાજી,

કુશળ હશો. અમે પણ ભગવાનની દયાથી કુશ઼ળ છીએ. ઘણાં સમયથી તમારા કોઈ સમાચાર નથી તો જરા ચિંતા થયેલી. પણ પેલું કહે છે ને કે no news is a good news..એ ન્યાયે અમે માની લીધું છે કે ઓલ ઈઝ વેલ. 

પત્ર લખવાનું મુખ્ય પ્રયોજન એ કે હમણાં યુટ્યુબ પર એક ફિલ્મ એવોર્ડ સેરેમની જોતાં હતાં ત્યારે તમે નજરે ચડી ગયા. શું ગ્રેસ છે તમારો તો! કેટલાય વરસોથી તમને જોઈએ છીએ પણ ખાસ ફેરફાર થયો નથી. વજન મેઈનટેઈન કેમનું રહે છે હેં? ફોન્ડાબેનવાળા યોગ હજુ ચાલુ કે? અહીં તો શ્વાસ જોરમાં લઈ લઉં તો ય વજન વધી જાય છે. ને તમારી ઝગઝગ ઝગારા મારતી સ્કિન? માશાલ્લાહ.. કોઈ બ્યુટી સોપ વાળો જો તમને લઈને જાહેરખબર બનાવે તો સંતૂર સાબૂ બ્યુટી સોપની લાઈન છોડીને ડિશવોશ સોપની લાઈન પકડી લે, લાગી શરત? એ ફંક્શનના ચિબાવલા એન્કર અને શ્રોતાઓની લાગણીને માન આપીને તમે 'ઈન આંખો કી મસ્તી કે...' પરફોર્મ કર્યું. ૩૦ વરસો તો તમારી ઝુકેલી આંખ ઊંચી થઈ એ ભેગાં જ ખરી પડ્યાં જાણે. ગોલ્ડન લગડીપટ્ટાવાળી ઓફવ્હાઇટ સાડી, ગોલ્ડન બ્લાઉઝ, માથામાં મોગરાના ફુલની અસ્સલ દક્ષિણ ભારતીય વેણી. હાથમાં ગોલ્ડન બંગડીઓ.. સાક્ષાત અપ્સરા.. બીજી કોઈએ આટલી બંગડીઓ પહેરી હોત તો મેં એને બંગડીભંડાર કહ્યું હોત. પણ તમે તો સ્ટાઈલ સ્ટેટમેન્ટ છો. તમને એવું કહું તો મને રૌરવ નરક પ્રાપ્ત થાય. ને જેવું અનાઉન્સમેન્ટ થયું કે બધા કેમેરા રેખાજી અને બચ્ચન સરના હાવભાવ ઝીલવામાં વ્યસ્ત થઈ ગયા. ઘડીકમાં તમારા પર આવે કેમેરા તો ઘડીકમાં સર પર .. વચ્ચે વચ્ચે જયાજી પર પણ આવતો હતો હોં કેમેરા. ખોટું શું બોલવાનું? અર્જુન જેવો અર્જુન પણ લઘુતાગ્રંથિ અનુભવે એટલી સ્થિતપ્રજ્ઞતાથી એ સાક્ષીભાવે બધું નિહાળી રહેલાં. સોલ્લિડ એક્ટર. મનમાં તો કંઈ કેટલાય દરિયા ઘૂઘવતા હશે પણ કળાવા દે એ બીજા. પણ હું તમને કહું? પર્સનલી આઈ ડોન્ટ લાઈક ઇટ કે બચ્ચન સરનો ઉલ્લેખ થાય ત્યારે તમારા પર કેમેરા આવે કે તમારો ઉલ્લેખ આવે તો બચ્ચન પરિવાર પર.. અરે મિડિયાવાલો.. થોડી તો શરમ ભરો.. જે લોકો જિંદગીના એ માઈલસ્ટોન વટાવી ગયા છે એમને શું કામ ફરી ફરી ત્યાં નજર કરવા માટે મજબૂર કરો છો? દરેકની પોતાની જિંદગી હોય ને એ કેવી રીતે જીવવી એ એમનો અંગત મામલો છે. કોઈ પત્રકારે તમને પૂછી પાડેલું કે અભિષેક બચ્ચનની માં નો રોલ કરવો ગમશે કે કેમ ત્યારે તમે કહેલું કે ચોક્કસ ગમશે.. હું તો ફિદા થઈ ગયેલી તમારી નિખાલસતા અને હિંમત પર.. નિખાલસ થવા માટે હિંમતવાન થવું પડે છે. ઐશ્વર્યા ભાભી કાયમ તમને ખૂબ રિસ્પેક્ટ આપતાં આવ્યાં છે. જયાબાને આ વાત નહીં ગમતી હોય પણ શું કરે? એ ઐશ્વર્યાની પર્સનલ ચોઈસ છે. તમારા અને ફરજાનાબેનનાં સંબંધોને લઈને ય સાચું ખોટું વાઈરલ થયા કરતું હોય છે પણ તમે કોઈ દિવસ ખુલાસા નથી કરતાં. આ જ વાત તમને બાજી મારી જવામાં મદદરૂપ થાય છે, હેં ને? એક જોરદાર વાત લખું તમને. તમારો અવાજ મને બહુ જ એટલે બહુ જ ગમે છે, આઈ શપ્પથ બસ? એટલે મેં એકવાર તમારા અવાજની નકલ કરેલી.. ખૂબ રિયાઝ પછી જ્યારે મને લાગ્યું કે યસ્સસસસ... ધીસ ઈઝ ઈટ.. ત્યારે 'એમને' ફોન કર્યો ને એક્ઝેટ એ જ અવાજમાં પૂછ્યું : 'હલોવ... સાંજે જમવામાં શું બનાવું?' પણ મારા આઘાત વચ્ચે એમણે તો ચિંતિત થઈને મને ઉત્તર આપ્યો : "કેમ આમ ફાટેલા ઢોલ જેવો અવાજ લાગે છે? બહુ એવું લાગે તો દવા લઈ આવજે મહેરબાની કરીને.." બોલો લો.. અહીં રિયાઝ કરી કરીને માંડ એવો અવાજ કાઢ્યો ને અવાજ નીકળ્યો તો ફાટેલા ઢોલ જેવી સાઉન્ડ ઈફેક્ટ લાગી. કોઈ કદર જ નહીં. ખૈર, પણ એ પછી પ્રયત્નો પડતાં મુક્યાં. મને હવે ખ્યાલ આવ્યો છે કે અસલ એટલે અસલ. તમારી ફિલ્મો હજી ય જોવાની એટલે જોવાની જ. મોસ્ટ ફેવરિટ છો તમે. 

હું તમને શું કહું છું રેખાજી કે તમે કેમ બચ્ચન સરના KBC કાર્યક્રમમાં આવતાં નથી? તમને કોઈએ ના કહી છે? કે પછી તમે જાતે જ કોઈ કોન્ટ્રવર્સી ખડી કરવા નથી માંગતા? શું તમે ય તે.. અત્યારે તો કોન્ટ્રોવર્સીની કેટલી બોલબાલા છે! તમારી લોકપ્રિયતા આમ આંખ ઝપકાવો એટલીવારમાં તો સાતમા આસમાને હશે.. ના હોં ના.. જસ્સ કિડીંગ.. મને તમારા માટે સખ્ખત માન છે. એટલે પ્રખ્યાત થવાના સસ્તા રસ્તા નહીં જ અપનાવો એ ખાતરી છે.

ઓકે, તો હવે વિરમું. પત્ર વાંચો તો કદીક ઉત્તર આપજો. 

એ જ લિ.

આપની ચાહક,

હું. 

ક્રોંખારો:

ચાંદ કો ક્યા માલૂમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર..

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.