રાજુ
(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)
'ધાડ આવી છે' શબ્દ કાને પડતાં કાળુનો મોં સુધી પહોંચેલો કોળિયો મોંમાં જવાને બદલે થાળીમાં પાછો પડ્યો. એ હાથ ધોઈને તરત ઊભો થઈ ગયો.
પત્ની એના સ્વભાવને સારી રીતે ઓળખતી હતી. ચૂલા આગળથી એ પણ ઊભી થતાં બોલી : 'ધાડ આવી છે એ સાંભળતાં સામા ધાઓ છો તો ખરા, પણ જરા સાંભળો તો ખરા!'
કાળુ જાણે સાંભળતો ન હોય તેમ આગળ ખસ્યો. રાજુ એને સંભળાવવા માગતી હોય તેમ એની પાછળ ડગલાં ભરતાં બોલી : 'ધાડ આવી છે ગામના ઉતાર તખુભાને ત્યાં. તમો પૂરું જાણ્યા કર્યા વગર શું કામે પતંગિયું દીવામાં ઝંપલાવે તેમ દોડો છો ! દરબારને જો કોઈ બગાડી રહ્યું હોય તો એ તખુભા પટેલ છે. પટલાઈમાં પોતાનું રાજ ચાલે એ માટે એ દરબારને પાણીમાં મુઠ્ઠીઓ ભરાવે છે.'
ખભે તીરકામઠું અને હાથમાં તલવાર લઈ કાળુ તો જાણે પત્નીનું સાંભળતો ના હોય તેમ તૈયાર થયો.
રાજુ બોલી : 'નહિ માનવાના, એમ ને?'
કાળુ : ડા'પણની વાત હોય ત્યારે માનું ને? હું ગામનો પસાયતો રહ્યો. ગામનું રક્ષણ કરવાનું મારું કામ. એ ચાકરી બદલ દરબાર મને પગાર આપે છે. જમીન ખેડવા આપે છે. પછી ગામમાં કાળા ચોરનું લૂંટાતું હોય તોય મારે તો જવું જોઈએ !'
રાજુ : 'માથું મૂકીને કામ કરનારની કદર હોત અને તમે જતા હોત તો હું તમને ન રોકત. પણ આ તો તમે દરબારની ચાકરી માટે માથું આપવા તૈયાર થાઓ અને દરબારને કોડીની કિંમત નહિ ! તમે સગી આંખે જોયું છે. આખા ગામે જોયું છે. ચોરને પકડવા જતાં ભીખુએ જાન ગુમાવ્યો ત્યારે એના બૈરીછોકરાં રખડી ગયાં. દરબારો શો શિરપાવ બંધાવ્યો?'
કાળુ ખિજાઈ જતાં બોલ્યો : 'એટલે તુંય રખડી જાય તો શું, એમ ને? મારો જીવ જોખમમાં મૂકું છું, તેને તું રડતી નથી પણ તું રખડી જાય એને રડે છે!'
રાજુ ભોંઠી પડી ગઈ. કંઈ ન બોલી. કાળુએ ઝપાટાબંધ તખુભા પટેલને ઘેર પગ ઉપાડવા માંડ્યા.
ધાડ આવ્યાને અડધો કલાક થયો હતો. કાળુના ફળિયાના લોક જાણતા હતા. પણ એકેય ઘર બહાર નીકળ્યો ન હતો. કાળુને જતો જોઈ કોઈ કોઈ બબડ્યાય ખરા કે મૂરખ છે મૂરખ. દરબાર પથુભાના રાજ્યમાં માથું મૂકીને રમત રમવામાં શો માલ છે?
ફળિયાની સ્ત્રીઓએ કાળુને જતો જોયો એટલે બે-ત્રણ સ્ત્રીઓ તો રાજુને ઠપકો આપવા દોડી આવી.
એક : ! તારું ભાને ખસી ગયું'તું કે શું ? છ મહિના ઉપર ભીખુએ માથું ખોયું અને એનાં બૈરાછોકરાં રખડી ગયાં, તે શું ભૂલી ગઈ?'
બીજી : દરબારમાં રજપૂતનું લોહી હોય તો શું જોઈએ છે? એવી રીતે મરનારનાં બૈરીછોકરાંને વરખાસન બાંધી આપે, વરખાસન.'
ત્રીજી : 'ઘાંચીનો દીકરો સાત દરબાર થાય પણ કંઈ એનામાં રજપૂતી આવે?'
બીજી : 'સાચું, લખીબા ! દરબાર ઘાંચીના પેટના છે?'
લખીબા : 'ત્યારે શું મારી બાઈ ! ખોટી વાત કોઈ કરતું હશે? તમે તો આજકાલનાં, પણ દરબારને ઘેર છોડી જન્મી એટલે છોકરો જાહેર કરીને ઘાંસીને ઘેરથી આણેલો, તે આખું ગામ જાણે છે. જોડેના ગામમાં જીવા ઘાંચીનો જ દીકરો. પણ મોટાંનાં કામ, એમાં કોનાથી બોલાય?'
એક : 'એવું ના હોય તો રજપૂત થઈને પોતાના ગામમાં ધાડ આવે ત્યારે ડહેલીમાં ભરાઈ રહે? એ મોખરે નીકળે તો બીજા કાંઈ બેસી રહે? ગામનો ધણી ચૂંડીઓ પહેરીને બેસી રહે, પછી બીજો શું કામ જીવનું જોખમ વહોરે?'
લખીબા : 'અને એની કદર હોય તો કોઈ જોખમ વહોરેય ખરું. પણ એ તો ધૂળ પર લીંપણ ! જીવના જીવ જાય અને પાછળવાળાને કામ મળે એ જુદું. ભીખુની વહુ દરબાર પાસે જીવારો માગવા ગઈ ત્યારે દરબારે કહ્યું કે, મરી ગયો તે કંઈ મારા માટે નથી મર્યો. બાકી ચોરને કાંઈ ચાર હાથ ન હતા કે એ મારી જાય અને ભીખુ મારી ન શકે !'
એક : 'કાળુ જ મૂરખો કે ભીખુની જગાએ નોકરીમાં દાખલ થયો. એણે એટલો વિચાર કરવો જોઈતો હતો કે આવા દરબારની નોકરી કરીને શા સવાદ મળવાના હતા?'
અત્યાર સુધી રાજુ કાંઈ બોલી ન હતી. એટલે તે તરફ ધ્યાન જતાં લખીબા બોલ્યાં : 'કેમ અલી, તું કંઈ બોલતી નથી?'
રાજુએ રડી દીધું. કાળુએ જતી વખતે જે વેણ કાઢ્યું હતું તે એની છાતીએ ચોંટી ગયું હતું. એ વાત રાજુને મોઢે સાંભળી લખીબા બોલી ઊઠ્યાં : 'કાળુ દીવો લઈને કૂવે પડવા ગયો હોય તો તુંય શું કરે બઈ?'
અને બન્યું પણ એવું. કાળુ એ ધીંગાણામાં મરાયો. નોકરીને લીધે બીજા પસાયતા મોડા મોડા સામનો કરવા આવ્યા હતા તો ખરા પણ દેખાવ કરતા હતા. સામનો કરતા ન હતા. કેવળ એક કાળુ જ પોતાની ફરજ માની તીરનો ઉપયોગ કરી રહ્યો હતો. પરંતુ ધાડપાડુઓ પાસે બંદૂકો હતી. કાળુની છાતી વીંધતી બે ગોળીઓ આરપાર નીકળી ગઈ. એના રામ ત્યાં જ રમી ગયા. બીજા પસાયતા જીવ લઈને નાઠા ત્યારે કાળુના દેહને ઊંચકી જવાનું પણ કોઈને ન સૂઝ્યું!
તખુભાનું ઘર લૂંટાયું અને નફામાં કાળુએ જીવ ખોયો. ગામમાં તખુભા એ દાવનો હતો તેમ માની એ જાતના સંતોષની વાતો થતી હતી, તો કાળુ મૂરખ હતો એમ પણ વાતો થતી હતી.
કાળુ મરી ગયો પણ દરબારે રાજુને આશ્વાસન તરીકે કંઈ કહેણ મોકલ્યું ન હતું. 20-22 વર્ષની નવજુવાન રાજુ વિધવા થઈ. ધણીએ દરબારની ચાકરી ખાતર ધીંગાણું ખેલ્યું અને મોતથી સ્નાન કર્યું. પણ જાણે કંઈ ન બન્યું હોય તેમ દરબારે કાળુની જગાએ નવા પસાયતાની નિમણૂક કરી, ન રાજુને કંઈ બદલો આપવાની વાત કરી, ન કંઈ એનું નામ રહે તેવો પાળિયો ચણવાનું જાહેર કર્યું.
રાજુને હવે બે જુદી જુદી સલાહ મળવા માંડી.
એક સલાહ એવી હતી કે, દરબારનું લોહી રાજપૂતનું નથી એટલે એની પાસે મદદની આશા રાખવી નકામી છે. ભીખુનો દાખલો તાજો હતો, એની વહુ ગઈ હતી અને વીલે મોઢે પાછી આવી હતી અને જો કંઈ બને તેવું હોય તો દરબારે પોતે જ સામે ચાલીને તરત મદદ ન કરી હોત?
બીજી સલાહ એવી હતી કે, દરબારને મોઢે જ તો સંભળાવવી. એમ કરવાથી ભલે કંઈ લાભ ન થાય, પણ છેવટ એને મોઢે મેશ તો ચોપડાશે? એટલું થશે તોય કંઈ ઓછું નથી!
રાજુએ છેવટે બીજી સલાહ સ્વીકારવાનું નક્કી કર્યું. જે થવાનું હોય તે થાય પણ એક વખત જવું તો ખરું.
અને રાજુ ગઈ.
કોઈ અગત્યના સમાચાર જાણવા લોકો આતુર હોય તેમ ગામ આતુર થઈ રહ્યું હતું.
તખુભા પટેલ રાજુને દરબાર સુધી જવા દેવા માગતા ન હતા. એમનું ચાલ્યું હોત તો પોતે દરબારને અરજ સુણાવશે અને જે જવાબ મળશે તે ઘેર પહોંચાડશે એમ જવાબ આપીને રાજુને વિદાય કરી હોત.
પણ તખુભાના એ જવાબ સાથે રાજુએ ચોખ્ખું સંભળાવ્યું કે, 'તમારે પાપે મારો ધણી ગયો, એની કદર કરવાની તો ક્યાં ગઈ, અને આડખીલી કરવાનું સૂઝે છે?'
તખુભા સમજી ગયા કે રાજુ જુદી માટીની હતી. આનાકાની કરવામાં કંઈ નાને મોઢે વધારે બોલી જશે તો પોતાને નીચું ઘાલવું પડશે એટલે રીસમાં ને રીસમાં દરબાર આગળ રાજુને રજૂ કરી એ બહાર નીકળી ગયા. દરબાર શો જવાબ આપશે તે એમને ખબર હતી એટલે રાજુને ન ગમે તેવા જવાબમાં પોતાને ટેકો ન પુરાવવો પડે એમ માની તખુભા ભાગ્યા હતા.
રાજુએ પોતાને ખોરાકી મળે તેવી માંગણી કરી.
દરબારે એની હકીકત સાંભળી લીધા પછી કહ્યું : 'જો બાઈ ! તું જુવાન છે, વળી કોળીની તારી નાતરિયા નાત છે. બીજું ઘર કરને, એટલે નિર્વાહ થઈ રહેશે!'
રાજુએ જવાબ આપ્યો : 'બાપુ ! હું મારા નિર્વાહના દુઃખે ભીખ માગવા નથી આવી. મારો હક છે તે માટે આવી છું. તમે નિર્વાહ નહિ આપો તેથી હું કંઈ ભૂખે નહિ મરું. દુઃખ તો એક વાતનું થાય છે કે, મારા ધણીએ તમારા જેવો નામર્દ ધણી શોધ્યો ત્યારે મારે આવું સાંભળવાનો વખત આવ્યો ને?'
દરબાર કાપ્યા હોય તો લોહી ન નીકળે તેવા ફિક્કા પડી ગયા.
રાજુ ઊભી થઈ ગઈ.
દરબારે હાથ ઊંચો કરી એને રોકાવા કહ્યું. ઘાની કળ વળતાં દરબારે કહ્યું : 'તારા ધણીને જે પગાર અને જમીન મળતી હતી તે તને મરતાં સુધી મળશે.'
ગામ આ કદર જાણી નવાઈ પામી ગયું. જે હોય તે રાજુને પૂછતું : 'અરે ! તેં દરબારને એવી તે શી વિનવણી કરી કે તારા ઉપર આટલા તુષ્ટમાન થયા?'
જવાબમાં રાજુ કેવળ મોં મલકાવતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર