અમે હોંશીલા રે...
જગતમાં જાતજાતની જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે પણ એમાં માનવજાતિ જેવી વિચિત્ર બીજી કોઈ જાતિ થઈ નથી કે થવાની નથી. ન ભૂતો ન ભવિષ્યતિ. પોતે શું કરે છે તેના કરતા બીજાં શું કરે છે તેનું ધ્યાન રાખનારી આ એકમેવ જાતિ છે. અન્ય પ્રાણીઓની જમાત સ્વરક્ષા હેતુસર આવું ધ્યાન રાખે કે કોઈ એમનો શિકાર ન કરી જાય પણ માનવી શિકારના હેતુસર જ આ ક્રિયા જાણીબૂજીને કરે. માણસો જુદાં જુદાં પ્રકારના જોવા મળે. કોઈ દયાળુ હોય તો કોઈ ક્રોધી, કોઈ ઉડાઉ તો કોઈ કંજૂસ, કોઈ ઈર્ષાળુ તો કોઈ અન્યની પ્રગતિમાં રાજી થનારા, કોઈ દંભી તો કોઈ સાલસ વગેરે વગેરે. પણ આ બધાને ટપી જાય એવી એક પ્રજાતિ છે હોંશીલાઓની. બધી વાતે એમને બહુ હોંશ હોય. મૂળ સ્વભાવ કોઈ તકલીફમાં હોય કે ન હોય પણ મદદરૂપ થવું એવો હોય એટલે આ પ્રજાતિના જાતક સર્વે કાર્યોમાં સદા અગ્રેસર હોય. કોઈ પણ ઘટના દુર્ઘટના બને કે તરત જ હોંશીલા/ હોંશીલી ત્યાં પહોંચી જ જાય. આ ગયા અઠવાડિયે ભારતના પનોતાં પુત્ર વિરાટ કોહલી અને કોડીલી કામણગારી કન્યા અનુષ્કા શર્માના લગ્ન રાજકીય કારણસર બહુચર્ચિત એવા દેશ ઇટાલીમાં ચૂપચાપ થઈ ગયા એમાં કેટલાંય હોંશીલાઓને લાગી આવ્યું હશે. તો વળી કેટલાંકે મન મોટું રાખીને નવદંપતિને માફી બક્ષી અને એમના લગ્નનાં ફોટોગ્રાફ્સ ધડાધડ સોશિયલ સાઈટ્સ પર વહેંચવા માંડ્યા. કેમ જાણે એમના ઘરનો જ પ્રસંગ ન હોય !
આ હોંશીલાઓ મૂળે જરા ખણખોદીયા વૃત્તિના માલિક હોય એટલે એમને ઘટનાની ખબર પણ ગામ કરતા જરાક વહેલી પડે. વિરાટ-અનુષ્કાવાળા કિસ્સામાં ઊંઘતા ઝડપાયા હોય એવી લાગણી ય થઈ હોઈ શકે પણ ભલું થજો અત્યારે ગુજરાતની ચૂંટણીનું કે એણે લાજ રાખી લીધી.
ઘટના સ્થળ પર ઉપસ્થિત રહેવાની હોંશ : કેટલાંકને કાયમ ઘટના સ્થળ પર હાજર રહેવાની બહુ હોંશ હોય. અને પછી ઘટનાનું વર્ણન કરતી વખતે ઘટનાની મઝા નવેસરથી લે. અમારા એક પરિચિતને આવું જ કંઈક ઘેલું. ઘરમાં ગમે તે કામ કરતા હોય પણ બહાર રસ્તા પર જરાક જોરમાં કોઈ વાહનની બ્રેકની ચિચિયારીઓ સંભળાય કે અંકલ ભર્યા ભાણે ઊભા થઈને બહાર પહોંચે જ. જઈને એકેએક એંન્ગલથી અકસ્માતનો (થયો હોય તો) બરાબર અભ્યાસ કરે, પૂછપરછ કરે ને પછી અન્ય સમક્ષ એ અકસ્માતનું એટલું તો પરફેક્ટ વર્ણન કરે કે સાંભળનારને એમ જ લાગે કે અંકલના દેખતા જ આ અકસ્માત થયો હશે. એવું નહીં કે માત્ર અકસ્માત વિષે જ સવિસ્તાર કહી શકે. એ કોઈના લગ્ન પ્રસંગનું ય એટલાં જ રસ રુચિથી, તમને ત્યાં હાજર હોવ એવો અહેસાસ કરાવતું વર્ણન કરે. અંકલના આ વર્ણન કરવાના કૌશલ્યના પ્રતાપે એમને સોસાયટીમાં સૌએ 'રિપોર્ટર'નું બિરુદ આપ્યું છે.
પોતે કરેલી ખરીદી બતાવવાની હોંશ : કેટલાંકને પોતે નવું શું ખરીદી કરી એ બતાવવાની સખ્ખત હોંશ હોય છે. એટલે સુધી કે એ ખરીદી કરવા જવાના હોય તે ય એમના ઓળખીતાં પારખીતાઓને કહી વળ્યા હોય. ને જ્યાં સુધી નવી લાવેલી વસ્તુ કોઈને બતાવે નહીં ત્યાં સુધી એમને ગળે ખાવાનું ન ઊતરે. મોટાંભાગે આવું કરવા પાછળ 'જોયું? હું આ ખરીદી શકું છું..' એવી બડાઈ કરતા માત્ર હોંશ જ હોય. નિર્દોષ હોંશ, યુ નોવ.
કામ પતાવવાની હોંશ : ઘણાંને કામ પતાવવાની બહુ ઉતાવળ હોય. જવાબદારીમાંથી જેટલું જલદી મુક્ત થવાય એટલું સારું એવી ભાવના, યુ સી. એટલે પોતે તો દોડાદોડી કરે જ પણ રીતસરના બીજાંને ય દોડાવે. એક જણને ત્યાં લગ્ન લીધેલાં. એમના સાળાને લગ્નની ભારે હોંશ અને જલદી બધું પતે એવી ઉતાવળ પણ ખરી. એટલે કન્યાને કડક શબ્દોમાં કહી દીધેલું કે ' લગ્નનો સમય ભલે અગિયારનો છે પણ તું અહીં માંડવામાં સાડા નવ વાગે આવી જ જવી જોઈએ. બધી વિધિઓમાં સમય તો જશે જ એટલે તારી બ્યૂટીશિયનને કહી દેજે કે જલદી તૈયાર કરી દે તને. સાડા નવે હું જ લેવા આવીશ ,તું જેટલી તૈયાર હોય એટલી જ મંડપમાં લઈ આવીશ.' ઘરમાં સાળાની બહેનનું જ ચલણ હતું એટલે કોઈએ આ વાતનો વિરોધ ન કર્યો. સરવાળે કન્યા અધૂરાં મેકઅપ સાથે જ મંડપભેગી. ને વરઘોડો આવ્યો સાડાબાર વાગે. ત્યાં સુધીમાં સાળા સાહેબ વીફર્યા તો એમણે માંડવા પક્ષના સગાંઓને જમવા બેસાડી દીધેલાં. શું કે એક કામ પતે.
આગતા સ્વાગતા કરવાની હોંશ : તમે કોઈના ઘરે જાવ તો ત્યાં એક જણ તો એવું નીકળશે જ કે જેને મહેમાનગતિ કરવાની બહુ જ ગમતી હોય. તમારી મરજી નામરજી જાણ્યા મૂક્યા વિના જ ઘરમાં સૂચનાઓનો મારો ચલાવે. ' બાબા, જા તારી મમ્મીને કહે કે ગરમાગરમ ચ્હા મૂકે અમારા બે ય માટે ને સાથે બટાકાપૌંઆ કે ઉપમા કે મસાલા પૂરી ય લાવવા કહેજે. ને એં, કંઈ સ્વીટ પણ આપવા કહેજે. બહુ દહાડે આ તો હાથમાં આવ્યા છે. ' તમે ના ના કરતા જ રહો, ઘરના અન્ય સભ્યો ય દબાયેલા અવાજે યજમાનને વારી જુએ પણ યજમાન ભારે હોંશીલા. સાંભળે જ નહીં. એમને ત્યાં ઉપલબ્ધ હોય એ તમામ ખાદ્ય ચીજોના લાભાલાભ ગણાવે, કઈ ઋતુમાં શું ખાવાથી તબિયત સારી રહે એ બધું એ ટુ ઝેડ સમજાવે. કદાચ કોઈ ખાદ્ય પદાર્થની તમને એલર્જી હોય તો એનું મારણ પણ કહે. સહાનુભૂતિ, નરી સહાનુભૂતિ. બીજું કંઈ નહીં. પણ તમારી સારી રીતે આગતા સ્વાગતા કરવાની એમની હોંશ તો પૂરી કરે જ.
હમણાં ગુજરાતના રાજકારણમાં સોલ્લિડ અફરાતફરી છે. તાજેતરમાં જ મતદાન થયું ને ચૂંટણી પતી. અમે મતદાન શરુ થયાની ગણતરીની મિનિટમાં જ સ્થળ પર પહોંચ્યા, મતદાન કરવા જ તો. લાં.....બી લાઈન હતી, બોલો. હોંશીલા જ કે બીજું કંઈ? વળી, ચૂંટણી પ્રચારમાં ય દરેક ઉમેદવાર કરતા એમના ટેકોદારોને વધુ હોંશ દેખાઈ. ઉમેદવારના વતી આ ટેકેદારો જ પ્રચાર અપપ્રચારનો કાર્યભાર સંભાળી લીધો હોય એમ લાગે તમને. એટલાં બધા જોશમાં આવીને નારેબાજી, સોશિયલ મિડિયાની જવાબદારી પક્ષના અધિકૃત કાર્યકર ન હોય તો ય સુપેરે નિભાવી જાણી છે દેશદાઝ, અફકોર્સ. દેશની દશા ને દિશા બદલી નાંખવાની ટેમ્પરરી હોંશ જોઈને કોઈવાર તો આપણને શંકા જાય કે ખરેખર ઉમેદવાર કોણ છે?
સલાહશુરા : કેટલાંકને સલાહસૂચન કરવાની હોંશ હોય. કામ વ્યવસ્થિત ચાલી જ રહ્યું હોય તો ય ડપકું મૂકે કે આ રીતે જ કરજો. ને દેખાડે એવું કે એમણે જે સલાહ આપી એના લીધે જ એ કામ વધુ સારી રીતે થયું. શકટનો ભાર જ્યમ શ્વાન તાણે .
ક્રોંખારો:
પહેલાં હોંશીલાઓના મેળાવડા પાનના ગલ્લે કે ચાની ટપરી પર વધુ ભરાતા હતા. હવે એમાં ફેસબુક, ટ્વીટર જેવા સોશિયલ મીડિયા ય ઉમેરાયા છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર