બફાટ...

18 Nov, 2017
11:43 AM

શિલ્પા દેસાઈ

PC: quickanddirtytips.com

બે ત્રણ વર્ષ પહેલાં 'હેપ્પી ન્યુ યર' નામની એક હિન્દી ફિલ્મ આવેલી. વજનદાર ફરાહખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દિપીકા, અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનુ સૂદ, નસીરપુત્ર વિવાન, જ્હોની લીવર જેવી વજનદાર સ્ટારકાસ્ટ સિવાય કંઇ હતું નહીં પણ તો ય ફિલ્મ બહુ ચાલેલી. જાતજાતના રિવ્યુ ને પાર્ટીઓના માહૌલ વચ્ચે કોઈએ જયાજીને ફિલ્મ વિષે પૂછ્યું ને જયાજીમાં હરિશ્ચંદ્રનો આત્મા પ્રવેશી ગયો તે બોલી પડ્યાં : 'સાવ વાહિયાત ફિલ્મ છે.' પત્યું. બચ્ચનજીએ મિસિસે વેરેલાં આ વટાણાં ભેગાં કરવા ખાસ્સી જહેમત કરવી પડેલી. જો કે આજકાલ જ્યાં જુઓ ત્યાં કોઈક ને કોઈક તો વટાણા વેરતું કે બાફતું નજરે પડે જ છે,જાહેરક્ષેત્ર સાથે સંકળાયેલી વિભૂતિઓ હોય કે કોમનમેન. થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાના આગમનથી ગામ આખાની નવરીબજારોને એક કામ જેવું મળી ગયું . કોણ ક્યાં શું કરે છે તેની નોંધ લેવાતી થઈ ગઈ. ને એ ય ને સોશિયલ મીડિયા પર મળતા આભાસી પ્રતિભાવોથી વટાણા વેરવાવાળી પ્રજાતિમાં સેન્સેક્સ કરતાં ય મોટો ઉછાળો આવ્યો. બાફવાની કે વટાણા વેરવાનો ઝોક મુખ્યત્વે  ફિલ્મી હસ્તીઓ અને રાજકારણીઓમાં વધુ જોવા મળે છે. કદાચ એમના કાર્યક્ષેત્રને લીધે એમને પોતાના સામાન્ય જ્ઞાનમાં વૃધ્ધિ કરવાનો અવકાશ ઓછો મળતો હોય એમ બને.

પોતાના ક્ષેત્રમાં એક ઊંચાઈ મળી જાય અથવા જાતે જ એવું સર્ટિફિકેટ પોતાને આપી દેનારને મનમાં પોતે સર્વ કળામાં પારંગત છે એવું ઘર કરી જાય છે. એટલે જેવી કોઈ પણ ઘટના બને કે માંડે નિવેદનો ફટકારવા. યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ સોંપાયું ત્યારે રાખી સાવંતે જાહેરમાં સાહેબનો અને આદિત્યનાથનો ઉધડો લઈ નાંખેલો. વળી, એમની લાયકાત વિષે ય શંકા કરેલી. જો કે લાયકાત વિષે શંકા કરતી વખતે રાખીજીના મનમાં લાયકાતની વ્યાખ્યા સ્પષ્ટ હતી કે નહીં એ ખબર નહીં. એ તો સારું છે કે સાહેબે કે યોગીજીએ આખી વાત ધ્યાન પર ન લીધી બાકી એ ય રાખીજીને પૂછી શક્યા હોત કે ચ્હા બનાવવાની લાયકાત પણ છે ખરી? આલિયા ભટ્ટ એનાં નિર્દોષ છબરડાંઓ માટે વર્લ્ડ ફેમસ છે. એણે ય એકવાર પૃથ્વીરાજ ચવ્હાણને ઉપરાષ્ટ્રપતિ બનાવી દીધેલા. જો કે એ હજુ સાંપ્રત રાજકારણમાં પોતાનું જ્ઞાનદાન નથી કરતી એટલું સારું છે. બાકી દક્ષિણના જાણીતા ખલનાયક પ્રકાશરાજને બેંગલોરની પત્રકાર ગૌરી લંકેશની હત્યાથી એટલી બધી દાઝ ચડી કે એમણે નરેન્દ્ર મોદી એમના કરતા ય મોટાં એક્ટર છે એવું બાફ્યું. તાજો દાખલો નવાઝુદ્દિન સિદ્દિકીનો છે. પોતાની જીવનકથામાં સત્યવાદી અથવા નિખાલસ કહેવડાવવાના મોહમાં નવાઝુદ્દિને કરેલો પોતાના અંગત સંબંધો અંગેની જાહેર ન કરાય એવી હકીકતો વિષેનો  બફાટ એને કેટલામાં પડશે એ તો કોર્ટ નક્કી કરશે. 

ચાર ચાર પેઢીથી નખશિખ કોંગ્રેસી કહેવાતા ગાંધી પરિવારના રાહુલ ગાંધી નિતનવા છબરડાં કરતાં જ રહે છે. જો કે, અન્યની દ્રષ્ટિએ છબરડા કે બફાટ એમની દ્રષ્ટિએ ન ય હોય. જે હોય તે , એમનો લેટેસ્ટ છબરડો બટાકાને લગતો હતો અને બટાકાની સાથે બાફવું ક્રિયાપદ વધુ સુસંગત છે.

છબરડો કરવો, વટાણા વેરવા કે બાફવું સામાન્ય રીતે અવિચારી પગલું હોય છે. પોતે જ્ઞાની છે અથવા અન્યથી ચડિયાતાં છે એવું સાબિત કરવાની લાહ્યમાં કર્તા ભાન ભુલી જાય છે અને બાફી બેસે છે. કેટલીકવાર જ્ઞાની પણ બફાટ કરી નાંખતા હોય છે. દલાઈ લામાએ એકવાર એમ કહેલું કે લામા તરીકે સુંદર અને આકર્ષક સ્ત્રી આવે તો ઇચ્છનીય છે. એમનો કહેવાનો મતલબ એમ હતો કે એવી સ્ત્રીઓ કરુણા અને દયાસભર હોય છે. નસીબજોગે આ મુદ્દાની અખબારોમાં સાવ ખૂણામાં સામાન્ય નોંધ લેવાઈ અને વાત ત્યાં જ દબાઈ ગઈ. બાકી મીડિયા રાઈનો પહાડ અને પહાડની રાઈ કરવા સક્ષમ છે. 

આ પ્રકારના કિસ્સા અજાણતાં જ થઈ ગયેલાં બફાટની કક્ષામાં આવે છે. ને એમાં બફાટ કરનારનું રીતસર આવી બને છે. એમના નામે કેટલીકવાર નહીં થયેલા બફાટો ય ચડાવી દેવામાં આવે છે. જ્યારે કેટલીકવાર માત્ર ચર્ચામાં રહેવા માટે જ બફાટો કરવામાં આવે છે અને એની જોરશોરથી જાહેરાતો ય થાય છે. તદ્દન નિર્દોષ અને નિરુપદ્રવી એવા આ બફાટોથી  પોતાના પર જ મજાક થાય તો ય ખુલ્લા મને હસી કાઢવામાં આવે છે. અમારાં એક વડીલે અમને 'બફાટ સમ્રાટ'નું બિરુદ આપેલું. બાફવામાં અમારી એટલી હદ સુધીની નિપૂણતા આવી ગયેલી કે વડીલ કોઈને પણ આત્મવિશ્વાસથી કહેતા કે કંઇ બાફવાનું હોય તો કહેજો. આપણે ત્યાં વર્લ્ડ બેસ્ટ બફાટ કરી આપવામાં આવે છે. એટલું ખરું કે અમારા બફાટો જાનલેવા નથી હોતા. 

કેટલીકવાર માત્ર ધ્યાન ખેંચવા માટે જાણીબૂઝીને બફાટ કરવામાં આવે છે. આ પ્રકારના બફાટો અલ્પાયુષી ફુદ્દાં સમાન હોય છે અને ટુંક સમયમાં પ્રચંડ પ્રસિધ્ધિ મેળવીને ભુલાઈ પણ જા઼ય છે. ફિલ્મોનાં પ્રમોશન માટે તત્સમય પુરતું ફિલ્મને લગતું કંઈક એવું ગંભીર બાફી દેવામાં આવે અથવા હીરો-હીરોઈન એકબીજા વિષે અજાણતાં જ (આમ તો જાણીજોઈને) કંઈક કહી બેસે, એના લીધે ફિલ્મને ય પ્રસિધ્ધિ મળી જાય ને ગરજ સરી કે વૈદ્ય વેરીના ન્યાયે પેલો મહામૂલો બફાટ વિસરાઈને અભેરાઈએ ચડી જાય. 

એમ તો રાજકારણીઓએ ચૂંટણી સમયે આપેલાં વચનોમાંના ઘણાંખરાં  બફાટ જ હોય છે ને? ચૂંટણી પછી એ વચનો કોઈને ય યાદ પણ નથી આવતાં. અસરકારક કેવી રીતે બોલવું એના કોચીંગ ક્લાસમાં ક્યારે શું બોલવું એ મુદ્દોય અભ્યાસક્રમમાં રાખવો જોઈએ. 

ક્રોંખારો:

એકવાર એક નેતાએ ભાષણ આપ્યું. નીચે પોતાની સહી કરેલી તે ય વાંચી. બધાએ તાળીઓ પાડી. પછી ધીરે રહીને એમણે સેક્રેટરીને પૂછ્યું કે રિહર્સલ વખતે તો આ જ ભાષણ ઓછા સમયમાં વંચાઈ ગયેલું,એમ કેમ બન્યું? 

"સર, તમે ભાષણની ઝેરોક્સ પણ વાંચી એટલે." જવાબ મળ્યો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.