મૂંગો ગૂંગો !
(વાર્તાકારઃ ધૂમકેતુ)
એનું નામ શું હતું એ આખા ગામમાં કોઈને ખબર ન હતી. સૌ એને મૂંગો કહેતા. મૂંગો કહેતાંની સાથે પાતળી, સુકલકડી, ઝીણી આંખવાળી કાંઈક કઢંગી ગણી શકાય તેવી એક માનવમૂર્તિ આંખની સમક્ષ ખડી થઈ જાય છે. કોઈ દયાળુ માણસને એમ લાગ્યું હશે કે આ તદ્દન અજાણ્યા અને અપંગ જેવા માણસને એકલો મૂંગો કહ્યા કરવો તે ઠીક નથી, એટલે પછી એનું નામ દઈને એને બોલવાનું શરૂ કર્યું. એનામાં કાંઈક કવિતાની સમજણ હશે એટલે પ્રાસાનુપ્રાસના રમણીય મેળમાં શોભી ઊઠે તેવું 'મૂંગો ગૂંગો' એવું નામ એને આપ્યું. ત્યારપછી એ આખા ભંડેરિયા ગામમાં 'મૂંગો ગૂંગો' એ નામે જ પ્રસિદ્ધ થયો.
પહેલાં તો મૂંગો ગૂંગો પોતાનું ગુજરાન માગી-ભીખીને ચલાવતો હતો. એક વખત એવું બન્યું કે ભંડેરિયા ગામના વિશાળ ભાડમાં ભર ચોમાસે સમુદ્રની માફક પાણી રેલી રહ્યાં હતાં. એક તરફ કાંઠાના થોડા ભાગમાં થોડું છીંછરું પાણી હતું. ત્યાં કેટલાક ટીખળી છોકરાઓ ખોટી ડુબકીદાની રમત રમતા હતા. મૂંગા ગૂંગાને તો બીજું શું કામ હતું ! એ તો જ્યાં જાય ત્યાં બે-ચાર કલાક બેઠો રહે. આજ પણ એ જ પ્રમાણે એ બેઠો બેઠો છોકરાંઓની રમત જોયા કરતો હતો.
એવામાં એક મોટા ટીખળી છોકરાને આ મૂંગા ગૂંગાનું કાંઈક અટકચાળું કરવાનું મન થઈ આવ્યું. એટલે કાંઠે મૂંગા ગૂંગા ઉપર પાણીનો વરસાદ વરસ્યો. મૂંગો આખો ભીંજાઈ ગયો. ને છોકરા બધા ખડખડાટ હસી પડ્યા.
પણ એમ તો મૂંગો પાછો રિસાળ પણ ઓછો ન હતો. એને વાણી તો હતી નહિ, એટલે એનો ક્રોધ પ્રાણીના જેવી ન સમજાય તેવી ગડબડિયા અસ્પષ્ટ ચીસાચીસમાં પરિણમતો. મૂંગાએ આજે તો એ કિકિયારીને થોડાક કાંકરાઢેફાંનો પણ સાથ અપાવ્યો. પરિણામે સાત-આઠ છોકરા પાણીમાંથી બહાર નીકળ્યા, ને મૂંગાને પકડવા દોડ્યા. મૂંગો આગળ ને છોકરા પાછળ ! એક જોણું થઈ પડ્યું.
ગૂંગાને ધ્યાન ન રહ્યું ને રસ્તામાં એક ખાડો આવતાં એમાં એ ટપકાણો. ખાડામાં પાણી કેડ સમાણાં હતાં. એટલે એને ઠીક ઠીક ભીંજાવાનો લાભ મળ્યો. છેવટે તો છોકરાઓએ એને પકડીને ભાડનાં પાણીમાં નવરાવ્યો ત્યારે જ એનો કેડો મૂક્યો.
(2)
પણ તે દિવસે સાંજે એક વસ્તુ બની. મૂંગો મોડે સુધી આકાશી અંધારા પૃથ્વી ઉપર ઊતરવા માંડ્યાં ત્યાં સુધી, પેલા ભાડને કિનારે બેઠો રહ્યો હતો. ભાડનાં ડોળાં હિલોળે ચડેલાં પાણી ધીમે ધીમે શાંત નિર્મળાં થતાં જતાં હતાં. મૂંગો બેઠો બેઠો કોણ જાણે શું વિચારમાં પડ્યો હતો પણ એ ત્યાં બેઠો જ રહ્યો.
આજે પેલા ટીખળી છોકરાઓએ એની પાછળ પડીને એને પકડી પાડ્યો હતો. અને પછી વળી એમાંના કોઈએ સૂચન કર્યું અને બીજાઓએ હર્ષભેર એ ઉપાડી લીધું પણ ખરું. એટલે ટીંગાટોળી કરીને ભાડના છીછરા પાણીમાં ઠીક વાર સુધી ઝબોળવાની રમત કરી. મૂંગાએ પાણીમાં તરફડિયાં તો બહુ માર્યાં, છૂટવા સારું, પણ બે છોકરાઓએ એને ગોઠણેથી પકડ્યો. બે જણાએ ખભેથી પકડ્યો. બે જણા પડખે ઊભા રહ્યા. ને 'તરો મૂંગાજી! તરો નહિતર બૂડી મરશો.' એમ મશ્કરીમાં બોલતાં બોલતાં સારી વાર સુધી મૂંગા ગૂંગાને પાણીની સૃષ્ટિનો સ્વાદ ચખાડ્યો. ગૂંગો બહાર નીકળ્યો ત્યારે ધ્રૂજતો હતો. પછી તો પાછો છોકરાઓએ જ કરગઠિયાં વીણીને તાપ કરી દીધો. કોઈએ કાંઈ ને કોઈએ કાંઈ એમ કરીને એને લૂગડાં પણ બે ત્રણ દીધાં, પણ ગૂંગાને કોણ જાણે શું થયું તે બધા ચાલ્યા ગયા પછી પણ એ તો ભાડને કાંઠે પાણી નિહાળતો બેઠો જ રહ્યો. એની પાસે વાણી તો કાંઈ હતી નહિ એટલે એને શું થતું હતું એ કાંઈ કોઈને કહેવાનું તો બને તેમ હતું નહિ. ને વાણી હોય જેવી તેવી તો પણ ગૂંગાને કોઈ કહેતાં કોઈ આખા ગામમાં સગું કહેવાય એવું કોઈ સ્વજન હતું નહિ. એટલે એ પાણી પાસે બેઠો રહ્યો. ભાડનાં પાણી એની મન વાત સમજતાં કે નહિ એ એ જાણે, પણ મૂંગાએ ઘણી વાર સુધી તે દિવસે, એના શાંત થતાં જતા તરંગોને દિલની કૈં કૈં વાણી સંભળાવી હોય તેમ લાગ્યું. એણે પછી પાણીને ઠપકો આપ્યો હોય, પોતાના જેવા અપંગની મશ્કરી કરવા માટે, કે પ્રાર્થના કરી હોય એને પાણીમાં રહેલી કવિતા બતાવવા માટે, કે પછી વિજ્ઞપ્તિ કરી હોય પોતાનામાં એના રસહીન જીવનને સમાવી લેવા માટે, કે પછી કેવળ ભક્તવિનમ્રભાવે પાણીને એ નમતો જ રહ્યો હોય. એણે શું કર્યું, એણે શું અનુભવ્યું. એણે શું જાણ્યું કે એને શું લાગ્યું, એ એના અંતરની વાત એ જાણે, પણ ત્યાર પછી એ ભાડને કાંઠે ઘણી વખત દેખાતો. છોકરાઓ તરવા પડ્યા હોય ત્યારે પોતે પણ જાણે તરવાનો પ્રયત્ન કરવા માંડતો. ને બધા એના વ્યર્થ પ્રયત્નને હશે તો પણ એ તો ફરી ફરીને મથામણ કર્યા જ કરતો. છેવટે તો એ એક તુંબડું પણ લાવ્યો'તો.
(3)
ગૂંગાની ખ્યાતિ ત્યાર પછી ધીમે ધીમે એક અઠંગ તરવૈયા તરીકેની થઈ ગઈ હતી. એને પાણીએ સાંભળ્યો હોય કે ગમે તેમ પણ મૂંગો પાણીમાં પડે એટલે જાણે કે અજવાળું થઈ જાય. એટલું જ નહિ એ સારા શુકનનો ગણાવા માંડ્યો. એણે એક બે જણાને આ ભાડમાંથી જ આંખમાંથી કણું કાઢે તેમ કાઢી દીધા હતા. પછી તો કોઈની ગાગર પડી પાણીમાં કે 'ચાલો ગૂંગાભાઈ!' એમ વરધી આવે. કોઈનો લોટો પડી જાય કે ગૂંગાની શોધ થાય! એક વખત તો એ કૂવામાંથી એરીંગ શોધી લાવ્યો હતો. ગૂંગાની કીર્તિ હવે ગૂંગા તરવૈયા તરીકેની થઈ ગઈ.
આ અપંગ માણસના અર્થહીન જીવનને આ પ્રમાણે જ્યારે અર્થ મળ્યો ત્યારે એના મૂંગા જીવનમાં પણ, સૂતેલી તમામ અભિલાષાઓ બેઠી થઈ. એને પણ ઘર માંડવાનું, ગૃહસ્થી થવાનું, ઘર કરવાનું, જીવન ગોઠવવાનું મન થઈ આવ્યું. એણે એક નાની સરખી ઓરડી પણ કરી. પછી તો ગૂંગાને ગમે ત્યાં શોધવાની કડાકૂટ મટી ગઈ. ગૂંગો એની ઓરડીએ તો સાંજ-સવાર મળે જ મળે. આ પ્રમાણે ગૂંગો એ નાનકડા ગામનો ગ્રામવાસી થયો. અને કારીગરમાં ખપવા લાગ્યો.
(4)
પણ બોલનારા માણસોના જીવનમાં કીર્તિનું જે સ્થાન હોય તેનાથી કોઈ જૂદું જ સ્થાન આ અપંગ માણસના જીવનમાં કીર્તિનું હશે. કોઈ વખત કોઈનો એકનો એક છોકરો એ પાણીમાંથી જીવતો બહાર લાવી શકતો, ત્યારે જે સેંકડો અમીભરી આંખો એના ઉપર મંડાતી, છોકરાની મા એના પગ પાસે પડી હતી, ને એના કઢંગા દેહને જે પ્રેમભર્યા ધબ્બા ઉપરાઉપરી માણસો તરફથી મળતા, એ બોલી શકતો નહિ, પણ એનો અંતરઆત્મા પાંચ-પચીસ રૂપિયાનું જે ઈનામ મળતું તેના કરતાં ખરી રીતે આનાથી અંદર ને અંદર, એ પોતે સમજી શકે પણ કહી ન શકે એવી, આત્માનંદની મહામોલી તૃપ્તિ જાણે અનુભવતો જણાતો ! મૂંગા ગૂંગાને જાણે એની કારીગરી હવે ઘડી રહી હતી. પેલું એક વાક્ય નથી આવતું? 'કલાકાર કૃતિ ઘડી રહ્યો હતો. પણ કૃતિ કલાકારને ઘડી રહી હતી.' - એવી આ એક વિરલ પરિસ્થિતિ હતી.
એક વખત આ પ્રમાણે મૂંગો ગૂંગો બેઠો હતો. ત્યાં પડખેને પાણીશેરડે એણે બૂમાબૂમ સાંભળી. એ એકદમ એમ ને એમ દોડ્યો. ત્યાં ગયો તો ખબર પડી કે એક છોકરો પાણીમાં પડ્યો'તો. ગૂંગાને જોયો ને સૌને આશા બંધાઈ ગઈ. એકદમ જ, ગૂંગાને પાણીમાં આંગળી વતી બતાવીને છોકરો ક્યાં પડ્યો હતો તે કોઈએ દેખાડ્યું. ને બીજી જ ક્ષણે ગૂંગો પાણીમાં અદૃશ્ય થઈ ગયો.
ગૂંગો ગયો એટલે છોકરો આવવાનો જ છે એવી સૌને આશા બંધાઈ ગઈ. કૂવાને કાંઠે આતુરતાથી અંદર જોતી સેંકડો સ્ત્રીઓ ઊભી રહી ગઈ હતી. માણસોનો મેળો થયો હતો. સૌ કોઈ એકીટશને પાણીમાં જ જોઈ રહ્યા હતા.
પણ કોઈ દિવસ નહિ ને તે દિવસે ગૂંગો અફળ થયો. એ પાણી ઉપર આવતો દેખાયો ને પ્રશંસાની એક જબરજસ્ત ગર્જના ઊપડવાની તૈયારી થઈ. પણ તેના હાથ ખાલી જણાયા ને સૌના પેટમાં ધ્રાસકો પડી ગયો. અરે ! ગૂંગો ખાલી?
કોઈ માની શક્યું નહિ, પણ ગૂંગાની લાલ આંખમાં અકથ્ય વેદના બેઠી હતી - તે ફરીને અદૃશ્ય થઈ ગયો.
થોડી વાર પછી ફરીને એ દેખાયો, પરંતુ આ વખતે પણ એના હાથ ખાલી હતા !
છોકરાના જીવનની હવે સૌએ આશા છોડી દીધી. ચારે તરફ રોકકળ શરૂ થઈ ગઈ. બૈરાંઓ મોટેથી હૃદયફાટ રોવા માંડ્યાં. છોકરાનો બાપ માથે હાથ મૂકીને ત્યાં ભાંગી ગયો હોય તેમ બેસી જ ગયો. જાણે કે એ પ્રાણ વિનાનું પૂતળું હોય!
પણ ગૂંગો ત્રીજી વખત પાણીમાં ગયો.
હવે એ બાજી હારી ચૂક્યો હતો, પણ એના હૃદયની અપાર વેદના એના ચહેરામાં દેખાઈ આવતી હતી. આ વખતે ગૂંગો ગયો છે છોકરો કદાચ હાથ આવશે, પણ હવે એ છોકરાનો જીવ બચે એ આશા કોઈને ન હતી.
ત્રીજી વખત ગૂંગો, જેમ પાણીમાંથી કોઈ ધોધમાર પ્રવાહ ઉપર ચડતો હોય તેમ આવી રહેલો, ચોખ્ખા પાણીમાં જણાયો, ને એના હાથમાં માથાની ચોટલી પકડીને ઉપાડેલો, છોકરાનો દેહ દેખાયો અને આકાશપાતાળ એક કરી નાખે એવી જબરજસ્ત પ્રશંસાગર્જના ચારે તરફથી ઊપડી. ગૂંગાએ એ સાંભળી હોય કે કોણ જાણે કેમ, પણ પાણીમાંથી બહાર આવતાં જેવો એણે છોકરાનો દેહ ઊંધે માથે લટકાવીને ત્યાં ઊભેલા ગામના વૈદ હકીમના હાથમાં સોંપ્યો અને એની આંખમાંથી આંસુની ધારા ચાલી નીકળી! એને શું થતું હતું તે કાંઈ જાણી શકાય તેમ ન હતું. પણ એ બે હાથ જોડીને સૌને નમી રહ્યો હતો. વારંવાર નમી રહ્યો હતો. અને વધુ તો પેલાં ગંભીર, ઊંડાં, નીલાં, ઘેરાં જળને માથું નમાવીને જાણે એમ કહેવા માગતો હોય કે, 'આજ તો તમે મારી આબરૂ રાખી છે,' એમ ઘણી વાર સુધી નમી જ રહ્યો !
છોકરાની તરત સંભાળ લેવાવા માંડી. દવાદારૂ શરૂ થયાં. પાણી કાઢવા માંડ્યા. પણ એનામાં કાંઈ જીવ જણાતો ન હતો. લોકો આ વ્યવહારમાં મશગૂલ થયા ને ગૂંગો એ વખતે પછી તક જોઈને છાનોમાનો ચાલ્યો ગયો.
(5)
બીજે દિવસે સવારે તો ગૂંગાની ઓરડી પાસે દિવસ ઊગ્યામાં મોટી માનવમેદની ભેગી થઈ ગઈ હતી. કોઈ મહાન ઉત્સવ હોય તેમ ઢોલ ત્રાંસા, શરણાઈ વાગી રહ્યાં હતાં. ગામની સ્ત્રીઓએ ગીતોની રમઝટ ઉપાડી હતી. 'શેરી વળાવી' એ ગુજરાતણોનો ગરબો વર્ષાહેલી જેમ વરસી રહ્યો હતો.
પેલો છોકરો બચી ગયો હતો, એના મા-બાપનો એકનો એક લાડકવાયો પુત્ર હતો એટલે એના બાપે આખા ગામને નિમંત્રીને ગૂંગાને, પોતાની રીતે બહુમાન આપવાનો નિશ્ચય કર્યો હતો. ગૂંગો જાણે તે પહેલાં આંહીં સૌ અત્યારમાં આવી ગયાં હતાં.
પણ કાલના થાકથી હોય તેમ ગૂંગાની ઓરડી હજી બંધ હતી.
ગૂંગો જેમને ઊઠતાં વેંત કટકું કટકું નાખીને સત્કારતો તે એક બે રખડું કૂતરાં પણ ગૂંગાની ઓરડી ઊઘડવાની રાહ જોતાં ત્યાં ઊભાં હતાં.
અને ગૂંગાના જેવી જ એક જુવાન ભિખારણ પણ ત્યાં જાણે ગૂંગાના પરાક્રમથી ખુશ થઈ હોય તેમ અત્યારમાં આવીને ઊભી રહી હતી. એ પણ મૂંગી હતી. એને કોઈ ઠામઠેકાણું ન હતું. ગૂંગાને કોઈ રોટલો ઘડી દે એમ ન હતું. આ અકસ્માત સંજોગો તો ગામલોકના હર્ષમાં વધુ હર્ષનો ઉમેરો કર્યો. મીઠા વિનોદ સાથે ગૂંગાને બહાર લાવવા માટે વધુ ઢોલ-ત્રાંસાં શરૂ થયાં.
થોડી વાર સુધી કોઈ આવતું નથી. એ જોઈને એક અધીરા પ્રેક્ષકે ગૂંગાની ઓરડીના બારણાને ધક્કો માર્યો.
જવાબમાં ઓરડી ઊઘડી ગઈ. ગૂંગાની આખી રિયાસત ત્યાં પડી હતી. એક ચટાઈ હતી. એક તૂટેલ પાટલૂન લટકતું હતું. એક બે લૂગડાં ત્યાં લટકતાં હતાં. ચૂલા ઉપર એલ્યુમિનિયમનું એક તપેલું હતું. એક લોટો માટલા પાસો ઊંધો પડ્યો હતો. એક થાળી ને વાટકો રાખમાં સાફ થવાની રાહ જોતાં બેઠાં હતાં !
પણ અંદર હડુડુ ધસતા માણસો આશ્ચર્યમાં હોય તેમ તરત પાછાં હટી ગયાં. જેને માટે આ ઉત્સવ યોજ્યો હતો, જેને મળવા માટે સૌ આતુર હતા, જેને પેલા છોકરાનાં મા-બાપ નવાજવા આવ્યાં હતાં, તે ગૂંગો જ ત્યાં ન હતો !
સૌના મનમાં સવાલ જાગ્યો. 'ગૂંગો ક્યાં હતો?'
- પણ એનો પ્રત્યુત્તર ત્યાર પછી એ ગામમાં કોઈને કોઈ દિવસ મળ્યો નહિ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર