કેસર

25 Jun, 2016
12:00 AM

PC:

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)

ખભે ડાંગ મૂકીને ખેતરમાં વાસો જવા નીકળેલો રણછોડ ચબૂતરીએ બે-ચાર મિત્રોને વાતો કરતા જોયા એટલે એ પણ ડાયરામાં બેસી ગયો. રાત અંધારી રહી. આકાશમાંના તારા એ અંધકારને ઉલેચવા એમનાથી થાય તેટલો પુરુષાર્થ કરતા હતા. અગિયાર વાગી ગયા એટલે ડાયરાનું ઉઠામણું કરવાની પહેલ તરીકે રણછોડે ઓટલા ઉપર મૂકેલી ડાંગ હાથ લીધી. આટલી રાતે એને ખેતરમાં જવાને તૈયાર થયેલો જોઈ એક મિત્રે પૂછ્યું : 'કોઈ વખત આટલો મોડો જાય છે ત્યારે ભૂત બૂત જોવામાં આવે છે?'

રણછોડ તરત બોલ્યો : 'હું તો આમ અરધી રાતે ઘણીય વખત જાઉ છું, પણ મેં ક્યારેકય ભૂત જોયું નથી.'

બીજો મિત્ર : 'તેં નહિ જોયું હોય તો ભલે, પણ આપણા તળાવના પીપળે ભૂતનો વાસ છે એમાં ખોટું નહિ.'

ત્રીજો મિત્ર : 'જેને હોય તેને વળગે છે. પછી ખોટું કેવું?'

રણછોડ : 'હું એમાં માનતો નથી. જો પીપળે ભૂત હોય તો મને ક્યાંય દેખા ન દે?'

પહેલો મિત્ર : 'નથી દેખા દીધી ત્યાં સુધી સારું છે, બાકી ઘણાના એવા અનુભવ છે કે કેસર કૂતરું, બિલાડું, શિયાળ થઈને બે પગ વચ્ચે ભરાય છે અને બીએ એને ધ્રુજાવી નાખી વળગે છે.'

રણછોડ બે હાથે ડાંગ ઊંચી કરતાં બોલ્યો : 'મારા પગ વચ્ચે ભરાવા આવે તો આ ડાંગ વડે એનાં હાડકાં ખોખરાં કરી નાખતાં શું થાય છે?'

બીજો મિત્ર : 'એમાં જો ભૂત વશ થઈ શકતું હોય તો પછી એનાથી બીએ કોણ? તું ડાંગ મારે પણ એને તારી ડાંગ અડે જ નહિ.'

રણછોડ : 'હું તો એક જ વાત જાણું. જીવતું કશું ના કરી શકે તો મરેલું આપણો વાંકો વાળ શી રીતે કરી શકે? ભૂત હશે તોય, બીએ એને બીવડાવે, ના બીએ એનાથી બીતું ફરે. એવું ના હોય તો કેસર બીજાને દેખા દે છે તેમ મને અત્યાર સુધી કેમ દેખા ન દે?'

ત્રીજો મિત્ર : 'કોઈ કોઈ વાર પીપળા નીચે કેસર બીજી ભૂતડીઓ સાથે ગરબા પણ ગાતી હોય છે.'

પહેલો મિત્ર : 'બીજી ભૂતડીઓ શાની, એ જ પોતાના અનેક રૂપ લે. ભૂતયોનિમાં આપણાં કરતાં વધારાની શક્તિ છે. ધારે ત્યારે અદૃશ્ય થઈ શકે અને ધારે તે રૂપ લઈ શકે.'

ત્રીજો મિત્ર : 'હવે ભૂતની વાત અત્યારે જવા દો, રણછોડને મનમાં બીક પેસશે તો કેસર દેખા નહિ દેતી હોય તોય દેશે.'

રણછોડ : 'મારું તો એ નામ જ ન દે.'

અને આ વાત ઉપર ટોપલો ઢાંકી બધા વેરાયા. રણછોડે ખભે ડાંગ મૂકી. બીકને લીધે નહિ, પણ એ વાતાવરણને લીધે એના મનમાં એ જ વિચારો શરૂ થયા.

ધાર જીવ કે કેસર બિલાડું થઈને બે પગ વચ્ચે ભરાવા આવી તો તું શું કરે? ડાંગ એને અડે નહિ, તેટલી ક્ષણ ખસી જાય અને બીજી પળે પાછી પગમાં ભરાય તો?

અને બિલાડી, કૂતરું તો ઠીક પણ હરાયો પાડો થઈને, સામો શીંગડાં માંડે તો પોતે શું કરે? સ્ત્રીનું રૂપ લઈને રસ્તો રોકી ઊભી રહે તો? અને માટીખાણ આગળ માટીનો ટોપલો ભરી, રસ્તે જતા મુસાફરને એણે ચડાવવા બોલાવ્યો હતો. મુસાફર અજાણ્યો એટલે ટોપલો ચડાવ્યો તો ખરો પણ તરત એ ભડકો થઈ અદૃશ્ય થઈ એટલે એ બી મર્યો અને તાવ ચઢ્યો હતો, એ કથા ગામમાં જગજાહેર હતી.

રણછોડને થયું, પોતે અત્યારે જાય અને એ ટોપલો ચડાવવા બૂમ પાડે તો? છાતીને ધડકવા દીધા વગર ટોપલો ચડાવવા જાય ખરો? અને એ ટોપલો ટોપલાને ઠેકાણે રહે અને એ પોતાને કોટે વળગી પડે તો શું કરે? બીધા વગર એની નાગચૂડમાંથી છૂટીને હિંમતભેર ખેતરમાં પોતે જઈ શકે? અને એ ખેતરમાં પાછળ પાછળ આવે અને પોતે સૂઈ જાય ત્યારે માંચાની ઈસ ઉપર એ આવીને બેસે તો, જાણે મગતરું બેઠું છે એમ એના સામે ધ્યાન આપ્યા વગર ઊંઘી શકે ખરો?

ઘડી પહેલાં, મિત્રો સમક્ષ પોતે ભૂતની બીક નથી એમ કહેનાર રણછોડના શરીરમાં ભયની આછી કંપારી વિદ્યુતની ઝડપે પસાર થઈ ગઈ. રણછોડને પોતાને પણ આથી નવાઈ લાગી. પોતાની આ શરમ બીજું કોઈ જોઈ તો નથી ગયું એમ માની એણે ચોમેર નજર કરી. અને ચોમેર ભરાયેલા અંધકાર સિવાય એને બીજું નજરે પણ શું પડે? ભાગોળનો વડ જાણે એને બિવડાવતો હોય તેમ ટેટો એના માથા ઉપર ફેંકીને એની પરીક્ષા કરવા પવનમાં એના પાંદડાં હાલતાં હતાં તે પણ શાંત કરીને ચૂપચાપ લપાઈ રહ્યો.

રણછોડ મનમાં ને મનમાં હસ્યો. માણસ બીએ ત્યાં ભૂત તો શું, પણ વડ જેવું નિર્જીવ ઝાડ પણ કેવી રીતે બિવડાવે છે?

ટેટો માથા ઉપર ફેંકી વડે તો જાણે ગમ્મત કરી હતી, પણ તળાવની મધ્યમાં ગરબા ગવાતા હતા એ તો કંઈ ગમ્મત ન હતી. પ્રથમ તો રણછોડે પોતાને જે વિચારો આવી રહ્યા છે તેને લીધે ભણકારા વાગે છે એમ માની લીધું હતું. પણ એ જ્યાં તળાવની પાળ ઉપર ગયો, અને એટલા અંધકારમાંય એણે ગરબે ઘૂમતા ઓળા જોયા, ચોખ્ખો અવાજ સંભળાતો હતો, પછી એ ભ્રમ શી રીતે સેવે?

રણછોડ ભય પામ્યો ન હતો, પરંતુ એની નાડીના ધબકારા વધી ગયા હતા. એના પગમાં ગતિ આવી હતી. પીપળે કેસર ગરબા ગાય છે એમ તો એણે સાંભળ્યું હતું, પરંતુ એ સ્થળ આજે એણે બદલ્યું હોય તેમ લાગ્યું. રણછોડ પીપળા આગળથી પસાર થયો પણ કંઈ આડખીલી ઊભી ન થઈ. એને શંકા હતી કે પોતે તળાવની પાળ નિર્ભય રીતે ઓળંગશે એટલે ગરબા ગાતી કેસર બિવડાવવા માટે નવું રૂપ લેશે. કૂતરું બનીને પોતાના બે પગ વચ્ચે ભરાવા આવશે. આથી આગમચેતી વાપરીને રણછોડે ડાંગને બે હાથે ચપસીને પકડી હતી.

પરંતુ રણછોડે પીપળો વટાવી દીધો. તળાવને વટાવીને બે ખેતર સુધી ગયો પણ કેસર પાછળ ન આવી. ગરબાનો અવાજ અંતર વધતાં સંભળાતો બંધ થયો હતો. રણછોડનો શ્વાસ જોરથી ચાલતો હતો. છતાં એ ઊભો રહ્યો. થયું મને બિવડાવવા જ એ ગરબો ગાતી હશે? અવાજ પણ કેવો બીક લાગે તેવો હતો. સ્ત્રીઓ ગરબો ગાય છે ત્યારે કેવો મીઠો અવાજ લાગે છે! અને આ અવાજ કેટલો કકરો!

એના મનને થયું - હજુ ગરબો ચાલુ હશે : ચાલને પાછો જઈને જોઉં.

બીજું મન કહેતું - એ બધી પંચાત કરીને તારે શું કામ છે? તું તારે જ્યાં જતો હોય ત્યાં સીધો ચાલ્યો જા ને!

પરંતુ રણછોડે એ સલાહ ન માની. એને થયું, એમ ચૂપચાપ ચાલ્યો જાઉં તો હું બીઉં છું એમ અરથ થયો કહેવાય. મારે પાછું જઈને જોવું જોઈએ. રણછોડે પાછા તળાવ ભણી પગ ઉપાડ્યા. એના હાથે ડાંગની ચૂડ ઢીલ કરી હતી તે મજબૂત કરી. એ જઈને પીપળાને ઓથે ઊભો રહ્યો. ઓળા ગરબો ગાતા દેખાતા હતા. બીજું ગીત ચાલતું હતું. એ નિર્ભય બનીને સાંભળવા લાગ્યો. પણ એની કોઈને પડી ન હોય તેમ એ ઓળામાંથી કોઈ એના ભણી આવ્યું નહીં.

રણછોડ પોતે બીધો નથી એ આત્મસંતોષ લઈને વધુ વખત ઊભો ન રહેતાં ખેતર ભણી પાછો ચાલ્યો. એને થયું, મને બિવડાવવા કેસર ગાતી નહીં હોય, પણ એને આમ ગાવાની કોઈ કોઈ વખત મોજ થઈ આવતી હશે.

પણ મન બોલી ઊઠ્યું 'મોજ આવતી હોય તો આવા કઢંગા રાગે શું કામ ગાય? સ્ત્રીનો ગમે તેવો ખરાબ રાગ હોય પણ હલકે સાદે ગાય તો મીઠો લાગ્યા વગર ન જ રહે. એટલે એ મોજ માટે ગાતી નથી એ સાચું. ગાતી તો મને બિવડાવવા જ હશે, પણ હું બીધો નહીં એટલે એ મોજ માટે ગાય છે, તેવો દેખાવ કરતી હશે, એનેય પોતાની આબરૂ તો સાચવવી હોય ને! પોતે નથી બિવડાવી શકી એમ હું જાણી જાઉં તો એને માનહાનિ લાગે ને!'

રણછોડ પોતાનો વિજય થયો તેમ હસ્યો અને ખેતરમાં ગયો. પોતાને ભૂતની બીક નથી એ જ એને મનથી સાબિત કરવું હતું અને એ સાબિત થઈ ગયું હતું.

રણછોડ માંચામાં જઈને સૂઈ ગયો પણ એને કેસરના અને કેસરના જ વિચાર આવ્યા. થયું એણે એવી ગણતરી કરી હોય કે આમ આ માણસ બીધો નથી પણ એ સૂતો હોય ત્યારે ઓચિંતા એની છાતી ઉપર જઈને ચડી બેસવું. એ બી જાય એટલે બસ, એ શિયાળ અને પોતે સિંહ.

અને સાચે જ પોતે ઊંઘમાં હોય અને એ છાતી ઉપર ચડી બેસે તો પોતે બી ન જાય? એનો ચોક્કસ જવાબ એનું મન ન આપી શક્યું, પણ ભૂતશાસ્ત્ર એણે જે સાંભળ્યું હતું તે વહારે ચડ્યું. ભૂતનાથી એમ કોઈના પર ચડી ન બેસાય, એનો સ્પર્શ પણ ન થાય. માણસ જ્યારે એનાથી બીએ ત્યારે જ એ એની નજીક જઈ શકે. એ કારણે જ ભૂત ગમે તે રૂપ લઈને બિવડાવવા પ્રથમ પ્રયત્ન કરે છે.

રણછોડે હિંમતનો ખોંખારો ખાધો-એમ મને બિવડાવવા પ્રયત્ન કરે એમાં તો એનો શક્કરવાર વળી રહ્યો. વાઘ કે સિંહનું વિકરાળ રૂપ લઈને એ આવે તો પણ રણછોડ બીએ ત્યારે થઈ રહ્યું. અને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ રોજની જેમ એ નિરાંતે સૂઈ ગયો અને ઊંઘી પણ ગયો.

બીજે દિવસે એણે પેલા મિત્રોને વાત કરી ત્યારે બધા એની સામે એકીટશે તાકી રહ્યા. એમને થયું કે રણછોડ કહેતો હતો તેમ સાચે જ એ બીન્યો નહિ.

એકે પૂછ્યું : 'રણછોડ! કદાચ કેસર તારી પાછળ પડી હોત તો તું શું કરત?'

રણછોડ : 'અત્યારે શું કહી શકું? એ ઘડીએ સૂઝત તે ખરું.'

બીજો : 'તું ફરી પાછો જોવા ગયો એ તારી ખરી હિંમત કહેવાય.'

ત્રીજો : 'હિંમત તો કેસર એની સામે આવીને ઊભી હોત ત્યારે માલૂમ પડત.'

રણછોડ : 'મને બાકી નહોતી તેનું કારણ એક જ, હું જીવતો છું, એ મરેલી છે, પછી એ મને શું કરવાની હતી?'

પહેલો : 'પણ આટલા દિવસ તને દેખા નહોતી દીધી અને આજ દીધી એનો અર્થ, એને એવું લાગ્યું હશે કે એ બીએ એવો છે.'

રણછોડ : 'એને ગમે તે લાગ્યું હોય, પણ હું બીધો નહિ તે તો એનેય ખાતરી થઈને!'

બીજો : 'તારે હજુ એક વાનું કરવા જેવું હતું.'

રણછોડ : 'શું?'

બીજો : 'એ ટોળું ગાતું હતું તેની વચ્ચે જઈને ડાંગ પછાડવાની હતી. એમનેય ખબર પડત કે ભૂતને ભગાડનારોય છે ખરો.'

રણછોડ : 'મને જો એ ટોળાએ બૂમ પાડી હોત તો હું જતાં પાછો ન પડત.'

પહેલો : 'તને કેસર ઓળખી ગઈ હશે એટલે બૂમ પાડવાની હિંમત તો શેની કરે? પણ તેં આટલું કર્યું તેય ભારે કહેવાય.'

બીજો : 'ભારે તો છે, પણ જો કહું છું તેટલું કર્યું હોત તો કેસર પીપળેથી વાસ મૂકીને ભાગી જાત. એને ખબર પડત કે મારો ગુરુ કોઈ આવ્યો ખરો. અને વરસોથી પીપળો બિહામણો થઈ પડ્યો છે તે દુઃખ ટળત..'

રણછોડ : 'એ દુઃખ ટાળવું હોય તો શું વહી ગયું છે? આજ રાતે એ ઘડીએ આપણે બધા જઈએ. જો ગઈ કાલની પેઠે ગરબો ગાતી હોય તો વચ્ચે જઈને ઊભા રહેવું.'

પહેલો : 'આપણી તો એટલી હિંમત નથી. ખોટું શું કામ બોલવું.'

રણછોડ : 'બીક લાગે તેણે દૂર ઊભા રહેવું. હું એકલો જઈશ.'

બીજો : 'બે-ત્રણ જણ સાથે હોઈએ પછી ભય શો છે? રણછોડ! તારી સાથે આવવા હું તૈયાર છું.'

ત્રીજો : 'હું પણ આવીશ.'

આમ બધા મિત્રોએ રાત્રે કેસર પાસે જવાનો નિર્ણય કર્યો. ગઈ કાલના જેટલો સમય થયો ત્યારે ચબૂતરીએથી ઊઠ્યા. એકલા રણછોડના હાથમાં ડાંગ હતી એટલે એ પહેલો બોલ્યો : 'આપણે સાથે ડાંગ નથી રાખી તે મોટી ભૂલ કહેવાય.'

બીજો : 'એમાં ભૂલ શાની? એ ઓછી આપણને ખાઈ જવાની હતી?'

ભાગોળના વડ નીચે ગયો ત્યારે ગઈકાલની પેઠે વડે ટેટો ન ફેંક્યો, પણ જોરથી પોતાની ડાળીઓ હલાવી. એના ઉપર વાસો કરીને બેઠેલાં પક્ષીઓમાંથી બે-ચારે પાંખો ફફડાવી. પહેલો મનમાં બીતો હતો તે અત્યારથી જ ફફડી ગયો. પરંતુ બધાની વચ્ચે ના પાડવાથી પોતાનું પાણી જાય એ બીક સાથે એ ઘસડાતો હતો.

રણછોડે સૌ પ્રથમ રડવાનો અવાજ સાંભળ્યો. જો કે એ બોલે તે પહેલાં જ ત્રીજો મિત્ર બોલી ઊઠ્યો : 'કોઈ મરી ગયું હોય અને છેડો વાળ્યો હોય તેવો અવાજ આવે છે.'

બીજો : 'એના મનમાં બીક હશે કે આવો વેશ ભજવવાથી આપણે બી જઈશું.'

રણછોડ : 'એના મનમાં એમ તે હોય. પરંતુ એ બીધી નથી એ વાત ચોક્કસ. જો એવું હોત તો આવો કોઈ વેશ કાઢવાનું મૂકી એ છાનીમાની બેસી રહી હોત.'

ત્રીજો : 'અને આપણે જો બીધા હોત તો આપણે પણ ઘેર છાનામાના બેસી રહેત. એમ નથી કર્યું અને આગળ ચાલવા માંડ્યું છે. એનો અર્થ બંને પક્ષ અત્યાર સુધી સરખા ઊતર્યા છે.'

પહેલો : 'હું ઠેઠ આવવાનો નથી. પાળ ઉપર જ ઊભો રહીશ.'

રણછોડ : 'જો તને મનમાં બીક જ હોય તો હજુ વખત છે, ઘેર જતો રહે. આમાં જે દૂર ઊભો રહે એ બચી જાય, અને નજીક જાય તે માર ખાઈ બેસે એવું નથી. જે બીએ એ મર્યો સમજવું. તું દૂર ઊભો રહીને બીશ તો કેસર તને વળગશે. પછી અમારે માથે દોષ ન નાખતો.'

પહેલો અત્યાર સુધી પાણી બતાવવા આવ્યો હતો પરંતુ ભય પમાડે તેવો રડવાનો અવાજ આવતો હતો તે એને કંપાવી રહ્યો હતો. એણે ખોટી ડંફાસ જવા દીધી અને ખુલ્લેખુલ્લો એકરાર કરી દીધો કે પોતે બીકણ છે.

એ પાછો જતો રહ્યો એટલે રણછોડે કહ્યું : 'વેળાસર એ ગયો તે સારું થયું. બાકી તે વખતે ચીસાચીસ કરી આપણને ભરાવી નાખત.'

ત્રીજો : 'હવે આપણે ત્રણે સરખા છીએ. લશ્કરની માફક એક સાથે જ પગ ઉપાડવા. સાથે જ છાતી કાઢી ચાલવું.'

તળાવની પાળ ઉપર ત્રણે જણા આવ્યા ત્યારે રણછોડે ગઈકાલ જે ઓળા જોયા હતા તે લાંબા લાંબા હાથ કરીને, બૈરાં કૂટે તેમ, છાતી ઉપર હાથ પછાડી કૂટી રહ્યા હતા. અને 'હા રે હાય' એવો મોઢામાંથી અવાજ નીકળતો હતો.

ત્રણેના પગ થંભી ગયા. એકબીજા સામે જોયું, ચાલવું છે ને?

અને મોંએથી જવાબ આપ્યા વગર રણછોડે કોઈ ન આવે તો એકલા જવાનો નિર્ણય કર્યો હોય તેમ પગ ઉપાડ્યો. પેલા બેએ એકબીજાની સામે નજર કરી પણ કોઈનો પગ રણછોડ સાથે ઊપડ્યો નહિ.

રણછોડ એમની સ્થિતિ સમજી ગયો. એમને શરમમાં નાખ્યા વગર એ આગળ ચાલ્યો. પેલા બેને થયું કે, જવામાં વાંધો નથી પણ થોડી વાર થોભીને તેલ ને તેલની ધાર જોવાની જરૂર હતી. એ કારણે એકે ધીમેથી રણછોડને ઊભો રાખવા બૂમ પાડી : 'ઊભો રહે, અમે પણ આવીએ છીએ. એટલી બધી જવાની ઉતાવળ શી છે?'

રણછોડ ઊભો ન રહ્યો. એણે કેવળ હાથ ઊંચો કર્યો. સંજ્ઞા કરી : 'તમે નિરાંતે ઊભા રહો. હું એકલો બસ છું.'

પેલા બેના પગ જડાઈ ગયા હતા. થયું, રણછોડ સાથે ખોટી બહાદુરી બતાવવા ન આવ્યા હોત તો સારું હતું. પરંતુ એમાંના એકની ગણતરી તો જુદી હતી. એ એમ માનતો હતો કે રણછોડે ગઈકાલની જે વાતો કરી તે પોતાની ઠાંસ મારવા કરી હતી, કેસર એને મળી હોય તો એ બીધા વગર રહે ખરો?

એટલે રણછોડની ઠાંસ આમ કરવાથી ઉઘાડી પડતી હોય તો થોડી હિંમત રાખી એની સાથે જવું એમ ગણતરીથી એ આવ્યો હતો. પરંતુ રણછોડની ઠાંસ નહોતી પણ બહાદુરી હતી અને પોતાની નાલેશી હતી એ ચોખ્ખું પરિણામ જોતાં એને શરમ આવી. એ શરમમાંથી ઊગરી જવા એણે પગ ઉપાડવા ઘણા પ્રયત્નો કર્યા પણ પગ પૃથ્વી પર જડાઈ ગયા હોય તેમ ચસક્યા નહિ. એનો બીજો સાથીદાર પગ ઉપાડવા હિંમત કરી શક્યો ત્યારે એનો હાથ ઝાલી એને પણ રોકી પાડ્યો.

એટલામાં રણછોડ દૂર નીકળી ગયો હતો.

પેલા ભૂતના ઓળા પણ રણછોડની પરવા કર્યા વગર છૂટે મોંએ રડતા હતા અને છૂટે હાથે કૂટતા હતા.

રણછોડને થયું કે, પોતે ઠેઠ પહોંચશે અને એ રડતા-કૂટતા બંધ નહિ રહે તો પોતે જઈને શું કરશે?

કોણ છો, કેમ અહીં કૂટો છો, એમ મોંએ બોલવું કે બોલ્યા-ચાલ્યા વગર ડાંગ પછાડવી, એનો રણછોડ કંઈ નિર્ણય કરી રહે તે પહેલાં ઓળાઓએ ઓચિંતુ રડવું-કૂટવું બંધ કરી દીધું. અને રણછોડને પોતાના તરફ આવતો જોઈ બધાએ એકબીજાની સામે જોવા માંડ્યું. એક જણ બબડ્યું : 'ગામથી દૂર, કોઈને હરકત ન થાય તેમ આપણે દિલ બહેલાવીએ એમાં આના બાપનું શું જતું હશે, તે અરધી રાત્રે ડાંગ લઈને અહીં આવે છે?'

બીજું : 'ભલો હશે, તો એ આપણને શુંય ધારતો હશે.'

ત્રીજું : 'એવુંય હોય. આ ગામમાં આપણો વાસ નવો છે એટલે આપણી મોજ કઈ જાતની એ એને શી ખબર?'

ચોથું : 'આ ગામ ઉપર રેલવે ના આવી હોત, બજાર ન વસ્યું હોત, પાદરીઓએ દવાખાનું ન ખોલ્યું હોત, લોકોને પાણી ભરવાની મુશ્કેલી ઊભી ન થઈ હોત, તો આપણો અહીં વાસ ક્યાંથી થાત? પીવાનું પાણી દૂર ન હોત તો બૈરાં પાણી ભરવાની મજૂરી કરત. પણ ગાઉ દૂરથી આપણા વગર બીજું પાણી વહી પણ કોણ લાવે?'

રણછોડ સાવ નજીક આવી પહોંચ્યો હતો, એટલે પાંચમાએ નાયક હોય તેમ એમને ઉદ્દેશીને ક્હયું : 'કેસર! તું તારો જવાબ આપજે.'

રણછોડને કાને કેસર શબ્દ પડતાં એ સતેજ થઈ ગયો. એ નક્કી કરી આવ્યો હતો કે કેસરને પીપળાનો વાસ છોડાવવો જ. એટલે એ તરત બોલી ઊઠ્યો : 'કેસર! તારો દહાડો હવે ભરાઈ ચૂક્યો, ગઈ કાલે તેં મને દેખા ન દીધી હોત તો હું કાંઈ તારી પાછળ પડવાનો ન હતો, પરંતુ હવે તો તું પીપળેથી ભાગી છૂટે તો જ તારો ઉગારો છે?'

એ બધામાંથી કેસર મોખરે આવી. બોલી : 'તમે કઈ કેસરની વાત કરો છો?'

'તારી.' રણછોડ દાંત પીસીને બોલ્યો, 'ભૂત થઈને પીપળે વાસો કરીને બેઠી છો તે કેસરની વાત કરું છું.'

બધાં ખડખડાટ હસી પડ્યાં. કેસર એ બધાંને હસતાં ખોળીને બોલી : 'જુવાન! તું કોણ છે તે હું ઓળખતી નથી. મારું નામ કેસર છે ખરું, પણ હું ભૂત નથી. અમારામાંથી કોઈ ભૂત નથી...'

રણછોડ વચ્ચે બોલ્યો : 'ત્યારે કોણ છે? અર્ધી રાતે અહીં તળાવમાં ગાવાના અને રડવાના ફતવા કેમ માંડ્યા છે?'

કેસર : 'ગામમાં લોકોને ઘેર મીઠું પાણી ભરી લાવનારને તો તું ઓળખે છે ને?'

'હા.' રણછોડ બોલ્યો, : 'હમણાં હમણાં બાયલાઓનું ટોળું પાણી ભરવાના કામમાં જામતું જાય છે.'

કેસર : 'આ ઊભું છે એ એ જ ટોળું છે.'

રણછોડ : 'તમે બધા બાયલાઓ છો?'

કેસર : 'હા.'

રણછોડ : 'તો આ બધું શું કરો છો?'

કેસર : 'અમે જેમ નથી પુરુષમાં, તેમ નથી સ્ત્રીમાં. તેમ અમારી મોજ પણ વિચિત્ર છે. રાત્રે અમે બધાં ભેગાં થઈ સ્ત્રીનાં કપડાં ન પહેરીએ, ગાઈએ કે કૂટીએ નહીં ત્યાં સુધી અમને ચેન પડતું નથી. અત્યાર સુધી અમે એકલદોકલ હતાં એટલે મોજ નહોતાં કરી શકતાં. પણ હવે વસ્તી વધી છે એટલે ગઈ કાલથી લોકોને અડચણ ન પડે તેમ દૂર તળાવમાં આવી મોજ માણીએ છીએ!'

ચપસીને બે હાથે પકડેલી ડાંગ ભોંય પર પછાડતાં રણછોડના મોંમાંથી આશ્ચર્યનો સૂર નીકળી ગયો : 'હત્ત તારીની!'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.