વોટ્સ અપ ડુડ?
"તમારો નંબર આપો ને ઈફ યુ ડોન્ટ માઇન્ડ ..ને વોટ્સપ તો યુઝ કરો છો ને ?" આવા સંવાદો તમારે ય સાંભળવાના આવ્યા જ હશે. બીઇંગ અ સોશિયલ એનિમલ, સોશિયલ મિડીયા પર એક્ટિવ ન હોવું અક્ષમ્ય અપરાધ ગણાય છે. સમાજમાં પહેલાં જે સ્થાન ઓટલાંનું હતું એ હવે વોટ્સપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરે જેવી સોશિયલ સાઈટોએ ઓલમોસ્ટ પચાવી પાડ્યું છે. તમારી પાસે સ્માર્ટ ફોન હોય ને તમે જો આ બધી સાઈટ્સ ન વાપરતા હોવ તો તમે ચોક્કસ ઓલ્ડ સ્કૂલ ફેલા ગણાઈ જાવ. આમ તો આ બધા સાઈટ્સ પર ખાસ કશું ઉકાળવાનું હોતું નથી. કોઈવાર તો માત્ર સમય પસાર કરવા જ આ સ્માર્ટ સાઇટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જસ્ટ ઐસે હી. ઇન ફેક્ટ, બહેનો ઓટલે બેસીને એટલીસ્ટ શાક સમારવા કે તુવેરની શિંગો ફોલવા જેવા કામો ય કરી શકતી હતી પણ આ સાઈટ્સોએ એ લહાવો છીનવી લીધો છે. કારણકે હાથ તો કી-પેડ પર ટકાટકીમાં રોકાયેલા હોય.આથી બહેનોનાં કામો તો ન ઘટયાં પણ સમયમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, તો ભાઈઓ પાનના ગલ્લે જઈને માવામસાલા મસળતા મસળતા એકબીજા સાથે રુબરુમાં ગામપંચાત કરતા તે હવે ફોનમાં ખાસ કરીને વોટ્સપમાં સમાઈ ગઈ છે. સરવાળે સમાજ એકબીજા સાથે રુબરુ મળવાને બદલે આ સાઈટ્સ દ્વારા જ મળી લે છે. (આમાં સંવેદનશીલ બહેનો કે એમની સંવેદના થકી વધુ સંવેદનશીલ ભાઈઓની લાગણી દૂભવવાનો આશય લેશમાત્ર નથી તે જાણશોજી.) અમને કહેવા દો કે આ બધી કમ્યુનિકેશન સાઈટ્સમાં અમને સૌથી વધુ વહાલ હોય તો એ વોટ્સપ જ છે. ગુજરાતી બચાવો, ભાષા મરી રહી છે જેવા નારાઓ કે જાતજાતના બહિષ્કારો,પ્રતિબંધોથી બેખબર રહીને વોટ્સપનો દીવો ટમટમ્યા જ કરે છે એ મહાન ઘટનાઓમાંની એક કહી જ શકાય કે ના? જેણે જન્મ લેતાં જ ગૂગલ જેવા ગૂગલને ય એની ધમધોકાર ચાલતી ગૂગલ ટોક કે યાહૂના યાહૂ મેસેન્જરને ધોબીપછાડ આપી એનામાં કંઈક સત્વ તો હશે ને? નાનો પણ રાઈનો દાણો એ કહેવત અમને આ લોકમાં વોટ્સપના અવતરણ પછી જ સમજાઈ. ખોટું શું કહેવાનું વળી? જે છે તે છે.
ગામ આખું ભલે વોટ્સપની વાટ લગાડતું હોય પણ અમને તો કાયમ ઉપયોગી જ લાગ્યું છે. મિત્રો સગાંસંબંધીઓ સાથે કાયમ કનેક્ટેડ રહી શકાય, યુ નોવ. કોણ શું કરે છે હાલમાં એ તો માહિતી રહે જ રહે પણ બીજી ય અનેક માહિતીનો સ્રોત છે આ વોટ્સપ. એકવાર વોટ્સપમાં દાખલ થાવ પછી તમારી ઇચ્છા હોય કે ન હોય, તમને જાત જાતના ગૃપોમાં ય સાંકળી લેવામાં આવે. સવારમાં ઊઠો ત્યારે આંખ પણ માંડ ખુલતી હોય તો ય મોબાઈલ તો પરફેક્ટ જ પકડાય. ને અર્ધબીડેલા કમલનયન વોટ્સપ પણ પરફેક્ટ જ જુએ. એ ય ને જગત આખાનાં ફુલોના બગીચેબગીચા ઠલવાયેલા હોય નાના અમથા મોબાઈલમાં. મોટાંભાગે નિર્દોષ સંદેશાવાળા મોર્નિંગ મંત્રો જો સૌ અનુસરવા માંડે તો જગત સ્વર્ગ બની જાય. કોઈને કશી સમસ્યા જ ન રહે એ હદ સુધીના સંતકક્ષાના સંદેશાઓ મળે. ઘણીવાર એવું બને કે એક જ સંદેશો ત્રણ ત્રણવાર તમને મળે. અમને આવું સુખ એકાધિકવાર પ્રાપ્ત થઈ ચૂક્યું હોવાથી હવે અમને ત્રિકાળજ્ઞાની હોવાનો ભાવ થતો જાય છે.
હાસ્યપ્રસાર સંદેશા:
આ પ્રકારના સંદેશાઓ નિર્દોષ હાસ્ય પીરસે ત્યાં સુધી બરાબર પણ પછી હાસ્યના મહોરાં પાછળ ક્યારે અશ્લીલતા પ્રવેશી જાય તેનું ધ્યાન રાખવું પડે. કેટલાંકને સંદેશાઓ મળે એ ભેગાં જ વાંચીને પૂરું સમજ્યા વિના જ આગળ ધકેલી આપવાની એટલે કે ફોરવર્ડ કરવાની બહુ તાલાવેલી હોય છે. એમણે જરા પોતાની પરોપકારવૃત્તિ પર થોડી લગામ રાખવાની જરુર છે .
સાહિત્યપ્રસાર સંદેશા:
આ પ્રકારમાં મુખ્ય સુર કાવ્યો/ શેર/શાયરીઓનો હોય. જાણીતાં કવિ કે લેખકની રચના કોઈવાર આખેઆખી કે કોઈવાર આંશિક સ્વરુપે આવે. તો કોઈવાર તો કોઈની રચના પોતાનાનામે ચડાવીને મોકલનારા ઉત્સાહી સાહિત્યરસિકોનો ય તોટો નથી.
જ્ઞાતિગર્વ સંદેશા:
આ પ્રકારનાં સંદેશાઓ થોડાં ભયજનક ખરાં. જે-તો જ્ઞાતિના ગૂણો લખ્યા હોય ને છેલ્લે ઇમોશનલ બ્લેકમેલ કરતી એક લીટી હોય ' સાચો ફલાણો ઢીંકણો જ્ઞાતિજન આ સંદેશો ફોરવર્ડ કરે જ કરે. ' પત્યું. આપણા જ્ઞાતિપ્રેમને લલકાર્યો? જોશમાં આવીને ફોનમાં હોય એ બધા ય ને સંદેશો ફોરવર્ડ કરીને વીર જ્ઞાતિજન ગૌરવ અનુભવે. જામનગરમાં એક જ્ઞાતિએ તો જ્ઞાતિના વોટ્સપ ગૃપના એડમિનની ચૂંટણી પણ યોજી છે. આને કહેવાય વિકાસ!
અણીવાળા સંદેશા:
આ પ્રકારનાં સંદેશા સામાન્ય રીતે સ્વાતંત્ર્ય દિન કે પ્રજાસત્તાક દિનની આસપાસ વધુ મળે. દેશદાઝની એટલી તો અણી કાઢે કે જો તરત જ યુધ્ધ કરવાનું આવે તો કોઈ કાળે દેશ હારે નહીં.
ટણીવાળા સંદેશા:
આ પ્રકારનાં સંદેશાઓ જ્ઞાતિગર્વનો પેટા સંદેશાપ્રકાર કહી શકાય. એમાં કેપિટલ આઈ એટલે કે 'હું' નું મહત્વ હોય છે. મેરે નામ સે શુરુ મેરે નામ પે ખતમ ટાઈપ્સ , યુ સી.
ટહેલ સંદેશા:
આ પ્રકારના સંદેશાઓ જુદી જુદી ટહેલ નાંખે. કોઈવાર રક્તદાનની હોય તો કોઈવાર અંગદાન માટે .. તો કોઈવાર કોઈ ખોવાઈ ગયું હોય તો ય કામ લાગે છે. સુરતમાં એક બાળકી ટ્રેઈનમાં મળી આવી. કોઈ સેવાભાવીએ બેબીનો ફોટો ને થોડી વિગતો વોટ્સપ કરી .થોડીવારમાં તો વાઇરલ થઈ ગયો મેસેજ. ને સદ્નસીબે બેબી એના માતા પિતાને મળી ય ગઈ. પણ પછી ય એના ફોટાવાળો મેસેજ મહિનાઓ સુધી ફરતો રહ્યો. ત્યારે એના પરિવારજનોને તકલીફ પડી ગયેલી કારણકે બેબીને લઈને ઘરનું ય કોઈ નીકળે કે તરત જ સ્પોટ થાય કે આ પેલી ખોવાયેલી બેબી ને પછી ફોનાફોની. એવું જ રક્તદાન માટે ય થાય. નીચે આપેલા ફોનનંબર પર ફોન કરીએ ત્યારે જો સામેવાળાની જરુરિયાત પૂરી થઈ ગઈ હોય તો બિચારો જવાબ આપી આપીને થાકી જાય પણ ફોન ન થાકે. જય વોટ્સપ.
રાજકીય સંદેશા:
આ સંદેશાઓ રાજકીય પક્ષોની અસલિયત અને માનસિકતા છતી કરનારા છે. ચૂંટણી સમયે આ સંદેશાઓ માઝા મૂકે . કોઈવાર તોફાન કે હુલ્લડની પરિસ્થિતિ ટાળવા કે ખાળવા ઇન્ટરનેટ પર પ્રતિબંધ સુધ્ધા મૂકાયા હતા, આપણે સાડા છ કરોડ તો વાકેફ છીએ જ .
ક્રોંખારો:
પશ્ચિમ બંગાળમાં એક યુવકે લગ્ન માટેની જાહેરખબર આપી. લગ્નોત્સુક યુવતીની અન્ય લાયકાતો તો ખરી જ પણ એક લાયકાત એવી ય મુકી કે છોકરી વોટ્સપ કે ફેસબુક ન વાપરતી હોવી જોઈએ. પત્થરયુગ ભણી પ્રયાણ કે બીજું કંઈ?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર