સોનેરી પંખી

16 Jul, 2016
12:00 AM

PC:

(વાર્તાકારઃ ધૂમકેતુ)

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. એ વખતે તથાગત ગૌતમ બુદ્ધે એક પ્રકારનું વાતાવરણ ફેલાવ્યું હતું. ઘણા જુવાન માણસો સવારથી સાંજ સુધી એક જ પ્રકારનું નિર્દોષ જીવન ગાળવા યત્ન કરી રહ્યા હતા. વૈરાગ્યની પ્રબળ ધૂન નીચે અને રાજકુમારો અને રાજકુમારીઓ તીવ્ર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. સર્વત્ર વૈરાગ્યની મહત્તા ગવાઈ રહી હતી. અને સ્પર્ધા તથા હિંસાને તિલાંજલિ આપીને સૌ નિર્દોષ શાંત જીવનનો મહિમા ગાતાં થયાં હતાં.

તે સમયમાં સોહન નામનો એક પારધી ગંગાકિનારે રહેતો હતો. તેનો ધંધો રૂપાળાં પક્ષીઓ પકડીને વેચવાનો હતો. વૈશાલીની વારાંગનાઓ, તક્ષશિલાની સુંદરીઓ ને કાશી તથા અવંતીની વિલાસવતી રમણીઓનાં ઘરઆંગણે લટકતાં સોનાનાં પિંજરો માટે આ સોહન જ વારંવાર મેના ને પોપટ મૂકી જતો.

મેના, પોપટ, પેલાં નાનાં નાનાં સુંદર લાલ પક્ષી, લાંબે લહેકે વન ગજાવતો કંચનિયો, કોયલ, ચક્રવાક અને એવાં બધાં પક્ષીઓને સોહન રમતવાતમાં પકડી લેતો, ભેળવી દેતો અને તેના પર પોતાનો જીવનનિર્વાહ ચલાવતો. એમાંથી તે જેટલા પૈસા કમાતો તેટલા કાશીમાં એક વારાંગનાને ત્યાં ખર્ચતો. એના જીવનમાં એ એક જ મોજ હતી. ચંદ્રાવતીને પ્રસન્ન કરવી, પોતે કમાવું. આખું ને મોજ લૂંટવી. આમ એનું જીવન ઉલ્લાસમય હતું.

પણ એક વખત એને બૌદ્ધભિખ્ખુ શીલંકર મળ્યા, અને ત્યાર પછી એના જીવનમાં એવું અજબ પરિવર્તન થયું કે તેણે તરત જ એ ધંધો છોડી દીધો. પેલી વારાંગનાઓને પણ તજી દીધી ને પોતે ભિખ્ખુ બની ગયો. તો પણ એ ઘણો વખત તો ગંગાકિનારે જ પડ્યો રહેતો. ક્યારેક બહુ મન થાય ત્યારે હિમાદ્રિનાં શિખરોમાં કે તક્ષશિલા તરફનાં જંગલોમાં ચાલ્યો જતો. જંગલી કમળને ઉજ્જવળ ઘાસ ખાતા કસ્તૂરીમૃગને નીરખી આવતો, કે પછી નંદગિરિ પાસે આવેલો પેલો અદ્દભુત પ્રદેશ - જ્યાં ભૂખ, તરસ, તાપ ને થાક લાગતાં નથી ત્યાં જઈ આવતો. આ બધી જગ્યાઓ તો એના પગતળે ઘણી વખત નીકળી ગયેલી હતી અને ગંગાથી માંડીને હિમાલય સુધીનો પ્રદેશ એને મન ઘર જેવો હતો. તેની ઈચ્છા હતી કે નંદગિરિ પાસે આવેલ કોઈ સુંદર પર્વતની ટોચે થોડો વખત રહી આવવું. એણે સાંભળ્યું હતું કે, એ એવો અદ્દભુત પ્રદેશ છે કે જ્યાં વૃદ્ધાવસ્થા સ્પર્શ કરી શકતી નથી. એમ કહેવાતું કે ત્યાં એકએક વેંત ઊંચું એક પ્રકારનું ઘાસ થતું. એ ઘાસને જો કોઈ સાંજે કાપી લે અને માત્ર બબ્બે તસુનાં ભોથાં રહેવા દે તો પણ સવાર થતાં સુધીમાં એ પાછું હતું તેવડું જ થઈ જતું! કેવો જીવનમય પ્રદેશ!

સોહન એ સ્થળે જતા નીકળ્યો, અને માર્ગની અનેક મુશ્કેલીઓ વટાવતો તે ત્યાં જઈ પહોંચ્યો.

ત્યાં, એ પ્રદેશમાં તેણે એવું જોયું કે તે કાશી, અવંતી, તક્ષશિલા ને વૈશાલી બધું જ ભૂલી ગયો. નંદગિરિ પર જ્યારે સૂરજનાં લાખ લાખ કિરણો ઢળતાં, ત્યારે તે અનિમિષ નયને એ સૌંદર્ય પીધા જ કરતો. શુદ્ધ સોનાના રસનો પ્રવાહ જાણે બરફના ઢગલા પર ઢોળાઈ રહ્યો હોય ને ગગનચુંબી હિમાલયનાં શિખરોનાં શિખરો પૂર્વથી પશ્ચિમ સુધી એ રસથી સિંચાઈ રહ્યાં હોય! અને રંગના પલટા પણ કેવા કેવા! આસમાની, શુદ્ધ આસમાની, કનૈયા જેવો ઘેરો આસમાની ઘનશ્યામ રંગ, ગુલાબની છાયા જેવો રંગ, શુદ્ધ ચાંદનીને કેસૂડાં નિચોવી નિચોવીને નવરાવ્યાં હોય તેવાં શિખરો, અને પછી વધતી જતી સંધ્યામાં છેવટે આશાના બિંદુ જેવું. આત્માની જ્યોતિ જેવું. ઈશ્વરી નયન જેવું, સૌથી ઊંચું એક શિખર સુવર્ણમય રંગથી દેદીપ્યમાન શોભી રહે. સોહન એ જોયા જ કરે અને રજની સંધ્યાને ગળી જાય ત્યારે જ પોતાની ઝૂંપડીએ જવા ઊઠે.

અને સોહનની ઝૂંપડી ને વાડી! ઘાસના છાપરા પર રતૂમડી માટી પાથરીને સોહને પોતાની ઝૂંપડીનું છજું કર્યું હતું, અને એ છજા પર ફૂલછોડ વાવ્યા હતા. દૂર વહેતા ઝરાનાં પાણી વાળીને નદી બનાવી હતી. ફૂલની વચ્ચે રહેવાનું, સુગંધી પવન પીવાનો, ડુંગરાની હવા ખાવાની, અખૂટ આકાશ તથા ચોગમની ધરતી જોવાની એક વખતનો પક્ષીઓનો શિકારી સોહન આ વાતાવરણમાં રહેવા લાગ્યો - જીવવા લાગ્યો.

આગલી રાત્રે વરસાદ પડ્યો હતો. આનંદનાં આંસુથી મોં ધોવાઈને સાફ થાય તેમ ચારે તરફના ડુંગરાઓ ધોવાઈ ગયા હતા. ચકચકતો તડકો ડુંગરાઓ પર પડ્યો હતો. તરતની નાહેલી સ્ત્રી જેવી શોભે તેવી કુદરત શોભી રહી હતી. સોહન એ વખતે પોતાની ઝૂંપડીની બહાર આવ્યો. દૂર એક કંચનિયો બોલતો હતો. પાસે ગિરિકોકિલ ટહુકતી હતી ને તેની સામે ફૂલછોડ પર લાલ પક્ષી જેવાં ને નાનકડાં રૂપાળાં પંખી બેઠાં હતાં.

સોહનની નજર આગળ અવંતીનું બજાર ને વૈશાલીનું નીલપદ્મભવન સ્વપ્નાની માફક જરા આવીને ચાલ્યાં ગયાં.

એટલી વારમાં તો પેલાં બે પંખી ગુલાબના એક ફૂલ પર બેઠાં. મધુર ઠંડીથી પ્રફુલ્લ બનેલું ગુલાબ સોળે કળાના ચંદ્ર જેવું વિકસ્યું હતું. ને તેના પર સવારના વરસાદની પડેલી છાંટ નાનાં મોતી જેવી શોભતી હતી.

પંરુત એ પક્ષીઓ તો ફૂલ કરતાં પણ વધારે કોમળ હતાં. ફૂલ પર બેઠાં છતાં, ફૂલની પાંદડી પણ ન ખરી, કે ન એકેય જલબિંદુ પણ ખસ્યું! સાવ નાજુક પારિજાતના પુષ્ય જેટલો ભાર એ યુગલનાં હતો.

જીવનભર જેણે પક્ષીઓ જ જોયાં હતાં. પકડ્યાં હતાં. ઊછેર્યાં હતાં તે રમાડ્યાં હતાં તેણે આવાં પક્ષી આજે પહેલી વખતે જ જોયાં.* કુદરતે જાણે નિજાનંદને માટે એમને સરજ્યાં હતાં. નાજુક, કોમળ ને સુંદર, એમનો સ્વર પણ એવો જ, બેચાર માણસ બેસીને સાંભળે તો સંગીતનું ભાન થાય એવો નર્યો મધુર, નરમ ને ધીમો, કોઈ કુશળ સ્ત્રી જરા પણ આલ વિના રૂ કાંતે તેમ સૂર ગળામાંથી નીકળતો આવે! ઠરડાય નહિ, ખેંચાય નહિ. જોર કરવું પડે નહિ. ઊંચે ચડે નહિ કે નીચે ઊતરે નહિ. ને મધુરું સંગીત ધીમે ધીમે ચાલ્યા કરે. સુગંધથી વાતાવરણ સભર ભર્યું હોય ને મનુષ્ય સ્વપ્નાવસ્થાની તૃપ્તિ અનુભવે એવું કાંઈક એ પક્ષીયુગલની હાજરીમાં અનુભવાતું, બંને સાથે જ ગાય ને સાથે જ બંધ થાય.

સોહન આ પક્ષીયુગલનો ભક્ત બન્યો. પછી તો જ્યારે જ્યારે ડુંગરા ધોવાઈને સાફ થાય ને ખુશનુમા ઋતુ ખીલે ત્યારે ત્યારે સવારના વહેલેથી સોહન આ સોનેરી પંખીઓની રાહ જોતો બેસે.

એક દિવસ સોહન બહાર નીકળ્યો. લીલાછમ ડુંગરાઓ પર સોનેરી તાપ આવ્યો હતો. પણ પેલાં બે રૂપાળાં પક્ષી હજી આવ્યાં ન હતાં. સોહન તેમની રાહ જોતો બેઠો પણ તે દિવસે પક્ષી આવ્યાં નહિ.

એવા તો ઘણા દિવસ ચાલ્યા ગયા. પ્રભાતની તાજગી કાંઈ ઓર જ હોય, ઉષાના રંગ કાંઈક અનોખા જ હોય, નંદગિરિના બરફના પર્વતો પ્રકાશે ધોયેલા દેખાતા હોય, પણ.... પેલા પંખી ક્યાં...ય મળે નહિ! પારધી પોતાની જિંદગીમાં પહેલી વાર પક્ષી માટે વિરહથી તરફડ્યો.

એક દિવસ અચાનક જ બેમાંનું એક પંખી આવ્યું. તે ગુલાબના છોડ પર બેઠું હતું. પણ તેની આગલી ચપળતા નાશ પામી હતી. મોજ માણતા પતંગિયાની માફક તે આમથી તેમ માત્ર ફર્યા કરતું. પણ એ ગાતું બંધ થયું હતું. એટલું નાનું શરીર અજબ ગંભીરતા ધારી બેઠું હતું. હંમેશાં જ ચપળ રહેતું પંખી આટલું ગંભીર બની ગયું. એ ફેરફાર રુદન કરાવે એવો હતો. તે પંખીની સામે જ સોહન બેઠો એને નિહાળ્યા કરતો હતો.

એ પરિચિત સ્થાનમાં પરિચિત મનુષ્યની સામે તે પંખી બેઠું બેઠું એકીટશે જોયા કરતું હતું. પરંતુ તેને પણ એકલતા અને મૌન કાંટાની માફક ખટકતાં હતાં. હંમેશાં જે સાથીની હૂંફ રહેતી તે સાથી વિના એકલું પડી ગયું હતું. પછી છેવટે, મનુષ્યને સમજાવવા માટે હોય કે પોતાનું દર્દ ગાવા માટે હોય, પણ તેણે ધીમે ધીમે પાંખ હલાવી મટકું માર્યું, ને મધુર કંઠે ગાવાનું શરૂ કર્યું.

પણ આજે એ ગાન જુદું હતું. ગંભીર રાત્રિમાં તારા રડે તેવા વિલાપી સ્વરો તેમાં ભર્યા હતા. આજે એ ગાન જુદું હતું.

અને એ ગાને સોહનને હચમચાવી મૂક્યો. એને પણ વિરહની વેદના જાગી. પેલું નાનું સોનેરી પંખી વિરહી સ્વરોમાં પોતાના સાથીને સાદ દઈ રહ્યું હતું અને તે સ્વરો સાંભળીને સોહન પણ સાથે સાથે વિરહ અને વેદના અનુભવતો જતો હતો.

છેવટે પંખીએ ગાવાનું બંધ કર્યું ત્યારે સોહનને લાગ્યું કે પોતાના જીવનની અનેક સ્મૃતિઓ આજે ઊભરાઈ રહી હતી.

પછી તો, આમ હંમેશાં પોતાના સાથીને સાદ કરવા માટે તે પંખી ત્યાં આવવા લાગ્યું. ખૂબ ગાય અને છેવટે તે સાદ કરી કરી નિરાશ થઈ જંગલમાં ઊડી જાય. ઊડતાં ઊડતાં પણ સાદ કર્યે જાય.

હવે જ સોહનને જીવનભરની સ્મૃતિઓથી આ પ્રદેશ એકલો એકલો લાગવા માંડ્યો. તેને કાશી, તક્ષશિલા ને વૈશાલી સાંભર્યા. પોતાના મિત્રો સાંભર્યા અને પેલી વારાંગનાનું મધુરું મોં કદાચ, તે પોતા માટે જ ઝૂરતી હશે! કેટલી ભક્તિભરી શ્રદ્ધા!

એક સવારે તે વહેલો ઊઠ્યો. પોતાની ઝૂંપડી ઠીકઠાક કરી, ફૂલછોડને છેલ્લું છેલ્લું પાણી પાઈ દીધું અને આજે પેલું સોનેરી પંખી આવીને એકલું એકલું - નિર્જન-મૂંગી ઝૂંપડી સામે જોઈ રહેશે એ વિચારથી રડતો રડતો તે ચાલી નીકળ્યો.

એ નીકળ્યો ત્યારે તેની સામે, દૂર-દૂર-દૂર, વારાણસીની પેલી વારાંગનાનું મધુર મોં હતું. તે પોતાને જોઈને સારંગી છોડી સામે દોડશે, 'અ...હા! સોહન! તું અમને એક બીજી મેના લાવી દે' એમ બોલતીકને તે પોતાની પાસે આવશે....

ત્યાંના ચંદનનો ધૂપ ને સુગંધી તેલનો સ્પર્શ સોહને આટલે દૂરથી પણ અનુભવ્યો.

અને તે ઝપાટાભેર વારાણસી તરફ ચાલ્યો.

* *
ઘણા દિવસ પછી એક સાંજે તે વારાણસી આવી પહોંચ્યો. ગંગા નદીમાં અને નૌકાઓ વિહાર કરી રહી હતી. અને આખો તીરપ્રદેશ દીપમાળથી ઝળાંહળાં થઈ રહ્યો હતો. પણ સોહનને એ કાંઈ જોવાની ફુરસદ ન હતી. એને તો પેલી વારાંગનાના વિરહનું રુદન અને ઉત્સાહભર્યો આવકાર જોતાં હતાં. અનેક બજારો, જળ જેવાં રેશમી વસ્ત્રોથી ઊભરાઈ રહ્યાં હતાં. સુગંધી અત્તરો, ચંદન ને તેલોની ચારે તરફ ખુશબો છૂટી રહી હતી. પણ એ બધાંને જોતો ન જોતો સોહન તો આગળ ને આગળ વધ્યો.

જ્યાં તેણે અનેક દિવસો ને રાત્રીઓ ગાળી હતી. જ્યાં તેણે જુવાની, કીર્તિ ને લક્ષ્મી હોમ્યાં હતાં, તે મંદિર અંતે દેખાયું. એ એટલું તાજું, સુગંધભર્યું ને ખુશનુમા દેખાતું હતું.

સોહન અંદર ગયો. ચોકમાં છબીલી દાસીઓ સુગંધી જળના ફુવારા છોડી રહી હતી. ચારે તરફથી એક જાતનો પ્રમોદભર્યો માદક પવન વાઈ રહ્યો હતો.

અને કોઈ પૂછે કે રોકે તે પહેલાં તો સડસડાટ પગથિયાં ચડી, જે દીવાનખાનામાં પોતે અનેક રાત્રીઓ ગાળી હતી ત્યાં પહોંચ્યો. ઓરડીમાં એક તરફ સ્વચ્છ આરસની ફરસબંધી પર રાતા ચંદનની પાટ હતી, અને તેના પર અત્યંત મૂલ્યવાન રેશમી ગાદી પાથરી હતી : ત્યાં એક વિલાસવંતી સ્ત્રી આડે પડખે પડી પડી દ્વાર પર નજર રાખતી હતી. કોઈનો પગરવ સાંભળીને તે તરત જ બેઠી થઈ અને 'આવો આવો' એમ મીઠા લહેકાથી આવકાર દેતી હિંડોળા તરફ ચાલી.

પણ જેવો તેણે બારણામાં એક સાધારણ સાધુ જેવો પુરુષ જોયો કે તરત જ તે આશ્ચર્ય અને ગભરાટથી સ્થિર થઈ ગઈ.

સોહન આગળ વધ્યો : 'ચંદ્રાવતી, ઓળખે છે કે ભૂલી ગઈ?'

ચંદ્રાવતી આ પુરુષને ક્યાંથી ઓળખે? તેણે આશ્ચર્યથી તેની સામે જોયા કર્યું અને છેવટે એ ચહેરામાં એક વખતના પોતાના સોહનનું કાંઈક સામ્ય લાગ્યું. પણ ક્યાં પેલો આનંદી બેદરકાર શિકારીનો ચહેરો અને ક્યાં આ વેદનાભરી આર્દ્ર સાધુની મુદ્રા!

તે કિંચિત્ હસી : 'સોહન તો નહિ?'

સોહનનો ચહેરો પડી ગયો. તેણે સારંગી છોડીને પોતાને ભેટવા દોડતી સ્ત્રીને બદલે ઠંડીથી 'સોહન તો નહિ?' એમ પૂછતી વારાંગના જોઈ, તેને પેલું સોનેરી પંખી સાંભરી આવ્યું. તે રડવા જેવો થઈ ગયો.

'હા, એ જ, ચંદ્રાવતી! હું તો બહુ દૂર ફરી આવ્યો.'

'એમ? ત્યારે તો લાલ પંખી પકડી લાવ્યા હશો!' સોહન ધ્રૂજવા લાગ્યો.

'ના, પણ એક પંખીની વાર્તા તારે માટે લાવ્યો છું.'

'એમ કે? ત્યારે તો ક્યારેક સાંભળીશું.'

પેલા સોનેરી પંખીની વાર્તા તો સોહનને મન કેટલી પવિત્ર ને આશ્ચર્યકારક હતી! અને ચંદ્રાવતીએ 'ક્યારેક સાંભળીશું' કહીને એ પતાવી દીધી. સોહન તો ગુપચુપ મૂંગો ઊભો રહ્યો. તેનું મન અને મનની આંખ હજારો માઈલ દૂર પેલા પંખી પાસે જઈ પડ્યાં!

પોતાની જાડી કામળી ખભે ઠીકઠાક કરી તેણે એક ખોંખારો ખાધો. ગળું સાફ કર્યું. 'નંદગિરિ પર્વત, જ્યાં સાક્ષાત્ શંકર બિરાજે છે ત્યાંથી હું આવું છું. ત્યાં એક અત્યંત સુંદર વન છે. એ વનમાં દેવની વાડીમાં રમે તેવાં બે સોનેરી પંખીઓ રહેતાં....'

'આવો, આવો,' ચંદ્રાવતીએ સોહનની વાર્તાને હોંકારો ભણ્યા વિના જ, બારણા પર ઊભેલા એક જુવાનને આવકાર આપ્યો, 'અને હવે તમે,' તેણે સોહનને કહ્યું : 'ક્યારેક આવીને આ વાત કહી જજો, હોં.'

આટલું કહીને ચપળતાથી તે અંદર ચાલી ગઈ.

વિશાળ ઓરડામાં એકલો ભોંઠો પડેલો સોહન પાછો ફર્યો. ત્યારે જ આશાનો ડુંગર તૂટી પડવાથી તેની નસેનસ જાણે તૂટતી હતી. પણ તે ચાલ્યો ગયો.

બીજે દિવસે વહેલા અંધારામાં સોહન પાછો હિમગિરિ તરફ ફર્યો હતો. પેલું સોનેરી પંખી પોતાને ન જોઈને શૂન્ય ઝૂંપડી સામે જોઈ કેવું રોયું હશે. એ શોકમાં બીજું બધું ભૂલી ગયો.

સાચો પ્રેમ, સાચો વિરહ અને વિરહની પેલી મીઠી કવિતા સાંભળવા તે પાછો નંદગિરિ તરફ ચાલ્યો અને એ સોનેરી પંખી અને એના રુદનની કવિતા સાંભર્યા. સોનેરી પંખી એના જીવનના સાથી જેવું લાગ્યું. તેને જોવા, તેને સાંભળવા. તેની સાથે સહન કરવા અને સાચો પ્રેમ અનુભવવા વિરહીની માફક વેદનાભર્યા પગલે, તે ઝપાટાબંધ ચાલવા લાગ્યો, પણ નંદગિરિ કેટલું દૂર!

સોહન ! સોહન ! એ સોનેરી પંખી ફરી તને નહિ મળે તો?

એવા અનંત જંગલમાં એવડું નાનું પંખી તને ક્યાં મળશે, ભાઈ?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.