વો હુઆ યું કિ...
જગત આખું જાણે છે કે અમે જ્યારે પણ ગંભીરતાપૂર્વક ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે ક્યાં તો અમારો રામલો નાસી જાય છે ક્યાં તો ખૂબ વરસાદ પડે છે. કોઈવાર કૂતરું પાછળ પડે છે તો કોઈવાર યોગા ક્લાસ નડે છે. એમાં ને એમાં અમે અમારી તંદુરસ્તીની યોગ્ય કાળજી લઈ શકતા નથી જેનો અમને પારાવાર અપરાધભાવ છે અને ભારોભાર દુ:ખ પણ છે જ. પણ અમને કહેવા દો કે હજુ બંદા હિંમત હાર્યા નથી. ગમ્મે તેમ કરીને અમે પરિસ્થિતિ પર વિજય મેળવીશું જ. સ્વામી વિવેકાનંદ જેનો આદર્શ હોય એને હિંમત હારી જવી પરવડે જ નહીં અને શોભે ય નહીં.
એક કડકડતી રાત્રે બીજા દિવસની સવારમાં આભ તૂટી પડે તો ય ચાલવા જવાનું નક્કી કર્યું. બસ, એકવાર નક્કી કર્યું એટલે હવે કોઈના બાપની તાકાત નથી કે અમારું મનોબળ તોડી શકે. કબાટમાંથી ટ્રેકસુટ કાઢ્યો તો એમાંથી ડામરની ગોળી સરકી પડી. ડામરની ગોળીની વાસ એકદમ ટિપીકલ હોય. એનું વર્ણન કેવી રીતે કરાય? અનુભવી જ જોવી પડે. ડામર તો કાળોમેંશ હોય તો ડામરની ગોળી સફેદ કેમ એવો વૈજ્ઞાનિક પ્રશ્ન પણ ઉદ્ભવ્યો, જે અમે બળપૂર્વક મનમગજમાંથી હાંકી કાઢ્યો. તો ય, ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કરના એકેય પ્રશ્નવિભાગમાં આવો પ્રશ્ન કોઈ જ્ઞાનપિપાસુને કેમ નહીં થયો હોય એવો વિચાર તો આવી જ ગયો. એની વેય્ઝ, બીજું બધું પડતું મૂકીને સવારમાં ચાલવા જવાની તૈયારી કરવા માંડી. ટ્રેકસુટ તો નવ્વો નક્કોર જ હતો કારણકે અમે ઈવનિંગ વોકમાં જતાં ત્યારે તો સારામાંના ડિઝાઈનર વેર જ પહેરીને જતા. શું છે કે કોઈ ઓળખીતું મળી જાય અથવા ક્યાંય બારોબાર જવું હોય તો કપડાં પ્રોપ્પર હોવા જોઈએ. રૂમના સાઈડ ટેબલ પર છેક ભીંત પાસે ઊંધેકાંધ પડેલો એલાર્મ લઈને સાફ કર્યો. ટાઈમ સેટ કર્યો. બે વાર એલાર્મ સેટ કરીને બરાબર ચાલે છે કે નહીં એ તપાસી લીધું. વળી ટાઈમ સેટ કર્યો. એક નેપકીન, બાટલી (પાણી માટે) ને ઘડિયાળ ટેબલ પર મૂક્યાં. સ્વેટર, મેચિંગ મફલર પણ મૂકી દીધાં. જોડાં ચંપલના ખાનામાંથી શુઝ ને મોજાં શોધ્યાં. સવારમાં ખાંખાંખોળા કરવા ન પડે અને ચાલવા જવામાં મોડું ન થાય એટલે અમે આ બધી મગજમારી આગોતરી જ કરી લેતા હોઈએ છીએ, યુ નોવ. કોઈને એમાં "તમારે તો બહુ સખળડખળ એક ચાલવા જાવ એમાં ય બાપા.." એવું લાગે તો લાગે. અમારો સ્વભાવ પહેલેથી જ ચીવટવાળો છે ને અમને એનું અભિમાન હો નથી. ખેર, બીજાં દિવસે સવારે છ વાગ્યે એલાર્મ વાગે એ પહેલાંનાં આ ઘંટડી અમને સંભળાશે કે નહીંના ઉચાટમાં સાડાપાંચ વાગ્યાના જાગી ગયેલાં. ચ્હા-પાણી પરવારીને અમે ફટાફટ તૈયાર થઈ ગયા. પાણીની બાટલી અને નેપકિન એક નાના બગલથેલામાં મૂકીને અમે યાહોમ કરીને કુદી પડ્યા. હજુ તો ભળુંભાંખરું જ હતું ને ઠંડીનો ચમકારો ય હતો એટલે રસ્તો હજી સુસ્ત હતો. બહાર નીકળીને અમે ડાબે જમણે નજર ફેરવી. દૂર દૂર સુધી ખાસ કોઈ નહતું. ચ્હાની કિટલી પર પણ ચ્હાવાળો જસ્ટ આવેલો જ ને ઝાડુ લઈને સફાઈ કરતો હતો. અમને એનામાં સ્વચ્છ ભારત અભિયાનની અસર વર્તાઈ, આઈ સ્વેર. કિટલી પાસે એક કૂતરું હજી ટૂંટિયું વળીને ઊંઘતું દેખાયું. દરેક ચ્હાની કિટલીએ એકાદ કૂતરું તો હોય હોય ને હોય જ. રાશિ સરખી હોવાથી કૂતરાને અપનાપન જેવું લાગતું હશે? જે હોય તે, અમે એને રીતસર અવગણ્યું. 'કરતા પ્રીત શ્વાનની બે બાજુનું દુ:ખ, ખીજ્યું ચાટે પીંડી ને રિઝ્યું ચાટે મુખ'. આ પંક્તિઓ નાનપણથી બાયહાર્ટ લર્ન કરેલી એટલે અમે શ્વાનથી દૂર જ રહીએ. પણ પેલા સુસ્ત શ્વાનને આ પંક્તિની ખબર ન હોવા છતાં ય જેવાં અમે એની નજીક પહોંચ્યા કે સડાક દઈને અમને દંડવત્ પ્રણામ કરી રહ્યું. અચાનક આવી મળેલા આ ઉમળકાથી અમે મેરેથોનમાં પહેલાં નંબરે આવવું હોય એમ દોટ મૂકી. જો હેમખેમ ઘરે પહોંચાય તો પાંચ દીવાની માનતા ય દોડતા દોડતા જ માની લીધી. આગળ અમે ને પાછળ શ્વાન.. અમારી રેસથી પ્રેરાઈને ક્યાંકથી બીજાં શ્વાન પણ આવી લાગ્યાં. શ્વાન મિલતે ગયે, કારવાં બનતા ગયા જેવો જ અદ્દલ ઘાટ. થોડીવાર દોડ્યા પછી ખ્યાલ આવ્યો કે પેલો શ્વાનસમૂહ તો અમારાંથીય આગળ નીકળી ગયો છે. અમારા જીવમાં જીવ આવ્યો ને ત્યાંથી જ અમે યુ ટર્ન મારી દીધો. ઘરમાં આવીને પાણિયારે પાંચ દીવાના પ્રતીક રૂપે એક દીવો ય પ્રગટાવી લીધો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એ થોડાં દીવા ગણવા બેસશે ? જરા શ્વાસ હેઠો બેઠો એટલે અમે ય છાપાં લઈને હીંચકે બેઠા. છાપું ખોલતાં જ હેલ્થ ટીપ્સવાળી પૂર્તિ નીકળી. પહેલાં જ પાના પર હસતા હસતા દોડી રહેલી સુંદર બાલિકાનો ફોટો જોઈને અમે ફટાફટ પાનું ફેરવી નાંખ્યું. બીજું પાનું યોગાસનનાં લાભાલાભથી ભરચક્ક હતું. તો પછીના પાનાંઓમાં ય જૂદી જૂદી કસરત વિષે માહિતી અને ફોટા જોઈને અમે મ્હોં મચકોડ્યું. આ લોકોને ભાગે શ્વાનરેસ આવે તો જોવાનું .. ફોટા પડાવવા માટે આ બધા નખરાં કરે ,ખરેખર કોણ જોવા ગયું કે કોઈ કસરત કરે ય છે કે નહીં જેવું અષ્ટમપષ્ટમ બબડીને અમે જાહેરાતો જોવા માંડ્યા. જાહેરાતોમાં ય એ જ કસરતના સાધનોની જાહેરાત ને સાત દિવસમાં વજન ઉતારો જેવી જાહેરાતો વાંચીને અમે છાપું બંધ જ કરવા જતા હતા ત્યાં અમારી દ્રષ્ટિ હોમ અપ્લાયન્સીસની જાહેરાત પર પડી. મિક્સર, વેજિટેબલ કટર, ચપ્પાનો સેટ વગેરેની તસવીરો તો લોભામણી હતી. નજર ફરતી ફરતી જઈને અટકી એક જ્યુસરની જાહેરાત પર. શાકભાજી, ફળોના રસ સરળતાથી કાઢી શક્તું આ જ્યુસર દેખાતું તો સરસ હતું. સ્વાભાવિક જ વેપારીએ તો પ્રોડક્ટ વેચવાની હોય એટલે સારું સારું જ લખ્યું હોય. કોઈ પરિચિતનો આ જ્યુસર વિષે અભિપ્રાય લઈને ખરીદીશું. જ્યુસથી કાયાકલ્પ કરવાના અને તંદુરસ્ત રહેવાનાં સપનાં ધોળે દિવસે જોતાં જોતાં અમે છાપું ઘડી કરીને મૂકી દીધું. ને વહેલામોડા આપણે સ્વાસ્થ્ય સાચવવાના જ છીએ ને તો ડબલ બટર લગાવીને બ્રેડનો હળવો નાસ્તો કર્યો. સવારનો નાસ્તો તમને સ્ફૂર્તિમાં રાખે એ અમૂલ્ય સલાહનું અમે પાલન કરીએ જ . હેલ્થ કોન્શિયસ , યુ નોવ.
ક્રોંખારો:
પહેલું સુખ તે જાતે નર્યા..
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર