ત્યારે લખીશું શું?
'ભટ્ટજી, વાર્તા બહુ મોટી છે. કાપવી પડશે.'
' એમ? મને ય એવું લાગ્યું હતું પણ પછી થયું કે ચાલી જાય તો ચલાવી દઇએ. '
'નથી ચાલે એવું. હવે આપણી પાસે ડેડલાઈન પૂરી જ થવામાં છે. તો તમે વેળાસર એડિટ કરી આપશો કે અહીં કોઈ કાપે?'
' ના ભઈઈઈ.. જોજો હોં.. અમે હમણાં જ મોકલીએ છીએ. એક કામ કરીએ? નવી જ વાર્તા કે લેખ આપીએ તો કેમ રહેશે? તમે કંઈ ના કાપતા.' ગભરાઈને અમે બોલવામાં ગરબડ કરી નાંખી. ને સામેવાળાએ તો 'હા, એ વધુ સારુ' કહીને ફોન મૂકી દીધો.
પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થામાંથી લખવાનું આમંત્રણ મળ્યું એના અતિ ઉત્સાહમાં શબ્દમર્યાદા કરતા લગભગ ત્રણ ગણું લખાણ લખાઈ ગયું. મૌલિક લખવું અને તે ય શબ્દમર્યાદામાં બંધાઈને એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. કારણકે મોટાભાગે શબ્દમર્યાદા જેટલા શબ્દો પૂરાં કરતાં ય ભલભલા ચમરબંધી ફાટી પડે છે. ત્રણ ગણું વધુ લખાઈ જવા છતાં ય અમારા મનમાં અહંકાર લગીરે ય પ્રવેશ્યો નહીં એ ય અપનેઆપ મેં એક સિદ્ધિ જ કહેવાય વળી.
ખૈર, અમારે લખવા માટેની સામગ્રી તો લાવવાની હતી નહીં. હવે લખીશું શું નો વિચાર કરતા કરતા અમે ખાસ લેખ લખવા જ આણેલા રાઈટિંગ પેડ, પેન ખાનામાંથી બહાર કાઢયાં. રફ ડ્રાફ્ટ લખવા માટે ૨૦૧૬ની જૂની ડાયરી કાઢી. સારાં પાનાં હોવાથી લખવાની મઝા આવશે એમ વિચારીને અમે મમતાથી પાનાં પર હાથ ફેરવ્યો. જાણે એ પાનું પણ અમને લખવા માટે નિમંત્રી રહેલું હોય એમ લાગ્યું. આની પહેલાંની વાર્તા એક નાનકડી પ્રેમકથા હતી. વળી પાછું પેલો જાદૂઈ ઇસ્કોતરો ખોલ્યો જેમાં અમે વિષયવાર કટિંગ કરીને સાચવી રાખેલાં. આજે આમ કામ લાગી જશે એવી કોને હતી ખબર! ઓહો, આ તો કવિતા જેવું કંઈક રચાઈ જશે કે શું અમારાથી? ફરીથી થોડો વિચાર કર્યો અને ડાયરી ખોલી. પેલી ડાયરીમાં સ્વસ્તિકનું શુભ ચિહ્ન દોરીને શરૂઆત કરેલી તો એમાં કોઈ જ સમસ્યા સર્જાઈ ન હતી એ અમને બરાબર યાદ હતું. આમ તો અમે એવા બધા શુકન અપશુકનમાં માનતા નથી પણ આ કેસમાં અમે હવે કોઈ ચાન્સ લેવા માંગતા ન હતા, યુ સી. લાલ રંગની સ્કેચપેન શોધી એમાં થોડું મોડું થયું. પણ જે કામ જેમ થતું હોય એમ જ થાય. કોઈ જગ્યાએ ભુરા રંગનો સ્વસ્તિક ચીતરેલો જોયો નથી. ને આમ પણ, અમે કોઈ ચાન્સ લેવા માંગતા ન હતા. રસોઈ, બાળઉછેર, ઘરશણગાર, પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરે વગેરે જેવા વિષયો અમારે મન ચેલેન્જિંગ નથી. રસોઈમાં એક બે વાર ગરબડ થાય પછી ઓટોમેટિક આવડી જ જાય, કંઈ રોકેટ સાયન્સ નથી. બાળકો ય કંઈ આખી જિંદગી બાળક રહેવાના નથી. ઘરશણગારમાં આર્ટિફિશિયલ કે સાચાં ફૂલના બે ચાર કૂંડા આમ તેમ ગોઠવી દઈએ કે વાત પૂરી. પર્સનાલિટી તો આંતરિક બાબત છે. જેટલું અંતરમન સ્વચ્છ એટલી જ બાહ્ય છબી ચમકદાર. એમાં કંઈ ધાડ મારવાની નથી. આ ચાર ટોપિક ઊંચા મૂક્યા એટલે વિચારવાના રહ્યા આર્થિક અને સાહિત્યિક મુદ્દાઓ. હજુ હમણાં જ બજેટ રજુ થયું છે એટલે બેક ઓફ માઈન્ડ દેશની નાણાંકીય હાલત વિશે તરોતાજાં ખયાલો ભરેલાં જ છે. તેમ છતાં ય રેફરન્સ માટે પેલાં સંકટ સમયની સાંકળ સમા કટિંગ્સ ઉથ્લાવ્યા. આર્થિક બાબત આવે એટલે અખબારોમાં ગુલાબી ગુલાબી રંગ થઈ જાય. પિંક ફોર ગર્લ ને બ્લુ ફોર બોય એવું અંગ્રેજીમાં કંઈ કહેવાય છે. પણ આ આર્થિક બાબતો જેવા કઠોર મુદ્દાઓમાં કોમળ ગુલાબી રંગની હાજરી શું કરે છે એ હજી અમને સમજાયું નથી. એની વેય્ઝ, આર્થિક બાબતો અમારા માટે ખાસ માયને નહીં રખતી ક્યુંકિ મુન્નાભાઈ કે રેડિયો-ટીવી સિવાય ચણા, જીરુ જેવી કોમોડિટીમાં ય સર્કિટ આવે એ જ્ઞાન અમને માફક આવ્યું નથી.
કવિતા કરવાનો વિચાર પણ ઝબકી ગયો પણ વરસાદી ફૂદાં જેવો આ વિચાર અલ્પાયુષી નીક્ળ્યો. ગાંધીજી ભલે ખરાબ અક્ષરને અધૂરી કેળવણી માનતા પણ કવિતામાં છંદ ન આવડતા હોય તો અમારા નમ્ર મતે એ પણ અધૂરી કેળવણીની નિશાની જ છે. એક વાર જાણીતા કવિ સ્વ. શ્રી સુરેશ દલાલને એમની કોઈ પ્રશંસકે સારી કવિતામાં શું હોવું જોઈએ એ વિશે જરા વિસ્તારથી સમજાવવા કહેલું. જવાબમાં સુ. દ. એ લાક્ષણિક શૈલીમાં કહેલું : “બહેન, મારું નામ સુરેશ દલાલ છે. તરલા દલાલ નહીં કે હું તમને કવિતાનાં ઇન્ગ્રેડિયન્ટસ કહી શકું.” ખેર, સાદા વાક્યમાં ક્રિયાપદ છેલ્લે લખવાને બદલે વચ્ચે ક્યાંક ગોઠવી દેવાથી એ કવિતાની પંક્તિ કહેવાય છે ને પછી તો છેલ્લા શબ્દમાં પ્રાસ બેસાડતા જવાથી કવિતા બને એવી સમજ પડી... પણ છંદ ને અલંકાર તો ન આવડ્યા તે ન જ આવડ્યા. એટલે બહુજનહિતાય વિચારીને કવિતાય બાજુ પર હડસેલી.
ગંભીર પ્રકારના લેખો કે બહુ વિચારવું પડે એવું લખવાથી ભાષા ભંડોળ સારું હોવાની છાપ પડે છે એટલું જ. બાકી તો આપણો માંહ્યલો તો આપણી ગત જાણતો જ હોય છે. જેમ જેમ સમય પસાર થતો જતો હતો એમ એમ અમારા લેખનના વિષયો ખૂટતા જતા હતા. અચાનક જ પુસ્તકનો રિવ્યુ લખવાનો વિચાર આવ્યો. આફરીન આફરીન.. બધાં કટિંગ્સને પાછાં યથાસ્થાને મૂક્યા અને પુસ્તક શોધવાની શરૂઆત કરી. નાનું પુસ્તક લેવાથી ઓછા સમયમાં વંચાઈ જશે અને પછી એ બીજા કોઈને વાંચવા પણ આપી દેવાશે. આમ, વાંચે ગુજરાત અને તરતા પુસ્તક યોજનામાં અમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડીસમ ફાળો આપ્યો ગણાશે. દેશદાઝ હોય માણસ કેવા કેવા સાહસો કે પગલાં ભરતો હોય છે તો આપણાથી આ એક નાનકડું કામ નહીં થઈ શકે? અમને આમ તો અભિમાન નથી હોતું પણ આ વાતે અમને કહેવાનું પ્રાપ્ત થવા દો કે અમે પોરસાયા છીએ. અમારું ૫૦ ટકા જેટલું કામ તો થઈ ગયું. શું લખવું છે એ નક્કી થઈ ગયું એટલે બેડો પાર. બાકીનું પુસ્તક મળે અને અમે લખીએ એટલે પૂરું. આપેલો સમય સચવાઈ જશે એ નક્કી.
ક્રોંખારો:
ખરાબ અક્ષર (અને છંદ ન આવડતા હોય તો કવિતામાં ) અધૂરી કેળવણીની નિશાની છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર