ત્યારે આપીશું શું?

02 Dec, 2017
07:01 AM

શિલ્પા દેસાઈ

PC: indianweddingsite.com

એક સમય હતો કે જ્યારે ઘરમાં કોઈના લગ્નનું આમંત્રણ આવે ને આબાલ-વૃદ્ધ સૌ કોઈ મલકું મલકું થઈ ઊઠતાં. કંકોતરીમાં ખાસ વૈવિધ્ય જોવા ન મળતું પણ સંબંધ સાચવી લેવાનું એક મજબૂત કારણ જરૂર મળતું. રૂબરુ કંકોતરી આપવા આવનાર સ્વજનને નારિયેળ ને રોકડાં રૂપિયા આપીને શુકન કરાવાતા. મોટાંભાગની કંકોતરીમાં નવતરમાં માત્ર નામ સરનામા જ બદલાતાં બાકી મેટર એ જ રહેતી. જમાનો આગળ વધતો ગયો ને ભેગો કંકોતરીમાં ય પરિવર્તન લાવતો ગયો. કેટલીક કંકોતરી વાંચો તો વંશાવલિ વાંચતા હોઈએ એવું લાગે. પ્રૂફરીડ થાય પણ એ તો કોઈ કુટુંબીનું નામ રહી નથી ગયું ને એ જોવા માટે. બાકી જોડણીમાં કંઈ પણ ચાલે, સરવાળે તો એ કચરાની ટોપલી જ શોભાવવાની છે ને! જેને આપવાની છે એ મહેમાનો તો બહુ થાય તો ભોજન સમારંભની વિગતો ધ્યાનમાં રહે એટલા માટે જ કંકોતરી વાંચતા હોય છે. એમને માટે કંકોતરીની કિંમત જમણવાર પુરતી જ હોય છે, જોડણીદોષો ગૌણ અને ક્ષમ્ય હોય છે. કોઈ કોઈ વિરલાઓએ તો ચાંદલો કે ચાંલ્લાનું કવર બનાવતી વખતે ઉપર કોનું નામ લખવું એ ય 'ઘેરથી'ને પુછવું પડે એટલાં બધાં ભોજન પરત્વે ફોકસ્ડ હોય.

પરિવર્તનની લહેર આવી અને કંકોતરીને ય પખાળતી ગઈ તો કંકોતરીમાં ય કાવ્યાત્મક ભાષા, સાહિત્યની છાંટ ઉમેરાઈ ગઈ. વિવિધ સાહિત્યકારોનાં વાંચવા ગમે એવા વન કે ટુ લાઈનર્સ, કવિતાથી કંકોતરીનું વજન ખરાં અર્થમાં વધી ગયું છે. તો વળી કોઈએ કન્યાવિવાહ કે કન્યાદાનનો મહિમા ગાતી નાની પુસ્તિકાઓની ય કંકોતરી ભેગી લહાણી કરી. તો કેટલાંકે કંકોતરી સાથે મિઠાઈ કે ચાંદીના સિક્કા કે એવું ફેંકી દેતા જીવ ન ચાલે એવી મુલ્યવાન ભેટ આપવાનો રિવાજ શરૂ કર્યો. પણ જેમ બીજાં બધાં અક્ષરોની સિકલ બદલાઈ ગઈ પણ 'ઢ' એવો ને એવો રહ્યો એમ કંકોતરીમાંના લખાણમાં ય મૂળ લખાણ તો બદલાયું નહિ. હા, કેટલાંક છોગાં જરૂર ઉમેરાયાં. એમાં સૌથી રસપ્રદ છોગું ભુલકાંઓ દ્વારા કરવામાં આવતો આગ્રહ. 'માલા મામા/ તાતાના લગનમાં જલુલ જલુલથી આવછો' એ ય ને પછી આખા કુટુંબના લાડકવાયા ભાણીયા ભત્રીજાના નામ લખ્યા હોય. વળી જો કોઈનું નામ આઘું પાછું થાય તો 'કુમાર' તરત જ વાંધો પાડીને ઊભા થઈ જાય. (આ 'કુમાર' એટલે પહેલાં સફારી સુટ પહેરેલા, હાથમાં ચામડાની નાની બેગ લઈને જગત આખાનો ભાર ચહેરા પર આણીને ફરતાં શખ્સને જોઈને કોઈ પણ અજાણ્યું સુધ્ધાં કહી શકતું કે એ સફારીધારી કુટુંબના જમાઈ છે. ચાંલ્લા સહિતની નાનીમોટી આર્થિક લેવડદેવડ પર એમની બાજનજર રહેતી.) પણ તો ય કંકોતરીનું મોક્ષધામ તો પસ્તી જ રહ્યું. જો કે હવે વોટ્સપીયા યુગમાં ઘરે ઘરે જઈને કંકોતરી આપવાનું ચલણ ઘટ્યું છે. કંકોતરીના ફોટાં પાડીને લાગતા વળગતાને મોકલી આપો એટલે એ કંકોતરી રૂબરુ મળ્યા તુલ્ય જ કહેવાય છે. (સારું છે કે હજી ચાંલ્લા માટે રૂપિયાના ફોટા મોકલવામાં નથી આવતા.)

લગ્ન પ્રસંગે ચાંદલા કે ચાંલ્લાપ્રથા ક્યારથી અમલી બની એ ખબર નથી પણ રામાયણ કે મહાભારતમાં એનો ઉલ્લેખ નથી એટલે એ પછી જ આ રિવાજ જન્મ્યો હોવો જોઈએ. પણ હવે નવા જમાનાની હવા પ્રમાણે કંકોતરીમાં ઝીણા અક્ષરે સૂચના વાંચવા મળે છે : 'ચાંલ્લો ભેટ અસ્વીકાર્ય છે'. બહુ ક્રાંતિકારી વિચાર છે પણ તો પછી આપણાથી એમ વહેવાર કર્યા વિના જમી થોડું લેવાય? પ્લસ એ આપણે ત્યાં પ્રસંગમાં જે એકસો એક કે એકસો એકાવનનાં ચાંદલામાં ચાર જણા જમી ગયેલા તે સાટું કેમ વળાય? કેટલું ખરાબ લાગે આપણાને જ કે એમણે ઓછો તો ઓછો, આપ્યો તો છે ને ચાંલ્લો. આપણે કંઈ મફત ખાઈને બેસી રહેવાવાળા છીએ કે ચાંલ્લો ન આપીએ? હવે એ રોકડીયો વહેવાર કેમ કરીને વાળવો? જો કે કોઈવાર આવી સૂચનાનું અક્ષરશ: પાલન કરવામાં ભોંઠા પડવાનું ય આવે. અમે એકવાર આવી સૂચના સરઆંખો પર માનીને કવર લીધા વિના જ વરઘોડિયાને અભિનંદન આપવા સ્ટેજ સુધી પહોંચી ગયા. છેક ત્યારે ખ્યાલ આવ્યો કે સ્ટેજ પર જનાર કવર આપે છે અને પેલા લોકો લઈ પણ લે છે. મીન્સ, પેલી જે 'ચાંલ્લોપ્રથા નથી' વાળી લાઈન માત્ર જગ્યા ભરવા જ લખેલી. તે દિવસ પછી અમે કવર તૈયાર તો રાખીએ જ છીએ કે જેથી ભોંઠા ન પડવું પડે. મોટાંભાગે તો આવું લખનારાં અમુક વડીલોના મર્યાદા જાળવવા કવર સ્વીકારી લે છે. મક્કમપણે ચાંલ્લો નહીં લેવાની જિદને વળગી રહેનારા બહુ ઓછા હોય છે. જ્યારે આવી ચાંલ્લાપ્રથા બંધ છે વાળી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે શું કરવું એ સમજ પડતી નથી. ખાસ કરીને જ્યારે ચાંલ્લો બચ્યો એવી આનંદની લાગણી પ્રગટ કર્યા સિવાય ફોટો કેવી રીતે પડાવવો એ વિશે કોઈએ સમજ પાડી નથી હોતી એટલે ફોટો સેશન સમયે આપણા જેવા લાગણીશીલ લોકોની મૂંઝવણ ફોટામાં ય દેખાઈ આવે છે. કેટલાંક તો પુષ્પગુચ્છ આપવાની ય ના લખી હોય. એવે સમયે પ્રાણપ્રશ્ન થઈ પડે કે ત્યારે આપીશું શું? આશીર્વાદ ને શુભેચ્છાઓ તો સ્વાભાવિક રીતે હોય જ પણ તો ય શું કે ચાંલ્લો આપ્યો હોય તો આપણાને જરા અપરાધભાવ જેવું ન રહે. મફત તો ખરું જ કે ની? ગાંધીજીએ પણ કહ્યું છે કે 'જે તંદુરસ્ત માણસે પોતાના ભોજન માટે પ્રામાણિકપણે શ્રમ ન કર્યો હોય તેને મફત જમાડવાનો વિચાર મારી અહિંસા સહી નહીં શકે.' આવું વાંચ્યા પછી ય જો આપણે મફત જમીએ તો એ આપણે સુક્ષ્મ હિંસા આચરી છે એવું લાગે કે નહીં? આપણી પ્રામાણિક્તા હોવા છતાં આપણે વગરકામના હિંસક કહેવાઈ જઇએ કે નહીં? આટલું બધું સૂક્ષ્મ આપણે પેલાં લગન લઈને બેઠેલાં હોય તેને કેમ સમજાવવી ? જમણ જાય ને સગું દૂભાય એવું ય આપણાને ધોળા ધરમે ય મંજુર નથી. લાગણીશીલ, યુ નોવ. એટલે શુધ્ધ દાનતવાળા આપણે ખુદને પાપમાં નાંખવાનું પસંદ કરીએ છીએ અને જમી લઈએ છીએ. જ્યારે આવી પરિસ્થિતિ આવી પડે ત્યારે શું કરવું એનો ઉકેલ કોઈની પાસે હોય તો સૂચવવું જોઈએ. આ સોશિયલ મિડીયા પર આટઆટલા નુસખાઓ વાયરલ થાય છે તો કોઈને આ દિશામાં કેમ વિચાર નહિ આવતો હોય? કે પછી સંવેદનશીલતાને લૂણો લાગી ગયો છે?

ક્રોંખારો :

રામાયણ યુગમાં જો આ પ્રથા હોત તો દશરથ રાજાએ ભગવાન રામના લગ્નમાં ચાંલ્લો લખવા કોને બેસાડ્યા હોત? શ્રી અર્જુન શ્રીકૃષ્ણના લગ્નમાં ચાંલ્લો લખવા બેઠા હોત એકેયવાર?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.