બે ને પાંચ મિનિટ

13 May, 2017
12:00 AM

PC: etc.usf.edu

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

આજે બે ઘટનાને બરાબર એક મહિનો થયો હતો.

બપોરે બે ને પાંચ મિનિટે. સમય વિશે પૂરી ચોકસાઈ હતી. પાડોશની રૂપા અને દૂધવાળાએ ખાતરીથી કહ્યું હતું. રૂપા એના દીકરાને સ્કૂલબસમાંથી ઉતારી લેવા બેમાં દસ મિનિટે ઘર બંધ કરી નીચે ઊતરી. પાંચ-દસ મિનિટમાં ચિકુને તેડી એ ઉપર આવી જતી.

એ દિવસે પણ રૂપા ચિકુને લેવા ઘરની બહાર નીકળી ત્યારે એણે કેતકીને દૂધવાળાને બાટલી આપતાં જોઈ હતી. કેતકી એની સામે હસી અને રૂપા ઝડપથી દાદર ઊતરી ગઈ. એ દિવસે બસ વહેલી આવી ગઈ હતી, એટલે ચિકુને લઈ એ તરત ઉપર આવી ત્યારે ઘર બંધ હતું. એ ઘરમાં દાખલ થઈ, તેડેલા ચિગુને નીચે ઉતારવા જતી હતી, ત્યાં એણે દૂધવાળાની ચીસો સાંભળી. એ હાંફળીફાંફળી બહાર દોડી આવી તો ગભરાયેલો દૂધવાળો એકસરખી ચીસો પાડતો હતો. રૂપા અધખુલ્લા બારણાને ધક્કો મારી ઘરમાં દાખલ થઈ એ સાથે એની આંખો ફાટી ગઈ...

લોહીના ખાબોચિયામાં કેતકી પડી હતી. કેતકીનું ખૂન થયું હતું.

આજે એ વાતને એક મહિનો થયો હતો. તારીખ 10મી, બપોરે એકને પંચાવનથી બેને પાંચ મિનિટ સુધીમાં.

યોગેશ સૉફામાં ગુમસૂમ સવારથી બેસી રહ્યો હતો. બા, દીપ્તિ, મોટાભાઈ આવન-જાવન કર્યા કરતાં હતાં. વહેલી સવારથી બાએ બ્રાહ્મણને બોલાવ્યો હતો, કંઈ ને કંઈ વિધિઓ ચાલતી હતી. બહારના ઓરડામાં બ્રાહ્મણો જમતા હતા. એક તરફ અંધશાળાના મેનેજરને મોટાભાઈએ બોલાવેલા તે બેઠા હતા, કેતકીના બાપુજી અમદાવાદથી ખાસ આવ્યા હતા, પણ આઘાતથી બીમાર પડી ગયા હતા. મોટાભાઈને એની યે દોડધામ કરવી પડતી હતી ને ફોનની ઘંટી સતત રણકતી હતી.

અને આ બધી ધાંધલધમાલથી અલિપ્ત હોય એમ યોગેશ ગૂંચળું વળી એક તરફ બેસી રહ્યો હતો. અગિયાર વાગ્યા હતા. એ દિવસે એ અત્યારે શું કરતો હતો? અગિયાર વાગ્યે... હા, અગિયાર વાગ્યે ચા પીતો હતો... ના, ના. ઑફિસમાં ટાઈપિસ્ટને બે કાગળો ટાઈપ કરવા આપ્યા હતા એ વાંચી જતો હતો...

અને અહીં કેતકી શું કરતી હશે?

છેલ્લા થોડા દિવસોથી આ પ્રશ્ન પોતાને પોતે કેટલી વાર પૂછ્યો હતો ! પોતે ઘરેથી ગયા પછી અમુક વાગ્યે કેતકી શું કરતી હશે એવો વિચાર કદી કરેલો જ નહીં, એટલે એનો જવાબ પણ એને જડતો નથી.

અગિયાર ને પાંચ.

ઘડિયાળ સામે નજર કરતાં એ અસ્વસ્થ થઈ ગયો. હવે એ કદી જાણી નહીં શકે કે એની ગેરહાજરીમાં કેતકી શું કરતી હતી. સાંજે ઑફિસેથી આવી, ચા પીતાં ઑફિસમાં શું બન્યું હતું તે પોતે કહી જતો અથવા રસપૂર્વક સાંજનું છાપું વાંચતો કે પછી વિડિયો પર ફિલ્મ જોતો. કેતકી શાંતિથી સાંભળતી હતી, ક્યારેક એકાદ પ્રશ્ન પૂછી લેતી. પછી રસોઈમાં ગૂંથાતી.

અગિયાર ને પંદર થઈ હતી. યોગેશને સિગરેટની સખત તલપ લાગી હતી, પણ મોટાભાઈએ સવારથી એને સિગરેટ પીવાની ના પાડી હતી.

ઘડિયાળનો કાંટો, એના હૃદયમાં ભોંકાતો ભોંકાતો આગળ ચાલતો હતો.

સાડા અગિયાર ! અને એને ખબર નહોતી કે એની ગેરહાજરીમાં એનું પત્ની શું કરતી, શું વિચારતી !

મોટાભાઈ ઓરડામાં આવ્યા અને ખાનામાંથી ચેકબુક લઈ અંધશાળાના વિદ્યાર્થીઓ માટે 2000 રૂ.નો એક ચેક લખી આપ્યો.  યોગેશ સાંભળતો હતો - જુઓ કેતકી યોગેશ મહેતાની સ્મૃતિમાં આ રકમ સંસ્થાને યોગ્ય લાગે તેમ વાપરે. સામાજિક સેવાનાં કામોમાં તેનું ખૂબ દિલ હતું.

યોગેશને નવાઈ લાગી. ખરેખર ! કેતકીનો એવો સ્વભાવ હતો ! બા ડિશમાં નાસ્તો મેનેજર માટે લઈ આવી, આગ્રહ કરીને ખવડાવ્યો. આંખો લૂછતાં એ બોલતી હતી :

'મારી વહુ તો સાચે જ કેતકીનાં ફૂલ જેવી હતી. કોણ જાણે કયા હૈયાફૂટાએ આમ ઘડીકમાં એનું ખૂન...'

બા રડવા લાગી. દીપ્તિ પાણી લઈ આવી. બાને છાની રાખતાં એ રડવા લાગી.

'મારી ભાભી ખરેખર સોના જેવી હતી. અમારા મકાનમાં એકેએક પાડોશીને કંઈ ને કંઈ મદદ કરે, સલાહ આપે, માંદેસાજે ખબર કાઢવા જાય, કોઈ ટેલિફોન કરે તો એક પૈસો ન લે, કહેશે આપણે કોઈને કામ આવ્યા ને, બસ.'

યોગેશ દીપ્તિની વાત ધ્યાનથી સાંભળતો હતો. કેતકીને બધા જ લોકો ચાહતા હતા, એમ ! મેનેજર ગયા. મોટાભાઈ કેતકીના બાપુજી પાસે બેઠા. દીપ્તિ અને બા બ્રાહ્મણોને જમાડવામાં ગૂંથાયાં. સફેદ સાડલા પહેરેલી સ્ત્રીઓ આવ્યા કરતી હતી અને ઘરમાં અવાજો વધતા જતા હતા.

'લ્યો, બાર વાગ્યા.'

કોઈ મોટેથી બોલ્યું. બધા અવાજોની ઉપર થઈને એક અવાજ મોટા મોજાની જેમ બળપૂર્વક ધસી આવ્યો અને ફીણ ફીણ થઈ તૂટીને ફેલાઈ ગયો.

'હવે ઊઠને, બાર વાગ્યા.'

ટાઈપિસ્ટ શીલાનો આ અવાજ.

યોગેશે ચમકીને આજુબાજુ જોયું, પણ કોઈએ એ અવાજ સાંભળ્યો ન હોય એમ સૌ પોતપોતાનાં કામમાં ગૂંથાયેલા રહ્યા.

'આસ્તે બોલ શીલા. હજી લંચ ટાઈમને વાર છે, અને બૉસ કેબિનમાં છે.'

'બૉસ ક્યારના ગયા. હવે સાંજે આવશે.' શીલા ટેબલ પર ઝૂકીને બોલી.

'તું નીકળી જાય. હું દસ મિનિટ પછી નીકળીશ. રોજની જગ્યાએ.'

ટપ ટપ ટપ શીલાની ઊંચી એડીનો અવાજ, બ્રાહ્મણના મંત્રોચ્ચારને દાબી દેતો ધીમે ધીમે વિલીન થયો.

યોગેશે હાંફતાં હાંફતાં ચારે તરફ જોયું, અને છેલ્લે ડરતાં ડરતાં ઘડિયાળ તરફ જોયું. સાડા બાર.

કેતકી અત્યારે શું કરતી હોય? ક્યારે જમે? પછી વાંચતી વાંચતી ઊંઘે કે પછી પડોશનાં રૂપાબહેન પાસે જાય... કે પછી મકાનમાં કોઈની ખબર કાઢવા જાય કે પેલાં નાનકડાં મોજાં...

જોરથી ધડ્ વિચારનો એક મોટો ખીલો માથામાં ઠોકાયો અને લોહીના ધાર ફૂટી.

પોતે પિતા બનવાનો હતો અને એ જાણતો ન હતો!

પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી એ જડ બની ગયો હતો. કેતકીએ એને કહ્યું ન હતું કે એમના સંસારમાં એક બાળક આવવાનું હતું!

જાગતાં, સૂતાં, સપનામાં છેલ્લા એક મહિનાથી એક નાનકડા બાળકને એ રમાડતો હોય એવું જ દૃશ્ય, એને દેખાતું. બા અને દીપ્તિ સતત એ જ વાતો કરતાં અને રડતાં. શહેરનાં બધાં અખબારોને પ્રથમ પાને સમાચાર ચમક્યા હતા. પોલીસ પણ મૂંઝાઈ હતી. સુખી દામ્પત્યજીવન, ચોરી-લૂંટ કશું જ નહીં. તો પછી આવી ભલી પ્રેમાળ ગૃહિણીનું ખૂન કોણે કર્યું?

ખૂન કોણે કર્યું?

જાણે પોતે કોર્ટમાં પિંજરામાં ઊભો છે અને ન્યાયાધીશ સખત ચહેરે એને પૂછી રહ્યા છે, બોલો મિ. યોગેશ, તમારી પત્ની કેતકીનું ખૂન કોણે કર્યું?

એક ને પાંચ.

યોગેશને છાતીમાં ગભરામણ થઈ હોય એમ ઊંડા શ્વાસ ભરતો ઊઠ્યો અને પંખાની ગતિ વધારી. પંખો ઝડપથી ફરવા લાગ્યો. ખંડમાં ઘૂમતો પ્રશ્ન પંખાનાં પાંખિયાં સાથે જોરજોરથી આમતેમ ફંગોળાવા લાગ્યો. એની સાથે ભટકાઈ જવાનો હોય એમ ડરીને એ સોફાના ખૂણામાં ભરાઈ ગયો.

'આમ શું બેસી રહ્યા છો?'

ફરી શીલાનો અવાજ, આ વખતે જરા વધુ મોટો અને ધારદાર. એ ઝબકી ગયો. મોટાભાઈ ઓરડામાં જ હતા અને કશુંક શોધતા હતા, પણ એમણે શીલાનો અવાજ નહીં સાંભળ્યો હોય કારણ કે કશુંક એમને મળી ગયું હતું અને એ બહાર નીકળી ગયા હતા. યોગેશને શાંતિ થઈ.

'આસ્તે બોલ શીલા.' એણે ગભરાઈને કહ્યું હતું.

એ હસી પડી હતી : 'આ હોટલની આટલી ધમાલ અને અવાજમાં કોણ સાંભળવાનું હતું? સાચે તું બબૂચક છે. યોગેશ ! તને પ્રેમ કરતાં શીખવતાં બે વર્ષ નીકળી ગયાં અને એટલા સમયમાં તું પરણી પણ ગયો. કેતકીએ તને શિખડાવ્યું?'

મોટાભાઈનો મોટો ઘાંટો સંભળાયો. શીલાને ધક્કો મારી કાઢી મૂકતો હોય એમ યોગેશ હાથ વીંઝતો ઊભો થઈ ગયો. મોટાભાઈ ઝડપથી ઓરડામાં દાખલ થયા અને આરામખુરશીમાં પડતું મૂક્યું. પાછળ જ બા આવી.

'શું થયું મોટા? આમ કેમ બૂમો પાડે છે?'

મોટાભાઈએ ચશ્માં ઉતારી કફનીના છેડાથી આંખો લૂછી. ગળું ભરાઈ આવ્યું હોય એમ થોડા વખત સુધી એ ચૂપ રહ્યા. એણે બીજી વાર મોટાભાઈને આટલા અસ્વસ્થ જોયા હતા - એક વખત કોરોનર કોર્ટમાંથી કેતકીનો મૃતદેહ ઘરે આવ્યો ત્યારે અને આજે.

'થયું શું? નહીં તો તારો તે કદી ઘાંટો સંભળાય?'

'શાંતિમામી... યોગેશને... એટલે કે એમની... નણંદની દીકરીનું માગું લઈને આવ્યાં હતાં.'

'અરરર. શરમે ય ન આવી શાંતિમામીને? આવા ટાણે?' બાનો અવાજ તરડાઈ ગયો.

'એટલે તો એમને કાઢી મૂક્યાં. શું આપણે રાક્ષસ છીએ? મને તો એવો ગુસ્સો આવ્યો કે ગળચી દાબી દઉં.'

'મને પહેલેથી એ શાંતિ દીઠી ગમતી નહોતી, પણ શું કરું, તારા બાપુજીને એમની સાથે સાત પેઢીનો સંબંધ...'

'મને કંઈ પડી નથી કોઈની. અરે, આપણી કેતુને હજી...' મોટાભાઈથી બોલાયું નહીં.

દીપ્તિની બૂમ પડી એટલે મોટાભાઈ તરત ચાલી ગયા. બા નજીક આવીને બેઠી, ધીમે ધીમે યોગેશની પીઠ પર હાથ પસવારતાં બોલી :

'સ્વાર્થનાં સગાં છે સૌ. તું મન પર ન લેતો યોગેશ. બનવાકાળ બની ગયું. બધાની છાતીમાં જખમ થયો છે દીકરા! હજી કેતકીએ જિંદગી જ ક્યાં જોઈ હતી ! લગ્ન થયે બે વર્ષ થયાં. તને પ્રમોશન મળ્યું, ગાડી મળી. તમારી તો હરવાફરવાની ઉંમર કહેવાય. અને એમાં એને સીમંત...' બાનો હાથ ધ્રૂજતો હતો. બાએ આંખો મીંચી સોફાને ટેકે માથું ઢાળી દીધું.

ઘરમાં અચાનક શાંતિ થઈ ગઈ હતી. ઘનઘોર જંગલની એકલતાના પોલાણમાં હોય એવી ભેંકાર અને ભયાનક. ઝાડીમાં લપાયેલું હિંસક જાનવર પોતાની પર તૂટી પડવાનું હોય એમ યોગેશ ડરી ગયો. ચકળવિકળ આંખે એણે ચારે તરફ જોયું. કેતકીની તસવીર સામે ભીંત પર લટકતી હતી. તાજાં સુગંધી ફૂલોના હાર વચ્ચેથી એ મીઠું હસી રહી હતી. ટી.વી. પર કેતકીનો ભરત ભરેલો રૂમાલ હતો. આ જ ખુરશી પર બેસી એ રાત્રે મોડે સુધી ભરતી. એ ઘણી વાર મોડો આવતો. જરા ચિડાઈને કહેતો :

'તું મારી રાહ શું કામ જુએ છે? સૂઈ જતી હોય તો?'

એ મીઠું હસતી -

'મને એકલા ઊંઘ નથી આવતી. આ જુઓ તો, કેવું લાગે છે?'

'સરસ...' જેવું કંઈ બબડીને એ પથારીમાં પડતો.

બા હવે ધીમે ધીમે બોલવા લાગી હતી, મનમાં પડી ગયેલી વાતોની ગડ ઉખેળતી હતી.

'મને તો ઘણું થતું કે અહીં આવીને રહું. નાના ગામમાંથી આવીને આવડા મોટા શહેરમાં વહુ મૂંઝાતી હશે, પણ ત્યારે પેલે ઘરે ય કોણ કરે એવું છે? દીપ્તિને કૉલેજ અને મોટાની સંભાળ રાખનારું કોણ? કેતકી કાગળ લખતી : બા ! તમે અહીં આવો એ મને બહુ ગમે, પણ મોટાભાઈ તો ભગત માણસ છે. એમનું ધ્યાન ખાસ રાખજો. એટલી કાળજી હતી કેતકીને બધાની. દીપ્તિ માટે સરસ છોકરો ય શોધ્યો હતો વહુએ. લખતી કે એનું ભણવાનું પતી જાય એટલે અહીં જ આવીને રહો બધાં... તો દેવ જેવા મોટાભાઈને સાચવી શકું.'

બા ઊંડો શ્વાસ લઈ ચૂપ રહી.

બા, ભાઈ, દીપ્તિ બધા જ કેતકીને કેટલું ઓળખી શક્યા હતા ! અને પોતે !

દોઢ વાગ્યો હતો.

અજાણપણે જ એનું શરીર ટટ્ટાર થઈ ગયું. મુઠ્ઠીઓ સખત ભિડાઈ ગઈ. અત્યારે આ સમયે શીલા માટે એ પર્સ ખરીદી રહ્યો હતો અને અહીં એની પત્ની એના મોટાભાઈ, બા અને દીપ્તિની ચિંતા કરતી હતી. એના બાળકના આગમનની તૈયારી કરતી હતી.

કેતકીએ કેમ એને કહ્યું નહીં?

છેલ્લા એક મહિનાથી આ પ્રથમ એના મનમાં સતત ઘોળાતો, પીડતો, રંજાડતો, મૂંઝવતો.

'તમારું રામ-સીતાનું જોડું હતું.' બા ભરાયેલા કંઠે બોલી ઊઠી, 'અને આ પોલીસ જો, એટલું ય નથી શોધી શકતી કે કોણે આ કાળાં કામો કર્યાં? શું કામ કર્યાં?'

દીપ્તિએ આવીને કેતકીનો કબાટ ખોલ્યો. કોઈને આપી દેવા બેચાર સાડી કાઢતાં એણે ગુસ્સાથી કહ્યું :

'જો એ માણસ મારા હાથમાં આવી જાયને તો એ હરામખોરનો ટોટો પીસી નાખું.'

દીપ્તિ બાનો હાથ પકડીને લઈ ગઈ. રામ-સીતાનું જોડું... બાના શબ્દો ગોળગોળ ઘૂમતી ડમરીની જેમ ઓરડામાં ઘૂમતા હતા અને તપેલી ધૂળની જેમ આંખ, કાન, મોંમાં ભરાતા હતા. રામ-સીતાનું જોડું... કેતકી સીતા હતી, પણ એ તો માત્ર યોગેશ હતો. શીલા નામની એક યુવતી સાથે લફરું કરતો હતો. લફરું? ના... ના... એ તો...

'રખે એે પ્રેમ કહેતો.' ફરી કોઈ બોલ્યું. શાંતિમાં એ અવાજ વધુ ઘેરો અને મોટો લાગ્યો. 'શીલા પરણેલી છે અને લફરેબાજ સ્વભાવ છે એટલે લફરું કરે છે.'

ટાઈપિસ્ટ સુબ્રહ્મણ્યમે એક દિવસ એને કહ્યું હતું ત્યારે પોતે ખડખડાટ હસ્યો હતો, પણ સુબ્રહ્મણ્યમ ચિડાયો હતો. 'હસ, ખૂબ હસ યોગેશ ! એટલું જ તને એ એક દિવસ રડાવશે. ઝાડ ખંખેરે એમ પૈસા ખંખેરી લેશે તારા. પછી શોધી લેશે.'

અકળાઈને યોગેશ ઊભો થઈ ગયો. દીપ્તિથી અધખુલ્લા રહી ગયેલા કેતકીના કબાટ પર એની નજર પડી. એણે કબાટ ખોલ્યો. કબાટ વ્યવસ્થિત અને સુઘડ રીતે ગોઠવાલે હતો. સાડીઓની પસંદગી ખૂબ સુંદર હતી. નેઈલપૉલિશ, પર્સ, પરફ્યૂમની શીશીઓ, લિપસ્ટિક, કંઈક અવનવી વસ્તુઓથી કબાટ ભરેલો હતો.

યોગેશ આશ્ચર્યચકિત બની જોઈ રહ્યો. આમાંનાં કપડાં-દાગીના કેતકીએ એની સામે ઘણી વાર પહેર્યા હશે, પણ કેમ એને કશું યાદ નહોતું આવતું? આમાંની કોઈ પણ વસ્તુ માટે કેતકીએ જીદ કરી હોય અથવા એ પોતે એને ખરીદવા લઈ ગયો હોય એમ બન્યું નહોતું. આમાંનાં ઘણાં કપડાં તો અકબંધ હતાં. નવીનકોર સાડી ગડ ખોલ્યા વિનાની પડી હતી. કોઈક પરફ્યૂમની બાટલી પરથી સીલ પણ નહોતું તૂટ્યું.

એક નવી જ સિલ્કની સાડી એણે હળવા હાથે કાઢી... આછા પોપટી રંગ પર સોનેરી જરીની કિનાર હતી. એના મુલાયમ પોત પર સ્પર્શ થતાં મનમાં સ્મૃતિની એક લહેર વહી આવી. હા, આ સાડી તો પ્રથમ લગ્નતિથિએ પોતે જ કેતકી માટે લાવેલો. ખરું પૂછો તો બે લીધેલી. એક શીલા માટે અને બીજી... સાડીની ગડમાંથી એક કાગળ સરકી પડ્યો.

યોગેશે જલદીથી વાંકા વળી કાગળ લીધો અને ખોલ્યો, એ સાથે જ જાણે અચાનક કોઈએ એને ધક્કો મારી ઊંડા કૂવામાં ફેંકી દીધો હોય એમ સોફામાં ફસડાઈ પડ્યો. આ કાગળ શીલાએ એને લખ્યો હતો છ મહિના પહેલાં, જ્યારે એ રજા પર હતો.

તો કેતકી બધું જાણતી હતી? ગડી ખોલાયા વિનાની સાડીઓ, સીલ તોડ્યા વિનાની બાટલીઓનું રહસ્ય એને સમજાવા લાગ્યું અને આ નાના મોજાંનું અકબંધ રહસ્ય પણ હવે એ ઉકેલી શકતો હતો.

એ બાળક કેતકીનું હતું અને એ આનંદમાં પતિને એ સહભાગી બનાવવા માગતી નહોતી.

એણે ઝડપથી કબાટ બંધ કર્યો. રઘવાયો બની આમતેમ આંટા મારવા માંડ્યો, ત્યાં દીપ્તિ દોડતી આવી.

'ભાઈ... એક સારા સમાચાર.'

એ દીપ્તિ સામે જોઈ રહ્યો.

'હમણાં જ ફોન હતો ઈન્સ્પેક્ટર રાવનો. ભાભીનાં ખૂન માટે તેમને એક અગત્યની કડી મળી છે. કદાચ ખૂની કોણ છે એની ખબર પડી શકશે.'

એક હળવી ચીસ સાથે યોગેશ સોફાના ખૂણામાં ભસાઈ ગયો. એણે આંખો ફાડી ઘડિયાળ સામે જોયા કર્યું.

ઘડિયાળમાં બરાબર બે ને પાંચ થઈ હતી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.