શિયાળાની સવારનો તડકો
જાણીતા અર્થશાસ્ત્રી સ્વ. વાડીલાલ ડગલીનો એક નિબંધસંગ્રહ છે 'શિયાળાની સવારનો તડકો'. હવે અર્થશાસ્ત્રીએ બજારનો રુખ કે તેજી-મંદી કે અર્થકારણ છોડીને 'તડકા' જેવા વિષય પર લખી નાંખે એ આશ્ચર્ય પમાડે પણ એવું થતું હોય છે. પોતાનો વિષય છોડીને સાવ બીજાં જ વિષયમાં ધુબાકા મારવાની ય એક મજા હોય છે. અમારા માટે ય એવું જ છે, યુ સી. પણ અભિમાન નહીં. તડકો છાંયડો ટાઢ વાદળાં વરસાદ વગેરે વગેરે બધું હવામાન ખાતાની ખતવણી છે પણ ગ્લોબલ વોર્મિંગ જેવો શબ્દસમૂહ આ હવામાનીયાઓને ધરાર ખોટાં પાડે છે. ઉનાળામાં વંટોળિયા જન્મી જાય ને નામ ફિલમની હીરોઇનો જેવાં.'કેટરિના'. કેટરિનાને જોઈને જેમ થિએટરમાં બેઠેલા પ્રેક્ષકોના પ્રેશરમાં વધઘટ થાય એવું ઉપરવાસમાં (એટલે કે સ્વર્ગ કે નર્કમાં) ય થતું હશે ને આવાં હવામાનમાં જબરદસ્ત ફેરફાર થતાં હશે. બાકી હતું તે હમણાં પેલા પ્લેબોય મેગેઝિનવાળા હ્યુ હેફનરભાઈ એમનું જાત્તે ઊભું કરેલું સ્વર્ગલોક છોડીને ઉપર સિધાવ્યાં છે ત્યારથી હવામાનની બધી બબાલો વધી ગઇ છે. એમના મેગેઝિનમાં છપાયા પછી ઘણાં રાતોરાત વધુ પ્રખ્યાત થઈ જતાં. દુનિયાભરમાં આ મેગેઝિનની બોલબાલા હતી પણ મેગેઝિનની ચોક્કસ પ્રકારની ખ્યાતિને લીધે મેગેઝિન હિંમતથી બધાં જોઈ શકે કે કોઈને જાણ થાય એમ વાંચી શકાતું નહીં. જુઓને , ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી-૨૦માં વરસાદ આવ્યો. અમેરિકાના ટેક્સાસમાં વાવાઝોડું આવી પડ્યું. તો દક્ષિણ ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસાવાળી થઈ જાય છે. આ બધા પાછળ ચોક્કસપણે હેફનરભાઈ જ જવાબદાર છે.આપણે ત્યાં આ વિષય સંશોધન કરવા આપી દેવા જેવો છે. લો , શોધ્યા કરો કારણો ને આપ્યા કરો તારણો. ઘરની બનેલી દાળમાં ય કાળું જોતાં વિદ્વાનોને રાઈમેથીના ઓડકાર આવે પછી ખ્યાલ આવે કે જે કાળું હતું એ રાઈમેથીનો બળી ગયેલો વઘાર હતો. પણ બધે ડાર્ક જ જોવાની ટેવ પડી હોય એ નડે. આ ગ્લોબલ વોર્મિંગની અસર તો જુઓ કે મેં કેટલું વિષયાંતર કર્યું. તડકામાંથી દાલતડકા સુધીની સફર ખેડી નાંખી.
મિત્રોંઓંઓઁ, નવલકથાકારની માનસિક સ્થિતિ જરા ડામાડોળ હોય તેવે વખતે નવલકથાનો હપ્તો શરુ કરવા સવારના વર્ણનમાં ઉપયોગ થઈ શકે એવો સરસ મજાનો કેસરિયો તડકો પડવાની શરુઆત થઈ ચુકી છે. જો કે હજુ 'સનબાથ' લેવા કે બરડો શેકવા બાંકડે કે હીંચકે બેસવું પડે એવી ઠંડીની શરુઆત થઈ નથી. એવાં જોખમો ય ન લેવા હમણાં કારણકે અત્યારે ગાદલાંગોદડાં ટીપવાની મોસમ પુરબહારમાં છે. તડકો હજી આળસ મરડતો હોય એટલામાં તો અગાશીઓ, વરંડાની રેલિંગો પર ગાદલાં ગોદડાં તોરણરુપ ધારણ કરીને ઝુલવા માંડે. ને બપોર થતાં ગાદલાં ગોદડાં પર લાકડીથી લયબધ્ધ ધબાધબી સંભળાવા માંડે. ' જુરાસિક પાર્ક' માં ડાયનોસોર આવતો હોય ને ટેબલ પર મુકેલા પાણીમાં સ્પંદન દેખાય ને બેકગ્રાઉન્ડમાં જે અવાજ સંભળાય , ડિટ્ટો એવો જ અવાજ સંભળાય આ ગાદલાં-ટીપો કાર્યક્રમ અંતર્ગત. તમે હવે 'જુરાસિક પાર્ક' જુઓ ત્યારે ડાયનોસોરની એન્ટ્રીવાળા સીન વખતે સહેજવાર આંખ બંધ કરજો ને અવાજ સાંભળજો. કોઈ ગાદલાં ટીપી રહ્યું છે એવી જ ફીલીંગ આવશે. જીવનમાં ઘણી વિરોધાભાસી સિમિલારિટીઓ હોય છે , યુ નોવ.
હા, તો શિયાળાની સવારના તડકાની મજા લેવાનો ગોલ્ડન ટાઈમ હવે આવશે. રસ્તા પર વચ્ચોવચ્ચ બેઠેલી કુંભ કે વૃષભ રાશિઓ પર પડતો આવો તડકો ઘણો વ્હાલો લાગે. મને ઘણીવાર વિચાર આવે કે ગોવાના દરિયાકિનારે નજીવા વસ્ત્રોમાં ઊંધા ચત્તાં સૂઈને 'સનબાથ' લેતા/લેતી ડ્યુડ્સ/ પ્રીટી અને રસ્તે બેઠેલા આ લાઈવસ્ટોક વચ્ચે ઝાઝો ફેર નથી. બંનેનો હેતુ તો એક જ છે ને? શું કહેવું છે તમારું? અગેઈન, વિરોધાભાસી સિમિલારિટી.
હા, તો શિયાળાની સવારે (દસેક વાગ્યા સુધી જ, હં કે.) વીસ પચ્ચીસ મિનિટ જાતને તડકે મુકવાથી વિટામીન ડી મળે છે.
એમાં ય જો સરસીયાના તેલનું માલિશ કર્યું હોય તો ક્યા કહેના! ચામડી સુંવાળી અને ઝગમગ ઝગમગ ચમકારા મારે. પણ પછી ગમ્મે એટલી ઠંડી લાગતી હોય તો ય નહાવું ( ચણાનો લોટ લેવો સલાહભરેલું ) આવશ્યક છે નહીં તો બાજુમાં બેઠેલી વ્યક્તિ પોતોના કામમાં મશગૂલ હશે તો ય એને આસપાસ અથાણાંની બોટલનો ભાસ થયા કરે એવી સ્મેલ આવશે. માટે નહાવું મસ્ટ થિંગ છે. સમય બચાવવા , કહો કે ટાઈમ મેનેજમેન્ટકરીને તમે માલિશ કરીને તડકે મુકાવ ત્યારે સૂંઠ ગોળ ઘીની બનાવેલી લાડુડી લઈને જ બહાર આવવું. ધીમે ધીમે એ લાડુડી આરોગવાની. આમ પણ સ્વાદમાં તીખી હોવાથી તમે નાની અમથી લાડુડી ય ફટ્ટ કરતી પૂરી નહીં જ કરી શકો. યાદ રાખવું કે તમે એ લાડુડી બહાર બેસીને ખાઈ રહ્યાં છો ને તમને એ ખાવામાં સહેજ પણ કષ્ટ પડતું નથી એવું દેખાડવા લાડુડીના બદલે કાજુકતરી ખાવ છો એવો મનમાં ભાવ લાવવો. આથી જોનારને તમને જોઇને વણમાંગી સલાહો આપવાનું મન કદાચ ઓછું થશે. લાડુડી પતે એટલે વીસ મિનિટ સ્લો વોકિંગ- બ્રિસ્ક વોકિંગ( ઇચ્છા અને હેલ્થાનુસાર) ફરજિયાત કરવું.
ઘાણીનો બળદ ફરતો હોય એમ ગોળ ગોળ ફરો કે કુતરું પાછળ પડ્યું હોય ને હડી કાઢતા હોવ એમ પણ ચાલવું/ દોડવું તો કંપલસરી પેપર છે. એ પતે એટલે હવે નહાવામાં વાંધો નહીં. ૨૦ મિનિટમાં માલિશ કરેલું પચવાપાત્ર તેલ પચી ગયું હોય શરીરમાં એટલે એના ગુણ ગ્રહણ કરી લીધા હોય .સ્નાન પતે એટલે તૈયાર થઈને એક તાંબાના લોટામાં પાણી લઈ પાછા બહાર આવવું. ને સૂર્યદેવતાને એ જલ સમર્પિત કરવું. કોઈ સૂર્યમંત્ર આવડતો હોય તો એમ, નહીં તો " ૐ ઘ્રુણિ સૂર્યાય નમ: " નું ઉચ્ચારણ કરવું. પુરા હ્રદયમનથી ચાર મહિના અચૂક પ્રાર્થના કરવી કે : ' હે સૂર્યનારાયણ, શિયાળો હોય એટલો સમય આમ જ ઠંડીને પકડી રાખજો જેથી જનતાના હાડકાં ઓછાં જકડાય.'આપણે માત્ર આપણો જ વિચાર ન કરતા સમગ્ર સૃષ્ટિની સુખાકારી માટે વાંછવું. આ બધું પતે એટલે સોનાના વરખવાળી 'સુવર્ણવસંત માલતી' ગરમ દૂધ સાથે વિધાઉટ ફેઇલ લઈ લેવી . આટલું કરશો એટલે તમારો શિયાળો ક્યાં પૂરો થઈ ગયો એ ખબર પણ નહીં પડે. ઓક્કે?
(ખાસ નોંધ : સુવર્ણ વસંત માલતી આયુર્વેદિક ટીકડીનું નામ છે. ગેરસમજ કરી ખુશ ન થવું)
ક્રોંખારો : આ આવ્યો શિયાળાની સવારનો તડકો, એને જરા અડકો ..( ક્યાંક વાંચેલું)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર