ખીચડી vs ખમણ ઢોકળાં

11 Nov, 2017
12:16 PM

શિલ્પા દેસાઈ

PC: youtube.com

જ્યાં સુધી ખીચડી રાષ્ટ્રીય વાનગી જાહેર નહતી થઈ ત્યાં સુધી ખીચડીનો કોઈ ભાવે ય નહતું પૂછતું. પણ જેવો એને હોદ્દો મળ્યો કે તરત જ બધા માથે બેસાડવા માંડ્યાં. નાણાં વિનાનો નાથિયો ને નાણે નાથાલાલ. દરેક જણ પોતાનો ખીચડી સાથેનો જૂનો ઘરોબો વટાવવા નીકળી પડ્યું છે. એમાં ને એમાં ખીચડીબાઈ વર્લ્ડફેમસ થઈ ગયા. મૂળ ગોરખનાથ બાબાએ શોધેલી આ વાનગી ભારતમાં ગરીબ તવંગર સૌની લાડકવાયી છે. અમને અત્યાર સુધી એમ જ હતું કે ખીચડીનું ઉદ્ભવસ્થાન ચરોતર કે મહેસાણાના કોઈ પટેલનું ઘર હશે. એના બદલે આ તો છેક યુપી બિહારમાં પગેરું નીક્ળ્યું. ને જોતજોતામાં ચારે ય દિશામાં ખ્યાતિ ફેલાઈ ગઈ અને લાડકી ય થઈ પડી. તે આપણી નાગરી નાતે તો એને એના રુપ પર ન જતાં ગુણ પરથી નામ પણ 'સુખપાવની' જેવું મઝાનું આપ્યું. પણ કોણ જાણે કેમ, ચોખા અને જુદી જુદી દાળના મિશ્રણથી બનતું, પચવામાં અત્યંત હલકું આ વ્યંજન અત્યાર સુધી લો- પ્રોફાઇલ રહ્યું. સારા પ્રસંગે ખીચડી ન બનાવાય એવું તૂત કોઈએ ચાલુ કર્યું ને એ વગર વોટ્સપ કે ફેસબુકે વાઈરલ પણ થઈ ગયું. આયુર્વેદમાં ભલે ખીચડીનાં ગુણગાન ગવાયા હોય પણ ખીચડી એટલે ગરીબોનો ખોરાક એવી કનિષ્ઠ માન્યતા ય પ્રવર્તમાન છે જ એ વાસ્તવિક્તા સ્વીકારવી જ રહી. ખીચડીમાં વપરાતી સામગ્રી સરળતાથી મળી રહે એવી અને કિંમતમાં કોઈને ય પરવડે એવી હોય છે એટલે 'આપણે તો બધું એક્સક્લુઝીવ જ જોઈએ' મેન્ટાલિટીવાળા શ્રીમંતો એનાથી જરા આભડછેટ જેવું રાખે એ સમજી શકાય એવું છે. વર્ષો પહેલાં આભડછેટ દૂર થવી જોઈએ એવો વિચાર એક ગુજરાતીને આવેલો એમ આ આભડછેટ દૂર કરવાનો વિચાર પણ એક ગુજરાતીને લીધે જ આવ્યો હોવો જોઈએ. કેન્દ્રમાં એક ગુજરાતી હોય તેનો આ ફાયદો. એમ કરતાં કરતાં ધીરે ધીરે આખું ગુજરાતી ભાણું જ રાષ્ટ્રીય થાળી તરીકે પ્રચલિત થઈ જશે એવું સોનેરી સપનું જોવામાં વાંધો નહીં.  દાળ, ભાત, શાક, અનાજ, અથાણાં,પાપડ, દહીં-છાશ વગેરે ધરાવતી ગુજરાતી થાળીમાં  શરીર માટે જરુરી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામીન વગેરે બધું જ મળી રહેતું હોવાથી સંપુર્ણ ભોજનથાળ કહેવાય છે. ને ખાવામાં ગુજરાતી પ્રજા જેટલી સમજ ભાગ્યે જ બીજા કોઈ પાસે છે એમાં બેમત નથી. 

જો કે, અમે તો ખમણ- ઢોકળાંને રાષ્ટ્રીય દરજ્જો મળે તેની રાહ જ જોઈ રહ્યાં છીએ. ગુજરાતી સિવાયની પ્રજા ખમણ અને ઢોકળા બંનેને એક જ ફરસાણ સમજે છે. હે ભગવાન એમને માફ કરી દેજે. એ અજ્ઞાનીઓને ખમણ અને ઢોકળાં બંને અલગ વસ્તુ છે એ ખબર નથી. ખમણ માત્ર ચણાની દાળ કે ચણાના લોટમાંથી જ બનતા હોવાથી એનો મૂળભુત રંગ પીળો જ છે. જ્યારે ઢોકળાંનું બંધારણ અડદની દાળ, ચોખાનું હોવાથી એ રંગે સફેદ હોય છે. પીળાં ઢોકળાંમાં ચણાની દાળ,અડદની દાળ અને ચોખા વપરાતાં હોવાથી એ સાધારણ પીળાશ પકડે છે. આ વ્યંજનને ચટણી સાથે ખાવામાં આવે તો એની લિજ્જતમાં ચાર ચાંદ લાગી જાય છે. અમારાં એક પરિચિતનાં કાકીમા ઢોકળાં બહુ સરસ બનાવતાં. ચટણી પણ હોય જ સાથે. ચટણી માટે એમને જરા વધુ લગાવ. એમને જો એમ કહીએ કે 'ઢોકળાં બહુ ફાઈન થયાં છે. ' તો તરત જ સામો પ્રશ્ન આવે : 'કેમ? ચટણી નથી સારી? ' પછી ચટણી માટે એમણે કેવી વૈતરણી પાર કરવી પડી તેની વાત કરે જ કરે.  જો અમારે ઉતાવળ ન હોય તો એકલાં ઢોકળાંનાં જ વખાણ કરીએ. એ ય જાણતાં કે અમે એમની ફિરકી લઇ રહ્યાં છીએ તો ય કોઈ દિવસ રોષ કે દાઝ નહીં. હવે તો એ કાકીમા ય નથી રહ્યાં ને ઢોકળાં ચટણી ય નહીં.

થોડાં દિવસ પહેલાં અખબારમાં સમાચાર હતાં કે દેશની જુદાં જુદાં પ્રાંતની બિરીયાની, વઘારેલાં રીંગણા, સેવૈયા જેવી ચોવીસ વાનગીઓને ટપાલ ટિકીટ પર સ્થાન મળશે. આમાં અમે બિલોરી કાચથી ય વાંચી જોયું કે ક્યાંય ઢોકળાં કે ખમણ વંચાય છે.પણ તત્પુરતી અમને સરિયામ નિષ્ફળતા મળી છે. જો આ વાનગીઓને ટપાલખાતું જગ્યા નહીં આપે તો અમે સાડા છ કરોડ ગુજરાતીઓ મોરચા કાઢીશું. એમ અન્યાય જરાય સાંખી લેવામાં નહીં આવે. એવો તો શું ગુનો ઢોકળાં કે ખમણનો ? જેમ ખીચડી સૌ માટે સુપાચ્ય છે એમ ખમણ ઢોકળાં ય સૌ માટે સ્વાદિષ્ટ છે જ. એ વિના તો એ આટલા ખ્યાતિપ્રાપ્ત નહીં હોય ને?  ટપાલખાતું કે લાગતા વળગતા એ સબબ યોગ્ય અને સંતોષકારક પગલાં નહીં ભરે તો અમે ગામેગામ રસ્તા રોકો, રેલ રોકો જેવા જલદ કાર્યક્રમો આપીશું. ખીચડી જેવી ખીચડી પરપ્રાંતિય હોવા છતાં અમે કેવી પ્રેમથી અપનાવી લીધી છે? ખીચડીને ઓછું ન આવવું જોઇએ કે મને કોઈએ પૂછ્યું નહીં. તો સામે એટલી તો અપેક્ષા રાખીએ કે નહીં? ખમણ ઢોકળાં માટે જો ધીંગાણા કરવા પડે તો ભલે થઈ જાય હવે તો પારખાં. ખમણ ઢોકળાં તો સ્વમાન છે ગુજરાતીનું . સ્વમાન પર ઘા તો કોઈ કાળે ક્ષમ્ય નથી જ નથી.  ગાંધીજીએ કહેલું કે અન્યાય સહન કરનાર પણ એટલો જ ગુનેગાર છે . અમે ગાંધીચીંધ્યા માર્ગે ઢોકળાંગ્રહ ને ખમણાગ્રહ આદરીશું. એ માટે અમે સહીઝુંબેશ પણ ચલાવીશું. આજ સુધી ગુજરાતીને  વેપારી, દાળભાતિયા , ગુજ્જુ જેવાં વિશેષણોથી નવાજનાર દેશ આવનારાં દિવસોમાં ગુજરાતીઓનું એક નવું જ રુપ જોશે. સિત્તેર વરસ પહેલાં અંગ્રેજ જેવા અંગ્રેજ જો એક સુકલકડી ગુજરાતીની હઠ સામે હારી ગયેલા તો આ તો સાડા છ કરોડ ગુજરાતી છે. અન્યાયીઓએ ઝુકવું જ પડશે ને ખમણ ઢોકળાંની માનભેર નોંધ લેવી જ પડશે. જબ તક સુરજ ચાંદ રહેગા , ખમણ ઢોકળાં તેરા નામ રહેગા.

જય ગુજરાત . 

ક્રોંખારો : શિયાળે વસાણાં ભલાં, ઉનાળે દહીં છાશ, ચોમાસે ભલાં ગરમ ચા કોફી, હે મારે ખમણ ઢોકળાં બારેમાસ રે.. 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.