દિવાળીમાં ક્યાં ગયેલા?

04 Nov, 2017
12:01 AM

શિલ્પા દેસાઈ

PC: huffpost.com

દિવાળી પૂરી ને? લો, બહુ દિવાળી દિવાળી થતું હતું નવરાતરાં પૂરાં થયા ત્યારનું...ગઈ ને? આવી એવી ગઈ. કેટલીય હસ્તી-નાહસ્તીઓએ નવા વરસમાં જાતજાતના સંકલ્પ પણ લીધાં હશે. સંકલ્પો અને વચનો મોટાંભાગે અલ્પાયુષનો શ્રાપ લખાવી ને આવ્યાં હોય છે. જ્યાં સુધી ટકે ત્યાં સુધી વાહવાહ. એ બધું તો બરાબર...પણ ક્યાં ગયેલાં આ દિવાળીમાં? આ પ્રશ્ન આપણે અરીસામાં જોતાં જોતાં માથું ઓળીએ એટલી સાહજિકતાથી ને સ્વાભાવિકતાથી પૂછાતો દિવાળી પછીનો સાર્વત્રિક પ્રશ્ન છે. મોટાંભાગે હવે બધાંને રજાઓનો એ સમયે જ મેળ પડતો હોઈ એટલે સહકુટુંબ બહારગામ જતાં રહે. સારું કહેવાય. એ બહાને ય સોશિયલ મિડીયાની આભાસી દુનિયાની બહાર પણ વાસ્તવિક કુટુંબીજનોનો પરિચય થાય. જો કે, બહારગામ જઈને ય રજેરજ માહિતી વહેંચતા રહેતા અતિઉત્સાહી જીવો પોતાની ગતિવિધિથી જગતને સુપેરે માહિતગાર રાખે છે. કોઈવાર તો ગામમાં ને ગામમાં રહેતા હોય તો ય ન મળતા હોય એવા બહારગામ જઈએ ત્યારે ભટકાઈ જાય. એટલે આ વખતે અમે તો દિવાળીની રજાઓમાં ક્યાંય ગયા જ નહીં. એને બદલે અમે નક્કી કર્યું કે અમે દિવાળી નિમિત્તે મિત્રો, મહેમાનોને ઘરે આવવા આમંત્રણ આપીશું. થોડી રકઝક પછી મિત્રોને દિવાળીમાં ઘરે બોલાવવાને બદલે ફરી ક્યારેક બોલાવી લઈશું એવું સર્વાનુમતે ( એટલે કે એકાનુમતે) ઠરાવ્યું. અને જે આપણા ગામમાં બહારગામથી આવ્યાં હોય એને જ બોલાવીએ. પછી નામ નક્કી કર્યાં કે કોને બોલાવાય. સોશિયલ મિડીયા પર સક્રિયતા હોવાને લીધે સ્વાભાવિક રીતે જ અમારી પાસે કોણ ક્યાં ક્યારે આવશે એની માહિતી હોય જ એટલે આ લિસ્ટનું કામ અમે હોંશે હોંશે ઉપાડી લીધું. સૌથા પહેલાં નામ લખ્યું આપણા લોકલાડીલા બચ્ચન સરનું. આમ તો છાશવારે 'ખુશ્બુ ગુજરાત કી 'કરતા આવી રહે છે સર પણ આ વખતે લાંબો બ્રેક લીધો લાગે છે. ઘણાં સમયથી આ તરફ ડોકાયા નથી.એટલે આ વખતે દિવાળીમાં ભલે આવતા એ. હમણાં ન ફાવે એમ હોય કૌન બનેગા કરોડપતિના શુટિંગને લીધે તો છેવટે લાભ પાંચમ પછી ય બોલાવવા છે. પેલી ભેળ ખવડાવવી છે. પછી એ ય ને એ બોલશે: કુછ દિન તો ખાઇએ..ભેળ ગુજરાત કી...' જોઈએ, શું નક્કી કરે છે. જયાબા, અભિ, એશ ને આરુને ય તેડાવીશું.એ ય બિચારા છો ખાતા. ક્યારે મળવાનું આવું ખાવાનું? 

બીજો વારો અનુશ્કા શર્મા. વિરાટ ગૂફ્તગૂમાંથી નવરી પડે તો બીજે જવાનું વિચારે ને? બહુ એટિટ્યુડ છે એ છોકરીને પણ આપણે કહી જોવાનું. અભિમાન નહીં રાખવાનું. અભિમાન તો રાજા રાવણનું ય ક્યાં ટક્યું હતું જે? 

ઠીક યાદ આવ્યું. પ્રોનોબ (પ્રણવ) મુખરજીને નહીં બોલાવીએ એ નક્કી. કારણકે એમને સમજવા અઘરા છે. પોતે બંગાળી છે એટલે બંગાળી તો અફલાતૂન આવડે જ પણ અંગ્રેજી પર બી ગજ્જબનો કાબુ. હિન્દી ય સારું. અમે ગુજરાતી છીએ એટલે ગુજરાતી તો આવડે જ પણ પછી એમનું અંગ્રેજી કે હિન્દી બોલેલું અમને ના સમજાય અને અમારું અંગ્રેજી -હિન્દી એમને ન સમજાય. એ ધારો કે અમને ઘૂઘરા કેવી રીતે બનાવાય એમ પૂછે તો એ એમને હિન્દી કે અંગ્રેજીમાં સમજાવવાને બદલે બનાવી આપવા વધુ સહેલા પડે. એકવાર અમારા ગિઝરમાં કંઇક ગરબડ થવાથી પાણી ગરમ આવતું બંધ થઈ ગયું. રિપેર કરવાવાળાને બોલાવ્યો. એ રિપેરર યુ.પી.ના ભૈયા હતા. એમણે અમને ' ક્યા હુવા ગિઝર મેં?' એવું પૂછ્યું. અમે જવાબ આપ્યો: ' પહેલે તો પાણી દઝાયે એસા આતા થા. અબ દઝાતા નહીં હે.' પેલા ભાઈ અમને પરગ્રહવાસી હોઈએ એમ તાકી રહ્યા ને પછી કશું ય બોલ્યા વિના ચાલતી પકડી. અમે કહ્યું ય ખરું કે ભઈ, આ હરખું તો કરતો જા. પણ એ તો ધરાર જતો જ રહ્યો. દસ પંદર મિનિટ પછી કોઈ બીજાને લઈને પાછો આવ્યો. અમે ફરીથી ગિઝરની ગરબડ હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો પણ પેલો જોડીદાર કહે: 'પોણી ગરમ નહેં આબતું ઈમ કોહ ને?' ઓ તારી ભલી થાય.. એમ તો કહેલું. જે હોય એ , અમને ખ્યાલ આવી ગયો કે અમારું ગજરાતીમાં બોલેલું હિન્દી પેલા ભૈયાને સમજાયું ન હતું. હવે પ્રોનોબ દા અમારે ત્યાં આવે તો અમે એકબીજાં સાથે વાત શું કરીએ? આ મુશ્કેલી ટાળવા માટે આપણે એમને બોલાવવાનું માંડી વાળ્યું. 

સાહેબને નથી કહેવું આ વખતે. એક તો ચૂંટણીના હિસાબે બિચારાંને દેશમાં ય પુષ્કળ મુસાફરી કરવી પડે છે એમાં ક્યાં અહીં આવવા કહેવું? એક તો એ જરા વધુ લાગણીશીલ છે કે કોઈના આગ્રહને ટાળી નથી શકતા. ને કદાચ ભાવવિભોર થઈ જાય અને ગંગા જમના વહેવા લાગે તો અમે ય સવાયા લાગણીશીલ થઈ જઈએ. ઘરે આવેલાં મહેમાન ખુશખુશાલ પાછાં જાય એ સારું કહેવાય પણ આમ અશ્રુપુર આવે તો વાતાવરણ ઉલ્લાસમય થવાને બદલે આંસુમય બને. 

રાહુલજીને ય ન બોલાવાય. બાંય ઊંચી ચડાવ ચડાવ કરે છે તે એમ નહીં કે ટુંકી બાંયનાં જ ઝભલાં સીવડાવીએ. વારેવારે આમ બાંયો ચડાવવાથી જોનારને એમ લાગે કે ભાઈ એમને ધમકી આપી રહ્યાં છે. ખરેખર તો એ એમની આગવી સ્ટાઈલ છે. પોતે કોઈથી ગભરાતા નથી એવું આડકતરું કહી દેવાની રીત અમને પસંદ છે. ખરી તકલીફ તો સોનિયાજીને થાય. વારેવારે ગમે ત્યાં ઝૂંપડાભેગાં થઈ જાય ને ગમ્મે ત્યાં આસન ગ્રહણ કરી લે ને પાછાં બાંયો ચડાવતાં જાય. આમાં હાથની ચોક્ખાઈ તો ક્યાંય ઠેબે ચડી હોય. એટલે એ બાંયો કેટલી ગંદી થાય? સાબુ ને પાણી કેટલાં વપરાય? કોઈએ રાહુલજીને સમજાવવા જોઈએ. શું લાગે છે? આમ તો હવે ચૂંટણીને ધ્યાનમાં લઈને કોઈ રાજકારણીને બોલાવવાનું સાવ અશક્ય જ છે. ને બીજું, કોઈ રાજકારણીને બોલાવીએ અને એ આવીને જો અમારા ઘરમાં ય રાજકારણ રમે તો અમારે ત્યાં જે પ્રમુખશાહી છે એનો ધ્વંસ થઈ જાય. બીજાં અનેક નામો વિચારી જોયાં પણ કોઈ ને કોઈ કારણોસર એકમત ન થઈ શક્યો. સરવાળે, આવશે એની આગતાસ્વાગતા કરીશું એવું નક્કી રાખ્યું. આવા બધા વિચારવિમર્શમાં જ દિવાળી અને રજાઓ ય વીતી ગઈ. પણ કોઈ આવ્યું ય નહીં ને અમે ય ક્યાંય ગયા નહીં .

ક્રોંખારો: ભાઈબીજ ઉજવવા માટે બધા કૌરવો દુશાલાને ત્યાં એકસાથે જતાં હશે કે જૂથમાં?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.