બચ્ચનજી શું બોલે?
"હાં તો ભટ્ટજી, બતાઈએ આપ કો યહાં આ કે કૈસા મહેસૂસ હો રહા હૈ?" બચ્ચનજીના ઘેરા ધીરગંભીર અવાજની મોહિનીમાંથી રેખા સહિત કોણ છટકી શક્યું છે, ભલા? તે હું બાકાત રહું? સંમોહિત અવસ્થામાં જ હું એમને અપલક નિહાળી રહેલી. બચ્ચનજીને તો મારા જેવા રોજ કેટલાંય મળે એટલે એમને કંઈ ફરક ન પડે. મોટા માણસ. એ એમની સાદી ખુરશી પરથી ઊઠીને મારી નજીક આવ્યા અને મારી આંખ સામે ચપટી વગાડી. આઈ કેમ ટુ સેન્સીસ. મિત્રોંઓઓઓ, ભાઈયોં ઔર બહેનોં સહિત આખો દેશ અમને જ નિહાળી રહ્યો હશે એવો વિચાર આવતા હું ભોંઠપ અનુભવી રહી. બચ્ચનજીને તો રોજનું થયું. મોટા માણસ, યુ નોવ.
એમણે એક કેમેરામેન પાસે ગ્લાસ મંગાવ્યો અને એમના ઘેરથી આણેલી બાટલી( પાણીની, હોં)માંથી થોડું પાણી મને ધર્યું : "અભી આપ ઠીક હો?" પાણી પીને મને જરાક સ્વસ્થતા અનુભવાઈ એટલે મેં માથું ધૂણાવ્યું. મનોમન જયાજીની પ્રશંસા કરી રહી કે આ બાઈ એના વરનું કેટલું ધ્યાન રાખે છે. પતિનું ધ્યાન રાખવામાં ભલે બીજાં કામો ઘોંચમા પડે પણ કોઈ ફરીવાર મંત્રેલું પાણી ન પીવડાવી જાય એટલે ઘરેથી જ પાણી ભરી આપવાની એમની મુત્સદ્દીગીરીને હું વંદી રહી. વળી બચ્ચનજીનો આવો મૈત્રીપૂર્ણ વ્યવહાર અને સ્ત્રીદાક્ષિણ્ય તો જગજાહેર છે જ. બાબુજી અને માતાજીના સંસ્કાર, યુ સી.
પાણી પીધા પછી મને યાદ આવ્યું કે પાણી તો મારી પાસે ય હતું જ. બચ્ચનજી માટે ખાસ સુખડી બનાવેલી તે ય યાદ આવી. હું કંઈ પ્રતિક્રિયા આપું એ પહેલાં જ વળી સ્ટુડિયોમાં ઘેરો અવાજ સંભળાયો: "હાં તો ભટ્ટજી, યદિ આપ અનુમતિ દેં તો હમ પ્રતિયોગિતા શુરુ કરેં?" ઓ એમ જી.. હું નવેસરથી ફુલ એસીમાં ય પરસેવે રેબઝેબ. બચ્ચનજી જેવા ભડવીર પણ ગભરાઈ ગયા કે મને કંઈક તકલીફ પડી રહી છે. અગેઈન, સ્ત્રીદાક્ષિણ્ય. હું કંઈ બોલી ન શકી એટલે એમણે કહ્યું : રિલેક્સ, અગર આપ નહીં ચાહતી કિ હમ યહ ગેમ ખેલે તો નહીં ખેલેંગે. આપ કહેંગી વો કરેંગે. બતાઈએ ક્યા કરના હૈ? એક મજેદાર બાત જાનને કો મિલી હૈ હમેં આપ કે સીવી સે.. કિ આપ કોઈ ભી ભાષા અપની માતૃભાષા ગુજરાતી મેં બોલ લેતી હૈ. સહી હૈ ન ?" એક તો આટલું શુદ્ધ હિંદી મને સમજાતાં થોડીક સેકંડો લાગતી હતી. પણ જેવો આ પ્રશ્ન મારી તરફ આવ્યો કે હું એકદમ હળવાશ અનુભવી રહી : " હા જી, મેંને હમારે માળી કો જો આપ કે યુપી, બિહાર સે હૈ ઉસકો કડકડાટ ગુજરાતી શિખા દિયા હૈ. ઔર વેસે ભી સર, આપને તો બહોત દિન ગુજારે હૈ ગુજરાત મેં , તો આપ કો ભી ગુજરાતી આ ગયા હોગા, હેં ને?"
" હાં જી, ઈશ્વર ક્રીપા સે સમજ જરૂર લેતા હું, આપ કી તરહ કડકડાટ નહીં આતા પર યદિ આપ ઇસ સેટ પર રહેગી તો મુઝે યકિનન બોલના ભી આ જાએગા. હા હા હા.." એમાં હસવાનું શું હતું એ મને ખબર ન પડી પણ બચ્ચનજી રહ્યા મોટા માણસ. એમને ખરાબ ન લાગવું જોઇએ એટલે મેં ય હસી મૂક્યું, ને પબ્લિક તો છે જ ગાડરિયા પ્રવાહ જેવી, એ ય જોડાઈ ગઈ હસવામાં. થોડીવાર પછી વળી પેલો ભુવનમોહિની સ્વર ગુંજ્યો. " અગર આપ કો યહ ખેલ ખેલના નહીં તો ક્યા મૈં જાન સકતા હું કિ આપ યહાં ક્યું આઈ હૈ?"
"હા, હા ચોક્કસ વળી. સીવી જો ભેજા થા વો તો એમ જ થા. મૈં તો યહાં આપ કો યે સુખડી કા ડબ્બા દેને કે લિએ આઈ થી. હવે મેં જબ આઈ તો સબ જગા ભરા ગઈ થી. ઓર યહાં એક યે સીટ ખાલી થી. તો મેં યહીં પર અઠે જ દ્વારકા કરી ને બેઠ ગઈ. ઔર આપ તો આ કે ફટાફટ ક્વેસ્ચન પૂછને લગે. ગભરાટ કે મારે મુજે આતા થા વો આન્સર્સ બી ભૂલ ગઈ તો મેરા તો છેલ્લા નંબર આયા. પર આજ આપને ચક્કરડા ઊંધા ઘુમાયા ઔર મુજે હી યહાં બેઠા દિયા. મેરા કોઈ વાંકગુના નહીં હે. દસામા કે સમ, બસ?"
"યે દસામા કે સમ ક્યા હોતા હૈ?"
"એંહ, ઈતના બી નહીં જાનતે? હમારે ગુજરાત મેં તો જાત જાત કી માતાએ હૈ. ઉનમેં સે એક યે દસામા હે. બહુત ફેમસ માતાજી હૈ. ઉનકે પરચે ભી બહુત ફેમસ હે. અબ કોનસે પરચે યે તો મુજે નહીં પતા પણ ફેમસ હૈ."
"ઓહ્હ.. ઐસી બાત હૈ? નમન બોલના આપકી માતાજી કો. ક્યા વે અભી હમારા શો દેખ રહી હૈ? નમસ્કાર માતાજી, આપ કી બેટી આપ કી બહુત તારીફ કર રહી હૈ…"
"સર.. માતાજી તો દિવ્ય સ્વરૂપ હે. બિના ટીવી કે ભી હમ કો દેખ કે આશીર્વાદ દેતી હે. ઔર વહ સબ બાતેં તો ચલતી જ રહેગી સર. મેં ક્યા કહેતી હું કે મેં યે જો આપ કે લિએ સુખડી લાઈ હું ને વો આપ કો ગિફ્ટ કરના હૈં મેરે કો."
"મતલબ આપ જો લાઈ હૈ વો મુઝે આપકો વાપિસ દેના હૈ?"
"અરે સર, મેં.. મેં ગિફ્ટ દેના ચાહતી હું એમ."
"ઓહ ઓકે, અબ સમજા. હાં તો લાઈએ, કહાં હૈ આપ કા ડિબ્બા?" જેવી બચ્ચન સરે આ વાત કરી હું તો લાગલી જ ડબ્બો લઈને દોડી. ડબ્બાનું ઢાંકણું ખોલીને ડબ્બો ધર્યો: "અભી ઇસમેં સે ચાખો, બાકી કા ભી રાખો."
બચ્ચનજી સુખડીની ક્વોન્ટિટી જોઈને હેબતાઈ ગયા. "એક બાત બતાઈએ ભટ્ટજી, ક્યા હમ આપ કો બકાસુર લગતે હૈ? આપ સે કિસને કહે દિયા કિ હમ ઈતના સારા ખાના ખાતે હૈ? યે તો પુરે મોહલ્લે મેં બાંટ સકે ઈતની હૈ."
મેં ઉત્તર આપ્યો : "તે બાંટના ને. મુજે કોઈ પ્રોબ્લેમ નહીં હૈ. પર પેહલે ઘર મેં આરાધ્યા, અભિષેક, ઐશ્વર્યા ઓર જયાજી કો ભી ખવડાના. વો ભી ક્યા યાદ કરેંગે. ચોક્ખે ઘીમેં બનાઈ હે. ગોળ ભી બિના કેમિકલ વાલા લિયા હે. ઘઉં કે લોટ મેં થોડા ચને કા લોટ મિલાયા હૈ તો ઈસ સે સુખડી ફહરી બની હૈ. ફહરી મતલબ ક્યા કહેતે હે વો.. ક્રિસ્પી.. જ્યાદા ચહિએ તો કહેના." બચ્ચનજી શું બોલે ? બચ્ચનજીના ચહેરા પર આટલો આઘાત કેમ દેખાયો એ ખબર નહીં. "સર, ક્યા હુવા?" સર કંઈ જવાબ આપે એ પહેલાં જ બહાર કોઈ દરવાજો જોર જોરથી ખખડાવે છે એવું લાગ્યું ને હું સફાળી જાગી ગઈ. દરવાજો ખોલીને જોયું તો દૂધવાળો. "થેલી મેકી દેતા હોવ તો મારઅ હવારમોં દરવાજા ના ખખડાવા પડે." મેં હા કહી ને દૂધ લઈ ને ઘરમાં ચાલવા માંડ્યું.
ક્રોંખારો: દૂધવાળો મોડો આવ્યો હોત તો બચ્ચનજી શું જવાબ આપે છે તે ખબર પડી ગઈ હોત. હવે ફરીથી બચ્ચનજી મળે કે કેમ ? મોટા માણસ. યુ નોવ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર