વરસાદ
શીર્ષક વાંચીને મનમાં કે પ્રગટપણે અજાણતાં જ બોલી જવાયું ને : ' તને મારા પર ભરોસો નંઇ કે ? ' યસ્સ.. એ જ આ જોડકણાની મહાસફળતા છે. મૂળ મરાઠી જોડકણું ' સોનુ તુઝા માઈયાવર ભરોસા નાય કાય?' અત્યાર સુધીમાં છ મિલિયન વખત જોવાઈ ચૂક્યું છે અને હજુ ય જોવાતું રહેશે. ગુજરાતી, મારવાડી, પંજાબી જેવી ભાષાઓમાં ય આ જોડકણાએ અવતાર ધર્યો છે ને બધી જ જગ્યાએ પોંખાયું જ છે. તો વળી એના પરથી મુંબઈના જ રેડિયોજોકી મલિશ્કાબેને વરસાદને લીધે મુંબઈગરાને પડતી હાલાકીઓ વર્ણવતી પેરોડી રચીને બૃહદ્ મુંબઈ કૉર્પોરેશનની જોરદાર ઠેકડી ઉડાવી જે કદાચ મલિશ્કાબેનને ભારે પડે એવું ય બને. કેટલાંક ઉત્સાહી અમદાવાદીઓએ આ પેરોડી પરથી વળી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની પોલ ખોલતી પેરોડી બનાવી એ ય સુપર હીટ. હકીકતમાં વરસાદ પોતાની સાથે સર્જનાત્મકતા ય લાવે છે એ સકારાત્મક્તા કોઈની નજરે નથી ચડતી. હજુ વરસાદની મોસમ જરા આઘી હોય એટલામાં જ કવિઓનો આખો ફાલ ઊતરે. વરસાદી ફૂદાં જેમ એકાદ વરસાદ જેટલું આયુષ્ય ધરાવતા હોય છે બિલકુલ એમ જ આ કવિઓની પણ થોડા દિવસ પછી સર્જનાત્મક્તાની પાંખ કપાઈ જાય છે ને એ લોકો પાછાં મૂળ અવતાર ધારણ કરી લે છે. કેટલાંક વળી ઇચ્છાધારી કવિ હોય. જ્યારે ઇચ્છે ત્યારે પોતાને કવિરૂપમાં કન્વર્ટ કરી શકે. પોતાના પ્રિય કવિઓની સર્જનશક્તિને બાજુમાં હડસેલીને એમની સર્જેલી કવિતાઓની કોપી મારવા માંડે. કોઈ પ્રાસનો ત્રાસ વર્તાવે તો કોઈ 'આપણે તો અછાંદસ જ લખીએ'ના વહેમ પાળી બેઠા હોય. કેટલાંક તો કોઈ પણ સર્જનની નીચે મૂળ કર્તાને બદલે પોતાનું નામ લખીને જાતે જ સર્જક બની બેસે એટલાં સ્વાવલંબી હોય છે. વરસાદ આવે કે ઋજુ હૃદયધારકોને બાળક બનવાના અભળખા આળસ મરડે. વરસાદ પડે એટલે આપણે તો પલળીએ જ કહેનારા તમે સાંભળ્યા જ હશે. આમાં પલળનારનો આનંદ ઉલ્લાસ જોઈને ઘણાને પોતે ય કંઈ કમ નથી એવું દેખાડી દેવાનું શૂરાતન છૂટે. એવા દેખાદેખીથી પલળનારાઓની જગતમાં કમી નથી. આદત ન હોય અથવા નરમ તબિયતના માલિક હોય તે માંદા પડે એટલે ફરી પોતે નહીં પલળેની ભીષ્મ પ્રતિજ્ઞા લે. આ ભીષ્મો પછી એમના સંતાનોને પલળવા પર રોક લગાવે અથવા સલાહ સૂચનાઓના વરસાદથી સંતાનને એવા તો ભીંજવી દે કે સંતાન પોતે જ પલળવા ન જાય એવા ય દાખલા છે.
ભારત ખેતીપ્રધાન દેશ છે એવું વર્ષો પહેલાં આપણે પહેલાં ધોરણમાં ભણતા ત્યારથી જાણીએ છીએ. ગામડાંઓમાં ભડલી વાક્યો પરથી કે ઈવન હોળીની જ્વાળા પરથી ય વરસાદ કેવો રહેશે કહી આપનારા વીરલા ય આ દેશમાં પાક્યા છે. કોઈ શક? જેવો વરસાદ આવે કે અખબારોમાં જનતાની તકલીફોના વર્ણન આવવા માંડે. આફતમાં ય અવસર શોધવાની ટેવવાળા આનંદી કાગડાઓ ગોઠણસમાણા પાણીમાં ય ચ્હા ને ભજિયાની જ્યાફત ઉડાવતા જોવા મળી જાય.
મોટાંભાગના લોકોનો જઠરાગ્નિ વરસાદ સમયે વધુ પ્રજ્વલિત થાય. દાળવડા અને વરસાદને કિસ્મત કનેક્શન છે. વરસાદ દરમિયાન બીજાં કોઈ વડાની ખપત દાળવડા જેટલી નહીં થતી હોય. સારા નબળા ગમે તે દાળવડાની કિસ્મત વરસાદ સમયે ખૂલી જાય. દાળવડા વેચનારાને કદી વરસાદની મોસમમાં પોતાના જ દાળવડા ખાવાનો વારો આવતો નથી. અમારાં એક મિત્રને વરસતા વરસાદમાં દાળવડાનો જબરદસ્ત ચસકો. વરસાદ પડવા માંડે કે તરત જ એમના ઘરે દાળવડાના ઘાણ ઊતરવા માંડે. પોતે જ બનાવે. ને એવું ય નહીં કે જેવાતેવા. આલા દરજાના દાળવડા બને. થોડો સમય તો એમણે ઘરની બહાર લારી ય કરેલી. પછી થયું એવું કે એમની મૂળ નોકરી કરતાં ય દાળવડાની લારી વધુ ચાલવા લાગી. બે માણસો ય રાખ્યા. પણ થોડા જ દિવસમાં એકવાર આ માણસો દાળવડાની લારી સહિત બધો સામાન ઉઠાવી ગયા. એ ભાઈને એટલું બધું ખરાબ લાગ્યું કે વર્ષો પછી ય આ ધોખાધડી એમને બરાબર યાદ છે. વારંવાર અમારી સમક્ષ એમનું મન હળવું કરતા હોવાથી હવે એ ધોખો જાણે અમારી સાથે થયો હોય એટલો પોતીકો થઈ પડ્યો છે. ઘણાંને ખબર નહીં હોય કે ફાધર જનરલ એડોલ્ફ નિકોલસ ( સોસાયટી ઑફ જિસસ SJ -૩૦મા સુપિરીયર જનરલ) જ્યારે અમદાવાદ આવ્યાં ત્યારે એમના પરંપરાગત સ્વાગત સમયે વરસાદની ઋતુ ન હોવા છતાં ય દાળવડાનો નાસ્તો પીરસાયેલો. આમ, પ્રેમ અને દાળવડાને કોઈ સીમાડા નડતા નથી. દાળવડાની સાથે લાલ ચટણી જ જોઈએ અથવા લીલી ચટણી જોઇએ જ એવી કોઈ શરત નથી હોતી. ચટણી કે કાંદાની બાબતે કદાચ દાળવડા જેટલું ફ્લેક્સિબલ, બિનશરતી કોઈ ફરસાણ નહીં હોય.
વરસાદી માહોલમાં ચ્હાની ચાહતમાં સેન્સેક્સથી ય વધુ ઉછાળો નોંધાય છે. દાળવડાની જેમ જ ગરમાગરમ ચ્હા પણ વરસાદની હમસફર છે. તામિલનાડુમાં ચ્હા સાથે વાઈફાઈ ફ્રી આપવાની એક ચ્હાવાળાએ જાહેરાત કરતા જ એની ચ્હાની કમાણીમાં ધરખમ વધારો થયો. મહિને ૧૫૦૦₹ ભાડું વાઈફાઈ માટે ભરતા દુકાનદારની એક જ શરત હતી કે એની દુકાનથી ચ્હા ખરીદે એ ગ્રાહક જ ફ્રી વાઈફાઈની સુવિધાનો હકદાર બને. મોકાની જગ્યા પર આવેલી આ દુકાન પર લોકો દસ દસ કિમી દૂરથી ચ્હા લેવા આવે છે. NCERT માં ચ્હાનું પ્રકરણ ઉમેરાવાની સ્મૃતિ ઈરાનીએ જાહેરાત કરેલી તે ચ્હાની સિદ્ધિ કે બીજું કંઈ? કોફી માટે હજુ આવી જાહેરાત થઈ હોય એવું જાણ્યું?
વરસાદ સાથે અમદાવાદના ભૂવાઓ ય ફેમસ છે. રસ્તા વચ્ચે કૂવા જેવડા ભૂવા પડે. કોઈવાર માણસ પડી જાય એવડા તો કોઈવાર માણસ સહિત વાહન સુધ્ધાં ખાબકે એવડાં ય પડે. ક્યાં કેવડો ભૂવો પડ્યો એના ય મુખ્ય સમાચાર બની શકે એટલાં મહત્વના છે આ ભૂવા. કેટલાંક ભૂવા તો હેરિટેજ ભૂવા તરીકે ઓળખાવી શકાય એટલાં પ્રાચીન છે. પેઢીઓથી ચાલ્યા આવે. ઠેરઠેર પાણી ભરાય એટલે સૌથી પહેલી અસર સામાન્ય જનજીવન પર પડે. વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત, શાકભાજી મોંઘાં અથવા મળે નહીં. શાકભાજીના ભાવ વરસમાં બે વાર આસમાને પહોંચે. એક તો વરસાદ ન પડે તો અને બીજીવાર બહુ વરસાદ પડે ત્યારે. સંદેશા વ્યવહારમાં ય સમસ્યા સર્જાય. એટલે ફોન પર તમારે ત્યાં કેટલું પાણી ભરાયુંનો આંખે દેખ્યો અહેવાલ મળે નહીં. જો કે હવે મોબાઇલ ફોનોએ આ ફરિયાદ દૂર કરી દીધી છે. બાકી કોઈ કોઈ ફોન તો એટલાં સેન્સિટીવ હોય કે રહેવાનું નારણપુરામાં હોય ને જો વટવામાં વરસાદ આવે તો ય ફોન બંધ થઈ જાય. મોબાઇલનો જમાનોઆવવાને વાર હતી ત્યારે ફોનની નનામી નીકળેલી જોયાનું યાદ છે.
ક્રોંખારો : વહુને અને વરસાદને જશ નહીં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર