શું લાગે છે, બોસ?
મસ્ત મઝાનું તાપણું કરીને સહુ કુંડાળે વળીને તાપતા હતા ત્યાં જ કોઈકે મને પૂછ્યું: 'શું લાગે છે બોસ?' એટલે મેં જવાબ આપ્યો: હજુ પંદરવીસ મિનિટ તો સળગશે. વાંધો નહીં આવે. પછી જો બધાને બેસવું હોય તો નાંખીશું બીજાં લાકડાં.'
'અરે ઓ, હું તાપણાનું નહીં, ચુંટણીનું પૂછું છું.'
'ઓહ.. મને એમ કે તાપણાંની વાત કરી. ખોટી વ્યક્તિને પૂછ્યું તમે. તમને ખબર છે ને કે હું પોલિટિક્સ નહીં પણ પ્રેમનું માણસ છું?'
હમણાં ઠેરઠેર અભિપ્રાયોની બોલબાલા છે. દરેક જણ સર્વક્ષેત્રનિષ્ણાત. જગતનું એક પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં અભિપ્રાયનિષ્ણાત ન હોય. રાજકારણ હોય કે રંગમંચ, પુસ્તક હોય કે પહેરવેશ, દરેક જણને પોતાના અભિપ્રાયની કિંમત બરાબર ખબર હોય છે તેમ છતાં ય અભિપ્રાય આપવો એટલે આપવો. અમારે ત્યાં એકવાર ચ્હાનાસ્તાના સમયે એક વડીલ પરિચિત આવ્યાં. વર્ષો જુનો સંબંધ હતો એટલે એમના સંપૂર્ણતાના દુરાગ્રહોનો કે એમની ખોરાક સંબંધે પસંદ-નાપસંદનો પૂરતો ખ્યાલ હતો. તો ય, વિરોધ કે વાંક હોવાની પૂર્ણ તૈયારી સાથે ચ્હા અને મસાલા ભાખરી એમને ધર્યાં. ચ્હા તો એમને અનુકૂળ આવે એવી હતી પણ મસાલા ભાખરીમાં જરા વાંધો પડ્યો. એટલે અમે પૂછ્યું ન હોવા છતાં એમણે અભિપ્રાય ફેંક્યો. ' આ મસાલા ભાખરી નથી.' અમારી રસોઈની ક્ષમતાથી અમે વાકેફ હોવાથી વડીલના આ વિધાનથી અમારી લાગણી ઘવાઈ. પણ નમ્રતા જાળવી રાખીને મક્કમતાથી અમે એ વિધાનનો વિરોધ કર્યો. વડીલ તો અચાનક ઉગ્ર થઈ ગયાં. એટલે અમે ડઘાઈને ચૂપકીદી સાધી જેને એમણે પોતાનો પ્રચંડ વિજય ધારી લીધો. થોડી આડીઅવળી વાતો, રાજકારણ , ભારતની કથળતી અર્થવ્યવસ્થા અંગે અભિપ્રાય આપ્યા પછી એમણે જય ભારત કહીને વિદાય લીધી. થોડા દિવસ રહીને વળી સવારમાં એ પ્રગટ્યા. આવતાવેંત રસોડામાંથી જાતે જ પ્લેટ્સ લઇને મસાલા ભાખરી પીરસી. અને રણટંકાર કર્યો. :' જો, આને મસાલાભાખરી કહેવાય. ખાઈને કહે કેવી થઈ છે. ' અમે જરા હેબતાઈને જોઈ રહ્યા. જરા કળ વળતા પહેલું બટકું તોડીને ચાખ્યું. ને મરકી રહ્યા. પોતાના ભાખરીકૌશલ્ય પર મુસ્તાક વડીલે પણ ભાખરી તોડીને મોંમાં મૂકી. મીઠાની ઉણપ વર્તાઈ અને તરત જ એ બોલવા માંડ્યા : મીઠું રહી ગયું છે પણ બાકી ટકાટક છે ને? તેલ જોઈએ જ આમાં. હીંગ ને બીજું બધું ય પરફેક્ટ છે. આ તો શું કે તને ખ્યાલ આવે કે ભાખરી કેમ બને એટલે જ લઈ આવ્યો.' અમને વચ્ચે જ અભિપ્રાય આપવાનું લાખ મન હોવા છતાં કંઈ બોલતા પહેલાં એ પુરું કરે તેની રાહ જોઈ. હજુ ય ભાખરીચાલીસા લંબાઈ શક્યા હોત પણ કોઈનો ફોન આવ્યો એટલે એમણે પ્રયાણ કરવું પડ્યું. બેટર લક નેક્સ્ટ ટાઈમ. ફરીવાર એ આવે ત્યારે મહેમાનગતિ કરતા પહેલાં ભાખરીનો અભિપ્રાય આપી દઈશ એમ વિચારીને અમે ફરી કામે લાગ્યા. કોઈ પરિચિત જ્યારે અભિપ્રાય આપવાનું કહે ત્યારે સારું બોલવું કે સાચું બોલવું વિષે વિકટ સમસ્યા સર્જાય છે. ઘણાં એમ માનતા હોય છે કે સાચું બોલીએ તો ખરાબ લાગી જાય એ બરાબર પણ કહેવા ખાતર સારું બોલીએ તો સામી વ્યક્તિ ખરેખર સારું શીખે ક્યારે? સમાજને શિક્ષિત કરવાનો આવા લોકોએ ઠેકો લીધો હોય એમ એમને બધ્ધે વાંધો જ પડે. કોઈને ન દેખાતું હોય એ ય એમને દેખાય ને એ ય ને ઝીંકે અભિપ્રાય. એમના અભિપ્રાયનું વજન પીંછા જેટલું ય ન હોય, કોઈએ પૂછ્યું ન હોય તો ય આવી જાય મેદાનમાં. એક લેખકે પોતાનો વાર્તાસંગ્રહ છપાવ્યો જે લઈને એ એક સાહિત્યકાર પાસે પહોંચ્યા બે સારા શબ્દ સાંભળવાની આશાએ. સાહિત્યકારે નમ્રતાથી ના કહી કે પોતે અભિપ્રાયવાળા વર્ગમાં નથી આવતા તો ય લેખકે આગ્રહ કર્યો. કમને સાહિત્યકારે પુસ્તક લીધું અને વાંચીને ફોન કર્યો. ' આમાં ગદ્ય સારું છે પણ ક્યાંય પદ્ય નથી . એ હિસાબે જરા ઉણું કહેવાય.' લેખક ઓઝપાઈ ગયો. એટલે કોઈવાર આવું ય થાય.
અભિપ્રાય ઉઘરાવનારાઓ મોટેભાગે સારું સાંભળવાની આશાએ જ કોઈને પૂછતાં હોય છે. સ્વસ્થ ચિત્તે વિચારીને સાચુકલો અભિપ્રાય બહુ ઓછા પચાવી શકે છે. જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટે એકવાર ચંદ્રકાંત બક્ષીની એક નવલકથા વિશે ( બક્ષીને ન ગમે એવી) ટીકા કરી. ધાર્યા મુજબ જ બક્ષીને ન ગમ્યું. એ પછી વિનોદ ભટ્ટ હંમેશા બક્ષીબાબુના નિશાના પર જ રહ્યાં. પુસ્તક કે લખાણના અભિપ્રાય આપવા એ સૌથી અઘરી બાબત છે.
પરિવારમાં સુખશાંતિનો કાયમી વાસ રહે એ હેતુથી મોટાંભાગનાં ભાઈઓ અભિપ્રાય આપવામાં જરા મોળા હોય છે. એમને ન ચાહવા છતાં ય અસત્યનો આશરો લેવો જ પડે છે. કેટલીક બહેનો એટલી ચતુર હોય છે કે પતિને વાતમાં ઉલઝાવીને કાં તો પોતાને જોઈતો અભિપ્રાય મેળવી જ લે અથવા તો અભિપ્રાય આપવા જ ન દે. મોટેભાગે એવી બહેનો અભિપ્રાયની બાબતમાં સ્વાવલંબી હોય. કોઈના પર આધાર રાખવો એમની શાન કે ખિલાફ હોય છે. કેટલાંક ભાઈઓ પણ જો કે આ કક્ષામાં આવે ખરાં. અભિપ્રાય આપવામાં જરાય કચાશ ના રાખે. 'આપડે કોઈની સાડાબારી નથી કે કોઈ ખોટું કામ નથી કરતા પછી શું? કાણાને કાણો કહેવાથી એને ન ગમે તો એમાં આપડે શું?' વાળી વૃત્તિ, યુ નોવ. કોઈ કોઈ તો વળી મીઠું મીઠું બોલીને એવો અભિપ્રાય આપે કે સાંભળનાર થીજી જાય. આમ તો અમે વર્લ્ડબેસ્ટ કોફી બનાવીએ છીએ પણ તો ય એકવાર કોફીમાં ખાંડ નાંખવાનું વિસરી ગયા. થાય કોઈવાર, એમાં શું? પણ હજુ ય કોફી બનાવતી વખતે ટહુકો તો સંભળાય જ ' આપણે ત્યાં કોફીમાં ખાંડ નાંખવાનો રિવાજ છે,હેં કે.' આ પણ અભિપ્રાય આપવાની એક રીત છે. ઓછા શબ્દોમાં અભિપ્રાય વ્યક્ત કરવો ય કળા છે.
ક્રોંખારો:
યુધિષ્ઠિરને દ્રૌપદીએ જો પોતાને લાલ કે લીલો રંગ કેવો લાગે છે એવા પ્રશ્નનો ઉત્તર આપવાનો આવ્યો હોત તો યુધિષ્ઠિરનો રથ મહાભારતના યુધ્ધ પહેલાં જ ક્યારનોય નીચે આવી ગયો હોત, યુ નોવ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર