વિરોધ માત્રમ..

27 Jan, 2018
01:45 PM

શિલ્પા દેસાઈ

PC: onionstatic.com

થોડાં દિવસ પહેલાં હું એક પરિચિતને ત્યાં ગયેલી. પરિચિત એમની દીકરીને નાગરિક શાસ્ત્રમાં દેશની લોકશાહી વિષે પ્રાથમિક સમજ આપી રહ્યા હતા. શાસક પક્ષ અને વિરોધ પક્ષ વિષે લાંબું લાંબું સમજાવ્યા પછી મિત્રએ એને પૂછ્યું: "બોલ, શું ખબર પડી?"

"આપણું ઘર એક કન્ટ્રી હોય તો તું રુલિંગ પાર્ટી અને પાપા ઑપોઝિશન." રૂમમાં પિનડ્રોપ સાઈલન્સ. વાત તો સાચી. વિરોધનું વાતાવરણ ઘરમાં જ સૌ પહેલું જોવા મળે. લગ્નથી માંડીને બાળકને કયા માધ્યમમાં ભણાવવું સુધી એક ચક્ર ચાલે. એમાં વાંધા વિરોધ અંગે બાળકને અલગથી સમજ આપવી પડતી નથી. 

કરવા ખાતર વિરોધ: ઘણાં માત્ર વિરોધ કરવા ખાતર જ કરે. ફલાણાએ કહ્યું માટે વાંધો લેવો એટલે લેવો. રાજકારણમાં આવું ખાસ જોવા મળે. શાસક પક્ષે કોઈ નિર્ણય લીધો હોય એ જનતાનાં હિતમાં હોય તોય પોતે વિરોધપક્ષમાં હોવાને લીધે જ વિરોધ કરે. સરકારનો આ નિર્ણય ખોટો છે એમ ગાઈ વગાડીને કહે પણ તો સાચો નિર્ણય શો હોઈ શકે એ વિશે મગનું નામ મરી ન પાડે. અહીં વિરોધ કરનારને સુપેરે ખબર હોય છે કે વાંધો પાડવા જેવું કંઈ છે નહીં. પણ વિરોધ પક્ષનું મુખ્ય કામ જ વિરોધ કરવાનું છે એવું ઠસી ગયું હોય એટલે વિરોધ કરે.

આદતાનુસાર વાંધો પાડવો: એકવાર લાંબો સમય વિરોધપક્ષ તરીકે કામ કર્યા પછી એક રાજકારણી મુખ્યમંત્રી બન્યા. કોઈ કેસમાં એમણે મત્તું માર્યું તો એમના જ પક્ષના મંત્રીઓએ બેંચ પર હાથ પછાડીને વિરોધ કર્યો. થોડીવારમાં જો કો ખ્યાલ આવી ગયો કે પોતે વિરોધ કરવાની આદત પડી ગયેલી એટલે પોતે શાસક પક્ષમાં હોવા છતાં વિરોધ વ્યક્ત કરી દીધો.

સ્વયંભૂ વિરોધ: કેટલીકવાર વિરોધ પણ કલાત્મક રીતે કરાય. વાતાવરણ જ એવું ઊભું કરવામાં આવે કે દરખાસ્ત કરનાર પોતે જ પોતાનો વિરોધ કરે. અમારા પડોશીને ત્યાં ટીવી લેવાનું હતું. એમના પત્નીને જે ટીવી ગમેલું જરા મોંઘુ હતું. એમને જે ગમેલું એ ટીવીના ફીચર્સમાં કિંમત સિવાય ખાસ કંઈ ફરક ન હતો. ભૂતકાળના અનુભવોના આધારે પત્નીને સીધી ના કહેવાનું કે વિરોધ કરવાનું જોખમ એ જાણતા હતા. એટલે એમણે પત્નીને ટીવીના કિંમતનો ફરક કહ્યો. ને પછી પેલી ભોળીએ જાતે જ પોતાને ગમતા ટીવીની જિદ્દ મૂકી દીધી. આ સ્વયંભૂ વિરોધ કહેવાય. પોતે જ પોતાનો વિરોધ કરે.

સ્ટાર્ટ અપ વિરોધ: કેટલાંકને પોતાની વાત શરૂ કરતા પહેલાં 'ના..એમ નહીં..' કહીને વિરોધ નોંધાવવાની ટેવ હોય છે. તમે ગમે એટલી સાચી વાત કરો તમને ના તો કહે જ. છેલ્લે એમની વાત પૂરી થાય ત્યારે સરવાળે તો તમારી વાત સાથે જ સંમત હોય. પણ, "જોયું? મેં કેવું કહી દીંધું? આપણે કોઈની સાડાબારી નહીં" વાળો એટિટ્યુડ, યુ નોવ.. માત્ર શરૂઆતમાં જ વિરોધ નોંધાવે એ સ્ટાર્ટ અપ વિરોધ. 

મજબૂત વિરોધ: તમારી વાત સાચી છે પણ હું આમ માનું છું કહીને વિરોધ નોંધાવવાની રીત પણ અનોખી છે. તમારી વાત શાંતિથી સાભળે પછી એક પછી એક તર્કબધ્ધ દલીલોથી વાતનો છેદ ઉડાડતા જાય એ મજબૂત વિરોધ. 

હઈસો હઈસો વિરોધ: આજકાલ વિરોધ કરવાની ફેશન છે. કોઈ પણ વાતનો તરત વિરોધ કરો તો જ તમારી ગણતરી થાય. કેટલાંકનો જન્મ માત્ર વિરોધ કરવા થયો હોય એમ એ ય ને હઇસો હઇસો કરતા લાગી જ પડે. આ પ્રકારના વિરોધથી ઝટપટ પ્રખ્યાત થઈ જવાય છે એટલે જેમને પ્રખ્યાત થવાના બહુ અભરખા હોય એ આવા વિરોધની લપસણી પર જલદી લપસી પડે છે. 

અવિચારી વિરોધ: હમણાં પદ્માવત ફિલ્મનો થયેલો વિરોધ એ આવા અવિચારી વિરોધનું ઉદાહરણ છે. હજુ ફિલ્મ આવી નહતી એ પહેલાં જોયા વિના જ લોકો ફિલ્મના વિરોધમાં રસ્તા પર ઊતરી પડ્યા. વા વાયા ને નળિયું ખસ્યું. ટોળામાંના મોટાભાગનાને ખબર પણ નહીં હોય કે એ લોકો ફિલ્મની કઈ બાબતનો વિરોધ કરી રહ્યાં છે. અવિચારી વિરોધમાં ઘી પૂરવાનું કર્મ સોશિયલ મીડિયા કરે. એકનું જોઈને બીજો, બીજાને જોઈ ત્રીજો વિરોધ પ્રગટ કરે પછી તો વિરોધની વણઝાર. એ જો વિરોધ કરે તો અમે કેમ નહીં વાળી મેન્ટાલિટી, યુ સી. 

જો કે પતિ પત્નીને એકબીજાનો જેટલો વિરોધ હોય એટલો કદાચ કોઈને નથી હોતો. 'હું શું કહું છું'થી શરૂ થઈ 'તું તો બોલીશ જ નહી..'થી આ વિરોધની તીવ્રતા સમજાય છે. ઘણીવાર દાંપત્યજીવનનું ગાડું સુપેરે ચલાવવા બેમાંથી એક જતું કરવાની વૃત્તિવાળું હોય એટલે વિરોધ બહુ સામાન્ય હોય. એક પતિને એની પત્નીની હેર સ્ટાઈલનો બહુ વિરોધ હતો. વારંવારની વિનવણી છતાં પત્નીએ પોતાની હેરસ્ટાઈલ બદલી નહીં. છેવટે પતિ મહાશયનો વિરોધ છૂટાછેડા સુધી પહોંચ્યો. તો એક મુરતિયાને સોશિયલ મીડયા સામે જ એટલો બધો વિરોધ હતો કે એણે લગ્નવિષયક જાહેરખબરમાં પોતાની દુલ્હનના અન્ય ગુણોની સાથે તે ફેસબુક વોટ્સઅપ જેવા ફીચર્સનો ઉપયોગ ન કરતી હોય તેના પર ભાર મૂક્યો. 

રામાયણમાં રામને રાજગાદી મળતી હતી એનો વિરોધ કૈકેયીએ કોપભવનમાં જઈને કરેલો તો મહાભારતમાં વિરોધ કરવા યુદ્ધનો આશરો લેવો પડેલો. ગાંધીજીએ અંગ્રેજોનો વિરોધ કરવા માટે ઉપવાસનું શસ્ત્ર ઉગામેલું. જે એ સમયે અત્યંત અસરકારક નીવડેલું. આજે નેતાઓના ઉપવાસને કોઈ ખાસ ગણતું નથી.

ક્રોંખારો:

શહેરમાં નવી નવી બસ સેવા ચાલુ થઈ. એ વખતે એક જ રુટ હતો. ભદ્રથી કાળુપુર. એક આનાની ટિકીટ. છ જ પૈસા ટિકીટ હોવા છતાં ય બસ ખાલી જાય. એટલે નગરપાલિકાએ ટિકીટ ભાડું ઘટાડીને ચાર પૈસા કર્યું. થોડાં લોકોથી આ સહન ન થયું અને પહોંચી ગયા વિરોધ કરવા. નગરપાલિકાએ કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે પહેલાં એ લોકો બસની પાછળ એ જ રુટ પર ચાલતાં જતા તો છ પૈસા બચતા, હવે ચાર જ બચે છે. બે પૈસાનું નુકસાન અમદાવાદી થઈને કેવી રીતે સહેવાય? 

(જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટ પાસે સાંભળેલું)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.