એક ચપટી સુખ
વિદ્યા સ્કૂલેથી આવી, પર્સ ખીંટીએ ભેરવી અને હાથમાંની નોટબુકોની થપ્પી ખૂણામાંના સ્ટૂલ પર મૂકવા એ ગઈ, ત્યાં વિપિન બેઠો બેઠો લહેરથી રડી રહ્યો હતો - પલાંઠી વાળી, આંખો બંધ કરીને કોઈ મુનિની જેમ.
'વિપુ ! ખસ તો બેટા ! નોટ મૂકવા દે ને.'
પણ વિપુ તે રુદનમાં ગુલતાન હતો. મા આવી ગઈ છે એવો ખ્યાલ આવી જતાં એને રુદનમાં પ્રાણ પુરાયો. અને સહૃદય શ્રોતા મળતાં જેમ સંગીતકાર અવનવી અઘરી તાન છેડવા લાગી જાય એમ વિપુએ રુદનના નવા આલાપ લેવા માંડ્યા.
'ચૂપ. ચૂપ રહે જોઉં.'
વિદ્યા ચિડાઈ ગઈ. પણ વિપુના રુદનની ગહેરાઈને પાર કરીને એના કાન સુધી શબ્દો પહોંચ્યા નહીં, અથવા કદાચ બરાબર પહોંચ્યા હોય તો પણ મુનિમહારાજનો તપોભંગ ન જ થયો.
વિદ્યાએ હાથમાંની નોટો દિલીપના ટેબર પર પછાડી. ઘરનું કોઈ સભ્ય, કંઈ પણ ચીજ પોતાના ટેબલ પર મૂકે એ સામે દિલીપને સખત વાંધો હતો. ટેબલ ભાંગ્યું તૂટ્યું ને પૉલિશ વિનાનું હતું પણ એ એનાં સ્વપ્નોનું કેન્દ્રસ્થાન હતું. પણ વિદ્યાને તો અત્યારે એય ખ્યાલ ન રહ્યો. નોટબુકો ટેબલ પર ફેંકી, એ ધસમસતી વિપિન પાસે ગઈ અને વાંસામાં જોરથી એક ધબ્બો મારી દીધો. ફટ દઈને વિપિનનું રડવાનું બંધ ! તદ્દન સુક્કી આંખો ખોલી, ચૂંચી આંખે આજુબાજુની પરિસ્થિતિનો ક્યાસ એણે કાડી લીધો અને બેવડા જોરથી ફરી રુદનનો આરંભ કર્યો.
'કોણ છે? કોણે વિપુને માર્યું?' ખોં... ખોં... એક જોરદાર ઉધરસ અંદર ધસી આવી, ને એના હુમલાથી બેવડ થઈ ગયેલા ચમનલાલ ચાલીમાંથી ઘરમાં આવ્યા.
દાદા જેવો રક્ષક મળી જતાં વિપિન સ્ટૂલ પરતી ભૂસકો મારી સીધો જ એમને વળગી પડ્યો.
'દાદાજી... મા... મારે...'
'કાં વહુ? આવતાંવેંત છોકરા પર હાથ ઉગામ્યો?'
સસરાના મોંમાંથી ધક દઈને બીડીની વાસ વિદ્યાને વાગી. કેટલી વાર ડૉક્ટરે ના પાડી હતી ! પણ વિપિન બપોરની રિસેસમાં ચા પીવા ઘરે આવે ત્યારે એની આગળ છાનામાના બીડીની ઝૂડી મંગાવી લેતા. અને બદલામાં વિપિનને બે-ચાર સસ્તી રંગીન પિપરમિન્ટની ગોળીઓ મળતી અને આવા દુઃખના સમયમાં રક્ષણ! ઘણી વાર વિદ્યાએ એ માટે ઝઘડો કર્યો હતો, સાસુ-સસરાને સમજાવી જોયાં હતાં. સુમનનેય કહી જોયું હતું પણ હંમેશાં એનું એ - બાઈ તું નવી નવાઈની બી.એ. ભણેલી છે એટલે છોકરાંને આમ રાખવાં ને તેમ રાખવાં એવું સૂઝે. છોકરાંઉ તો રમતાં રમતાં એની મેળે થાય મોટાં. અમે કાંઈ દુશ્મન છીએ તે એને બગાડીએ છીએ?
ઘણીવાર સાંભળેલી વાતો અત્યારે ફરીથી સાંભળવાની વિદ્યાની તૈયારી ન હતી. એ ચૂપ થઈને બાથરૂમમાં ગઈ. માથું સખત દુઃખતું હતું. ઉપરાઉપર એકસાથે ગણિતના બે પિરિયડ હતા અને છેલ્લા ત્રણ પિરિયડ છ-માસિક પરીક્ષાનું ચોથા ધોરણનું સુપરવિઝન હતું. પગ સખત કળતા હતા. એમાં સાંજે લોકલમાં બેસવાની તો શું ઊભા રહેવાની ય જગ્યા નહોતી. અનાજની ગુણીની જેમ માછીમારના ટોપલા પર ખડકાઈને એ માંડ ઘરે આવી શકી હતી. એક તો માથું દુખતું હતું ને ભૂખ્યા પેટે માછલીઓની વાસથી હમણાં આંતરડાં બહાર ખેંચાઈ આવશે એવા ઊબકા આવતા હતા.
ભૂખ્યા પેટે... અરે હાં, એને સાંભરી આવ્યું, સવારે નવ વાગ્યે લસપુસ બે રોટલી ખાઈને ગયા પછી સ્કૂલમાં એણે કશું ખાધું નહોતું. ત્રણ વાગ્યે સ્કૂલ તરફથી બધા શિક્ષકોને મફત મળતી ચાનો એક કપ માત્ર પીધો હતો, આજે છવ્વીસમી તારીખ હતી ને પર્સમાં માત્ર ચા રૂપિયા જ વધ્યા હતા. આ ચાર રૂપિયાને કોઈક ચમત્કારિક રીતે પગાર થાય ત્યાં સુધી ચલાવવાના હતા. બાજુમાં જ સરોજ કરંદીકર ભચડભચડ બટાટાવડાં ખાતી હતી તે તરફ એણે બિલકુલ ધ્યાન આપ્યું નહોતું.
વિદ્યાએ અડધા ભરેલા પીપમાંથી બાલદી ભરીને પાણી કાઢ્યું ને ઝટપટ હાથ મોં ધોવા લાગી. કંઈ નહીં તો સવારની રોટલી તો વધી જ હશે.
'કહું છું આજે તમારું ધોતિયું નથી ધોયું. નળ વહેલો ગયો ને ! આજકાલ શું પાણીનાં ધાંધિયાં છે !'
સાસુએ સસરાને કહેલા શબ્દો ફંટાઈ ગયેલા તીર પેઠે એને લાગ્યા. એક નિઃશ્વાસ મૂકી વિદ્યા બાથરૂમમાંથી બહાર નીકળી ગઈ. કપડાં બદલી એ રસોડામાં પેઠી. ગરવામાંથી રોટલી લઈ જરા અથાણાં સાથે ખાઈ લઈ એ કૂકર મૂકવાની તૈયારી કરવા લાગી.
ચમનલાલનું ખોં ખોં બહારના રૂમમાં હજી ચાલુ જ હતું. સાસુ ચાલીમાં નિરાંતે છીંકણીના સડાકા લેતાં હતાં. વિપિનનો કશો જ અવાજ નહોતો આવતો. ચોથે માળે ટી.વી. જોવા ગયો હશે અને કાં તો ક્યાંક રખડવા ઊપડી ગયો હશે. એનું આજે ભૂગોળનું પેપર હતું. શું ઉકાળી આવ્યો હશે રામ જાણે. આવતી કાલે ગણિત અને ઈતિહાસ છે. ખરી રીતે તો અત્યારે વિપિનને ખોળી કાઢી, પાસે બેસાડી ભણાવવો જોઈએ. પણ સાસુ હજ સુધી રસોડામાં ડોકાયાં નહોતાં એટલે એનો અર્થ એ કે શાક સમારવાથી માંડી બધી જ રસોઈ એને કરવી પડવાની હતી. વિપિનને એ ક્યાંકથી પણ પકડી, રસોડામાં સામે પરાણે ભણાવાય બેસાડે, તો ય વિપિન આજે હવાની ગંધ પારખી ગયો હતો એટલે દાદાની સોડમાં જઈ નક્કી મોટેથી રડવાનો જ. અને ચણના દાણા પર કબૂતરોનાં ટોળાં ઊતરી પડે એમ સાસુ-સસરા બન્ને વિદ્યા પર તૂટી પડશે - તમે ય શું વહુ, સાંજકનાં તો છોકરું બે ઘડી રમે જ ને! નક્કી તમે એક-બે ધોલ ઝીંકી હશે. હિર હરિ. ફરીફરીને એક નાનું છોકરું છે ઘરમાં....
વિદ્યાએ બારણાંની કડીએ ભરાવેલી થેલી શાક લેવા ઉતારી. રીંગણાં, કોથમીર, મરચાં ને ભાજીની પાંચ-છ ઝૂડી હતી. વિદ્યાનું દિલ દુભાયું. સાસુને ખબર છે કે સુમનને ભાજી ભાવતી નથી તો ય ઘરમાં સાંજે ઘણે ભાગે ભાજીનું જ શાક હતું. વિદ્યા જલદી જલદી ભાજી ચૂંટવા બેઠી. જોકે સુમન તો બિચારા અક્ષરેય બોલ્યા વિના જમી લેશે. બે રોટલી ઓછી ખાઈ લેશે ચૂપચાપ. પણ એ કંઈ બોલે નહીં એટલે સગાં મા-બાપે આમ કરવાનું? દિલીપ હમણાં ઘરમાં આવશે, એની નફિકરી સિટી સાંભળતાં જ સાસુજી પાળેલા પ્રાણી પેઠે ઘરમાં આવી જશે. 'આવી ગયો બેટા દિલીપ! ભણવાની લ્હાયમાં શરીરે ય જો કેવું કરી મૂક્યું છે....'
કૂકરની તીણી વ્હિસલ જોરથી વાગી. ગેસ ધીમો કરી, વિદ્યાએ લોટનો ડબ્બો પછાડ્યો. ભાજી વઘારી. મનમાં છમકારો થઈ ગયો.
સુમન પાસેથી માબાપને, કુટુંબને હવે શું મળવાનું હતું? એ જિંદગીમાં જે બનવાનો હતો, તે બની ચૂક્યો હતો. એક મોટી કંપનીનો સામાન્ય કારકુન. જિંદગીનો વજનદાર બોજ પીઠ પર લાદી ધીમે ધીમે પગ ઘસડતો જતો એક મજૂર. અને દિલીપ? સૌની આશાઓ અને સ્વપ્નાંઓનું ઉગમસ્થાન ! કદાચ ભવિષ્યનો એક મોટો શ્રીમંત ડૉક્ટર, કુટુંબને ચપટીક સુખ આપી શકે એવો ભાગ્યશાળી યુવાન.
દાળમાં મસાલો કરી લોટ બાંધી, એણે જલદી જલદી રોટલી ઉતારવા માંડી. હજી માથું દુઃખતું હતું. ને સુમન આવે એ પહેલાં જો રસોડામાંથી છૂટી શકાય...
ખોં...ખોં... ઉધરસ નજીક આવતી ગઈ. વિદ્યાએ નીચું જોઈ રોટલી કરવી ચાલુ રાકી. ચમનલાલ રસોડામાં દાખલ થયા. પાટલો માંડી નીચે બેસતાં બેસતાં એ હાંફી ગયા. જોડેની નાની મેલીદાટ થેલીમાંથી એમણે છ કાળાં સરખાં કેળાં કાઢીને વિદ્યા સામે મૂક્યાં - 'લ્યો વિદ્યા દીકરા! જરા નીચે ઊતર્યો હતો તે મને થયું કે લાવ છોકરાઉં સારું કેળાં લઈ લઉં.'
વિદ્યાની આંખ અદૃશ્ય આંસુથી ધૂંધળી બની ગઈ. સુમનને ભાજી નહોતી ભાવતી એટલે સસરા જ કેળાં લઈ આવ્યા હતા. જરા કેળાનો છૂંદો કરી ખાંડ નાખશે એટલે શાકની ગરજ સરી જશે ને ભાજી વગર થાય પણ શું? બધાં શાકબાજીમાં ભાજી સસ્તી હતી.
'કેમ બેટા, બોલી નહીં?'
વિદ્યાએ જરા હસવાનું કર્યું.
'કહું છું બાપુજી! પેલો બદમાસ કેમ દેખાતો નથી? શું ઉકાળ્યું આજે પરીક્ષામાં? રામ જાણે.'
'એનાં ટીચર મળી ગયાં હતાં હમણાં રસ્તામાં....' ખાંસીથી શબ્દો અટકી ગયા.
વિદ્યાનો જીવ અધ્ધર થઈ ગયો.
'મેં પૂછી લીધું પરીક્ષાનું. તો કે, વિપિને ઠીક ઠીક કર્યું છે પરીક્ષામાં. પણ ગણિતમાં જરા... ઠીક લ્યો બેટા! રસોઈ-પાણી ઉકેલી નાંખો.'
... વિદ્યાએ રોટલી શેકવા માંડી. જરા ગણિતમાં.... અરે ભઈ, ગણિત જ મુખ્ય છે ને! ગણિતમાં ઠોઠ રહીને આગળ જતાં કરશે શું? ગણિત તો મારો ખાસ વિષય, પણ બે ઘડી બેસી યે શકાતું નથી ભણાવવા.
રસોડું આટોપી એ બહાર નીકળી ત્યારે દિલીપ ્ને સાસુ એક ખૂણામાં ધીમે સાદે વાતો કરતાં હસતાં હતાં. સુમન હજી આવ્યો નહોતો ને વિપિન ગાયબ હતો. ખુરશીમાં અઢેલીને આંખો બંધ કરીને એ ઝોકે ચડી ગઈ. ઊંઘવાનું ક્યારે મળશે તે કોને ખબર! હજી તો બધાં જમશે. નોકર વાસણ કરી જશે પછી રસોડામાં સૂવાનો વારો આવશે.
તોફાનની જેમ વિપિન અંદર ધસી આવ્યો અને ધબ્બ દઈને એના ખોળામાં પડ્યો. સામે ચાલીને વિપિન પકડાઈ ગયો હતો. અત્યારે એની સાથે રકઝક કરવાની, ભણાવવાની, વિદ્યામાં શક્તિ બચી નહોતી.
'મારો કંપાસ, મમ્મી?'
'આવતે અઠવાડિયે.'
'તું રોજ બનાવે છે. જા તારી કિટ્ટા.' અને વિપિન દાદીમાની સોડમાં ભરાઈ ગયો.
ત્યાં જ સુમન દાખલ થયો. ચંપલ ઉતારી, પ્લાસ્ટિકની નાની બેગ મૂકી. એનો ચહેરો છેક કરમાઈને ઝાંખો પડી ગયો હતો. એ સીધો બાથરૂમમાં ગયો. પાછળ નેપ્કિન લઈ વિદ્યા ચોકી કરતી ઊભી રહી - ફરી સાસુના શબ્દો અહીં સુધી ન આવે એમ ઢાલ બનીને.
ઉપરટપકે વાતો કરતાં, થોડી વાર મૂંગા મૂંગા સૌ જમીને ઊઠ્યા. નોકરે વાસણ કર્યા. વિદ્યાએ સવાર માટે દૂધ મેળવ્યું. ઢોકળાનું પલાળ્યું. સાસુ, સસરા ને દિયરની બહારની રૂમમાં પથારી કરી.
બધાં કામથી પરવારી, શરીર-મનનો થાક લઈ એ પથારીમાં સૂતી ત્યારે વિપિન ઘસઘસાટ ઊંઘતો હતો અને સુમન પણ ઊંઘમાં હતો. વિદ્યાએ સ્નેહતી એના હતાશ ચહેરાને પસવાર્યો. માત્ર રાતની થોડી ક્ષણો એને મળતી, એની આશા, આકાંક્ષા, સ્વપ્નો, ઝંખના, પ્રેમ-કશાય માટે એટલી ક્ષણો પૂરતી નહોતી. એટલી ક્ષણોને એ કંજૂસના ધનની જેમ મુઠ્ઠીમાં જકડી રાખવા માગતી.
'ગમે તેમ કરીને આપણે વિપિનને કોઈ સારી બૉર્ડિંગમાં મૂકી દેવો જોઈએ.'
જોકે, ગમે તેમ કરીને એટલે શું એ તો એ પોતે પણ નહોતી જાણતી.
'હા, જો આવતે વર્ષે હેડક્લાર્કને એક્સટેન્શન ન આપે તો કદાચ મારો ચાન્સ લાગે.' બહાર હજી બધાં જાગતાં હતાં. એકદમ ધીમેથી સંકોચભર્યા સ્વરે સુમને પત્નીને કહ્યું : 'ને તો સોરૂપિયાનો વધારો મળે.'
'હું ય જોને આળસમાં બી.એડ. કરતી નથી. આવતે વર્ષે હું ય જો બી.એડ. કરી નાંખુ તો... તો... મારા ય પગારનું સ્કેલ બદલાઈ જાય. બસ, આવતે વર્ષે વિપિનને બૉર્ડિંગમાં નક્કી.'
વિદ્યા પતિની વધુ નજીક સરી. બાજુવાળા કદાચ ઘર બદલે, જો એ રૂમ મળી જાય! બાપુજીને કે'શું કે તમારી પ્રોવિડન્ટ ફંડની રકમ આપો. તમને ઑફિસમાંથી લોન મળે તો કદાચ રૂમ મળી જાય ખરી.
સુમને ચૂપચાપ અંધારામાં ફંફોસી પત્નીને વધુ નજીક ખેંચી. ચપટીક સુખનાં સોણલાંને આંખોમાં ભરી વિદ્યાએ પતિની છાતીમાં મોં છુપાવી લીધું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર